દૃઢ સંકલ્પશક્તિ - 1

  September 28, 2017

મનુષ્યમાત્રની તમામ ક્રિયાઓનું મુખ્ય ચાલકબળ એટલે ‘સંકલ્પશક્તિ’  અને અસાધારણ કાર્યો પાછળનું મુખ્ય પાસું એટલે ‘દૃઢ સંકલ્પશક્તિ’. આ દૃઢ સંકલ્પશક્તિ શું ચીજ છે તે આવો નિહાળીએ…

દૃઢ સંકલ્પશક્તિ

પ.પૂ.સ્વામીશ્રીનું ધ્યેયલક્ષી સૂત્ર છે : “થાવું તો શ્રેષ્ઠ જ.”

જીવનની શ્રેષ્ઠતાને જાતિ, ધર્મ, કુળ કે વંશના આધારે ગણાવી શકાય નહીં. જીવનની શ્રેષ્ઠતા અને મહાનતા તો વ્યક્તિની ભીતરમાં રહેલા ગુણોને આધારે જ મૂલવાય છે. વ્યક્તિમાં રહેલા ગુણ તેની મિલકત, મૂડી (Assets) છે અને કરેલાં કાર્યો તેની શાખ, પાઘડી (goodwill) છે.

આપણે બાલ્યાવસ્થાથી માંડી સ્કૂલ કે કૉલેજજીવનમાં તથા મંદિર કે સભાઓમાં સદ્‌ગુરુવર્ય મહાન સંતો તથા મહાન ભક્તો-પુરુષોનાં જીવનના પ્રેરણાત્મક પ્રસંગોમાંથી પ્રેરણા લઈએ છીએ. તેમનાં જીવનચરિત્રો વિષે સાંભળીએ છીએ. જેમાં વિચારવાનું અને સમજવાનું એ છે કે શું તેમનાં જીવન માત્ર શબ્દોથી શ્રેષ્ઠ બન્યાં છે ?

બુદ્ધિથી બહુમાન પામ્યા છે ?

સત્તાથી સિદ્ધ થયા છે ? ના... તો શાનાથી ?

માત્ર અને માત્ર તેમનાં ગુણ અને કાર્યોથી (વર્તનથી).

કોઈ પણ વ્યકિત જન્મજાત ગુણસભર હોતી નથી એટલે કે જન્મજાત ગુણો હોય જ એવું નથી. ગુણોને કેળવવા પડે છે. જેમ કુંભાર માટીને જેટલી કેળવે એટલું જ તેમાંથી સુંદર માટલું કે અન્ય વાસણો તૈયાર થાય છે; તેમ આપણાં જીવનને જેમ જેમ ગુણોથી કેળવતા જઈએ તેમ તેમ સુંદર અને પ્રભુના રાજીપાસભર એક નવતર જીવન ઘડાય છે. આવા ગુણોથી ખીલેલા અને શણગારાયેલા જીવનની મહેક ચોમેર પ્રસરે છે ત્યારે સમગ્ર જગત તેને વંદી રહે છે. મહાન વ્યક્તિઓ તેમનામાં રહેલા ખાસ-વિશિષ્ટ વ્યવહારિક અને આધ્યાત્મિક ગુણોથી જ મહાન બન્યા હોય છે. આજે પણ ભૂતકાળમાં થયેલા એવા અનેક મહાન પુરુષોના ગુણો તેમનો ગૌરવવંતો નાદ ગુંજાવી રહ્યા છે ત્યારે આપણે સૌ પણ દૃઢ સંકલ્પ કરીએ કે, આપણા જીવનમાં પણ એવા આદર્શતાના ગુણો અને દિવ્ય કલ્યાણકારી આધ્યાત્મિક ગુણો કેળવવા જ છે.

નૂતન લેખશ્રેણી “ગુણોની સુવાસ” દ્વારા આપણા જીવનને ગુણોનો ગુલદસ્તો બનાવવા દૃઢસંકલ્પી બનીએ. કોઈ પણ કાર્યને સિદ્ધ કરવાનો પાયો એટલે જ ‘દૃઢ સંકલ્પશક્તિ’ ત્યારે આ લેખમાળા દ્વારા આપણે આપણા જીવનમાં દૃઢ સંકલ્પશક્તિનો ગુણ કેળવીએ. અનંતકોટિ બ્રહ્માંડમાં જે કાંઈ થાય છે તે બધું જ ભગવાન સ્વામિનારાયણની મરજીથી જ થાય છે. પરંતુ મનુષ્ય એમ જાણે છે કે મારાથી થાય છે.

“ધાર્યું બધું શ્રીહરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય;

ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે.

છે પ્રાણ નાડી પ્રભુને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ;

અજ્ઞાની લોકો અભિમાન આણે, યથાર્થ શક્તિ હરિની ન જાણે.”

માટે જે કાંઈ પણ થાય છે તેના કર્તાહર્તા એક શ્રીજીમહારાજ છે. પરંતુ પ્રભુ નિમિત્ત બીજાને કરે છે. જેથી કરનારો બીજો કોઈ દેખાય પણ કર્તાહર્તા એક પ્રભુ જ છે. માટે આવું ભગવાનનું કર્તાપણું જીવનમાં સૌપ્રથમ દૃઢ કરવું. ત્યારબાદ દૃઢ સંકલ્પશક્તિનો ગુણ દૃઢ કરવો. કેમ જે આપણી પ્રબળ ઇચ્છાશક્તિ હશે તો જ ભગવાન એ કાર્યમાં ભેળા ભળશે અને કાર્ય યથાર્થ રીતે પૂર્ણ થશે. માટે સમગ્ર લેખમાં જ્યાં દૃઢ સંકલ્પશક્તિનું મહત્ત્વ આવે તેમાં પ્રથમ એ જ સમજવું કે ભગવાનનું બળ અને કર્તાપણું હશે તો જ દૃઢ સંકલ્પશક્તિ મુજબ ધાર્યું કાર્ય થઈ શકશે.

દૃઢ સંકલ્પશક્તિ એટલે દૃઢ નિર્ણય, વિચારની ચોકસાઈ, ચોક્કસ દિશામાં આગળ વધવાની પ્રબળ ઇચ્છાશક્તિ, દૃઢ મનોબળ સાથેનો સંકલ્પ, ઇચ્છા.

નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ માનસિક તૈયારી એટલે જ દૃઢ સંકલ્પશક્તિ.

માનવસહજ સ્વભાવ છે કે કાંઈક સારું જુએ, સાંભળે એટલે એ પ્રમાણે કરવાનો સંકલ્પ થાય, ઇચ્છા વ્યક્ત થાય. પરંતુ બહુધા સંજોગોમાં આ શક્ય બનતું નથી. કેટલાક માત્ર ક્ષણિક સંકલ્પ કે ઇચ્છા વ્યક્ત કરે છે, પરંતુ તેના માટે કોઈ પ્રયત્ન કરતા નથી. એમ બહુધા સંજોગોમાં સંકલ્પનું બાળમૃત્યુ થઈ જતું હોય છે. એટલે કે એકાદ-બે દિવસ થોડો પ્રયત્ન થાય પછી કશું જ નહીં. જવલ્લે જ કોઈ એવા વિરલા હોય છે કે જે સંકલ્પ પ્રમાણે પાર પાડે જ છે. આ થવાનું કારણ પોતાનામાં રહેલી પ્રબળ સંકલ્પશક્તિ જ છે. સંકલ્પની જેટલી પ્રબળતા વિશેષ એટલી જ સફળતા નજીક.

દૃઢ સંકલ્પશક્તિ વિનાનો માનવી ન તો પોતાની જાતને તારી શકે, ન તો દેશને કે સમાજને તારી શકે. ચાહે પછી તે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય. તેઓ ક્યારેક પોતાની દૃઢ સંકલ્પશક્તિની નિર્બળતાના કારણે પોતાની જાતને, ઘર-પરિવારને, દેશને, સમાજને અને સંસ્થાને પણ ડુબાડી શકે છે. કારણ કે દૃઢ સંકલ્પશક્તિ વિહોણી વ્યક્તિ દિશાશૂન્ય બની જાય છે. તેથી તેની પ્રગતિ થતી નથી કે તેને સફળતા પણ મળતી નથી. અને જો આવી વ્યક્તિ બે-પાંચ કે પાંચ-પચ્ચીસ વ્યક્તિના લીડર સ્થાને હોય તો અન્ય સભ્યોને પણ દિશાશૂન્ય બનાવી દે છે.

બાલ્યાવસ્થાથી જ આપણા જીવનમાં હરએક કદમે દૃઢ સંકલ્પશક્તિની જરૂર પડે છે. પોતાના વિદ્યાર્થીકાળમાં જે વ્યક્તિ દૃઢસંકલ્પી બની ભણી એ જ કોઈક આદર્શ વ્યક્તિ બને છે. એ જ કંઈક પામે છે. એક જ ક્લાસમાં ભણતા બે સરખી ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓમાં એક ડૉક્ટર, સી.એ. જેવી ઊંચી પદવીને પામે છે. જ્યારે બીજાને પટ્ટાવાળાની નોકરી પણ મળતી હોતી નથી. કારણ બહુ સ્પષ્ટ છે કે જે ભણવા માટે દૃઢસંકલ્પી બન્યા તે પામ્યા ને બીજા રહી જાય છે.

ગરીબ ઘરમાં ઊછરી રહેલ બાળક અબ્દુલે એક દિવસ આકાશમાં પક્ષી ઊડતું જોયું. તરત જ દૃઢ સંકલ્પ કરી જીવનનો ધ્યેય બનાવ્યો કે એક દિવસ હું જરૂર આકાશમાં સાચુકલા વિમાન બનાવી તેને ઊડાડીને જ રહીશ. દૃઢ સંકલ્પશક્તિના બળે જ તેઓ એક દિવસ મિસાઇલમૅન શ્રી અબ્દુલ કલામ બન્યા. એટલું જ નહિ, ભારતના રાષ્ટ્રપતિની સર્વોચ્ચ પદવી સુધી તેઓ પહોંચ્યા.

ગાંધીજીએ દેશની કપરી પરિસ્થિતિ જોતાં હથિયારબંધ સૈન્ય ધરાવતી અંગ્રેજ સલ્તનતની સામે અહિંસાના પૂજારી એવા ગાંધીજીએ અહિંસક લડત લડી દૃઢ સંકલ્પશક્તિ દ્વારા દેશને આઝાદ કર્યો. એ જ રીતે દૃઢ સંકલ્પશક્તિથી જ અંધ ઍરિકે હિમાલયનું ઉત્તુંગ એવરેસ્ટ શિખર સર કર્યું.

ઇતિહાસનાં પૃષ્ઠો આવા મક્કમ મનોબળવાળા દૃઢસંકલ્પીઓની ગૌરવવંતી ગાથાને નિરંતર ગાય છે. દૃઢ સંકલ્પશક્તિથી જ વ્યક્તિ પ્રગતિશીલ બને છે.

“મનુષ્યમાં બળની કમી નથી, પરંતુ દૃઢ સંકલ્પશક્તિની કમી છે.” જો દૃઢ સંકલ્પશક્તિ અને ભગવાનના બળ સાથે કોઈ પણ વ્યક્તિ આગળ વધે તો તેને આપત્તિઓમાંથી આપમેળે રસ્તો મળી જાય છે. અશક્ય કાર્ય પણ શક્ય થઈ જાય છે. દૃઢ સંકલ્પશક્તિવાળી વ્યક્તિની ડિક્શનેરી (શબ્દકોશ)માં ‘અશક્ય’, ‘ન થાય’, ‘મને ન ફાવે’ જેવા શબ્દો હોતા નથી. તેને કોઈના હલકા બે શબ્દો પાછા પાડી શકતા નથી, દેહનો ભાર-ભીડો કે તકલીફ અડતાં નથી. હતાશા અને નિરાશા નજીક આવતી જ નથી. તેમનો ઉત્સાહ દિન-પ્રતિદિન વધતો ને વધતો જ રહે છે.

માટે આપણા જીવનમાંથી ‘હું જાણતો નથી’, ‘હું ન કરી શકું’, ‘મારી ક્ષમતા નથી’, ‘આ અશક્ય છે’ એવા નકારાત્મક અભિગમને બદલી ‘હું કરીશ જ તથા કરીને જ જંપીશ’ જેવો હકારાત્મક અભિગમ કેળવીશું તો આવી દૃઢ સંકલ્પશક્તિથી જ આપણું અડધું કાર્ય પૂર્ણ થઈ જાય છે. અશક્યતા એ જીવનમાં કે વિશ્વમાં નથી હોતી પરંતુ માત્ર માનવીની કલ્પનામાં જ રહેલી છે. માટે અશક્ય છે તેવી કલ્પનાઓને તોડી દૃઢ સંકલ્પશક્તિ કેળવીએ. તો જ નાના લક્ષ્યથી શરૂ કરી મોટા લક્ષ્ય સુધી જરૂર પહોંચી શકાય.

શ્રીજીમહારાજે પણ ગઢડા મધ્યના ૩૩મા વચનામૃતમાં કહ્યું છે કે, “મનુષ્યદેહે કરીને ન થાય એવું શું છે ? નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય છે.” અહીં શ્રીજીમહારાજે નિષ્કામી વર્તમાન પાળવા બાબતે આ વાત જણાવી છે. અનાદિકાળથી જીવાત્મા જે વિષયવાસનામાં જ આનંદ માનતો અને પામતો આવ્યો છે, જેના વિના એક ક્ષણમાત્ર પણ તે રહી શકતો નથી એવા માયિક પંચવિષયનો ત્યાગ કરી મન-કર્મ-વચને નિષ્કામી વર્તમાન પાળવું અતિ કપરું છે. મોટા મોટા ઋષિમુનિઓ, તપસ્વીઓ અને ત્યાગીઓ પણ નિર્વાસનિક થઈ શક્યા નથી. એવી અજેય વાસનાને પણ શ્રીજીમહારાજ કહે છે કે, દૃઢ સંકલ્પ કરી નિત્ય પ્રત્યે પ્રયાસ કરવામાં આવે તો એના પર અમારી કૃપા થાય છે ને તે અમારી કૃપાએ કરીને વાસના ટળે છે. જો અનાદિકાળની વાસનાને દૃઢ સંકલ્પશક્તિ તથા પ્રભુના બળે જીતી શકાય તો આ લોકનાં કાર્ય તો દૃઢ સંકલ્પશક્તિથી થાય જ... એમાં શંકાને કોઈ સ્થાન નથી. જે ધારે તે અને જે કરે તે મહારાજના બળે થાય જ. કશું જ અશક્ય નથી. એટલે જ કહ્યું છે કે, “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.”

ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતજીવનના પ્રારંભકાળમાં મોટા મંદિરે બિરાજતા હતા. જ્યાં બાપાશ્રીનો અને બાપાશ્રીના જ્ઞાનનો સખત વિરોધ હતો. ચારેબાજુ પાકિસ્તાનની બોર્ડર જેવી પરિસ્થિતિ હતી. તેમાં રહી બાપાશ્રીએ સમજાવેલા સિદ્ધાંતો અનુસાર શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન કરવું એ અતિ કપરું હતું પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અનેક ઝંઝાવાતોને પણ ગણકાર્યા વિના શ્રીજીમહારાજના બળે જ શ્રીજીમહારાજની જેમ છે તેમ સર્વોપરી ઉપાસના છડેચોક પ્રવર્તાવવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો તો આજે એસ.એમ.વી.એસ.નું શૂન્યમાંથી સર્જન થયું છે. ‘અશક્ય છે’, ‘બને જ નહિ’, ‘ન જ થાય’ એવું બોલનારા બોલતા રહી ગયા અને આજે એસ.એમ.વી.એસ. દ્વારા વિશ્વના ફલક ઉપર બાપાશ્રીએ સમજાવેલ જ્ઞાન અનુસાર સર્વોપરી ઉપાસનાના દિગંતમાં ડંકા વાગી રહ્યા છે.

દૃઢ સંકલ્પશક્તિમાં અણુબૉમ્બ જેવું સામર્થ્ય છે. તે ધારે તેને હટાવી દે છે અને નવો ચીલો ચીતરી દે છે પરંતુ મંજિલ સુધી પહોંચીને જ રહે છે.