હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 8
June 22, 2020
હર્ષ-શોક, માન-અપમાન, સુખ-દુ:ખ, રાગ-દ્વેષ જેવાં દ્વંદ્વોથી પર થવા માટે :
જ્યાં દેહભાવ હોય ત્યાં હર્ષ-શોક, માન-અપમાન, સુખ-દુ:ખ આદિક દ્વંદ્વો જીવનમાં ચાલ્યા જ કરતાં હોય છે. ઘડીકમાં સુખી તો ઘડીકમાં દુ:ખી. મિનિટે મિનિટે આ છ પરિસ્થિતિ આપણા જીવનમાં વારાફરતી આવ્યા જ કરતી હોય છે.
દેહથી આત્મા જુદો હોવા છતાં અનાદિકાળથી ભ્રમણાએ કરી આત્મા દેહને જ પોતાનું સ્વરૂપ માની દેહ સાથે એકતાને પામી ગયો છે. તેથી આત્મા પોતાના સુખને મૂકી દેહનાં સુખ-દુ:ખ, માન-અપમાન, હર્ષ-શોક આદિક પ્રક્રિયાઓને પોતાને વિષે માની એ દ્વંદ્વોમાં પીડાય છે. શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૧લા વચનામૃતમાં કહ્યું છે કે, “જ્યારે દેહમાં સુખ-દુ:ખ આવે ત્યારે એ ભક્તની વૃત્તિ ચૂંથાઈ જાય, માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બે અતિશે દૃઢ જોઈએ. તે શા સારુ જે વૈરાગ્યે કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકારમાત્ર ખોટા થઈ જાય છે. અને આત્મનિષ્ઠાએ કરીને માયિક જે સુખ ને દુ:ખ તે ખોટાં થઈ જાય છે. અને જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તોપણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખ-શાંતિ રહે, અને જ્યારે સમાધિમાંથી બહાર નીસરે ત્યારે નારાયણદાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાળા ચૂંથવા માંડે.” દેહના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થાય છે. દેહનાં વખાણ કરે તો આનંદ થાય છે ને અપમાન કરે તો હતાશ થઈ જવાય છે. દૈહિક નામના, પ્રસિદ્ધિ, કીર્તિ મેળવવાના વધુ ને વધુ પ્રયત્ન થાય છે. દૈહિક સુખાકારી મેળવવાની ચિંતામાં આખું જીવન પસાર કરીએ છીએ. દૈહિક ખ્યાલોની પોતાના તરફથી કે અન્ય તરફથી પુષ્ટિ થાય ત્યારે હર્ષનો, સુખનો, આનંદનો અનુભવ થાય છે. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પ્રકરણ-૧ની ૨૩૨મી વાતમાં કહ્યું છે કે, “દેહને પોતાનું રૂપ માને તો તેમાં બધાંય દુ:ખ રહ્યાં છે ને દેહને ન માને તો તેમાં દુ:ખ જ નહીં.”
હવે જો પોતાનું સ્વરૂપ દેહથી પૃથક્ મનાય તો આત્માની સુખાકારીની ચિંતા થાય. આત્માના સુખની કેમ કરીને પુષ્ટિ થાય તેના જ વિચાર રહે. માન-અપમાન, હર્ષ-શોક અને સુખ-દુ:ખ આદિક જે કાંઈ થાય છે તે દેહને થાય છે. આત્માને આવાં કોઈ દ્વંદ્વો નથી એ ભાવે નિર્લેપ રહેવાય. શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૬૧મા વચનામૃતમાં તેથી કહ્યું છે કે, “ટાઢ-તડકો, ભૂખ-તરસ, માન-અપમાન, સુખ-દુ:ખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય.”
એક વખત સદ્. સ્વરૂપાનંદ સ્વામીએ ગઢપુરમાં ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો હતો. સંતો-હરિભક્તોએ સારા વૈદ્યોને બોલાવી ઔષધ કરાવ્યું હતું. એ વખતે શ્રીજીમહારાજ વડતાલથી ગઢપુર પધાર્યા. ભગુજીએ સદ્. સ્વરૂપાનંદ સ્વામીના મંદવાડના સમાચાર આપ્યા.
એ જ દિવસે અડધી રાત્રે શ્રીજીમહારાજ સદ્. સ્વરૂપાનંદ સ્વામીને જીવાખાચરના દરબારમાં દર્શન આપવા પધાર્યા હતા. શ્રીજીમહારાજ સ્વામીના ખાટલા પાસે આવીને બેઠા.
શ્રીજીમહારાજે સ્વામીના શરીર પર હાથ ફેરવ્યો ને પૂછ્યું, “સ્વામી, મંદવાડનું બહુ દુ:ખ થાય છે ?” ત્યારે સદ્. સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું, “ના ના, મહારાજ ! ટટ્ટુ દૂબલા હૈ, અસવાર તો તાજા હૈ. દુ:ખ તો આ દેહને છે, આત્માને કશું નથી. હું તો તમારી મૂર્તિમાં છું.” મહારાજ તેમની આત્મનિષ્ઠા જોઈ રાજી થઈ ગયા.