ક્ષમાયાચના -2

  July 28, 2018

“ક્ષમાયાચના એ કાયરનું લક્ષણ નથી; મહાનતાનો મહાન ગુણ છે જે મહાન વ્યક્તિઓના; જીવનમાંથી સહેજે ઝરે છે.

ગરીબીમાં જ જન્મી અનેક સંઘર્ષો વેઠી મહાન બનેલા અમેરિકાના પ્રમુખ એવા અબ્રાહમ લિંકન પ્રમુખ હોવા છતાં જીવ-પ્રાણીમાત્ર પ્રત્યે ખૂબ દયાળુ સ્વભાવના હતા. તેઓ કોઈનું દુઃખ જોઈ શકતા નહોતા. તેઓ આખો દિવસ અને મોડી રાત સુધી દેશસેવાના કાર્યોમાં વ્યસ્ત રહેતા હતા.

એક દિવસ રાત્રિના સમયે સૂવાની તૈયારી કરતા હતા. એ જ સમયે હાંફળા-ફાંફળા બની એક કર્નલ કાગળ ઉપર સહી લેવા માટે આવ્યા. તે કર્નલનાં પત્ની દરિયાઈ યુદ્ધમાં મૃત્યુ પામ્યાં હતાં. તેમના અંતિમ સંસ્કાર માટે વહેલી સવારે જવાનું હતું. કર્નલ જે સ્થાને ફરજ બજાવતા હતા ત્યાં યુદ્ધની સંભાવના હોવાથી યુદ્ધમંત્રી અને પ્રમુખશ્રીની પરવાનગી લઈને પછી જ ત્યાં જઈ શકાય એવું હતું.

લિંકન ગમે તેટલા થાકેલા હોય પણ આવા કામ માટે તો તેઓ સદા તૈયાર જ હોય. પરંતુ આખા દિવસના કામની અતિ વ્યસ્તતાને કારણે તેઓ ગુસ્સે થઈ ગયા. કર્નલે આ અગાઉ લિંકનને ક્યારેય ગુસ્સે થતા જોયા નહોતા તેથી આશ્ચર્ય પામી ગયા. સહી કરાવવાના કાગળો ત્યાં જ મૂકી તરત જ ત્યાંથી નીકળી ગયા.

અબ્રાહમ લિંકન શયનખંડમાં ગયા. આડા પડ્યા, પડખા ફેરવ્યા પરંતુ તેમને કંઈ ચેન જ ન પડ્યું અને ઊંઘ ન આવી.

અંતે ઊંઘનો પરાજય અને કર્નલના કાગળોનો વિજય થયો. તેઓ મોડી રાત્રે ઊભા થઈ યુદ્ધમંત્રીના ઘરે ગયા. કર્નલના પરવાનાના કાગળો ઉપર યુદ્ધમંત્રીની સહી કરાવી. પછી તેમણે પોતાની સહી કરી. એટલું જ નહિ, એ કાગળ લઈ કર્નલના ઘરે ગયા અને બારણું ખખડાવ્યું.

કર્નલ તો બારણું ખોલતાં અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનને સામે ઊભેલા જોઈ હેબતાઈ ગયા. લિંકને પ્રેમથી કર્નલ સાથે હાથ મિલાવ્યો. કરુણવદને કહ્યું, “કર્નલ, મને માફ કરજો. રાત્રે આપ આવ્યા ત્યારે હું સાવ પશુ જેવો બની ગયો હતો. મારા એ બેહૂદા વર્તન માટે મારી પાસે બચાવ માટે કોઈ શબ્દો નથી. કારણ કે મારી એ અક્ષમ્ય ભૂલ હતી.” વળી એટલેથી ન અટકતાં આગળ કહ્યું, “જેમણે દેશને ખાતર પોતાની જિંદગી અર્પણ કરી છે, એવા માણસ પ્રત્યે એવો જંગલી વર્તાવ કરવાનો મને જરાય અધિકાર નથી. ખાસ કરીને દુઃખમાં આવેલ માણસ મારી પાસે આવે ત્યારે તો નહિ જ.

રાતના મારા એ વર્તાવ માટે મને બહુ જ પસ્તાવો થયો છે એટલે જ ખાસ હું તમારી ક્ષમા યાચવા આવ્યો છું. આ કાગળ લો. મારી ગાડીમાં જરા પણ વાર લગાડ્યા વગર બેસી જાવ. હું તમને બંદરે પહોંચાડી દઈશ.”

મોડી રાત્રે પોતાની ગાડીમાં બેસાડીને કર્નલને બંદરે મૂકી આવ્યા. અમેરિકા જેવા દેશના પ્રમુખ હોવા છતાં તેમની સત્તાનો ઉપયોગ કરવાને બદલે ભૂલ કબૂલ કરી પોતાના હાથ નીચેના અધિકારી આગળ પણ ક્ષમાયાચના કરતા તેઓ સહેજે અચકાયા નહિ; એ જ તેમની મહાનતા હતી.

અબ્રાહમ લિંકને માફી માગી. તેમ આવા પ્રસંગો સાંભળીએ કે મોટાપુરુષ થકી ક્ષમાયાચનાનો મહિમા કે આગ્રહ સાંભળીએ ત્યારે આપણે પણ ક્યારેક શબ્દોથી ઔપચારિક માફી માગી લેતા હોઈએ પણ એટલું પૂરતું નથી. ક્ષમાયાચના કર્યા પછી તે વ્યક્તિ પ્રત્યેની આપણી વર્તણૂક બદલાવી જ જોઈએ. તેમના પ્રત્યેની વાણી મૃદુ અને વર્તન સહાનુભૂતિભર્યું થવું જોઈએ. જે સામેના હૃદયનું પરિવર્તન કરી દે છે.

માફી માગવી એ આંતરિક લાગણી છે. તે સીધો હૃદય સાથે સંબંધ ધરાવે છે. ક્ષમાયાચનામાં ખાસ બે બાબતોનો સમાવેશ થાય છે : (૧) આપણી ભૂલનો એકરાર, (૨) સામેની વ્યક્તિને આદર આપી, રાજી કરવાની ભાવના. જે અબ્રાહમ લિંકનના જીવનમાં દર્શિત થાય છે તે આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ.

ક્ષમાયાચના એ અંતરમાં રહેલી સાત્ત્વિક શક્તિની, મહાનતાની, દાસત્વભાવની અભિવ્યક્તિ છે, જેને આપણા જીવનમાં કેળવવાની છે. ક્ષમાયાચના શબ્દ આપણે સૌ બોલી શકીએ છીએ, તેના ગુણ ગાઈ શકીએ છીએ. પરંતુ બધામાંથી કોઈક જ ક્ષમાની યાચના કરી શકે છે. આપણે નજર સમક્ષ ઘણા પ્રસંગો જોયા હશે કે જ્યારે ક્ષમાયાચના થાય ત્યારે જ ઉદારતા અને માનવતાભર્યા, સ્નેહાળ સંબંધોનું સર્જન થાય છે, અદ્‌ભુત આત્મીયતા સર્જાય છે, વર્ષોના વણસેલા સંબંધો તાજા થાય છે તથા ખોવાઈ ગયેલા સ્વજનો પણ પાછા મળે છે.

ઈ.સ. ૨૦૧૦માં કૅનેડા મંદિર મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે પ.પૂ. સ્વામીશ્રી કૅનેડા પધાર્યા હતા. કૅનેડા ખાતે સત્સંગ શિબિરનું આયોજન કરેલું હતું. શિબિરમાં પ.પૂ. સ્વામીશ્રી ‘આત્મીયતા’ વિષય ઉપર લાભ આપી રહ્યા હતા. આ સભામાં એક અજાણ્યા ભાઈ આવી ખુરશીમાં પાછળ બેસી ગયા. પ.પૂ. સ્વામીશ્રીની આત્મીયતા વિષયક દિવ્યવાણીથી તેમના આંતરજીવનમાં ચહલપહલ મચી ગઈ. તેઓ સભા સાંભળતા થકા રડતાં રડતાં કશુંક લખતા જતા હતા.

પ.પૂ. સ્વામીશ્રીએ વિચાર્યું કે સભા બાદ તેમને રડવાનું કારણ પૂછી લઈશું. પરંતુ તેઓ દર્શન કરવા જ ન આવ્યા. રિસેસ બાદ દ્વિતીય સેશન સાંજે શરૂ થયું. પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણી શરૂ થતાં એ ભાઈ યથાવત્‌ સ્થાને આવીને બેસી ગયા અને તેમનો સવારનો ક્રમ પણ ચાલુ રાખ્યો હતો. સભા શ્રવણ કરતાં રડતા જાય અને કશુંક લખતા જાય. તેથી દયાળુમૂર્તિ પ.પૂ. સ્વામીશ્રીએ ચાલુ સભાએ કોઈ હરિભક્ત પાસે ચિઠ્ઠી મોકલાવી કે સભા બાદ મળીને જશો.

સભા પૂર્ણ થતાં તેઓ પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શને આવ્યા ત્યારે તેમને તેમનું નામ-ઠામ અને રડવાનું કારણ પૂછ્યું. તેમણે કહ્યું, “મારું નામ અરવિંદભાઈ છે, હું કૅનેડામાં જ રહું છું. સવારે સભામાં આપ આત્મીયતા વિષે વાત કરતા હતા ત્યારે હું મારા ભૂતકાળમાં સરી પડ્યો. મારા જીવનમાં બનેલી એ અઘટિત ઘટના આંખ સામે તરવરતી હતી તેથી હું રડતો હતો.

આજથી વીસ વર્ષ પહેલાં હું અને મારા મોટા ભાઈ બંને નડિયાદ (ઇન્ડિયા) ખાતે રહેતા હતા. એ વખતે હજુ અમારા લગ્ન પણ થયા ન હતા. એક દિવસ કોઈ સામાન્ય બાબતમાં અમે બંને ઝઘડી પડ્યા. વાત એટલે સુધી વણસી ગઈ કે અમે એકબીજા સાથે અબોલા લઈ લીધા. સંબંધો કાપી નાખ્યા. એમના લગ્નમાં હું ગયો નહોતો કે મારા લગ્નમાં તેઓ પણ આવ્યા ન હતા. આવા અમારા કુસંપના ઉદ્વેગમાં મારી બા મરણને શરણ થયા તેમ છતાં અમારી આંખો ન ખૂલી.

પછી તો હું કૅનેડા આવી ગયો. મોટા ભાઈ ક્યાં છે ? શું કરે છે ? તેની પણ મને ખબર ન હતી. એટલું જ નહિ, મારા દીકરા-દીકરીને એ પણ ખબર નથી કે મારે બીજા ભાઈ છે. આ બધું આંખ સામે તરવરતા મને અતિશય પસ્તાવો થતો હતો. તેથી હું પ્રથમ સેશનમાં રડતો હતો. તે વખતે દૃઢ સંકલ્પ કર્યો કે મારે આજે ગમે તેમ કરી સામે ચાલીને મોટા ભાઈની માફી માગીને પણ આ કુસંપને તોડી આત્મીયતા કરવી છે.

સભા પછી મેં મોટા ભાઈને ફોન કરવા વિચાર્યું પણ તેમનો નંબર જ નહોતો; તેથી મારી બહેન પાસેથી મોટા ભાઈ નિરંજનભાઈનો ફોન નંબર લીધો અને પૂછ્યું, ‘ક્યાં રહે છે ?’ તેમણે કહ્યું, ‘યુ.એસ.એ. શિકાગોમાં જ રહે છે.’ તેમની પાસેથી નંબર મેળવી મોટા ભાઈને ફોન કર્યો. તેઓ તો મારા ફોનથી અતિશય આશ્ચર્ય પામી ગયા. તેઓ કાંઈ બોલે તે પહેલાં મેં તેમની સાચા દિલથી માફી માગી કે, ‘ભાઈ, મને માફ કરો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં આપની સાથે અણછાજતું વર્તન કર્યું છે, છતાં નાનો ભાઈ ગણી માફ કરી દો.’ મોટા ભાઈએ કહ્યું, ‘ભૂલ તારી નહિ, ભૂલ મારી છે.’ એમ અમે બંને ફોન ઉપર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ખૂબ માફી માગી. દોઢ કલાક વાત કરી. અમને બંનેને પસ્તાવો થતો હતો પણ પ્રશ્ન એ હતો કે, ‘પહેલાં માફી કોણ માગે’ પણ આજે મને આપની સભામાંથી ક્ષમાયાચના કરવાની પ્રેરણા મળી.

મોટા ભાઈ આવતા સોમવારે એક અઠવાડિયા માટે પરિવાર સહિત મારા ઘરે આવવાના છે અને પછીના અઠવાડિયે અમે પરિવાર સહિત તેમના ઘરે જવાના છીએ. સ્વામી, બીજા સેશનમાં વર્ષો જૂનો કુસંપ ટળ્યો અને મને મારા ખોવાઈ ગયેલા મોટા ભાઈ પાછા મળ્યા તેનો આનંદ હતો તેથી હર્ષના આંસુ હતા અને એટલે રડતો હતો. સ્વામી, મોટા ભાઈ આવે ત્યારે જરૂર હું આપનાં દર્શને લઈ આવીશ.” તેમની વાત સાંભળતાં પ.પૂ. સ્વામીશ્રી અંતરથી એમના પર ખૂબ રાજી થયા.

વર્ષોથી સંબંધો વણસેલા હતા. પરંતુ માત્ર ફોન પર ક્ષમાયાચના કરી તોપણ પારિવારિક સંબંધોની રોનક બદલાઈ ગઈ, એકબીજા વચ્ચેની પૂર્વાગ્રહની આંટી છૂટી ગઈ અને અદ્‌ભુત આત્મીયતાનું સર્જન થયું. વેરવિખેર થઈ ગયેલો પરિવાર એકતાના નાતે જોડાઈ ગયો ત્યારે મહારાજ અને મોટાપુરુષ કેવા રાજી થયા હશે !? ક્ષમાયાચના એ પારસ્પરિક સંબંધોની મીઠાશ લાવવાનું અમૃત છે.

ક્ષમાયાચનારૂપી અમૃતનું પાન કરતા થઈએ.