મહાત્મ્ય - ૬
November 22, 2021
નિયમમાં વર્તે જ :
વાત કરવા કરતાં વર્તવું અઘરું છે. જ્યારે વર્તવાનું થાય ત્યારે દરેકને કાઠું પડતું હોય છે પરંતુ જેને મહિમાનો વિચાર હોય તે કેવા વિચારે નિયમમાં વર્તે તે શ્રીજીમહારાજે વરતાલના ૩જા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવાનનું મહાત્મ્ય જાણતો હોય તે તો એમ વિચારે જે ભગવાનની આજ્ઞાને વિષે મોટા મોટા અક્ષરાદિક રહ્યા છે તે ભગવાનની આજ્ઞા હુંથી કેમ લોપાય ? એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે.”
સંતોને મહારાજે કેવા કેવા ખટરસના આકરા નિયમ આપ્યા, કંતાન પહેરાવ્યા છતાં સરાધાર પાર ઊતર્યા. બસ, કોના નિયમ છે ? એવા મહિમાના વિચારે.
સદ્. સ્વરૂપાનંદ સ્વામી એક વખત ૬૦ સંતોના મંડળ સાથે જામનગર પધાર્યા હતા. વસ્તી બહાર ઉતારો કરવાની આજ્ઞા હોવાથી નગરની બહાર લખોટા તળાવના કિનારે ઉતારો કર્યો હતો. મહારાજે સંતોને દિવસમાં એક જ વખત ઝોળી માગીને જમવાનું નિયમ આપ્યું હતું. આથી સંતો દિવસમાં એક વખત નગરમાંથી ઝોળી માગીને જે કાંઈ લોટ આવે તે લોટના ગોળા કરીને એક એક ગોળો જમતા. સંતોની યુવાન અવસ્થા હોવાથી રાત્રે ખૂબ ભૂખ લાગતી પણ કોઈને કહેતા નહિ. વળી, કોઈ શાકભાજીવાળા ખેડૂત દરરોજ સવારે મૂળા ધોઈને તેના પીળાં પાંદડાં તળાવમાં ફેંકી દેતા. એક દિવસ સદ્. સ્વરૂપાનંદ સ્વામીએ સંતોને પેલા તળાવમાં પડેલાં મૂળાનાં પાનનો રસ ચૂસવાનું કહ્યું કે જેથી જરા રાહત થાય. પરંતુ સંતોએ ના પાડી : “સ્વામી ! મહારાજની આજ્ઞા નથી. માટે અમારાથી નહિ લેવાય.” આથી સદ્. સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા લેવા માટે ગઢપુર પત્ર લખ્યો. પત્રમાં મહારાજે ઉત્તર જણાવતાં કહ્યું કે, “પૂર્વે તો મુમુક્ષુઓ ધોવરામણ પીને સત્સંગ કરતા હતા અને તમને એક ગોળો જમવાનો મળે છે તે શું ઓછો છે ? માટે મૂળાનાં પાંદડાં ચૂસવાના નથી.” મહારાજનો આ પત્ર વાંચતા સંતો મહારાજની રુચિ જાણી ગયા. આટલી બધી વિકટ પરિસ્થિતિમાં પણ સર્વોપરી સનાતન મહાપ્રભુ શ્રીજીમહારાજે આપેલ નિયમનો મહાત્મ્યની દુનિયામાં રાચતા સંતોએ ભંગ ન કર્યો ને મહાપ્રભુને અંતરથી રાજી કર્યા.
નિરંતર અહોપણું વર્તે :
લૌકિક રીતે કોઈ વ્યક્તિએ આપણી ઉપર કોઈ ઉપકાર કર્યો હોય કે મોટા કર્યા હોય તો તેને વિષે કેવો ભાવ રહે ! એમ મહારાજે અને મોટાપુરુષે આપણી ઉપર કરેલી કૃપા માટે કેવો અહોભાવ વર્તવો જોઈએ તે શ્રીજીમહારાજે જેતલપુરના ૩જા વચનામૃતમાં શીખવ્યો છે કે, “એ ભક્ત એમ વિચારે જે હું સત્સંગ મોરે કેવો હતો તો કાળ, કર્મ, જન્મ, મરણ, ચોરાશી તેનો ભોક્તા હતો, તે મુને સર્વ થકી છોડાવીને નિર્ભય કીધો ને રૂડા ગુણ આપીને મોટો કીધો, તે ભગવાનનો અભાવ કેમ હું લેઉં ?”
સદ્. બ્રહ્માનંદ સ્વામીને શ્રીજીમહારાજે કંતાન પહેરાવ્યા છતાં મહિમાના વિચારે દિવ્યભાવમાં ડૂબેલા રહ્યા તેમ મહિમાના વિચારવાળો સદાય દિવ્યભાવમાં ડૂબેલો રહેતો હોય.
આનંદમાં ને ભર્યા રહેવાય :
મહાત્મ્યના વિચારથી જીવાત્માની અનાદિકાળની શૂનકાર અવસ્થા ટળતી જાય છે. શુષ્કતા અને ખાલીપો ટળતો જાય છે અને ભર્યાપણું વધતું જાય છે. મહાત્મ્યના વિચારે દુઃખમાત્ર ટળી જાય છે અને સર્વત્ર આનંદ છવાઈ જાય છે. પ્રાપ્તિના કેફ અને અહોભાવના આનંદમાં ડૂબેલા રહેવાય છે. આમ, મહાત્મ્યના વિચારથી સદાય આનંદમાં મગ્ન રહેવાય.
એક સમયે શ્રીજીમહારાજે સભામાં સંતો પ્રત્યે કહ્યું કે, “અમારો ધોલેરામાં મંદિર કરવાનો સંકલ્પ છે તો તેના બાંધકામ માટે ધોલેરા કોણ જશો ?” ધોલેરાનો વિસ્તાર બાવળિયા અને ખારાપાટનો હતો. ત્યાંનું પાણી પણ અનુકૂળ ન આવે તેવું હતું. જમવાના પણ ફાંફાં પડતા. તેથી સર્વે સંતો નીચું જોઈ ગયા. આવા વિસ્તારમાં તો અતિશે વૈરાગ્યવાળા સંતો જ ચાલે. તેથી વૈરાગ્યમૂર્તિ સદ્. નિષ્કુળાનંદ સ્વામી ધોલેરા જવા તૈયાર થયા. વળી, સ્વામી બાંધકામ માટે અનુભવી હતા. તેથી મહારાજે તેમને ધોલેરા મોકલ્યા. એ વખતે ઉનાળાનો ધોમધખતો તાપ હતો, જમવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. તેથી સંતો ઝોળી માગીને જમતા. શ્રીજીમહારાજે ઝોળીદાનની સૌપ્રથમ શરૂઆત ધોલેરામાં એ વખતે કરાવી હતી. વળી, સંતોને ચારેબાજુ અપમાન ને તિરસ્કાર જ મળતા. સદ્. નિષ્કુળાનંદ સ્વામીને ત્યાંનું પાણી અનુકૂળ ન હોવાથી પેટ મોટું થઈ ગયું ને ગરમીને કારણે આખા શરીરે ગૂમડાં થયા હતા. અતિ કઠિન ને વિકટ સંજોગોમાં પણ મહારાજના મહાત્મ્યના અમૃતરસથી ભરેલા એવા સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ અતિશે આનંદવિભોર થઈને ધોલેરાની ખારાપાટની ભૂમિમાં ઉનાળાના બળબળતા તાપમાં ગરમ પથ્થર પર બેસીને મહારાજની પ્રાપ્તિના કેફનું અદ્ભુત કીર્તન બનાવ્યું કે,
“આનંદ આપ્યો અતિ ગણો રે, આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે...”
ચારેબાજુ નર્યું દુઃખ જ હોવા છતાં સ્વામીને એ દુઃખ દુઃખ લાગ્યું જ નહીં. આનંદની લહેરોમાં જ ગરકાવ રહેતા હતા. એ આનંદ શાનો હતો ? એ આનંદ સર્વોપરી સનાતન ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિનો હતો, આવા દુઃખ સહન કરીને પણ આ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન ક્યાંથી હોય ! સદ્. નિષ્કુળાનંદ સ્વામી અખંડ મહારાજની પ્રાપ્તિના કેફમાં રાચતા હતા.
આમ, મહિમાસભર પાત્રોને સદાય દિવ્યાનંદની અનોખી અનુભૂતિ થાય છે. આપણે પણ સદાય દિવ્યાનંદમાં ડૂબતા થઈએ.