મહાત્મ્ય - ૧૦
December 20, 2021
દૂધમાં જાતજાતના મસાલા નાખી કલાકો સુધી ઉકાળી ઉકાળીને દૂધપાક બનાવ્યો હોય પણ તેમાં પડેલું ઝેરનું એક ટીપું દૂધપાકને નકામો બનાવી દે છે. તેમ સત્સંગમાં આવીને ચારેય સ્વરૂપનું મહાત્મ્ય સમજીને મહારાજ અને મોટાપુરુષના રાજીપારૂપી દૂધપાક તૈયાર કરીએ છીએ પરંતુ એમાં કોઈને વિષે થઈ ગયેલો સહેજ અભાવ-અવગુણનો સંકલ્પ એ ઝેરના ટીપા સમાન બની જાય છે.
મહાત્મ્યની વાત હંમેશાં સત્સંગમાં ઊર્ધ્વગતિ કરાવે છે જ્યારે અભાવ-અવગુણની વાત કરેલું-કારવેલું બધું ધૂળ કરી અધોગતિ કરાવે છે. મહાત્મ્યમાં અવગુણ ભળે એટલે તે ઝેર થઈ જાય છે. ઝેરના ઝાડના સંબંધમાં જે આવે તે તમામ ઝેરરૂપ થઈ જાય તેમ અમહિમાની વાતના જોગમાં જે આવે તે અમહિમાવાળો થઈ જાય એવું કાતિલ ઝેર આ અભાવ-અવગુણ છે.
સત્સંગમાં આવીએ ત્યારે તો સૌનો મહિમા હોય જ છે. પરંતુ ક્યાંક સહેજ અમહિમાનો સંકલ્પ ઊઠે પછી અભાવ-અવગુણની આ યાત્રા આપણા જીવનો પણ નાશ કરી નાખે તેટલી ભયંકર હોય છે. તેનું વર્ણન ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકાના કૃપાવાક્ય નં. ૮૩માં કહ્યું છે કે, “પહેલા કોઈને વિષે અવગુણનો સંકલ્પ ઊઠે. એથી આગળ વધતાં તેનો અભાવ આવે. તેનું મનન થાય એટલે આંટી બંધાય. આંટી બંધાય એટલે તેને વિષે ઈર્ષ્યા, વેરઝેર અને માન બધું જ આવે. અંતરમાં ઉદ્વેગ, મૂંઝવણ, અશાંતિ વગેરેને બોલાવવા ન પડે. ભગવાનની જોડેય સુખ ન આવે, જીવવું બેકાર લાગે, મારું કે મરી જઉં એટલે પહોંચાય. માટે અવગુણનો સંકલ્પ પણ ન કરવો. એ ઝેર છે એનાથી છેટા રહેવું સારું. શાસ્ત્રમાં પંચમહાપાપથી છૂટ્યાનો ઉપાય છે પણ અભાવ-અવગુણથી તથા દ્રોહથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી. તેનાથી તો જીવ નાશ પામે છે.”
અર્થાત્ સૌપ્રથમ કોઈનો અમહિમા થાય. પછી તેમનો અવગુણ આવે એટલે તેમના ગુણ હોય તે પણ અવગુણરૂપ થઈ જાય. આગળ જતાં તેમનો અભાવ આવે. તેમની હાજરી પણ ન ગમે. તેમનું કહેવું કે વાત સાંભળવી પણ ન ગમે. અંદરથી ઘૃણા થાય. તેમનું ભૂંડું કરવાના વિચારે તેમનો અપરાધ થઈ જાય. અપરાધની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે તેમનો દ્રોહ થઈ જાય અને જીવનો નાશ થઈ જાય કહેતાં જીવનું આત્યંતિક કલ્યાણનું દ્વાર સદાને માટે બંધ થઈ જાય. શ્રીજીમહારાજ આ કરેલા દ્રોહની સજા રૂપે એવા સૂકા પર્વતમાં નાખી દે કે જ્યાં કોઈ લીલી વનસ્પતિ પણ ન હોય તો પછી તેનું કલ્યાણ કરવા કોણ ત્યાં આવે ? આમ તેનો સદાને માટે આત્યંતિક કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય.
શ્રીજીમહારાજે પણ ગઢડા છેલ્લાના ૧૨મા વચનામૃતમાં દ્રોહનું પરિણામ દર્શાવતાં કહ્યું છે કે, “ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંતકોટિ કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થાતો નથી, અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે.”
નવી કૂંપળોને પાણી મળે તો વધે ને લૂક લાગે તો બળી જાય તેમ સત્સંગમાં આવ્યા પછી મહાત્મ્યરૂપી પાણી મળે તો સત્સંગમાં વૃદ્ધિ થાય અને અભાવ-અવગુણરૂપી લૂક લાગે તો જીવનો નાશ થઈ જાય. તેથી બાપાશ્રીએ પણ ભાગ-૧ની ૧૬૨મી વાતમાં તેની ગંભીરતા બતાવતાં કહ્યું છે કે, “જેમ રાજાનો દ્રોહ કરે તો કેદમાં નાખે તેમ ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો બહુ માર કરે, બીજા જીવનો દ્રોહ એવો માર ન કરે. શ્રીજીમહારાજે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહિ એમ કહ્યું છે, માટે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તો જીવ નાશ પામે.”
નવા જાહેર માર્ગો બનતા હોય ત્યારે રસ્તામાં આવતાં મકાનો, ઝાડ કે કોઈ પણ વસ્તુને બુલડોઝર જમીનદોસ્ત કરી સાફ કરી નાખે છે તેમ અભાવ-અવગુણ એ સત્સંગનું બુલડોઝર છે. ગમે તેટલી કાળજી રાખી મહાત્મ્યરૂપી મકાન બનાવ્યું હોય પણ આંખના પલકારામાં આ બુલડોઝર તેને પાડી નાખે છે. કરેલા સત્સંગને સાફ કરી નાખે છે. મળેલો યોગ પણ છોડાવી દે છે. આ અભાવ-અવગુણરૂપી બુલડોઝરથી ડરી પાછા વળતા રહીએ.