પહેલાનું ભૂલી જવું - 1

  June 5, 2014

પરિવારની અંદર સળગતા પ્રશ્નોનું મૂળ છે. પહેલાનું ભૂલી જવાની તૈયારી નથી. જેના કારણે કેવા પ્રશ્નો સર્જાય છે તે આવો સમજીએ આ લેખના માધ્યમથી.

અમદાવાદના એક વિસ્તારના પરિવારમાં બનેલી આ સત્ય ઘટના છે. સોસાયટીમાં પાંચમા નંબરનું ઘર, જેમાં બે ભાઈઓનો સંયુક્ત પરિવાર આનંદ કિલ્લોલમય જીવન જીવી રહ્યો હતો. બંને ભાઈઓનો ધંધો એક જ હતો. મોટાભાઈને લગ્ન થયે બે વર્ષ પૂર્ણ થયાં હશે ને અચાનક એક રાતે ઘરમાં ચકમક ઝરી. બંને ભાઈઓના સૂર ઊંચા ચડી ગયેલા : “મહેશભાઈના લગ્ન થયા પછી હું જોતો આવું છું કે આપનું વલણ ઘરમાં એકપ‌‍ક્ષી બનતું જાય છે. ધંધાની બાબતમાં પણ મને કામ વધુ સોંપો છો અને છૂટથી પૈસા તમે વાપરો છો અને મારે ખર્ચ કરવો હોય તો તમને પૂછી પૂછીને કરવાનો !” “વિકાસ તું એવું અવળું શા માટે વિચારે છે તને મેં ક્યાં કદી કોઈ ખચ કરવામાં રોક્યો છે અને પિતાશ્રીને નિવૃત કર્યા, તેથી ઘરની ચિંતા તારા માથે  છે તો સ્વભાવિક છે કે ઘરના કામ માટે સમય તો કાઢવો પડશે ને !” બસ, વધુ બહાનાં ન બતાવો, હું કાંઈ એમ ભોળો નથી કે ભોળવાઈ જઈશ.” વિકાસ બોલી રહ્યો... ત્યાં તેમના પિતાશ્રીએ ઉગ્ર વાતાવરણને થોડું શાંત સ્વરુપ આપ્યું અને વિકાસને એના મોટાભાઈ મહેશ માટે સવળો વિચાર કરાવ્યો.

આ પ્રસંગના થોડા જ સમય બાદ વિકાસનાં લગ્ન થયાં. વિકાસનાં લગ્ન થયાં બાદ તો ધરમાં આવા પ્રસંગો વધવા લાગ્યા. વિકાસને તો મહેશભાઈ માટે મનમાં એવું જ નક્કી થઈ ગયું હતું કે, “મહેશભાઈ સ્વાર્થી છે, અને પોતાના પરિવારનો વધુ ખ્યાલ રાખે છે.” એમાં વળી વિકાસનાં ધર્મપત્ની તરફથી પણ એને એવી જ ચઢવણી મળી કે, “એ મોટા છે એટલે સ્વતંત્ર રીતે પોતાનાં ધાર્યા મુજબ કરે. એ સુખેથી જીવન જીવે અને આપણે તો નહિ ક્યાંય ફરવા જવાનું કે નહિ કોઈ ખરીદી કરવા જવાનું. આપણે જ સહન કરવાનું ? આ બધું ખોટું નથી થતું ?”

વિકાસને મહેશભાઈ માટે જે ગ્રંથી બંધાઈ હતી એને વધુ પુષ્ટિ મળી અને  પરિણામે ઘરમાં ફરી ઝઘડાનું સ્વરુપ સર્જાયુ. આ વખતે ઝઘડો થોડો વધુ તીવ્ર હતો છતાં માતાપિતાના કહેવાથી બંને શમી તો ગયા પરંતુ  વિકાસ ઘર છોડી જુદા ઘરમાં રહેવા જતો રહ્યો. વિકાસને મહેશભાઈના વર્તનથી અસંતોષ તો હતો જ અને એમાંય થોડા દિવસોમાં બીજો પ્રસંગ બન્યો, ધંધામાં હિસાબ બાબતે. આ પ્રસંગે પણ ઝધડાએ મોટું સ્વરુપ ધારણ કર્યું. આ વખતે વિકાસે હદ વાળી દીધી હતી. એણે મહેશભાઈ સાથે સંબંધો કાપી નાખ્યા અને કહી દીધું કે, “અત્યાર સુધી તમારું મેં ઘણું સહ્યું પરંતુ હવે નહિ સહું. હું પણ તમને દેખાડી દઈશ” વિકાસે કોટ-કચેરી દ્વારા પૈસા મેળવવા પ્રયત્નો કયા. સામે મહેશભાઈ પણ આ વખતે ઢીલું મૂકે એણ નહોતા. બંનેને એકબીજા માટે બંધાયેલી ગ્રંથીઓના કારણે કોર્ટ-કચેરીની ધક્કા વધ્યા. પ્રશ્ન હતો માત્ર 35,000 રુપિયાના હિસાબનો, પરંતુ બેમાંથી એેકેય સમજવા તૈયાર નહોતું અને પરિણામે હજારોને લાખો રુપિયા કોર્ટ-કચેરીમાં ખોયા છતાં કોઈ જ પરિણામ ન મળ્યું.

આ હોળી માત્ર આ એક જ પરિવારમાં નથી. આવા તો અનેક પરિવારો છે કે જેમાં આવા સળગતા પ્રશ્નોનું મૂળ એક જ છે, પહેલાનું ભૂલવાની તૈયારી નથી. એકબીજા સાથે બનેલા પસંગોને ભૂલવાને બદલે વારંવાર તેને સંભારીને, રજૂ કરીને પશ્નને મોટું સ્વરુપ અપાય છે. જેના કારણે સાંપત સમાજની આ એક જટિલ સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાને કેવી રીતે ઉકેલી શકાય ?

દરેક વ્યક્તિના જીવનમાં ખારા, મોળા, તીખા, કડવા પસંગો તો બનવાના જ છે. પરંતુ એ બની ચૂકેલા પ્રસંગોને લઈને માનસમાં કોઈક વાત નક્કી થઈ જાય છે જેને કહેવાય છે પૂર્વાગ્રહ. વ્યક્તિ પહેલાનું ભૂલી શકતો નથી એનું કારણ એક જ છે : એ વ્યક્તિ પત્યે બંધાયેલો પૂર્વાગ્રહ કે જે એને પહેલાનું જે કાંઈ બન્યું છે એ ભૂલવા દેતો નથી. પૂર્વાગ્રહને અંગેજીમાં Prejudice કહેવાય છે. મનોવૈજ્ઞાનિકોની ભાષામાં એનો અથ થાય છે “પૂર્ણ તપાસ કયા વિનાનો” અથવા “વિના ચકાસણીએ બાંધેલો મત.” ન્યુકોમ્બની વ્યાખ્યા પ્રમાણે “પૂર્વાગ્રહ એટલે કોઈ પણ વ્યક્તિ, જૂથ પ્રત્યે પ્રતિકૂળ દષ્ટિથી જોવાનું, વર્તવાનું કે લાગણી અનુભવવાનું પૂર્વનિર્ધારિત મનોવલણ.” અન્ય રીતે કહીએ તો પૂર્વાગ્રહ એટલે કોઈ પૂર્વથી જ માનસમાં બંધાઈ ગયેલ મત, અભિગમ, અભિપ્રાય કે આગહ, વિચાર કે વલણ.

પૂર્વાગ્રહ એ કોઈ વ્યક્તિ, સમૂહ કે જૂથ વિશે નકારાત્મક, પ્રતિકૂળ કે નુકસાનકારક જ ભાવ દર્શાવે છે તેવું કાંઈ નથી હોતું. પૂર્વાગ્રહ એ એક વલણ છે જે હકારાત્મક કે નકારાત્મક પણ હોઈ શકે. તેમ છતાં પૂર્વાગ્રહ શબ્દનો ઉપયોગ, અર્થ વિશેષ કરીને નકારાત્મક અભિગમ, વલણ માટે થતો હોય છે. જે હંમેશા સત્ય હોય જ એવું નથી બનતું. પરંતુ તેનો વિશેષ ઉપયોગ નકારાત્મક ભાવ દર્શાવવા માટે થાય છે. માટે સામાન્ય અર્થમાં સમજીએ તો પૂર્વાગ્રહ એટલે કોઈ પણ વ્યક્તિ માટે બંધાઈ ગયેલો નકારાત્મક અભિગમ.

સામાન્યત: દરેક વ્યક્તિના જીવનમાં મોટે ભાગે ત્રણ બાબતો પ્રત્યે પૂર્વાગ્રહ જોવા મળતો હોય છે, જેમાં (1) વ્યક્તિ (2) વસ્તુ (3) વિચાર. આ ત્રણેયમાં સૌથી વધુ વિધ્નકર્તા જો કોઈ હોય તો એ છે કોઈ પણ વસ્તુ કે વિચાર પ્રત્યે બંધાયેલા પૂર્વાગ્રહ કરતાં વ્યક્તિ પત્યે બંધાયેલો પૂર્વાગહ વિશેષ વિધ્નરુપ બને છે. પ્રશ્ન એ થાય કે આ પૂર્વાગ્રહ બંધાય છે કેવી રીતે ? અને પહેલાનું ભૂલી જવું કહીએ છીએ તો શું ભૂલી જવાનું છે ?

બહુધા કોઈ પણ વ્યક્તિને વિષે પૂર્વાગ્રહ બંધાવાનું મૂળ કારણ હોય છે અન્યનું આપણી સાથેનું વર્તન અને અન્યનો આપણી સાથેનો વાણીનો વ્યવહાર. વાણી અને વર્તન આ બેને આધારે આપણને પૂર્વાગ્રહ બંધાતો હોય છે. એમાંય આપણી સાથેના વાણી કે વર્તનના કોઈ પણ વ્યવહારને આપણે કેવી રીતે મૂલવીએ છીએ. કેવા દૃષ્ટિકોણથી મૂલવીએ છીએ, એવી માનીનતા આપણા માનસમાં બંધાય છે. જો સવળા દૃષ્ટિકોણથી એ વ્યવહારને મૂલવવામાં આવે તો સુખી થવાય છે, અને એના એ જ વ્યવહારને જો અવળા દૃષ્ટિકોણથી મૂલવવામાં આવે તો સામેની વ્યક્તિ માટે કોઈક નકારાત્મક સમજણ માનીનતા બંધાઈ જાય છે જેને આધ્યાત્મિક ભાષામાં કહે છે પૂર્વાગ્રહ.