અસત્યનું મૂળ-1

  May 28, 2018

સફળતાનો મુખ્ય આધાર સત્યતા પર રહેલો છે. સત્યના બળે મળેલી સફળતાના પાયા અડીખમ છે જેને કોઈ ચલાયમાન કરવા સમર્થ નથી તો આ નિબંધશ્રેણી દ્વારા સત્યતાના પાઠ શીખીએ.

સત્ય એટલે સાચું

સત્ય એટલે તથ્ય.

સત્ય એટલે વાસ્તવિક્તા

સત્ય એટલે Reality.

ખંભાતી મોટું તાળું જે તોડવાથી પણ તૂટે નહીં. અને માત્ર ચાવીથી પણ ખૂલે નહિ; તેને ખોલવા ચાવીની સાથે કળ પણ જોઈએ. તેમ આદર્શ વ્યક્તિત્વ કેળવવા તથા ઉચ્ચ ધ્યેયને હાંસલ કરવા માત્ર સત્ય જાણવાથી ન ચાલે;  તે સત્યનું કળથી પાલન કરવું પડે કહેતાં જીવનમાં સત્યપાલનનો ગુણ દૃઢ કરવો જ પડે.

સત્યપાલન એ આદર્શ વ્યક્તિત્વ કેળવવાની ચાવી છે જે આપણી હાથવગી જ હોય છે. પરંતુ,

જરૂર છે તેને ઓળખવાની.

જરૂર છે તેને અમલમાં મૂકવાની – વાપરવાની.

જરૂર છે. તેની જાગ્રતતા કેળવવાની.

સત્યપાલન એટલે વાસ્તવિક્તાને અનુસરવું, સાચું બોલવું અને સાચું કરવું. સત્યપાલન એ ઉપવાસ કરતાં પણ આકરું તપ છે. કારણ કે ઉપવાસમાં તો પોતાની જાતે જ દેહને નિયમમાં રાખવાનો થાય પરંતુ સત્યપાલન કરવું એ અનેક મુશ્કલીઓ, સમસ્યાઓ અને વિઘ્નોથી ભરપુર કાંટાળો માર્ગ છે. એટલું જ નહિ, તેમાં દેહ-ઇન્દ્રિયો-અંતઃકરણને કારસો આવે, તેમનું ગમતું પણ છોડવાનું થાય. પણ તેનું ફળ ગુલાબની સુખશૈયા જેવું ચોમેર વિશ્વસનીયતાની સુગંધી પ્રસરાવનાર છે. સત્યપાલન એક મશાલ જેવું કાર્ય કરે છે જે ધુમ્મસ વિખેર્યા વગર પણ સૌની વચ્ચે ઝળહળે છે.

‘જૂઠનો દસકો અને સત્યની સથાબ્દી’- આપણે આવી અનેકાનેક ઉક્તિઓ સાંભળતા-જાણતા હોઈએ છીએ, સત્ય-અસત્યનો ભેદ પણ જાણતા હોઈએ છીએ તેમ છતાં માનવસહજ સ્વભાવની તુચ્છતાએ કરી બહુધા વ્યક્તિનું માનસિક વલણ અસત્ય તરફ ઢળતું હોય છે.

સામાન્ય બાબતોમાં તેમજ નજીવાં કારણોમાં પણ સહજમાં અસત્યનો સહારો લેવાતો હોય છે. જેમ કે, આપણા મોબાઈલ પર કોઈનો ફોન આવે અને પૂછે કે, ‘તમે ક્યાં છો ? ઘરેથી નીકળી ગયા ?’ તો હજુ આપણે ઘરની બહાર પણ ન નીકળ્યા હોઈએ તેમ છતાં કહીએ કે, ‘નીકળી ગયો. બસ પહોંચવા જ આવ્યો.’ તેવી જ રીતે જો આપણે ઉપવાસ હોય કે જમાડવું ન હોય અને કોઈ પૂછે કે, ‘જમાડ્યું ?’ તો કહીએ, ‘હા, જમાડી લીધું.’ ઉપરી કે અન્ય કોઈએ આપણને કોઈ ફોન કરવાના કે અન્ય કામ કરવાનું કહ્યું હોય પરંતુ ભૂલી જ ગયા હોઈએ એવા સમયે તેઓ પૂછે કે, ‘થઈ ગયું ?’ ત્યારે ‘ફોન એંગેજ આવતો હતો’ એવું જૂઠું બોલીએ. આવું સાહજિકપણે બોલતા હોઈએ છીએ કારણ કે આપણે આને અસત્ય ગણતા જ નથી.

અસત્ય બોલવાનો પ્રારંભ આવી નાની બાબતોમાં ખોટું બોલવાથી જ થાય. પહેલાં મિત્રો સાથે, માતાપિતા, શિક્ષકો તેમજ નજીકના વર્તુળમાં રહેલા સાથે ખોટું બોલાય. પછી આગળ વધતાં મોટાપુરુષ સાથે પણ ખોટું બોલાય. તેથી પ.પૂ. સ્વામીશ્રી કાયમ આગ્રહભરી રુચિ દર્શાવે છે કે, “કદી કોઈ નાની બાબત માટે પણ શા માટે ખોટું બોલવું જોઈએ ?’ હંમેશા વાસ્તિવક વાત જ રજૂ કરવી. સાચું બોલવું.”

પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા માટે રસોડમાં પધારે ત્યારે સૌપ્રથમ સંતોને પૂછે કે, “સંતો, આજે શું ટાઢું (આગલા દિવસનું) પડ્યું છે ? લાવો પહેલાં ટાઢું પતાવી દઈએ જેથી ઠાકોરજીની વસ્તુનો બગાડ ન થાય.” સંતોને એમ થાય કે પ.પૂ. સ્વામીશ્રીને ટાઢું નથી જમાડવૂં, એમ લઈ લઈશું. એવા વિચારે ના પાડે કે, ‘કશું નથી પડ્યું.’ પછી સંતો જમાડવા બેસે ત્યારે ઠંડી રોટલી-ભાખરી કે અન્ય જે કાંઈ વસ્તુ હોય તે જમાડવા માટે લઈ લે. ત્યારે પ.પૂ. સ્વામીશ્રી સંતોને પ્રેમભરી મીઠી ટકોર કરે કે, “સંતો, તમારો ઈશક સાચો છે કે અમને ટાઢું નથી જમવા આપવું તેથી તમે ‘નથી’ એમ કહ્યું. એનાં કરતાં અમને સાચું કહ્યું હોત કે, ‘સ્વામી, 5-6 રોટલી ઠંડી પડી છે. અમે ઘણા સંતો બાકી છીએ અડધી-અડધી લઈ લઈશું, બગડવા નહિ દઈએ.’ આમ, સારા હેતુ માટે પણ આવું અસત્ય આપણે શા માટે બોલવું જોઈએ ? આજે સારી બાબત માટે બોલાયેલ નાનું અસત્ય કાલે મોટા તરફ લઈ જાય... માટે કદી અસત્યનો સહારો ન લેવો.”

મોટા થઈને ખોટું બોલવાનો પ્રારંભ બાલ્યાવસ્થાથી જ થતો હોય છે. બાલ્યાવસ્થામાં બાળક માતાપિતા, શિક્ષકો, મિત્રોના સંગે તથા આસપાસના વાતાવરણમાંથી તે શીખે છે અને તેનું અનુકરણ કરે છે. ઘરમાં ફોનની રિંગ વાગી અને જો આપણે વાત ન કરવી હોય તો બાળક પાસે ઉપડાવી કહેવડાવીએ, “કહે કે બહાર ગયા છે અથવા નહાવા ગયા છે.” બાળકે આજે આ જોયું તેનું અનુકરણ તે કરે જ. કાલે તે ફોન નહિ તો અન્ય વાતમાં આવું કરવા માટે પ્રેરાય છે.

વિનય અને વિવેક નામના અનુક્રમે 9 અને 12 વર્ષના સગા બે ભાઈઓ હતા. વિવેકના જન્મદિવસે તેના ઘણાબધા મિત્રો અવનવી ભેટ-સોગાદો લઈને આવ્યા હતા. બીજા દિવસે સવારે વિવેક શાળાએ ગયો. જ્યારે વિનયની બપોરની શાળા હતી. વિનયનું મન આવેલી ભેટ-સોગાદો જોવા લલચાયું. તેણે એક પછી એક બધાં પેકિંગ ખોલ્યાં. એમાં તેને એક કાંડા ઘડિયાળ ખૂબ ગમી ગઈ. તેણે પેકિંગ ખોલી નાખ્યું અને હાથમાં પહેરવા પ્રયત્ન કર્યો. પરંતુ આ ઘડિયાળ મોટી હોવાથી તે પડી ગઈ અને તેનો કાચ ફૂટી ગયો. વિનયને બીક લાગી કે જો વિવેક શાળાએથી આવશે તો મને મારશે અને મમ્મી-પપ્પા ખૂબ વઢશે. તેથી ડરના માર્યા જેમ હતી તેમ વ્યવસ્થિત રીતે તેને પાછી મૂકી દીધી. બધાં પેકિંગ યથાવત્ કરવા પ્રયત્ન કર્યો પરંતુ આવડ્યું નહીં. વિવેક બપોરે શાળાએથી પાછો આવી બધી ભેટ-સોગાદો ખોલીને એક પછી એક જોવા લાગ્યો. પેકિંગ અસ્તવ્યસ્ત હોવાથી તેણે જૂઠનો દસકો અને સત્યની શતાબ્દી. વિનયને પૂછ્યું કે, “તેં ભેટ-સોગાદો ખોલી હતી ? અને આ કાંડા ઘડિયાળનો કાચ ક્યાં ગયો ? કેવી રીતે ફૂટી ગયો ?”  ત્યારે જાણે વિનય કોઈ વાતની ખબર જ ન હોય તેમ અજાણ્યો બની ગયો.

બાલ્યાવસ્થાથી આવી ખોટું બોલવાની પડી ગયેલી આદત પછી દિન-પ્રતિદિન વધુ ને વધુ દૃઢ થતી જાય છે. પછી જીવનમાંથી અસત્ય બોલવાનો સંશય જ નીકળી જાય અને સત્યના બળે જીવન જીવવાનો કોઈ આનંદ જ ન રહે.

‘સત્યં વદ ધર્મં ચર ।’ આ શ્લોકને સ્વજીવનમાં ચરિતાર્થ કરવા કટ્ટીબદ્ધ બનીએ તેવી અભ્યર્થના.