ખરા કર્તા મહારાજને સમજો - 3

  October 12, 2014

કેવા સંજોગોમાં મહારાજના કર્તાપણાનો સ્વીકાર નથી થતો ?

(1)   અણધારી આપત્તિ આવી પડે ત્યારે :

આપણા પરિવારમાં કે જીવનમાં કલ્પી જ ન હોય તેવી પરિસ્થિતિ સર્જાય, કોઈ નુકસાન થાય ત્યારે આપણે આકુળ-વ્યાકુળ બની જતા હોઈએ છીએ. આવી પડેલી આપત્તિને જીરવી ન શકતાં એના દોષિત બીજાને ઠેરવી દઈએ છીએ. બીજા ઉપર ગુસ્સો ઠાલવીએ છીએ. હતાશા ને નિરાશામાં ધકેલાઈ જતા હોઈએ છીએ. કોઈના વિષે શંકાશીલ બની જતા હોઈએ છીએ. પણ જે કાંઈ થયું છે ને થાય છે તેના કર્તા એક મારા મહારાજ છે. આવું સમયે સમજી શકતા નથી. જો કર્તા મહારાજ સમજાય તો આવી પડેલી આપત્તિને હળવાશ સાથે દૂર કરી શકાય છે.

(2)   ઘરમાં કોઈ માંદા રહે અથવા ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે :

આપણા પરિવારમાં ક્યારેક કોઈ સ્વજન લાંબા સમય સુધી માંદા રહે ત્યારે આપણે ઢીલા પડી જતા હોઈએ છીએ. ઘણી વાર જો પરિવારમાં કોઈ સભ્ય બળિયા હોય ને બીજા ઢીલા હોય તો સામસામે ચડસાચડસી થાય. “આટલી ભક્તિ કરીએ છીએ તોય આવું ?” જ્યારે કોઈ ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે મોટાપુરુષ અને સંતો આગળ દાવો કરતા હોઈએ કે “અમારા ઘરમાં આવું કેમ ?” ત્યાં આપણને આપણી ભૂલ નથી દેખાતી અને એકબીજા ઉપર આરોપ મૂકતા હોઈએ છીએ. પરંતુ શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના 34મા વચનામૃતમાં કહ્યું છે કે,

“ભગવાનના ભક્તને તો જેટલું દુઃખ થાય છે તે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે.” માટે મહારાજ કર્તા છે અને આપણી આજ્ઞાના લોપનું ફળ આપ્યું છે એવું સમજવું.

(3)   આપણા સહસાથીને જ્યારે ઊંચી સેવાના નિમિત્ત કરે ત્યારે :

ઘણી વખત આપણને જૂનાપણાનું માન રહી જતું હોય છે. હું આટલાં વર્ષોથી સત્સંગમાં છું, હું સિનિયર છું, મને વધારે ખબર પડે છે, આ સેવા માટે તો હું જ યોગ્ય છું – આવી ક્ષુલ્લક વિચારસરણીમાં રાચતા હોઈએ છીએ. અને એમાંય જો મહારાજ અને મોટાપુરુષ કે વ્યવહારમાં પણ આપણી સમકક્ષ વ્યક્તિને આપણા કરતાં કોઈ ઊંચી સેવા કે સારી પદવી પ્રાપ્ત થાય ત્યારે આપણે હચમચી જતા હોઈએ છીએ. સામેની વ્યક્તિ ઉપર દ્વેષ ઉત્પન્ન થતો હોય છે અને આત્મીયતામાં તિરાડમાત્ર નહિ, મોટામોટા દરોડા પડી જતા હોય છે. 100 જણની સેવા કરવાનો ઉત્સાહ ક્યાંય ઓસરી જતો હોય છે. ત્યાં આપણે મહારાજને કર્તા નથી સમજી શકતા.

(4)   કોઈમાં વિશેષ આવડતનાં દર્શન કરીએ ત્યારે :

લોકવ્યવહારમાં કે સત્સંગમાં આપણે કોઈ બાબતમાં નિપુણ છીએ એવું માનતા હોઈએ અને આપણા કરતાં કોઈ વિશેષ આવડત ધરાવતી વ્યક્તિને જોતાં જ આપણને અંદરથી ઘૃણા ઉત્પન્ન થાય છે. વ્યક્તિ પ્રત્યે વાણી, વિચાર ને વર્તનમાં અણગમો પ્રદર્શિત થાય છે. એની લીટી ભૂંસવાના પ્રયત્નો ચાલુ થઈ જાય છે. પાત્રમાં ક્યાં અવળા ગુણ છે તે શોધવા માંડતા હોઈએ છીએ. કેવી રીતે એના કરતાં હું વધારે સારો દેખાઉં એવા પ્રયત્નો ચાલુ થઈ જાય છે. ત્યાં એનામાં જે ગુણ છે તે મહારાજની આપેલી પ્રસાદી છે અને કરનાર પણ સ્વયં મહારાજ જ છે આ ભાવ કેળવી નથી શકતા.

આવા કેટલાય પ્રસંગોમાં આપણે મહારાજને ખરા કર્તા નથી સમજી શકતા તો પછી મહારાજના કર્તાપણાનો સ્વીકાર કરવા શું કરવું ?

 

મહારાજના કર્તાપણાનો સ્વીકાર કરવાના ઉપાયો :

(1)   સૌમાં મહારાજનાં દર્શન કરવાં :

વ્યતિરેકના સંબંધવાળામાં સ્વયં મહારાજ બિરાજે છે એટલે કે સૌના કર્તા મહારાજ છે. આ સમજણ દ્રઢ થાય તો ક્યારેય કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય તો તેના પ્રત્યે એક જ ભાવ રહે કે એ કાર્યના કર્તા સ્વયં મહારાજ છે. ક્યારેય કોઈ પણ બાબતમાં કોઈને દોષિત ન ઠેરવવા. અનંતકોટિ બ્રહ્માંડમાં કોઈની પાસે ચપટીય પાવર નથી. સૌમાં મહારાજ બિરાજે છે. માટે કર્તા મહારાજ જ છે એમ સમજવું.

(2)   સવળો વિચાર કરવો :

ઘણાબધા લોકો અવળા વિચારમાં જીવી રહ્યા હોય છે. આપણાથી અવરભાવમાં કોઈ નાની ઉંમરની વ્યક્તિ આપણને કોઈ ભૂલ બતાવે ત્યારે તરત જ આપણે તેને તોડી પાડતા હોઈએ છીએ, પણ એના દ્વારા મહારાજ મને કહે છે એ ભાવ દ્રઢ કરીએ તો એના વિષે અભાવ-અવગુણના અવળા વિચારમાંથી બચી શકાય.

ઘણી વાર આપણને એવો અહેસાસ થાય કે મારું કંઈક ખોટું થઈ રહ્યું છે અને એવા વખતે મહારાજ અને મોટાપુરુષ મળ્યા છતાંય કેમ આમ ? એવું નહિ વિચારતાં એમ વિચારવું કે જો કોઈ બાપ એના દીકરાનું અહિત ન ઇચ્છે તો હું તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો દીકરો છું, એ મારા બાપ કોઈનું અહિત ન ઇચ્છે તો મારું તો ક્યાંથી ઇચ્છે ? એ જે કરે છે તે મારા હિત માટે જ કરી રહ્યા છે એવો સવળો વિચાર કરવો.

(3)   પોતાનો કક્કો મૂકવો :

        ઘણી વાર આપણે એવું માનતા હોઈએ છીએ કે પહેલાં હું જ સાચો, પછી બીજા; મારી જ પદ્ધતિ બરાબર છે. આવો પોતાનો જ કક્કો પકડી રાખતા હોઈએ છીએ. પોતાના જ ધાર્યા પ્રમાણે અને ગમતા પ્રમાણે કરાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પરંતુ ત્યાં સામે સ્વયં મહારાજ એ પાત્રમાં રહીને કાર્ય કરે છે એ ભાવ ભૂલી જઈએ છીએ. પરિણામે ક્યાંક મર્યાદા ચૂકી જવાય, અભાવ-અવગુણમાં ચાલ્યા જવાય અને આત્મીયતા ખંડિત થઈ જાય; માટે આવા સ્વભાવનો સદંતર ત્યાગ કરવો.

વિશેષ દ્રઢતા માટે :

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ. પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દ્રશ્ય-શ્રાવ્ય ( CD-VCD ) પ્રકાશનો :

1.      સદાય હસતા રહો

2.      ભક્ત રક્ષક ભગવાન

3.      સમજણ એ જ સુખ

4.      હળવા ફૂલ જેવા થવાનો ઉપાય

5.      નથી રાખવા કોઈને દુઃખી રે...