મહાત્મ્ય - ૫
November 15, 2021
સત્સંગમાં આવેલ કોઈ પણ મુમુક્ષુ ભલે પછી તે ત્યાગી હોય કે ગૃહસ્થ, વડીલ હોય, યુવક હોય, બાળક હોય કે પછી પુરુષ હોય કે મહિલા; કોઈ પણ આશ્રિતમાત્ર સત્સંગમાં આવી જે કાંઈ કરે છે તે શાના માટે ? અર્થાત્ સત્સંગ શા માટે ? સત્સંગનું ફળ શું ?
જેમ આંબાનું ફળ કેરી,
એ જ રીતે ગૃહસ્થની પ્રવૃત્તિમાત્રનું ફળ પૈસા.
તેમ, સત્સંગીમાત્રના સત્સંગનું ફળ શું ? અર્થાત્ સત્સંગ શા માટે ?
તેમજ ધ્યાન, માળા, ભજન, મંદિરો કરવાં, સેવા-સમર્પણ કરવું, તપ, ત્યાગ, વ્રત, પૂજા, ચેષ્ટા આ બધાં સાધનો શાના માટે ? તો એકમાત્ર મહારાજ અને મોટાપુરુષના રાજીપા માટે. રાજીપો એ સત્સંગનું ફળ છે. રાજીપાનું ફળ શું ? તો મહારાજની મૂર્તિનું અત્યુત્તમ સુખ. જેમ આંબાનું ફળ કેરી અને કેરીનું ફળ રસ છે; ગોટલા કે છોતરાં નહીં. તેમ સત્સંગનું ખરું ફળ એકમાત્ર મૂર્તિનું સુખ છે.
મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા અને સત્સંગમાં સદાય સુખી અને આનંદમાં રહેવાના બે શ્રેષ્ઠ વિચાર છે :
(૧) મહાત્મ્યનો વિચાર, (૨) રાજીપાનો વિચાર.
ઇલેક્ટ્રૉનિક કોઈ પણ સાધનો ચલાવવા માટે જેમ ઇલેક્ટ્રિક પાવર સાથેનું કનેક્શન ફરજિયાત છે તેમ સત્સંગમાં એકધારી પ્રગતિ જેને કરવી હોય અને મૂર્તિસુખના માર્ગે જેને આગળ વધવું હોય તેને આ બે વિચારોનું કનેક્શન અર્થાત્ બે વિચારોની સાતત્યતા અવિરતપણે રહેવી જરૂરી છે.
સત્સંગમાં મુખ્યત્વે તમામ મુમુક્ષુને રાજીપાનો વિચાર અહોનિશ જોઈએ જ. પરંતુ એ રાજીપાના વિચારનો આધાર મહાત્મ્યના વિચાર પર છે. જેટલો મહારાજ અને મોટાપુરુષનો મહિમા સમજાય તેટલું જ તેમના રાજીપા માટે મંડ્યા રહેવાય. માટે પ્રથમ મહાત્મ્યના વિચારની દૃઢતા કરવી આવશ્યક છે.
મહાત્મ્યનો વિચાર :
મળેલી મોટપ અને પ્રાપ્તિની જીવસત્તાએ સ્વીકૃતિ, અને તેનો અહોભાવ તેનું નામ જ મહાત્મ્ય. વળી, આ મહાત્મ્યમાં કદી અમહિમાના વિચારનો પ્રવેશ ન થાય અને ગમે તેવા સમય, સંજોગ, પરિસ્થિતિમાં પણ સદાય આનંદમાં રહેવાય, પૂર્ણકામપણાના વિચારમાં રહેવાય એ જ મહાત્મ્યનો વિચાર.
મહાત્મ્યના વિચારની જરૂર શું છે ? એનું મૂલ્ય શું છે ?
કારણ સત્સંગમાં આપણા સૌનો એક અને માત્ર એક જ ધ્યેય છે કે, પુરુષોત્તમરૂપ પાત્ર થઈ મૂર્તિનું સુખ લેવું. ત્યારે જેમ પૈસાદાર થવું હોય તો પૈસાનું મહાત્મ્ય સમજવું પડે. ડિગ્રી પ્રાપ્ત કરવી હોય તો અભ્યાસનું મહાત્મ્ય સમજવું જ પડે. બીમારમાંથી સાજા થવું હોય તો ડૉક્ટર અને દવાનું મહાત્મ્ય સમજવું જ પડે. તેમ આપણે પણ પુરુષોત્તમરૂપ થવું છે ત્યારે જેના રૂપ થવું છે એવા પુરુષોત્તમના મહાત્મ્યનો વિચાર કરવો જ પડે. પુરુષોત્તમના મહાત્મ્યના વિચારે કરીને જ પુરુષોત્તમરૂપ પાત્ર થવાની શરૂઆત થાય છે.
મનુષ્યમાત્ર વિષયસુખ પાછળ આસક્ત છે. જે વિષયમાં આસક્ત હોય તે પુરુષોત્તમ એવા સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને વિષે કદી આસક્ત ન જ થઈ શકે. વિષયની આસક્તિ ટાળવા મહાત્મ્ય ફરજિયાત છે તે સમજાવતાં શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૧લા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવાનના સ્વરૂપના મહાત્મ્યનો વિચાર તે પણ અતિ દૃઢ કરવો... તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે.”
વિષયસુખની તુચ્છતા કરવા છતાં પણ ઇન્દ્રિયો-અંતઃકરણના જોરે ક્યારેક તેમાં પ્રીતિ થઈ જાય છે, તુચ્છતા પ્રીતિમાં પરિણમી જાય છે. તેના માટે ઇન્દ્રિયો- અંતઃકરણને જીતવાં પડે. ઇન્દ્રિયો-અંતઃકરણને જીતવા માટે પણ મહાત્મ્યનો વિચાર પ્રથમ જોઈએ જ; તે દર્શાવતાં શ્રીજીમહારાજે લોયાના ૫મા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવાનના મહાત્મ્યનો વિચાર ને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એણે કરીને અંતઃકરણ જિતાય છે.”
મહાત્મ્યનો વિચાર જેટલો રહે તેટલા ઇન્દ્રિયો-અંતઃકરણના ભાવથી પર થવાય, મહારાજની આજ્ઞા અને રાજીપામાં વર્તાય અને સદાય ભર્યા રહેવાય, આનંદમાં રહેવાય.
મહાત્મ્યનો વિચાર આપણા આંતરતંત્રનું પરિવર્તન કરી દે છે. તેનાથી અનાદિકાળના જીવના પડી ગયેલા ઢાળ બદલાઈ જાય છે. જેને મહાત્મ્યનો વિચાર હોય તેને કેવું વર્તે તે દર્શાવતાં શ્રીજીમહારાજે વચનામૃતમાં દર્શાવ્યું છે :
જે વચન કહે તે પાળવાની હિંમત રહે :
જે મહિમાના વિચારમાં જ અખંડ રાચતા હોય તેને ગમે તેવી આજ્ઞા થાય, ગમે તેવું વચન કહે તોય તે કેવા ઉત્સાહથી સ્વીકારી શકે તે શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૧૫મા વચનામૃતમાં કહ્યું છે કે, “જેના હૈયામાં ભગવાનની ભક્તિ (મહિમા) હોય તેને એવી વૃત્તિ રહે જે, ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે, અને આટલું વચન મુથી મનાશે ને આટલું નહિ મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે.”
૭૦ વર્ષની ઉંમરના સાંખ્યયોગી લાધીબાને એક દિવસ મહારાજે આજ્ઞા કરી કે, “સોળે શણગાર સજીને, માથે બેડું મૂકીને આખું ગામ પસાર કરીને કૂવેથી પાણી ભરીને આવો.” છતાંય લાધીબાને મહારાજની આજ્ઞામાં જરા પણ સંશય ન થયો. ગામના લોકો લાધીબાની હાંસી ઉડાવી કે, “લાધી, ૭૦ વર્ષે કોનું ઘર માંડ્યું ?” ત્યારે નીડરતાથી લાધીબાએ કહ્યું, “સ્વામિનારાયણનું ઘર માંડ્યું.”
આમ, જેને મહાત્મ્ય સમજાય તેને તો બસ ! આ કોનાં વચન છે ? એ જ વિચાર રહે અને વચન પાળવામાં હિંમત રહે. આવા મહાત્મ્યસભર થઈ મહારાજ અને મોટાના વચનને અદ્ધરથી ઝીલતા થઈએ.