પ્રામાણિકતા-1

  June 19, 2018

માનવીને માનવ બનવા જરૂર છે પ્રામાણિક જીવન જીવવાની. પ્રામાણિક જીવન જીવવાની પ્રેરણા મેળવીએ.

મકાનમાં રહેવાનું સુખ લેવા જરૂર છે છતની,

સુરદાસને રસ્તો શોધવા જરૂર છે લાકડીની,

ખેડૂતને પાક તૈયાર કરવા જરૂર છે વરસાદ-પાણીની,

દીપકને અજવાળવા જરૂર છે તેલની,

તેવી જ રીતે,

માનવીને માનવ બનવા જરૂર છે પ્રામાણિકતાની.

માનવજીવનને શોભાડવા જરૂર છે પ્રામાણિક જીવન જીવવાની.

પ્રામાણિકતા એટલે નીતિમય જીવન, આચાર-વિચારની શુદ્ધતા, પવિત્રતા. પ્રામાણિકતા એટલે નિજસ્વાર્થનો ત્યાગ કરી સંપૂર્ણ સાચો વ્યવહાર કરવો અને ચારિત્ર્યશીલ જીવન જીવવું. પ્રામાણિકતા એટલે હકનું, નીતિથી, પરસેવો પાડીને લેવું, મેળવવું, ભોગવવું.

સમયનું વહેણ બદલાતું જાય છે તેમ તેમ મનુષ્યજીવનનું વહેણ પણ બદલાતું જાય છે. જે માનવ સમાજમાં પ્રામાણિકતા પારસમણિની જેમ ઝળહળતી અને નૈતિકતાનું નૂર સદાય વિલસતુ હતું ત્યાં આજે અપ્રામાણિકતાએ ઘેરો ઘાલી પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હોય તેવું લાગે છે. આજે આવતા ટી.વી., રેડિયો પરના સમાચાર કે સમાચાર પત્રોમાં દૃશ્યમાન થતી અપ્રામાણિકતાની હોળીઓ વાંચતાં-સાંભળતાં હૃદય દ્રવી ઊઠે છે. કલુષિતતા માનસને કોરી ખાય છે કે ક્યાં ગયા એ ભૂતકાળના પ્રામાણિકતાનાં મૂલ્યો ? ક્યાં ગયા મહાનપુરુષોના જીવન સંદેશો ? ક્યાં ગયા એ મહારાજ અને મોટાપુરુષોના અભિપ્રાયો ?

આવી અપ્રામાણિકતા બે રીતથી થતી હોય છે :

૧. લાચારીથી : લાચાર માણસથી પેટનો ખાડો પૂરવા માટે, ઘરમાં બે છેડા ભેગા કરવા માટે તેમજ શારીરિક માંદગીના ઇલાજ માટે, કપરી પરિસ્થિતિમાં પાર ઊતરવા અપ્રામાણિકતા થતી હોય છે.

૨. ઉસ્તાદીથી : ખરેખર જેને જરૂર નથી પરંતુ સુખના આધિક્ય માટે એટલે કે વધુ ને વધુ સુખ પ્રાપ્ત કરવા માટે, વધુ પૈસા મેળવવા માટે યુક્તિપૂર્વક અપ્રામાણિકતા થતી હોય છે. આજે સમગ્ર વિશ્વ અપ્રામાણિકતાની બદીથી પીડાઈ રહ્યું છે.

જો આખા ગામમાં સ્વચ્છતા કરવી હોય તો દરેક વ્યક્તિ પોતાના ઘરનું આંગણું વાળી નાખે તો આખું ગામ સ્વચ્છ થઈ જાય; તેમ સમગ્ર વિશ્વમાં, દેશમાં વ્યાપેલી અપ્રામાણિકતાની બદીને દૂર કરવા આપણે સૌએ વ્યક્તિગત પ્રામાણિકતાનાં મૂલ્યો જીવનમાં આત્મસાત્‌ કરવાની જરૂર છે; તો આપમેળે સમાજ, દેશ અને વિશ્વ આખું આ બદીથી બચી શકે. ત્યારે આપણે પણ પ્રામાણિક બનવા દૃઢ સંકલ્પ કરીએ.

પ્રામાણિકતા એ શ્રેષ્ઠ વ્યક્તિત્વનો પાયો અને આદર્શ જીવનનું નૂર છે. આત્માનો પોષક છે.

શરીર માટે સ્વાસ્થ્યની જરૂર છે તે કરતાં પણ વધારે આત્મા માટે પ્રામાણિકતાની જરૂર છે.

 પ્રામાણિકતા શું માત્ર ગરીબોનો જ ઇજારો છે ?

બહુધા વ્યક્તિઓ એવું માનતા હોય છે કે આજના કળિયુગમાં જો પ્રામાણિકતાથી જીવન જીવીએ તો એક દિવસ ભૂખે મરવાનો વારો આવે તેવા વિચારથી તેઓ સુખી થવા, પોતાના ભૌતિક સાધનોની જરૂરિયાતોને સંતોષવા માટે અનૈતિકતા આચરે છે. પ્રામાણિકપણે જીવન જીવવાની વાત આવે ત્યારે પોતાને એવું જ લાગે છે કે હું પ્રામાણિકપણે જ જીવન જીવું છું. બીજા અનીતિ આચરે છે.

જેટલી સત્તા, સંપત્તિ અને મોટપ વધે તેટલી અપ્રામાણિકતા વધતી જતી હોય તેવું પણ ક્યાંક દેખાતું હોય છે. તે કરતાં જ્યારે ગરીબ વ્યક્તિઓમાં વધારે પ્રામાણિકતા જોવા મળે ત્યારે પ્રામાણિકતા એ ગરીબોનો ઇજારો હોય તેવું લાગે છે.

પ્રામાણિકતા અમીરાઈ કે ગરીબાઈને નહિ પરંતુ વર્તનશીલતાને આભારી છે. ગરીબ હોય કે અમીર દરેકના જીવનમાં પ્રામાણિકતાનું સરખું જ મૂલ્ય છે; જે હૃદયના ઊંડાણમાંથી સ્ફૂરે છે, વર્તનમાં ફલિત થાય છે. અને આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે.

ગુજરાતી સાહિત્યસર્જક ઝવેરચંદ મેઘાણી ગામોગામ સદ્‌ઉપદેશ આપવા લોકગીત ગાતા અને ભજવતા. એક દિવસ તેઓ એક ગામમાં આવ્યા. એક ખારવાના (વહાણ ચલાવનાર) માતુશ્રી પોતાના ઘરના આંગણામાં કચરો વાળતા વાળતા લોકગીત ગાતા જાય અને રડતા જાય. તેઓ થોડી વાર ત્યાં થોભ્યા અને ધ્યાનથી લોકગીત સાંભળતાં તેમને આશ્ચર્ય થયું કે આ લોકગીત એવું દર્દભર્યું તો નથી તો પછી ડોશીમા શા માટે રડે છે ?

શ્રી ઝવેરચંદ મેઘાણીએ પાડોશીને ડોશીના રડવાનું કારણ પૂછતા તેમણે જણાવ્યું કે, “થોડા દિવસ પહેલાં તેમનો દીકરો એક શેઠનો માલ વહાણમાં ભરી બીજા બંદરે લઈ જઈ રહ્યો હતો. દરિયામાં તોફાન થતા વહાણ એમાં ભરેલ માલ અને દીકરા સાથે ડૂબી ગયું.” તેઓ ડોશીમાને આશ્વાસન આપવા નજીક ગયા અને કહ્યું, “મા, તમારો દીકરો શેઠનો માલ લઈ દરિયામાં જતો હતો અને ડૂબી ગયો તો તમારે શેઠ પાસે આનું વળતર માગવું જોઈએ ને ?” ડોશીમાએ આનાથી આગળ તેમને બોલવા જ ન દીધા અને મોં આડા હાથ રાખીને કહ્યું કે, “ભાઈ, આપણાથી આવું નો બોલાય. ઉપરથી મારો વીરો શેઠનો માલ પહોંચાડી ન શક્યો ઈ સારું મારે એમને વળતર આપવું જોઈએ. મારાથી તો તેમની પાસે મગાય જ કેમ ? પણ ભાઈ મારે વેંત નથી એટલે દુઃખનું રડવું આવે છે કે હું શેઠના માલનું વળતર કેમ આપી શકીશ ?”

શ્રી ઝવેરચંદ મેઘાણી તો એક ગરીબ ખારવાના ડોશીની પ્રામાણિકતા અને નૈતિકતાનું નૂર જોઈ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા અને કહ્યું, “આવાં પાત્રોમાં પ્રામાણિકતા સદા અમર રહો.” એક ગરીબ ડોશીમા કે જેમને ઘરમાં ખાવાના દાણા ક્યાંથી લાવવા તેનું દુઃખ નથી પરંતુ વળતરના પૈસા આપી નથી શકતા તેનું દુઃખ છે. જ્યારે આજના સમાજ તરફ એક દૃષ્ટિ કરતા જુદું ચિત્ર ખડું થાય કે, જનારનું કોઈ દુઃખ ન હોય કે ન માલનું પણ દુઃખ હોય પણ હાયવોય ને લાલચ હોય જે તે વ્યક્તિ પાસેથી કે વીમાવાળા પાસેથી વળતર મેળવવાની. આ પ્રસંગ પરથી પ્રેરણા લઈ આપણે પણ આવા પ્રામાણિક બનીએ.

ગરીબી અવસ્થામાં કદાચ દામ ન હોય તેથી આવો વિચાર આવે એવું બોલી આપણે મન સાથે સમાધાન કરી લઈએ પરંતુ જેના ઘરમાં દોમ દોમ સાહ્યબી હોય એવાં પાત્રોમાં પણ ક્યાંક આવી પ્રામાણિકતા હીરાની જેમ ઝળકતી હોય છે.

એક વખત અવિનાશ ચેટરજી ગાડી લઈને નીકળ્યા હતા. તેમની ગાડી ધર્મતલા સ્ટ્રીટમાં ઊભેલી એક ખખડી ગયેલી જૂની ગાડીને સહેજ અથડાઈ. તેઓ તરત જ ગાડીમાંથી નીચે ઊતર્યા અને સામેવાળાની ગાડીને શું નુકસાન થયું છે તે જોવા લાગ્યા. ગાડીના પાછલા ભાગનું ‘મડ ગાર્ડ’ સહેજ દબાઈ ગયું હતું. તેઓ આમતેમ કારના માલિકને શોધવા લાગ્યા. પરંતુ કોઈ ન દેખાતા છેવટે તેમણે પોતાનું નામ-સરનામું લખી ગાડીની અંદર કાગળ નાખ્યું. જેમાં તેમણે લખ્યું હતું કે, “મારાથી આપની ગાડીને નુકસાન થયું છે. માટે આ નામ-સરનામા પરથી આપના નુકસાનની રકમ લઈ લેશો.”

બીજા દિવસે તેમની ઑફિસમાં એક સજ્જન આવ્યા. અવિનાશ ચેટરજીએ તેમને આવકારી ખુરશીમાં બેસાડ્યા. સજ્જને પેલી ચિઠ્ઠી કાઢી અને તેમને બતાવી કે તુરત જ તેમણે પોતાના ખિસ્સામાંથી પર્સ કાઢ્યું અને બોલ્યા, “મહાશય, બોલો કેટલા આપવાના છે ?” પેલા સજ્જને હસતાં હસતાં કહ્યું, “ગાંડા થયા છો ? આ શું કરો છો ? હું આપની પાસે નુકસાની લેવા નથી આવ્યો પરંતુ મારી તો આખી રાતની તીવ્ર ઇચ્છા એ હતી કે આજના ઘોર કળિકાળમાં એવા કોણ છે જે પ્રામાણિકપણે આવી અજાણતા થયેલી ભૂલને પણ સ્વીકારી લે છે, તેમજ તેના ડરથી પાછા નથી પડતા.” એટલું કહી એ સજ્જને નુકસાનનું વળતર લેવાને બદલે અવિનાશ ચેટરજીને તેમની પ્રામાણિકતાની કદર કરતી ભેટ આપી.

અવિનાશ ચેટરજી પાસે સત્તા, સંપત્તિ અને પ્રતિષ્ઠા બધું જ હતું તેમ છતાં તેમણે તેમની પ્રામાણિકતાને આંચ ન આવવા દીધી તો તેમની સત્તા, સંપત્તિ અને પ્રતિષ્ઠા ઝળહળી ઊઠી.

આવા પ્રસંગોને જ્યારે આપણા સ્વજીવન સાથે સરખાવીને ચકાસીએ ત્યારે આપણી કસર ઊપસી આવે છે. જ્યારે આજે સ્વભાવગત્‌ ગાડી ભટકાયાના વળતરના પૈસા ચૂકવવાની વાત તો બાજુ પર રહે, ગાડી ભટકાયા પછી સામેવાળા માલિક હાજર હોવા છતાં ગાડી ભગાવી મારવી તે તો કેટલી મોટી અપ્રામાણિકતા કહેવાય !!!

અવિનાશ ચેટરજીએ પ્રામાણિકતાને સ્વજીવનમાં ચરિતાર્થ કરી તેમ આપણે પણ પ્રામાણિકતાના ગુણને લક્ષ્યાર્થ કરી સ્વજીવનને ઉન્નત બનાવીએ.