મહાત્મ્ય - ૧
October 18, 2021
મહાત્મ્ય એટલે મૂલ્ય કે મહત્ત્વ.
મહાત્મ્ય એટલે પ્રાપ્તિનો આનંદ અને યથાર્થ ઓળખવાનું ફળ.
મહાત્મ્ય એટલે મોટપ કે જેની આગળ બીજું સર્વે ન્યૂન થઈ જાય.
આમ, મહાત્મ્ય એટલે અલૌકિક આનંદથી લઈને અનુભૂતિ માટેનો સ્રોત.
મહાત્મ્ય એ સત્સંગના પ્રાણ સમાન છે. મહાત્મ્ય સત્સંગને ચેતનવંતું રાખતું ટૉનિક છે. સત્સંગના અચળ પાયાનું મૂળ મહાત્મ્ય છે તે દર્શાવતાં શ્રીજીમહારાજે લોયાના ૧૭મા વચનામૃતમાં કહ્યું છે કે, “જેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે.” જેમ કોઈ પણ ઇમારતના પાયા ઇમારતને અચળ રાખે છે તેમ મહાત્મ્ય સત્સંગનો પાયો અચળ રાખે છે. જેમ જમીનમાં રહેલું પાણી છોડને લીલો રાખે છે તેમ સત્સંગમાં રહેલું મહાત્મ્ય સત્સંગીને લીલા રાખે છે.
શ્રીજીમહારાજના સ્વરૂપને અન્વય-વ્યતિરેકપણે સર્વોપરી અને સનાતન જેમ છે તેમ ઓળખવું તે જ્ઞાન છે. જ્ઞાન છે તે આત્યંતિક કલ્યાણ માટેનો પાયો જરૂર છે પરંતુ એકલા જ્ઞાનથી ક્યારેક શુષ્કતા આવી જતી હોય છે. જેના લીધે આવી સર્વોપરી પ્રાપ્તિ થઈ હોવા છતાં પણ આઠે પહોર આનંદ વર્તતો નથી હોતો. જેના અનુસંધાનમાં શ્રીજીમહારાજ ગઢડા પ્રથમના ૨૪મા વચનામૃતમાં જણાવે છે. જેમાં સદ્. બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે, “કોઈ વિષયમાં પણ પોતાનાં ઇન્દ્રિયો તણાતાં ન હોય, ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થાતા ન હોય, ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે; તોપણ અપૂર્ણપણું રહે છે, ને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે ?” જેના ઉત્તર રૂપે શ્રીજીમહારાજ જણાવે છે કે, “જેમ બાળકના હાથમાં ચિંતામણિ દીધો હોય, તેનું તેને મહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે ને તેનો અંતરમાં આઠે પહોર કેફ રહેતો નથી જે, મારું પૂર્ણકામપણું થયું છે એવું નથી સમજતો એ હરિના ભક્તને મોટી ખોટ્ય છે.” શ્રીજીમહારાજના અભિપ્રાય મુજબ નિશ્ચય હોય પરંતુ મહાત્મ્ય ન હોય તો અંતર સૂનું રહેવાનું છે, કૃતાર્થપણું નહિ જ મનાય. માટે મહાત્મ્ય અને જ્ઞાને સહિત નિશ્ચય કરવો. જેના અનુસંધાનમાં શિક્ષાપત્રી શ્લોક ૧૦૩માં શ્રીજીમહારાજ જણાવે છે :
“माहात्म्यज्ञानयुग्भुरिस्नेहो भक्ति श्च माधवे ।।”
અર્થાત્ મહાત્મ્યજ્ઞાને સહિત ભગવાનમાં અતિશે સ્નેહ એ જ ભક્તિ છે. કારણ કે એકલું જ્ઞાન શુષ્ક કરી નાખે અને એકલું મહાત્મ્ય પણ પ્રેમી કરી દે છે. પરંતુ બંનેનો સમન્વય થાય તો ભર્યા થઈ જવાય, પૂર્ણકામપણું વર્તે અને આઠે પહોર આનંદ વર્તે. જેમ ચોખ્ખા ઘીમાં તળેલા સાટા જ્યાં સુધી ચાસણીમાં ન બોળીએ ત્યાં સુધી તે જમવાને લાયક થતા નથી. જેમાં ચોખ્ખા ઘીમાં તળેલા સાટાને ઠેકાણે જ્ઞાન છે અને ચાસણીમાં બોળે તો જ ગળ્યા લાગે તેને ઠેકાણે મહાત્મ્ય છે. બંનેનું જ્યારે સમન્વય થાય અર્થાત્ ચાસણીમાં બોળેલા સાટા હોય એને જ સાટા કહેવાય. તેમ મહાત્મ્ય અને જ્ઞાન બંનેનો સમન્વય થાય ત્યારે જ એ બંને ફળદાયી નીવડે છે.
સત્સંગમાં નિત્ય પ્રત્યે મુમુક્ષુ ભક્તો શ્રીજીમહારાજને રાજી કરવા સાધન, ભજન-ભક્તિ કરે છે પરંતુ તે જેટલું મહાત્મ્ય સાથે થાય તેટલું જ ખજીને પડે છે, તેટલું જ તેનું શ્રેષ્ઠ ફળ મળે છે. એક અતિશે મહાત્મ્યે સહિત ભક્તિ હોય તો સર્વે તેમાં આવી જાય છે. કારણ, મહાત્મ્યના આધારે સત્સંગ ટકે છે. મહાત્મ્ય એ સત્સંગની આધારશિલા છે.
ગાડી ગમે તેવી સારી હોય પરંતુ ડિઝલ કે પેટ્રોલ વગર ના જ ચાલે; તેમ સત્સંગ ગમે તેટલા ઉદ્ઘોષ સાથે કરીએ પરંતુ મહાત્મ્ય વગર સત્સંગ સતત આગળ ન વધે. સત્સંગનો સાચો પ્રારંભ જ મહાત્મ્યથી થાય છે. જેના સત્સંગની શરૂઆત જ મહાત્મ્યના પાયાથી થાય છે તેની વાત નોખી થઈ જાય છે. મહાત્મ્યથી ઓતપ્રોત હોય તે પોતાનું સમગ્ર જીવન પણ સમર્પિત કરી દે છે. જેને યથાર્થ મહાત્મ્ય હોય તેનો મહિમા શ્રીજીમહારાજે લોયાના ૩જા વચનામૃતમાં ગાયો છે કે, “ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક-લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.”
જેના માટે જગતનાં જીવ-પ્રાણીમાત્ર વલખાં મારે છે તે સઘળું, જેને મહાત્મ્ય સમજાય તેના માટે છોડવું સહેલું થઈ જાય છે અર્થાત્ સહેજે સહેજે બધું જ છૂટી જાય છે. તેને સંસાર અસાર થઈ જાય છે ને એક ભગવાનમાં સાર મનાય છે. જગતના પંચભૂતાત્મક પદાર્થ કે વ્યક્તિ જેની એક દિવસ રાખ જ થવાની છે; તેમાંથી રાગ ટળી જાય છે, સાંખ્ય દૃઢ થતું જાય છે. આ મહાત્મ્યનું અદકેરું મહાત્મ્ય છે, જે અશક્યને પણ વાસ્તવિકતામાં ફેરવી દે છે.
મહાત્મ્ય આનંદ અને અહોભાવ પ્રગટાવે છે. જ્યારે મહાત્મ્યની ગેરહાજરી શુષ્કતા અને અશાંતિ પ્રસરાવે છે. જે ભક્તને સત્સંગમાં સર્વેનું મહાત્મ્ય હોય તેને વિપરીત સંજોગો પણ નડતા નથી. શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૭૨મા વચનામૃતમાં મહાત્મ્યનો મહિમા કહેતાં કહ્યું છે કે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તોપણ તે ભક્તને એવી ભક્તિનું અતિશે બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતાં નથી અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઇચ્છે તોય પણ રૂડું થાતું નથી.”
એટલે કે જે મહાત્મ્ય સમજે તેનું કોઈ ભૂંડું ન કરી શકે અને જે મહાત્મ્ય ન સમજે તેનું શ્રીજીમહારાજ રૂડું કરવાને ઇચ્છે તોપણ નથી કરતા. આ પરથી ફલિત થાય છે કે, જેનામાં મહાત્મ્ય હોય તે જ મહારાજને વ્હાલા લાગે છે. આ જ વચનામૃતમાં જેને શ્રીજીમહારાજનો મહાત્મ્ય સહિત નિશ્ચય થયો હોય તેને કેવો ભાવ હોય તેની વાત કરતાં કહ્યું છે કે, “જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે જે, જે દિવસે ભગવાનનું દર્શન થયું, તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે ?” માટે મહાત્મ્યનો મહિમા સમજી આપણે સૌ મહાત્મ્યઆકારે થઈએ.