એકતા - 3

  June 5, 2015

કદાચ કોઈ અમહિમાની વાતો કરવા આવે તો તેના ભેગા ન ભળી જતાં સૌનો મહારાજના ભાવે મહિમા સમજી, સામેવાળાને મહિમાસભર કરીએ અને આપણે પણ મહિમાસભર થઈએ. અમહિમાની વાતમાં ભેગા ભળવાથી આમેય આપણને કંઈ મળવાનું તો નથી જ. એવી વાતમાં ભેગા ભળવાથી વાત કરનાર સાથેના આપણા સંબંધ સારા થશે. પરંતુ મહારાજ અને મોટા સાથેના સંબંધ બગડશે. કારણ એમાં એમનો રાજીપો નથી. માટે ખૂબ વિવેકપૂર્ણ પગલું ભરવું.

ગાણિતિક સિદ્ધાંત પ્રમાણે (-) x (-) = + થાય. બે નેગેટિવ કે બે માઇનસને ભેગા કરીએ તો પરિણામ પૉઝિટિવમાં આવે એટલે કે પ્લસમાં આવે છે. અભાવ, અવગુણ ને અમહિમાની વાતનો જ જો આપણા જીવનમાં અભાવ કરીએ તો પરિણામ સ્વરૂપે સૌમાં મહારાજનાં દર્શન થાય જ, અર્થાત્ પૉઝિટિવ રિઝલ્ટ મળે છે. અભાવનો અભાવ કરતાં ફલશ્રુતિ રૂપે ગુણનો વરસાદ થાય છે. સાથે રહેવાનું હોય, સાથે સેવા કરવાની હોય, એમાં ક્યાંક કોઈનાં સ્વભાવ-પ્રકૃતિ કે મન આપણાથી જુદાં પડે; પરંતુ ત્યાં આપણી એકતા ખંડિત ન થવા દેવી. નહિ તો અભાવ, અવગુણ ને અમહિમાની વાત એ એક પ્રકારનો સડો છે. જેમ કોઈને કીડિયારાનો રોગ થયો હોય નેશરૂઆતમાં જ જો તેની આંગળી કાપી નાખે તો રોગ અટકી જાય પરંતુ જો ત્યાં એટલેથી અટકે નહિ તો આખા શરીરમાં રોગ પ્રસરી જાય છે. એમ આ અભાવ, અવગુણ ને અમહિમાની વાત પણ એવી છે. જો એક વાર એમાં ખૂંપ્યા તો પૂરું થઈ જાય. શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના 12મા વચનામૃતમાં કહ્યું છે કે, “અંતે જાતાં જીવનો નાશ કરે છે.”

અભાવ-અવગુણની શરૂઆત અને તેનો અંત કેવો હોય છે તેનું યથાર્થ વર્ણન કરતાં પ.પૂ. સ્વામીશ્રીએ ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકાના 83મા કૃપાવાક્યમાં કહ્યું છે કે, “પહેલાં કોઈનાય વિષે અવગુણનો સંકલ્પ ઊઠે. એથી આગળ વધતાં તેનો અભાવ આવે. તેનું મનન થાય એટલે આંટી બંધાય. આંટી બંધાય એટલે તેને વિષે ઈર્ષ્યા, વેર-ઝેર અને માન બધું જ આવે. અંતરમાં ઉદ્વેગ, મૂંઝવણ ને અશાંતિ વગેરેને બોલાવવાં ન પડે. ભગવાનની જોડેય સુખ ના આવે. જીવવું બેકાર લાગે. મારું કે મરી જઉં એટલે પહોંચાય. માટે અવગુણનો સંકલ્પ પણ ન કરવો. એ ઝેર છે. એનાથી છેટા રહેવું સારું. શાસ્ત્રમાં પંચમહાપાપથી છૂટ્યાનો ઉપાય છે પણ અભાવ-અવગુણથી તથા દ્રોહથી છૂટ્યાનો ઉપાય નથી. તેનાથી તો જીવ નાશ પામે છે. બીજું ઓછું આવડશે તો ચાલશે પણ કોઈનોય અપરાધ ન થઈ જાય તે માટે સાચવવું.” એટલે જ કીર્તનમાં કહ્યું છે કે,

“પંચમહાપાપથી છૂટાય, અપરાધથી છૂટાય નહિ;   

બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં.”

સાપ સુંવાળો લાગે છે છતાંય ક્યારેય અડવાનું મન થતું નથી. ઝેર કેવું લાગે ? તેની ખબર નથી, છતાંય તેને ચાખવાની ઇચ્છા થતી નથી. કારણ કે, એની ભયંકરતાને સારી રીતે જાણીએ છીએ. એમ આ અભાવ-અવગુણની ભયંકરતા કાળા નાગના ઝેર જેવી છે તેને ઓળખીએ અને તેનાથી દૂર રહીએ.

ક્યારેક જોડે રહેનારા પરિવારના સભ્યો કે સત્સંગી-બંધુના અવરભાવમાં આપણી સાથે સેટ ન થાય એવા સ્વભાવ હોય, તોપણ એમનો અવગુણ અંદર નહિ પેસવા દેવાનો, કારણ કે તેઓ મહારાજના વ્યતિરેકના સંબંધવાળા છે. કદાચ કોઈનું વર્તન એવું લાગે તો તેનાથી છેટા રહેવું પણ અભાવ-અવગુણની ખાઈમાં તો ન જ પડીએ. સૌની સાથે બનાડતા – મિત્રતા કરતા થઈશું, સૌની સાથે સેટ થઈશું તો તેમનો અવગુણ નહિ આવે.

કમળનું ફૂલ તળાવના કીચડમાં જ ઊગે છે, પરંતુ કમળને તળાવના કીચડ સાથે મિત્રતા છે તેથી કીચડમાં પણ તે ખીલી ઊઠે છે. એમ, કદાચ કોઈના સ્વભાવ આપણી જોડે સેટ ન થાય તોપણ તેમની સાથે બધું ભૂલી જઈને આત્મીયતા કરવા પ્રયત્ન કરીશું તો ઘરરૂપી તળાવમાં આપણે કમળના ફૂલની જેમ ખીલી શકીશું.

શ્રીજીમહારાજે ગઢડા મધ્યના 63મા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની મૂર્તિઓ જ છે. એને વિષે તો મનુષ્યભાવ લાવવો જ નહીં.”

એટલે કે સૌમાં મહારાજનાં દર્શન કરવાં; તો તેમને વિષે અભાવનો સંકલ્પ ઊઠે જ નહીં.

જેમ કોઈ વ્યક્તિને આપણે પહેલી જ વાર જોઈ હોય અને એ વખતે આપણને બાજુવાળા એમ કહે કે, “તમને ખબર છે કે, આ BPL કંપનીના માલિક છે અને 500 કરોડ રૂપિયાના આસામી છે.” આ વાત થયા પછી જ્યારે જ્યારે આપણે એ વ્યક્તિને જોઈએ ત્યારે એવા ભાવથી જ જોઈએ કે આ 500 કરોડ રૂપિયાના આસામી છે હોં. એ વખતે કોઈ યાદ ન કરાવે તોપણ તેમના પ્રત્યેનો અભિગમ અને વર્તણૂક બંને બદલાઈ જાય છે. તેમ મહારાજના વ્યતિરેક સંબંધમાં આવેલા સંતો-ભક્તો પણ બહુ સમૃદ્ધિવાળા છે. તેમના કર્તા મહારાજ છે. માટે કોઈના અભાવ-અવગુણમાં ન પડવું. આમ, અભાવ-અવગુણની થતી સ્થિતિ સંદર્ભે કહ્યું છે,

“સૌમાં મહારાજ બિરાજમાન છે, અવગુણ કોનો લઈએ ?

મહારાજનો અવગુણ લઈને, ક્યાં જઈને પછી ઠરીએ ?”

અભાવ-અવગુણ ટાળવાના ઉપાય :

અભાવ-અવગુણ ટાળવાના સરળમાં સરળ પાંચ ઉપાય પ.પૂ. સ્વામીશ્રીએ ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં કૃપાવાક્ય નં. 87માં દર્શાવ્યા છે.

1. ગુણ જોવા અને ગુણનું મનન કરવું :

બહુધા આપણને જેમનો અવગુણ આવતો હોય તેમનો જો ક્યાંક દોષ દેખાય કે ધોળું-મોળું વર્તન દેખાય તો તરત જ તેને પકડી લઈએ છીએ અને તેના અભાવ-અવગુણમાં ઊંડા ઊતરી જઈએ છીએ. પછી એનું જ મનન કરીએ છીએ જેનાથી આ દોષની તીક્ષ્ણતા વધતી જાય છે. જેમ આપણે કૅલેન્ડર ખરીદીને લાવીએ છીએ ત્યારે તેનો ગોળ રોલ વાળેલો હોય છે. તેને સીધું કરવા માટે આપણે તેની વિરુદ્ધ દિશાએ ગોળ વાળીએ છીએ. એવું જ અહીં કરવાનું છે. જેનો અવગુણ આવતો હોય તેના જ ગુણને શોધવાના, એના જ ગુણનું મનન કર્યા કરવાનું... તો અભાવ-અવગુણ મૂળમાંથી ટળી જાય. જેનો અવગુણ આવતો હોય તેના ગુણ જ જોવા, ગાવા ને મનન કરવું એ જ તેનું મારણ છે. તેથી જ તો કહ્યું છે,

“ગુણો સૌના જોયા કરવા, તો ગુણો આપણામાં આવે;

ઈર્ષ્યા, આંટી, પૂર્વાગ્રહ ને ઉદ્વેગ સર્વે ભાગી જાવે.”

2. પોતાની જાતને પૂછતા રહેવું :

કોઈના અભાવ-અવગુણ આવે તો તરત જ પોતાની જાતને પ્રશ્ન પૂછવો કે કોઈનો અભાવ-અવગુણ લેનાર હું કોણ ? હું ક્યાં સંપૂર્ણ દોષથી રહિત છું ? મારામાં પણ અનંત દોષનો ઢગલો છે તો મને બીજાના દોષો જોવાનો, અભાવ-અવગુણ લેવાનો કયો અધિકાર છે? આપણામાં જ ગણાય નહિ એટલા દોષો પડ્યા છે. આપણા પોતાના જ દોષોને જોઈએ તોય બીજાના દોષોને જોવાનો સમય જ ના મળે. માટે ક્યાંક કોઈનામાં સહેજ સંકલ્પ ઊઠે કે તરત જ પોતાની જાતને પ્રશ્ન પૂછીને પાછા વળી જવું.

3. બીજાનું કશું નહિ જોવાનું :

ન્યાયાધીશને કેસનો ચુકાદો આપવાનો હોય એટલે બંને પક્ષનું જોવું પડે, સાંભળવું પડે. પણ આપણને મહારાજે ક્યાં કોઈના કાજી કર્યા છે ? આપણને ક્યાં કોઈનું જોવાની-સાંભળવાની જવાબદારી સોંપી છે ? માટે કોઈના દોષમાં ઊંડા ન ઊતરવું.

પ.પૂ. સ્વામીશ્રી ઘણી વખત કહે છે કે, “પારકી ક્રિયા, પારકા દોષ, પારકી આકૃતિ અનેપારકા સ્વભાવ આપણે જોવાં જ નહીં.” જો જોઈએ તો એમને વિષે સંકલ્પ થાય ને ! સૌના માત્ર ગુણ જ જોયા કરવાના. જેટલા ગુણો જોઈશું એટલા જ આપણામાં ગુણો આવશે અને અવગુણ ટળી જશે

4. મહારાજ ને મોટાપુરુષ આગળ નિષ્કપટ થવું :

 કોઈ  સંત કે હરિભક્તને વિષે અભાવ-અવગુણનો સંકલ્પ થાય અને જો પોતાના વિચારના બળે કરીને ટળે નહિ તો તેની મોટાપુરુષ આગળ કબૂલાત કરી લેવી. મોટાપુરુષ આગળ નિષ્કપટ થઈ જવું. જો એવો સંકલ્પ ન કહીએ તો લોયાના 5મા વચનામૃતમાં શ્રીજીમહારાજે તેને કપટી કહ્યો છે. મોટાપુરુષ આગળ આવેલા અભાવ-અવગુણની કબૂલાત કરવાથી આપણે અંદરથી ખાલી થઈ જઈએ અને મોટાપુરુષ આપણને ગુણથી ભરી દે.

5. જેનો અવગુણ આવ્યો હોય તેની દાસભાવે માફી માંગવી :

અભાવ-અવગુણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠઉપાય એટલે જેના વિષે અભાવ-અવગુણના સંકલ્પ થતા હોય તેની જ દાસભાવે માફી માંગી લેવી. ખાલી માત્ર માંગવા ખાતર નહિ, અંતરથી સાચા ભાવે તેમની માફી માંગવી કે, “દયાળુ, મને આપને વિષે આવો અભાવ-અવગુણનો સંકલ્પ થઈ ગયો છે તો મને માફ કરજો, રાજી રહેજો.” અને ફરી એ બાબતે ખટકો રાખી મંડ્યા રહીએ તો મહારાજ જરૂર ભેળા ભળે અને અભાવ-અવગુણરૂપી ગંદી ગટરના પાણીમાંથી આપણને બહાર કાઢી લે.

સૌમાં મહારાજનાં દર્શન કરવામાં નડતરરૂપ એવા અભાવ, અવગુણ ને અમહિમારૂપી મહાદોષને તિલાંજલી આપીને મહારાજ અને મોટાપુરુષને રાજી કરવાના માર્ગે આગળ વધીએ ને નિરંતર પાર્થના કરતા રહીએ કે,

 “તવ ચરણની રજ બનું, હું સૌમાં તારા દર્શન કરું,

ઉકાખાચર જેવા થવું, આપને ગમે એવું પાત્ર કરજો.”

વિશેષ દૃઢતા માટે :

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :

1. ઘર એક મંદિર

2. જ્ઞાનસત્ર-3 : અવરભાવ-પરભાવની સમજણ-દિવસ-1

3. જ્ઞાનસત્ર-3 : અવરભાવ-પરભાવની સમજણ : આજ્ઞા એટલે આજ્ઞા – દિવસ-2

4. જ્ઞાનસત્ર-3 : અવરભાવ-પરભાવની સમજણ : બ્રહ્મચર્યનું મહત્વ – દિવસ-3

5. જ્ઞાનસત્ર-5 : સંધ્યા સેશન, સૌમાં મહારાજનાં દર્શન કરીએ-દિવસ-1

6. કારણ સત્સંગની સમજણ