મહાત્મ્ય - ૭
November 29, 2021
આજ્ઞા ને રાજીપામાં વર્તાય :
લૌકિક માર્ગમાં કે વ્યવહારિક માર્ગમાં જેનું જેટલું મહાત્મ્ય સમજાય તેટલી જ તેમની આજ્ઞા પળે અને તેટલા જ તેમના રાજીપામાં વર્તવાની ઇચ્છા થાય, આગ્રહ જાગે. મહાત્મ્યનો વિચાર મનનું ગમતું મુકાવી મહારાજ અને મોટાપુરુષના ગમતામાં અને રાજીપામાં વર્તવા માટે સતત બળ આપે છે. તેથી જેટલો મહાત્મ્યનો વિચાર સુદૃઢ રહે તેટલા જ આજ્ઞામાં અને રાજીપામાં વર્તાય. એને નિરંતર એવો વિચાર રહે કે ‘કોની આજ્ઞા છે અને કોનો રાજીપો છે !!!’ એવા વિચારે પાછા વળાય.
“ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરે શ્રીજી, એ જ મિનિટે થઈ જાય જેમ હરિની મરજી” આવું દાદાખાચરને અહોનિશ રહ્યું તેનું કારણ બસ મહારાજના મહાત્મ્યનો અખંડ વિચાર કે કોની આજ્ઞા છે ? કોનું વચન છે ? આમ, મહાત્મ્યના વિચારે કરીને જ આજ્ઞા અને રાજીપામાં અવિરતપણે વર્તાય.
રાજીપાનો વિચાર :
દરેક વ્યક્તિના જીવનમાં બે પ્રકારના ધ્યેય જોવા મળતા હોય છે :
કાર્યધ્યેય :
અમુક નિશ્ચિત કાર્ય ટૂંકા સમયમાં કરવા માટે આપણે જે નક્કી કરીએ છીએ તે કાર્યધ્યેય છે જે કાર્ય પૂર્ણ થતાં પૂરો થઈ જાય છે. પછી બીજો નવો કાર્યધ્યેય નક્કી થાય છે. જેમ કે, મંદિરે જવું છે - મંદિરે પહોંચ્યા પછી ધ્યેય પૂર્ણ થયો. પછી ઑફિસે જવું છે - ઑફિસે પહોંચ્યા ત્યારે બીજો ધ્યેય પૂર્ણ થયો. અર્થાત્ જીવનમાં કેટલાય કાર્યધ્યેય આવતા હોય છે અને બદલાતા પણ રહેતા હોય છે. પરંતુ...
જીવનધ્યેય :
જીવનપર્યંત જે એક જ ધ્યેય માટે મંડ્યા રહેવાનું હોય તેને જીવનધ્યેય કહેવાય. મહારાજ અને મોટાપુરુષને રાજી કરી જ લેવા છે - આપણા સૌનો અવરભાવનો જીવનધ્યેય છે. આ જીવનધ્યેયને પૂર્ણ કરવા, રાજીપાના વિચારમાં રાચવું ફરજિયાત છે.
આ રાજીપાનું ફળ પરભાવમાં મહારાજની મૂર્તિનું સુખ અને અવરભાવમાં મહારાજ અને મોટાપુરુષને આપણા કોરની નિરાંત, ભરોસો, હાશ. રાજીપાનો વિચાર એટલે મહારાજ અને મોટાપુરુષના રુચિ, અભિપ્રાય મુજબ જ જીવન જીવવાનો વિચાર. મળેલા મહારાજ અને મોટાપુરુષના મહાત્મ્યના વિચારમાંથી જ રાજીપાના વિચારનું પ્રગટીકરણ થાય છે. મહારાજ અને મોટાપુરુષના રાજીપાએ કરીને જ મૂર્તિનું સુખ મળે છે.
જેને નિરંતર રાજીપાનો વિચાર વર્તતો હોય તે પોતાના ગમે તેવા સ્વભાવ હોય તેને પણ ટાળીને મરજીમાં જ વર્તે છે.
“જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત-સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તોપણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે.”
(વચ. ગ.છે. ૨૭)
રાજીપાનો વિચાર હોય તો પંચવર્તમાન પાળવામાં પણ આગ્રહ રહે. તેને નિરંતર રાજીપાની ભૂખ અને કુરાજીપાનું દુઃખ કેવું વર્તતું હોય તે શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૨૯મા વચનામૃતમાં સમજાવ્યું છે કે, “મોટેરી બે-ત્રણ બાઈયું છે તે બરોબર બીજી સર્વે બાઈયું વર્તમાન પાળે છે. કેમ જે, એ મનમાં એમ જાણે છે જો અમે ખબડદાર થઈને વર્તમાન નહિ પાળીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહિ રહે ને કુરાજી થાશે. તથા પરમહંસમાં પણ એમ છે. તથા બીજા જે સત્સંગી બ્રહ્મચારી તથા પાળા એ સર્વેમાં પણ એમ છે, તથા દેશદેશનાં હરિભક્ત બાઈ-ભાઈ છેટે રહ્યાં છે તે પણ વર્તમાનમાં ખબડદાર વર્તે છે, ને એમ જાણે છે જે, જો આપણ સારી પેઠે નહિ વર્તીએ તો મહારાજ કુરાજી થાશે.”
સત્સંગમાં રાજીપાના વિચારવાળાને પોતાપણું કે પોતાનું મનગમતું પણ કંઈ ન રહે. અને તેનો જ સત્સંગ પાર પડે છે. આપણાં ઇન્દ્રિયો-અંતઃકરણ ને દેહ મનમુખીપણે જ વર્તવા ટેવાયેલાં છે; તેને મહારાજના ગમતામાં વર્તાવવા માટે પણ રાજીપાનો વિચાર જોઈએ જ (વચ. ગ.છે. ૧૩). મહાત્મ્યનો વિચાર અને રાજીપાનો વિચાર - આ બંને વિચાર જ્યારે આપણા પ્રત્યેક વિચારમાં ગૂંથાઈ જાય ત્યારે જ આપણી મૂર્તિસુખની યાત્રામાં પ્રગતિ થશે. તથા અવરભાવમાં અને પરભાવમાં કોઈ વિઘ્ન નડશે નહિ અને સદાય સુખિયા રહેવાશે. માટે આ બે વિચારને આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરીએ.