જીવનમાં સંયમનું મહત્વ - 1

  July 19, 2015

જીવનમાં સંયમનું શું મહત્વ છે ? સંયમ ક્યાં ક્યાં જરુરી છે ?

યૌવન એટલે જાગૃતતા...

યૌવન એટલે જિજ્ઞાસાવત્તિનો ભંડાર...

યૌવન એટલે તરવરાટ...

યૌવન એટલે ખાંડાની ધારે ચાલીને પણ ઉચ્ચ લક્ષ્યને સિધ્ધ કરવાનો અવસર...

પણ, આશ્ચર્યજનક વાત છે. આવી શેરડીની વચલી રસદાર ગાંઠ જેવી યુવા અવસ્થામાંથી પસાર થઈ ઘણા યુવાનોનો એક પ્રતિસાદ સાંભળવા મળી રહ્યો છે :

‘જ્ઞાન, બુદ્ધિ, સ્વસ્થ શરીર, અમૂલ્ય સમય હોવા છતાંય તેનો સદુપયોગ કરી શકતા હોય એવા યુવકો કેટલા ? ઉચ્ચ ધ્યેય નક્કી કર્યો હોવા છતાંય તેને હાંસલ કરવા પ્રયત્ન નથી થતો... કોઈપણ કાર્યમાં નિષ્ફળતાને આમંત્રણ આપવું પડતું નથી... આવા અમૃત સમ સત્સંગ-સાગરમાં ડુબાડ્યા હોવા છતાં પણ રાજીપાના માર્ગે ભરાવાતું નથી. જાણે અત્યારથી જ વ્યવહારિક કે આધ્યાત્મિક માર્ગમાં હારનું કલંક લાગી ગયું હોય તેમ અનુભવાય છે.’

આ પ્રતિસાદને જાણે વર્ષો પહેલાં સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ સાંભળ્યો ન હોય તેમ યુવાનની આવી પરિસ્થિતિનું કારણ દર્શાવતાં સ્વામી કીર્તનમાં કહે છે,

“વેગે વહેતા વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે, જ્યાં લગી દિલ ડગમગે બ્રહ્મ ન પ્રકાશે રે...”

જેમ વહેતા પાણીમાં કોઈ વસ્તુ કે વ્યક્તિનું પ્રતિબિંબ નથી ભાસતું પણ શાંત (સ્થિર) પાણીમાં સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાય છે તેમ જ્યાં સુધી આપણું જીવન વહેતા પાણી જેવું એટલે કે ડહોળાયેલું, અસંયમી જીવન હશે ત્યાં સુધી મહારાજે આપણને અપાર શક્તિ આપી હોવા છતાં તનથી અને મનથી કાયમ હારેલા જ રહેવાના. કોઈ નિર્ધારિત કાર્ય કે લક્ષ્યને પાર નહિ પાડી શકીએ.

આવો કારણ સત્સંગનો યોગ હોવા છતાં પણ રાજીપાના માર્ગે, મૂર્તિસુખના માર્ગે લાખો જોજન દૂર રહી જવાના. આવી પરિસ્થિતિનું નિવારણ કરવાનો ઉપાય એટલે જ સંયમી જીવન.

સંયમ એટલે પળે પળે સાવધાની... સંયમ એટલે મહારાજે આપેલ આંતરિક શક્તિઓને અયોગ્ય દિશામાંથી યોગ્ય દિશામાં વાળવી.

યુવા અવસ્થાથી જ સંયમ ખૂબ જરૂરી છે. સંયમી જીવનથી શ્રીજીમહારાજે આપેલ આંતરિક શક્તિઓને રચનાત્મક દિશામાં પ્રયોજી શકાય અને આધ્યાત્મિક કે વ્યવહારિક બંને ક્ષેત્રે આશાજનક પ્રગતિનો સુયોગ મળી શકે છે.

એક ગુરુ અને શિષ્ય યાત્રા કરવા જતા હતા. તેમણે એક મોટા વૃક્ષ નીચે આરામ કર્યો અને આગળ વધ્યા. યાત્રા કરીને બીજા વર્ષે પાછા ફર્યા ત્યારે એમણે જોયું કે જે વિશાળ વૃક્ષ નીચે તેમણે ભોજન કર્યુ હતું, આરામ કર્યો હતો તે આજે પડી ગયું હતું. શિષ્યે ગુરુને પ્રશ્ન પૂછ્યો : “ગુરુજી, આટલા ટૂંકા સમયમાં આ વૃક્ષ કેમ પડી ગયું ?” ગુરુએ કહ્યું, “આ વૃક્ષ છીદ્રોને લીધે પડી ગયું છે. એનો પ્રાણરુપી ગુંદર સતત વહેતો રહ્યો. ગુંદરની લાલચે મનુષ્યે તેમાં છેદ પાડીને તેને ખોખલું બનાવી દીધું. ખોખલી વસ્તુ લાંબો સમય ન ટકે. વાવાઝોડું આવતાં જ તે પડી ગયું.”

આપણા જીવનમાં રહેલાં અસંયમરૂપી છિદ્રો જીવનને ખોખલું બનાવી દે છે. જ્ઞાન, બુદ્ધિ, આવડત હોવા છતાં નિષ્ક્રિય બનાવી દે છે. આળસ અને પ્રમાદ ઘર કરી જાય છે. માનસિકતા ખોરવાઈ જાય છે. અસંયમી વ્યક્તિ પ્રભુએ આપેલ આંતરિક બળનો સુયોગ્ય ઉપયોગ કરી શકતો નથી. પરિણામે આધ્યાત્મિક કે વ્યવહારિક કોઈ પણ ક્ષેત્રમાં તે અસક્ષમ પુરવાર થાય છે. એના જીવનનું લક્ષ્ય માત્ર વાચામાં જ રહી જાય છે પણ તેને પામી શકતો નથી.