આવો સ્વચ્છતાપ્રિય બનીએ - 1

  October 12, 2017

“સ્વચ્છતા એ ઉચ્ચતમ વ્યવહારિક તથા આધ્યાત્મિક ગુણ છે” આપણા સર્વેના જીવનમાં સ્વચ્છતાનું શું મહત્ત્વ છે તેનું આચમન આ લેખ દ્વારા કરીએ.

આદર્શતા અને વાસ્તવિકતા બંને વચ્ચે બહુ મોટો તફાવત રહેલો છે. આદર્શતા તો બહુધા વ્યક્તિને ગમતી હોય છે, પણ એ આદર્શતા જ્યારે વાસ્તવિક બને ત્યારે જ એક આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. તેમ છતાં બહુધા વ્યક્તિઓના જીવનમાં આદર્શતાનો ખ્યાલ હોવા છતાં તે આદર્શતા વાસ્તવિક જીવનમાં આવતી નથી. કારણ તેના માટે પોતાનું ગમતું, રુચિ, અભિપ્રાયો અને માનીનતાને છોડીને વર્તવાનું થતું હોય છે જે બહુ જ ઓછાને સ્વીકાર્ય હોય છે જેથી મોટા ભાગે લોકોનું જીવન જ્યાંત્યાં, જેમતેમ પસાર થતું હોય છે.

આપણે સૌએ બાલ્યાવસ્થામાં ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’, ‘ગંદકી રોગોનું મૂળ’ જેવાં કેટલાંક સૂત્રો (સ્લોગન્સ) વાંચ્યાં હશે અને કદાચ બોલ્યા પણ હોઈશું. સ્વચ્છતા એ આદર્શતાનો પાયાનો છતાં બહુ મોટો જરૂરી ગુણ છે. આદર્શ વ્યક્તિત્વની પ્રાથમિક મુલવણી સ્વચ્છતાના ગુણથી જ થાય છે. આવું જાણવા છતાં ‘સ્વચ્છતા’ સંપૂર્ણપણે આપણા વાસ્તવિક જીવનમાં દૃઢીભૂત થતી હોતી નથી. કારણ ‘સ્વચ્છતા’ એ જીવન જીવવા માટે કેટલો મહત્ત્વનો ગુણ છે તે હજુ આપણે પૂર્ણપણે સમજ્યા નથી અને ક્યાંક સમજ્યા છીએ તો એ આદર્શતાને આપણી આળસવૃત્તિએ કરીને અથવા તો ચાલશેની ભાવનાએ કરીને જીવનમાં કેળવી શક્યા નથી. તેથી કોઈકે કહ્યું છે કે, ‘knowing is not enough, we must apply;Willing is not enough, We must do.’ અર્થાત્‌ ‘માત્ર જાણકારી હોવી તે પૂરતું નથી, તે પ્રમાણે અનુસરવું ફરજિયાત છે; માત્ર ઇચ્છા રાખવી એ પૂરતું નથી, આપણે એ પ્રમાણે કરવું ફરજિયાત છે.’

કોઈ પણ મહાન વ્યક્તિ હોય કે મહાન રાષ્ટ્ર હોય પરંતુ તેના પાયામાં સ્વચ્છતા તો હોય, હોય ને હોય જ. સ્વચ્છતાનો અર્થ માત્ર ગંદાને ચોખ્ખું કરવું એ પૂરતો સીમિત નથી. ચોકસાઈપૂર્વક નિયમાનુસાર સફાઈ કરવી તેને સ્વચ્છતા કહેવાય. જીવનમાં સુખી રહેવા માટે આંતર અને બાહ્ય બંને શુદ્ધિ (સ્વચ્છતા) જરૂરી છે. શ્રીજીમહારાજે પણ પોતાના આશ્રિત સત્સંગીમાત્રને બાહ્ય સ્વચ્છતા અને આંતર સ્વચ્છતા બંને શીખવી છે. શૌચ પછી હાથ ધોવા, દાતણ, સ્નાનાદિક ક્રિયા કરી પછી જ પૂજા આદિક ક્રિયા કરવી - આવી દેહની બાહ્ય શુદ્ધિ એ સ્વચ્છતા છે. તેની સાથે શ્રીજીમહારાજે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ-દ્વેષ, મત્સર, નિંદા, કૂથલી આદિક મનોવિકારરૂપી મલિનતા ન હોય તેને ખરા અર્થમાં આંતર પવિત્રતા (આંતર સ્વચ્છતા) કહી છે. શ્રીજીમહારાજે પોતાના અવરભાવના જીવન દરમ્યાન આ બંને દૃઢ કરાવવા માટેના વારંવાર પ્રયત્નો કર્યા હતા.

આંતર સ્વચ્છતા (પવિત્રતા) એ ઉચ્ચ આધ્યાત્મિકતા તરફનું સાચું પ્રયાણ છે. પરંતુ તે પૂર્વે બાહ્ય સ્વચ્છતા કેળવવી એ ફરજિયાત છે. આ સંદર્ભમાં પ.પૂ. સ્વામીશ્રી કાયમ જણાવતા હોય છે કે, “જેને બહારની ગંદકી નહિ ગમે તેને જ અંદરની ગંદકી નહિ ગમે.” એટલે કે, મનોવિકારરૂપી ગંદકીથી રહિત થવા માટે પણ બાહ્ય સ્વચ્છતાનું અંગ કેળવવું અતિ આવશ્યક છે. અત્યાર સુધીના ઇતિહાસમાં આધ્યાત્મિક માર્ગમાં કે વ્યવહારિક માર્ગમાં જે જે મહાન બન્યા છે તે બધામાં ‘સ્વચ્છતા’નો પ્રાથમિક ગુણ દૃઢ થયેલો જોવા મળે છે.

એટલું જ નહિ, સર્વોપરી, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠવર્ણી વેશે લોજપુર સદ્‌. રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા ત્યારે પોતે પુરુષોત્તમનારાયણ સર્વના સ્વામી હોવા છતાં સેવકભાવે વર્ત્યા. સવારમાં વહેલા ઊઠી આખા આશ્રમની સ્વચ્છતા એકલે હાથે કરતા. ઢોરનું છાણ-વાસીદું ભરી ચોખ્ખું કરતા. તેના દ્વારા એ શીખવા મળે છે કે આપણે જ્યાં રહેતા હોઈએ તે ઘર, પ્રાંગણ બધું નિયમિતપણે સ્વચ્છ કરવું જ જોઈએ.

શ્રીજીમહારાજ પણ આંતર સ્વચ્છતા કરાવવાના ઉપાય રૂપે બાહ્ય સ્વચ્છતા જ આપતા. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ઉકાખાચર - સંપ્રદાયનું ઉત્તમ પાત્ર. ઉકાખાચરે શ્રીજીમહારાજ પાસે ભર સભામાં નિર્વાસનિક થવાનો ઉપાય માંગ્યો ત્યારે શ્રીજીમહારાજે તેમને ત્રણ ઉપાય કહ્યા જેમાં ત્રીજો ઉપાય ‘સેવા કરવાનું અંગ પાડજો.’ આ સેવામાં પણ તેમને સ્વચ્છતાની અર્થાત્‌ ચોક વાળવાની સેવા જ આપી. એટલું જ નહિ, પણ તેમના દ્વારા પૂર્ણપણે સ્વચ્છતા થઈ કે નહિ તેનો આગ્રહ પણ પોતે રાખતા કહેતાં પોતે સ્વચ્છતાનું નિરીક્ષણ પણ કરતા. એક વખત ઉકાખાચરના સાફ કરેલા ચોકમાં ગજુભાએ હીણું દેખાડવા કચરો નાખ્યો ત્યારે શ્રીજીમહારાજે ઉકાખાચરને બરાબર કચરો ન વાળવા બદલ ઠપકો આપ્યો જે તેમનો સંપૂર્ણ સ્વચ્છતાનો આગ્રહ દર્શાવે છે.

શ્રીજીમહારાજે પોતાની હયાતીમાં મોટાં-મોટાં શિખરબદ્ધ છ મંદિરો બંધાવ્યાં અને સાથે સાથે તેની સ્વચ્છતાનો પ્રબંધ કરાવ્યો. સવારે ૬:૦૦ વાગ્યે ઠાકોરજીની મંગળા આરતી થાય તે પહેલાં મંદિર સ્વચ્છ થઈ જાય. શ્રીજીમહારાજે બાંધેલી આ પ્રણાલિકા મુજબ આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરોમાં મંગળા આરતી પહેલાં સ્વચ્છતા થઈ ગઈ હોય છે. અને જૂનાગઢ મંદિરના મહંતપદે સદ્‌. ગુણાતીતાનંદ  સ્વામી ૪૦૦ સંતોના ગુરુ હોવા છતાં ૭૫ વર્ષની ઉંમરે પણ રોજ સવારે જૂનાગઢ મંદિરનો ચોક વાળતા તે આપણને સૌને શીખવે છે કે ગમે તેવા સત્તાએ કરીને મોટા હોઈએ કે ઉંમરે કરીને મોટા હોઈએ તોપણ આપણા જીવનમાં સ્વચ્છતાનો ગુણ તો જોઈએ જ. આ ગુણ ન હોય તો સદ્‌ગુરુ થયો હોય તોય શોભે નહીં. વળી, સ્વચ્છતાની સેવા કરવામાં કોઈ પ્રકારની નાનપ ન અનુભવવી.

ગુરુવર્ય પ.પૂ. બાપજી કોઈ વખત બાથરૂમમાં પધાર્યા હોય ને સહેજ ગંદા જેવું લાગે તો આખી સંસ્થાના ગુરુપદે હોવા છતાં જાતે સાવરણો ફેરવી સાફ કરી દે છે. અલ્પ ગંદકી પણ તેમને ગમે નહીં. કોઈ પણ મંદિરની મુલાકાત કે નિરીક્ષણ  માટે પધાર્યા હોય ત્યારે પણ સ્વચ્છતા માટે તેઓ વિશેષ ભાર આપે તથા ટકોર કરે.

પ.પૂ. સ્વામીશ્રી પણ સ્વચ્છતા અંગે પોતાનો અભિપ્રાય દર્શાવતાં કહેતા હોય છે કે, “નાના રાઈના દાણા જેટલો કચરો જો અમારા પગમાં આવે તો મોટો હિમાલય જેટલો કચરાનો ઢગ ભટકાયો હોય તેવું અમને લાગે. અમને બહારની અને અંદરની ચોખ્ખાઈ બહુ ગમે.” આ ઉપરાંત પ.પૂ. સ્વામીશ્રી કાયમ કહેતા હોય છે કે, “જેનામાં પાંચ ગુણ હોય તેને જ અમે અમારી સાથે રાખીએ છીએ : (૧) ચોખ્ખાઈ, (૨) ચોકસાઈ, (૩) દિવ્યભાવ, (૪) દાસભાવ, (૫) અંતર્વૃત્તિ.” પાંચ ગુણોમાં પણ પહેલો ગુણ ચોખ્ખાઈનો કહ્યો એ જ તેમનો આગ્રહ દર્શાવે છે.

એક વખત પ.પૂ. સ્વામીશ્રી સંતો સાથે સ્વામિનારાયણ ધામ કૅમ્પસની વિઝિટ માટે પધાર્યા હતા. સાથે કેટલાક સંતો-હરિભક્તો પણ હતા. ચાલતાં ચાલતાં પ.પૂ. સ્વામીશ્રીએ રસ્તામાં એક કાગળનો ડૂચો પડેલો જોયો. સાથે સંતો-હરિભક્તો હોવા છતાં કોઈને આજ્ઞા ન કરી. પ.પૂ. સ્વામીશ્રીએ જાતે તરત જ નીચા વળી ડૂચો લઈ લીધો અને કચરાપેટીમાં નાખી દીધો. આ જ તેમનો સ્વચ્છતાનો અતિ આગ્રહ દર્શાવે છે.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જેમની સ્મૃતિમાં આ સ્વચ્છતા-અભિયાનનો પ્રારંભ કર્યો છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કે જેઓ પણ સ્વચ્છતાના આગ્રહી હતા તેનું દર્શન કરાવતા એક બે પ્રસંગો નિહાળીએ.

ગાંધીજી દેશની સ્વાતંત્ર્યતાની ચળવળના નેતા હોવા છતાંય નિયમિતપણે આશ્રમની સ્વચ્છતા જાતે જ કરતા. કોઈ પણ વ્યક્તિમાં સ્વચ્છતાનો ગુણ પ્રારંભમાં જ હોવો જોઈએ એવું તેઓ માનતા. એક વખત બે યુવકો દેશની સ્વાતંત્ર્યતાની ચળવળમાં ભાગ લેવા માટે આશ્રમમાં આવ્યા. તેમણે ગાંધીજીને મળી સ્વાતંત્ર્ય-સંગ્રામની કાંઈ સેવા સોંપવા કહ્યું. ગાંધીજીએ કહ્યું, “આજે તમે થાક્યા-પાક્યા છો માટે જમાડીને સૂઈ જાવ, કાલે સેવા આપીશ.”

 બીજા દિવસે ગાંધીજી સવારમાં ઝાડું લઈ આશ્રમની સ્વચ્છતા કરતા હતા ત્યાં આ યુવકો આવ્યા. ગાંધીજીએ કહ્યું, “લો આ ઝાડું. આજથી આશ્રમની સ્વચ્છતાની સેવા તમારે બંનેએ કરવાની છે.” પેલા બંને યુવકો તો આશ્ચર્યચકિત થઈ ગયા અને દલીલ કરતાં કહ્યું, “બાપુ, અમે સ્વાતંત્ર્ય-સંગ્રામની સેવા કરવા આવ્યા છીએ, નહિ કે સ્વચ્છતાની !” ગાંધીજીએ તરત જ તેમને ઉદ્દેશીને કહ્યું કે, “જે એક સામાન્ય સફાઈનું કામ નથી કરી શકતા તેની પાસે હું દેશસેવાની અપેક્ષા કઈ રીતે રાખી શકું ?” આવી રીતે ગાંધીજી કોઈ પણ સેવામાં આવે ત્યારે પહેલા સ્વચ્છતાના ગુણને જ પ્રાધાન્ય આપતા.

સફાઈ એટલે,

સ = સર્વને

ફા = ફાયદાકારક

ઈ = ઇલાજ

સ્વચ્છતા ગુણનું મહત્ત્વ સમજ્યા પછી આપણે સૌ સ્વચ્છતા પ્રિય બનવા કટીબધ્ધ બનીએ તેવી અભ્યર્થના.