કંઈક છોડો - પૂર્વાગ્રહ અને અભિપ્રાય - 1

  December 5, 2014

બહુમાળી ઈમારતના પાયામાં જો જરાક પોલાણ રહી જાય તો નાના એવા ભૂકંપના આંચકામાં ઇમારત જમીનદોસ્ત થઈ જાય છે, પછી ઇમારતની સુંદરતા સ્વપ્નું બની જાય છે. એવું જ આપણા જીવનમાં થતું હોય છે. એકમનથી લાગણીના અને પ્રેમના તાંતણે જોડાયેલા પરિવારના પાયામાં જો ક્યાકં ખૂણેખાંચરે પણ કોઈના વિષે પૂર્વાગ્રહરૂપી પોલાણ રહી જાય તો, આપણા પરિવારરૂપી ઇમારતની આત્મીયતા જમીનદોસ્ત થઈ જાય છે, એકમનના ભુક્કા થઈ જતા હોય છે અને પારિવારિક આત્મીયતા સ્વપ્નારૂપ બની જતી હોય છે.

પૂર્વાગ્રહ એટલે અતાર્કિક કે ખોટો ખ્યાલ.

જે ખરેખર વાસ્તવિક નથી, પરંતુ આપણા આંતરિક જગતમાં અનુભવાયેલાં વાણી-વિચાર અને વર્તનનાં સ્પંદનોને કારણે ઊભો થતો અભિપ્રાય છે. એ અભિપ્રાય વધુ દૃઢ થતાં પૂર્વાગ્રહ બની જાય છે.

પૂર્વાગ્રહ એટલે પૂર્વ+ આગ્રહ, પહેલાંનું દૃઢ થઈ ગયેલું, પાકું થઈ ગયેલું. દરેક વ્યક્તિના જીવનમાં બાલ્યાવસ્થાથી જ અનેક અભિપ્રાયો દૃઢ થતા હોય છે. “કારેલાં કડવાં લાગે કડવાં લાગે” એવું બાળકોએ બાલ્યાવસ્થામાં ફક્ત સાંભળ્યું જ હોય છે. ખરેખર કારેલાનો સ્વાદ તો ચાખ્યો જ નથી હોતો, છતાં “કારેલાં મને તો ન જ ભાવે, કડવાં જ લાગે.” એવો અભિપ્રાય બંધાઈ જતો હોય છે. કેટલાંય બાળકોએ, કિશોર અવસ્થાએ પહોંચ્યાં છતાંય, કારેલાંના શાકનો સ્વાદ ચાખ્યો જ નથી હોતો, કારણ કારેલાંના શાક પ્રત્યે બંધાઈ ગયેલો અભિપ્રાય જે દૃઢ થતાં પૂર્વાગ્રહમાં ફેરવાઈ ગયો હોય છે.

પૂર્વાગ્રહ – સ્વભાવ ઉપરની ચીકાશ :

એકબીજા માટે પડી ગયેલી છાપ, જૂના ડાઘ એટલે જ પૂર્વાગ્રહ. ‘આ તો એવો જ છે.’ એવી બાંધી દીધેલી પૂર્વાગ્રહની ગાંઠો જ સ્વભાવ ઉપર લાગી ગયેલી ચીકાશને વધુ ચીકણી બનાવે છે. જેમ કોઈ જગ્યાએ તેલ ઢોળાયા પછી તેને સાફ ન કરીએ અને વારંવાર એ જ જગ્યા ઉપર તેલ ઢોળાય તો તે જગ્યા ચોખ્ખી થવાને બદલે વધુ ને વધુ ચીકણી થતી જાય છે.

આવા કારણ સત્સંગનો જોગ થયા પછી મહારાજ અને મોટાપુરુષ આપણા દોષની ઓળખાણ કરાવે જ છે કે, આ વ્યક્તિને વિષે આપણને પૂર્વાગ્રહ છે. મોટાપુરુષના સમાગમરૂપી હથોડા પડે એટલે સહેજે પાછી વૃત્તિ થાય, ટાળવાના પ્રયત્ન પણ કરીએ છીએ. પરંતુ સમાગમે કરીને ચોખ્ખું કરવાને બદલે, એકલા હોઈએ ત્યારે વિચારોએ કરીને, પૂર્વાગ્રહના ડાઘને વધુ ને વધુ ચીકણો બનાવીએ છીએ.

તેલ અને સાબુ બંને ભેગાં રાખી હાથ ધોઈએ છીએ. સમાગમ કરીએ અને એના કરતાં વધારે નકારાત્મક વિચારો કરીએ છીએ એટલે ચીકાશ દૂર થતી નથી. જો સ્વજીવનમાં જાગ્રત ન રહીએ તો જે તે વ્યક્તિના નકારાત્મક વિચારોના મનને કરીને, તેને વિષે પૂર્વાગ્રહના ડાઘ વધુ મજબૂત બનતા જાય છે, વધુ ને વધુ ચીકણા બનતા જાય છે. આના કારણે કુટુંબ-પરિવારમાં, સત્સંગમાં, સમાજમાં દુઃખી થતા હોવા છતાં આપણું માનસ પૂર્વાગ્રહની આવી ગંદી કુટેવથી ટેવાયેલું છે. તેથી દિન-પ્રતિદિન પૂર્વાગ્રહના ડાઘ ભૂંસાવાને બદલે વધુ ને વધુ વ્યક્તિઓ માટે આવા ડાઘ વધારતું જ જાય છે. એજ આપણી વ્યવહારિક અને આધ્યાત્મિક માર્ગમાં અધોગતિ કરાવે છે.

  જે તે વ્યક્તિને વિષે સારા-નરસા ગમે તે પ્રકારના પૂર્વાગ્રહ બાંધ્યા કરવા એ એક કુટેવ છે. સારા-નરસા કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ અંતે તો દુઃખને જ વહોરે છે. અને પછી આવી આદતવાળું માનસ થઈ જાય એટલે પૂર્વાગ્રહ બંધાયા જ કરે અને ડાઘ વધતા જ જાય,વધતા જ જાય. પછી પૂર્વાગ્રહથી પર થવું અતિ મુશ્કેલ થઈ જાય છે અને પૂર્વાગ્રહ ટાળવાના ગમે તેટલા પ્રયત્ન કરવા છતાંય એને ટાળી શકાતા હોતા નથી.

  સર આઇનસ્ટાઇને એટલે જ કહ્યું છે કે, “ It is easy to break an atom, but it is difficult to break prejudice.” એટલે કે,“અણુને તોડવા કરતાંય પૂર્વાગ્રહને તોડવો વધારે અઘરો છે.” પરંતુ જો પૂર્વાગ્રહનું જ પૂર્ણવિરામ મુકાઈ જાય તો?

પૂર્વાગ્રહના પૂર્ણવિરામે:

પીળાં પર્ણો ફરી નથી થતાં, કોઈ કાળે જ લીલાં;

ભાંગ્યાં હૈયાં પૂર્વાગ્રહથી, નથી થતાં કોઈ કાળે રસીલાં.

પરંતુ,

પૂર્ણવિરામ મુકાઈ જાય પૂર્વાગ્રહમાં જો,

એકમન થઈ જાય તત્ ક્ષણ તો.

પૂર્વાગ્રહના પરિણામે છિન્નભિન્ન થઈ ગયેલાં હૈયાં, વેરવિખેર થઈ ગયેલાં મન, પૂર્વાગ્રહના પૂર્ણવિરામે એક સુનહરી આત્મીયતાનું સર્જન કરે છે. લાગણી અને સ્નેહના સૂર પુરાય છે. વિખૂટા પડી ગયેલા સ્વજનો સ્નેહથી નવપલ્લવિત થાય છે. અશ્રુભીની આંખો હર્ષાશ્રુથી ઊભરાઈ આવે છે.

આરબ દેશની એક વાત છે. અંતરિયાળ ગામમાં એક બાપ-દીકરો રહેતા હતા. ઘરમાં બાપ-દીકરો જ એકબીજાનાં સુખ-દુઃખના ભાગીદાર હતા. બંને એકબીજાની લાગણી, પ્રેમ અને હૂંફના આધારે પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. એમાં એક દિવસ એક આરબે ધસમસતા પૂરની જેમ આવી, આ પિતાના એકના એક દીકરાનું ખૂન કરી નાખ્યું. થોડી વારમાં જ બાપની નજર સામે તરફડિયાં મારતા દીકરાનું પ્રાણપંખેરું ઊડી ગયું. દીકરાનો ખૂની દોડતો ત્યાંથી ભાગી રહ્યો હતો ત્યારે એના બાપે ખૂનીના ચહેરાને જોઈ લીધો.

ખૂની ગયા બાદ પિતાના મનમાં એક જ વાત રમવા માંડી કે મારે ગમે તેમ કરી એ ખૂનીને મારવો જ છે. એને કેમ મારવો? હું શું કરું? આવાતને વિચારતાં વિચારતાં વર્ષો વીતી ગયાં, છતાંય તેના હૈયામાંથી બદલો લેવાની ભાવના વીસરાતી ન હતી. પોતાના પુત્રના વિયોગનું દુઃખ નિરંતર સતાવતું હતું.

એક દિવસ રાત્રે આ વૃદ્ધ બાપ પોતાની ઝૂંપડીમાં એકલા સૂતા હતા. અચાનક ઝૂંપડીમાં કોઈ અજાણી વ્યક્તિને હાંફળી-ફાંફળી દોડતી અંદર આવતી જોઈ. આંખો ચોળતાં-ચોળતાં આછા અજવાળામાં જોયું તો પોતાના દીકરાનો જ ખૂની આરબ દોડતો-દોડતો પરસેવે રેબઝેબ થતો ત્યાં આવી પહોંચ્યો હતો અને પેલા વૃદ્ધબાપને કહેવા લાગ્યો,“અરે ભાઈ, મને ગમે તેમ કરી બચાવો, મારી પાછળ ખલીફાના માણસો પડ્યા છે. મને જો પકડશે તો મારું માથું જરૂર કાપી નાંખશે, માટે મને બચાવી લો.”

વૃદ્ધ બાપને પોતાના દીકરાના હત્યારાને જોતાં જ વર્ષોથી બદલો લેવાની ભાવનાના વિચારો પ્રબળ બન્યા. “આ જ મારા દીકરાનો ખૂની છે. એણે જ મારી આંખનું રતન છીનવી લીધું છે. આજે મારા દીકરાનું વેર લેવાનો ખરો સમય આવી ગયો છે.” આવા વિચારોમાં વૃદ્ધ ઊંડા ઊતરી ગયા. અચાનક જ આ વૃદ્ધ બાપના માનસપટ પર નવા વિચારો સ્ફુરવા માંડ્યા. વર્ષોના પડી ગયેલા પૂર્વાગ્રહના ડાઘ, જે ઘૂંટાઈને પાકા થઈ ગયા હતા, તેની ઉપર પૂર્ણવિરામ મૂકવાના એક અદભૂત વિચારથી, આ વૃદ્ધ બાપને પોતાના દીકરાના ખૂનનો બદલો ખૂનથી નહિ પરંતુ પ્રેમથી લેવાનો વિચાર આવ્યો અને એ સાથે જ પેલા આરબને પોતાની ઝૂંપડીમાં સંતાડી દીધો. ખલીફાના માણસો દોડતાં-દોડતાં આવ્યા. ચારે બાજુ પેલા આરબને શોધવા ફરી વળ્યા, પરંતુ કોઈ ન મળતાં ત્યાંથી ચાલ્યા ગયા અને પેલો આરબ આબાદ રીતે બચી ગયો.

આરબને બચાવ્યા પછી આ વૃદ્ધ બાપે પોતાના દીકરાની કબર પાસે જઈને કહ્યું,“હે દીકરા, મેં આજે તારા ખૂનનો બદલો લીધો છે; પણ ખૂનથી નહિ, પ્રેમથી.” વૃદ્ધ બાપના આવાં કલ્પાંત અને કરુણાભર્યા વચનો સાંભળી ખૂનીની આંખમાંથી ચોધર આંસુ વહેવા માંડ્યાં. આરબ વૃદ્ધ બાપના પગ પકડી ખૂબ રડ્યો. પશ્રાત્તાપનાં આંસુથી પગ પખાળ્યા, માફી માંગી. વૃદ્ધ બાપને ફરી પોતાના ગુમાવેલા દીકરાનો અહેસાસ આ આરબમાં થયો. વૃદ્ધ બાપને પૂર્વાગ્રહના પૂર્ણવિરામે વિખૂટા પડી ગયેલા સ્વજનને સાંપડ્યાનો આનંદ થયો.

પૂર્વાગ્રહના પૂર્ણવિરામે એક દુશ્મન એટલે કે ખૂની પ્રત્યેનો પૂર્વાગ્રહ પણ દીકરાના વ્હાલમાં અને બાપના વાત્સલ્યમાં ફેરવાઈ ગયો. ત્યારે જો આપણા એક પરિવારના સભ્યોમાં,કારણ સત્સંગના દિવ્ય સમાજમાં, કે જે એક જ બાપના દીકરા છીએ, તેમની વચ્ચેનો પૂર્વાગ્રહ છોડી દઈએ તો આત્મીયતા સહજ થઈ જાય અને મહારાજ અને મોટાપુરુષના રાજીપાના પાત્ર બની શકાય. પૂર્વાગ્રહ છોડવા માટે પોતાનું ગમતું, પોતાની ઇચ્છાઓ, પોતાના અરમાનો, પોતાનો સ્વાર્થ જો હોમવો પડે તો હોમી દઈએ. પૂર્વાગ્રહસોતું, ઉદ્વેગ, અથડામણ અને અશાંતિભર્યું જીવન જીવવું એના કરતાં પૂર્વાગ્રહના પૂર્ણવિરામે લાગણીભર્યું, પ્રેમાળ, એકમના થઈ જીવન જીવવું એ સાચું દિવ્યજીવન છે.