પ્રાર્થના એક અમોધ શસ્ત્ર
January 20, 2012
- પ્રાર્થના એટલે અંતરનો પોકાર, સાચા ભાવથી મહારાજને કગરવું, વિનંતી કરવી, કાલાવાલા કરવા, ગદ્દ્ગદ્ કંઠે વિનય વચને પ્રભુને રાજી કરવા, રીઝવવા.
- પ્રાર્થના એટલે પોતાની ભૂલોનો એકરાર અને હવે પછી નહિ કરવાનો કરાર.
- પ્રાર્થના એટલે આત્માની સાચી ભૂખ અને ગરજ.
- પ્રાર્થના એટલે રાજી કર્યાનો સહેલામાં સહેલો ઊપાય.
- પ્રાર્થના એટલે નોધારાનો એકમાત્ર આધાર.
- પ્રાર્થના એટલે કોઇ પણ અશકય કાર્યને શકય કરતું અમોધ શસ્ત્ર.
- પ્રાર્થના એટલે ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન પ્રગતિ માર્ગ.
- કોઇ પણ પ્રકારની ઇચ્છા વગર, સકામ ભાવના વગર મહારાજ પાસે સાચા સુખની માંગણી એટલે પ્રાર્થના.
એક નાનકડો બાળક ભારે પથ્થર ઊંચકવા મથી રહયો છે. ઘણી મથામણ બાદ પણ તે પથ્થર ઊંચકી શકતો નથી. એના પિતા બાજુમાંથી પસાર થયા. પુત્રની મથામણ જોઇને તેઓ હસી પડયા. પિતા પુત્રને માર્ગદર્શન કરે છે, - "બેટા, હજુ વધુ તાકાત અજમાવ." છતાં પુત્રથી પથ્થર ઊંચકાતો નથી. પિતા - ફરીથી કહે છે.- "બેટા, તું તારી બધી જ તાકાત વાપરને." પુત્ર કહે, "હું તો મારી બધી તાકાત વાપરું જ છું." પણ "ના ભણી" પિતાએ શાંતિથી કહયું, "હજી તે મને મદદ કરવાનું કયાં કહયું છે ?" આપણે પણ આવું જ કાંઇક થાય છે. આપણે આપણી જાતે જ આપણા જીવનના પ્રશ્નો ઉકેલવા મથીએ છીએ. એટલે એ જોઇ મહારાજ હસે છે. મહારાજ કહેવા માંગે છે કે એકવાર તો તું મારી મદદ માંગ - એકવાર તો મને પ્રાર્થના કર. ને પછી જો તેનો ચમત્કાર!!
દુનિયાના મહાન વૈજ્ઞાનિકો કે જે મહદ્અંશે ભગવાનમાં માનતા હોતા નથી. પણ જયારે અવકાશમાં અમેરિકાએ એપોલો -૧૩ રવાના કર્યું, તે દરમિયાન અહીં પૃથ્વી પર અવકાશયાનનો સંબંધ ચાલુ રહેલો પણ એક ક્ષણ એવી આવી ગઇ કે, જે મિનિટે પૃથ્વી સાથેના સંબંધો તૂટી ગયા. અવકાશયાન ગુમ થયું તેમાં બે મહાન અવકાશયાત્રીઓના જાન માટે દુનિયાના તમામ દેશો ચિંતાતુર બન્યા. થોડી ક્ષણોમાં આખી દુનિયાના તમામ દેશોના રેડિયો અને ટી.વી પર સમાચાર ચાલુ થઇ ગયા કે અવકાશ યાત્રીઓની સલામતી માટે સહુ પોત - પોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરો. તમામ દેશોમાં પ્રાર્થના ચાલુ થઇ અને જેથી અશકય પરિણામ થોડી પળોમાં જ દ્રષ્યમાન થયું કોઇ રીતે તે યાનનો કોન્ટેક ફરી પૃથ્વી સાથે થાય તેમજ ન હતો એ ફરી પ્રાર્થનાના ફળ રૂપે સાકાર થતો દેખાયો અને ફરી યથાવત્ પરિસ્થિતિ થઈ ત્યારે વૈજ્ઞાનિકોએે પ્રાર્થનાના પ્રભુત્વને કબૂલ કર્યું..!
આ તો વાત થઇ સકામ ભાવની પ્રાર્થનાની. પરંતુ મહારાજને તો નિષ્કામ ભકત જ વહાલા છે. નિષ્કામ ભાવથી કરેલી પ્રાર્થના મહારાજે સહેજે સહેજે સ્વીકારી લે છે. નિષ્કામ ભાવની પ્રાર્થના કઇ રીતે કરવી ?
એક ગામમાં એક વાણિયાભાઇ રહે. વાણિયોભાઇ આંખે જોઇના શકે - વળી સ્થિતિએ ગરીબ, તથા એકેય સંતાન નહિ એટલે કે તેઓ વાંઝિયા હતા. વાણિયાભાઇએ એક વખત વિચાર કર્યોં કે, "હું શું કરું તો મારા બધા દુઃખમાત્ર ટળી જાય!" વિચારતા વિચારતા નક્કી કર્યું કે, "બસ, મારે તપ કરવું, એવું આકરૂં તપ કરું કે ભગવાન રાજી થઇ જાય અને રાજી થઇને મને વરદાન આપે. એવા વિચારથી વાણિયાભાઇએ આકરું તપ કરવાનું શરું કર્યું અને એક દિવસ ભગવાન રાજી થઇ ગયા. ભગવાન કહે, "હે વાણિયા, મારી પાસે માંગ, જે માંગે તે આપું, પણ એક શરત, જે માગે એના પર એક જ વચન માંગવાનું, બીજું નહીં."
વાણિયાભાઇ તો વિચારમાં પડી ગયા કે જરૂર તો બધાની જ છે. અને ભગવાન કહે એક માંગ હવે શું કરવું ? પણ પોતે બુધ્ધિશાળી ખૂબ, વાણિયાભાઇએ તો એક વચન માંગ્યું, "હે ભગવાન, બરાબર સાંભળો. મારા વચલા દીકરાની વહુ, મકાનના વચલા માળે, સોનાની ગોળીમાં દહીં વલોવતી હોય અને હું એના વચલા દીકરાને હિંચોળતા હિંચોળતા નજરે જોઉં." આટલું એક વચન આપો.
વાણિયાભાઇએ તો એકમાં બધું માંગી લીધું. મકાનનો વચલો માળ એટલે ઓછામાં ઓછું ત્રણ માળનું મકાન થયું. વચલો દીકરો એટલે ઓછામાં ઓછા ત્રણ દીકરા, સોનાની ગોળી એટલે ખૂબ પૈસો પણ આવી ગયો. દહીં વલોવાયું હોય એટલે દુઝણી ભેંસો પણ હોય ને એના દીકરાને હિંચોળતા જોવું એટલે આંખો પણ આવી ગઇ. આયુષ્ય પણ આવી ગયું હવે શું બાકી રહયું ?"
એમ આપણે ભગવાન પાસે એવું માંગવું કે જેમાં બધું આવી જાય. એવુ શું છે જેમાં બધું આવી જાય ? તો એવું અકે અમોધ શસ્ત્ર છે પ્રાર્થના. મહારાજને નિષ્કામભાવે એક જ પ્રાર્થના કરવી, "હે ઘનશ્યામ મહાપ્રભુ ! હે જીવનપ્રાણ બાપાશ્રી ! હે બાપજી ! હે સ્વામીશ્રી ! અમારી ઉપર સદાય રાજી રહેજો અને અમને મૂર્તિ સુખ આપજો."
આવી નિષ્કામભાવે પ્રાર્થના કરનાર આદર્શભકતની વાત બાપાશ્રીની પહેલા ભાગની વાતમાં આવે છે. કઠિયારો અને તેમના પત્ની મહાપ્રભુના દ્રઢ નિષ્ઠાવાળા અનન્ય આશ્રિત. દરરોજ સવારે વહેલા ત્રણ વાગે ઊઠી, ધ્યાન કરવા બેસે. નાહી, ધોઇ, પૂજાપાઠ કરી મંદિરે દર્શન કરવા જાય. કથાવાર્તા સાંભળે પછી જંગલમાં લાકડા કાપવા જાય અને તેને વેચીને તેમાંથી જે પૈસા આવે તેમાંથી ચોખ્ખો ધર્માદો કાઢે અને પછી બાકીના પૈસામાંથી વસ્તુ લાવી રોટલા બનાવી જમે અને રાત્રે બાર વાગે વાંચનના, નિયમ પૂર્ણ કરી સૂવે. એક વખત કઠિયારો માંદો પડયો. ત્રણ દિવસ સુધી લાકડા કાપવા ન જવાયું તો ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહયા. પણ મહારાજને પ્રાર્થના ન કરી કે, "હે મહારાજ, આ રોગ મટાડો." ચોથા દિવસે કાંઇક સારું થયું અને લાકડા કાપવા ગયા. પરંતુ કુહાડો પણ ઊંચો થાય નહિ છતાંય એના ટચકાથી બ્રહ્માનું બ્રહ્માંડ ડોલવા લાગ્યું. ત્યારે બ્રહ્માને બીક પેઠી કે હમણાં આખું બ્રહ્માંડ પાડી નાખશે એટલે સ્વામિનારાયણ ભગવાનનું રૂપ લઇને ભકતરાજ કઠિયારાને છળવા આવે છે. પરંતુ કઠિયારો એમનું કપટ પકડી પાડે છે.
પછી મહારાજ કઠિયારાને દર્શન આપીને કહે છે "માંગ, માંગ અમે તારી નિષ્કામ ભકિતથી ખૂબ પ્રસન્ન થયા છીએ." "જો આવવું હોય તો અમે અત્યારે જ અમારા ધામમાં તેડી જઈ અને આલોકમાં રહેવું હોય તો અમે તને દ્રવ્ય આપીએ." મહારાજે કઠિયારાને કહ્યું, "હે મહારાજ ! દયાળુ સેવકને દ્રવ્ય જોઈતું નથી. આપ જો તેડી જવા ઈચ્છતા હોય તો તેડી જાઓ. આલોકમાં રાખવા હોય તો રાખો. આપ રાજી થતા હોય અમ જ કરો. પણ અમારી કોઈ ઈચ્છા નથી." કઠિયારા ભક્ત ખુમારીથી બોલ્યા. કેટલી નિષ્ઠા! ત્યારે મહારાજ તેમની ઉપર ખૂબ રાજી થયા ને બંન્નેને નિજ ધામમાં તેડી જાય છે.
ભગવાનના જે સાચા ભકત છે તેને પ્રાર્થના કરવાની જરૂર પડતી જ નથી. ભગવાન તો બધું જ જાણે છે. પ્રાર્થના તો બસ એક રાજીપા માટે અને ર્મૂર્તિના સુખની જ થાય. એટલે જ એક પ્રાર્થનામાં કહ્યું છે;
"પહેલી ને છેલ્લી એ જ અરજ છે,
મૂર્તિના સુખની એક ગરજ છે."
પરંતુ પ્રાર્થના સકામ ન હોવી જોઇએ. કેવળ મહારાજને રાજી કરવા માટેની અને મહારાજમાં જોડાવામાં વિઘ્નરૂપ થતા દોષો ટાળવાની હોવી જોઇએ. આપણે તો અનંત દોષોથી ભરેલા છીએ આપણા વાંક ગુનાનો કોઇ પાર આવે તેમ નથી. આપણે તો બસ મહારાજને સાચાભાવે અખંડ પ્રાર્થના કર્યા જ કરવી : "હે મહારાજ દયા કરો ! હે મહારાજ રાજી રહેજો ! અમારી અંતઃ શત્રુ થકી રક્ષા કરજો." એવી નિરંતર પ્રાર્થનાની ટેવ પાડીએ.
આમ, પ્રાર્થનાએ નિર્દોષ - નિર્વાસનિક ને નિર્વિકારી થવાના અમોધ ઉપાય છે.