રાજીપા સામે દૃષ્ટિ - 2

  May 12, 2015

એક વખત શ્રીજીમહારાજે મહેમદાવાદના બેચર પંચોલી અને લખીરામભાઈને બોલાવ્યા. બંને હરિભક્તોએ આવીને મહારાજને વિનય વચને પૂછ્યું કે, “મહારાજ, અમારું શું કામ પડ્યું ?” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું,  “બેચર પંચોલી, તમારે અને લખીરામભાઈ બંનેને સીથાગામ તમારા વેવાઈને ત્યાં એક પુસ્તકનુંલેવા માટે જવાનુંછે.”

બેચર પંચોલી અને તેમના વેવાઈને કોઈ વ્યવહારિક બાબતે તકરાર થઈ હતી. તેથી બેચર પંચોલી અને તેમના વેવાઈની વચ્ચે અબોલા હતા. કોઈ દિવસ એકબીજાના ઘેર પ્રસંગોપાત્ત પણ જતા નહોતા. પરંતુ બેચર પંચોલીની દૃષ્ટિ એકમાત્ર મહારાજના રાજીપા સામે હતી. તેથી તેમણે મહારાજ આગળ કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર, આજ્ઞાને સહર્ષ સ્વીકારી લીધી. મહારાજની રજા લઈ તેઓ લખીરામભાઈ સાથે ગામ સીથા ભણી ચાલ્યા.

સીથા પહોંચ્યા અને બેચર પંચોલીના વેવાઈને ત્યાં જઈ કહ્યું કે, “અમને સ્વામિનારાયણ ભગવાને તમારે ત્યાં પુસ્તક લેવા માટે મોકલ્યા છે, માટે આપો.” થોડીવાર તેઓ કંઈ જ બોલ્યા નહીં. પછી કહ્યું કે, “એ પુસ્તક તો હળવદના શિવરામ જાની વાંચવા લઈ ગયા હતા એટલે એમની પાસે હશે.” બેચર પંચોલી અને લખીરામભાઈ સીથાથી સીધા જ શિવરામ જાનીને ઘરે જવા નીકળ્યા. હળવદ પહોંચી શિવરામ જાની પાસે પુસ્તકની માંગણી કરી ત્યારે શિવરામ જાનીએ કહ્યું કે, “મારી પાસે પુસ્તક છે જ નહીં. એ પુસ્તક તો મેં ક્યારનુંય તેમને હાથોહાથ સોંપી દીધું છે.” બંને હરિભક્તો ત્યાંથી પાછા સીથા આવ્યા. સીથા આવીને બેચર પંચોલીએ ફરી વખત તેમના વેવાઈને પુસ્તક આપવા વિનંતી કરી. વેવાઈએ વાતને ફેરવી નાંખી અને કહ્યું કે,  “અરે.. હાં, મેં તો... એ પુસ્તક લગભગ વાંકાનેરના બ્રાહ્મણને આપ્યું હોય તેવું લાગે છે, માટે એમની પાસેથી લઈ લો.”

મહારાજના રાજીપાના પ્યાસી એવા બંને હરિભક્તો ફરી પાછા ત્યાંથી સીધા વાંકાનેર ભણી ચાલ્યા. વાંકાનેર જઈ બ્રાહ્મણ હરિભક્તને પુસ્તક અંગે વાત કરી તો તેમણે પણ શિવરામ જાની જેવો જ જવાબ આપ્યો. આવો જવાબ મળવા છતાં બંનેનાં મુખારવિંદ પર હતાશા કે નિરાશાના કોઈ ભાવ ન દેખાયા. ફરી પાછા ચાલતાં-ચાલતાં સીથા ગયા અને વેવાઈ પાસે પુસ્તકની માંગણી કરી ત્યારે તેમણે કહ્યું કે, “હું તો સાવ ભૂલી જ ગયો હતો. એ પુસ્તક તો મેં મોરબીના મકનજીભાઈને લખવા માટે આપ્યું છે. એટલે લગભગ એમની પાસે જ હશે.” બંને હરિભક્તો ત્યાંથી મોરબી જવા નીકળ્યા. મોરબી પહોંચી મકનજીભાઈને ત્યાં ગયા. મકનજીભાઈએ પણ પુસ્તક પાછું આપી દીધું છે એવો જ જવાબ આપ્યો. ત્રણ-ત્રણ વારના ધક્કા થયા છતાંય રાજીપાના ભૂખ્યા એવા બંને અતિ શ્રદ્ધાવાન હરિભક્તો પાછા સીથા આવ્યા.

બેચર પંચોલીએ અને લખીરામભાઈએ વેવાઈને કહ્યું કે, “પુસ્તક અમારા માટે નહિ, પરંતુ ભગવાન સ્વામિનારાયણ માટે જોઈએ છે. જો આપવાની ઇચ્છા ન હોય તો ના પાડી દો, વાંધો નહિ, પણ હવે અમને ધક્કા ન ખવરાવો તો સારું.”

ત્યારે વેવાઈએ લખીરામભાઈને એક બાજુ બોલાવ્યા અને વાત કરી કે, “પુસ્તક તો મારા ઘરમાં જ છે પરંતુ મારા વેવાઈ (બેચર પંચોલી)ને અને મારે વ્યવહારિક બાબતે તકરાર થઈ હતી ત્યારથી અમારે કોઈ સંબંધ રહ્યો નથી. તેઓ સમાજમાં આગળ પડતાં મોટા માણસ છે અને અમે નાના કહેવાઈએ. સમાજમાં કોઈ અમારી ગણતરી કરતા નથી એટલે હું પુસ્તક આપવાનાં બહાનાં બનાવતો હતો. પણ જો બેચર પંચોલી મને પાંચસો દંડવત કરે તો હું તેમને પુસ્તક આપું.”

લખીરામભાઈએ બધી વાત બેચર પંચોલીને કરી. જેમની વૃત્તિ હંમેશાં શ્રીજીમહારાજના રાજીપા તરફ જ મંડાયેલી હતી એવા ભક્તરાજ બેચર પંચોલી તરત જ બે હાથ જોડી બોલ્યા કે, “મારે તો પુસ્તક લઈ જઈ મહારાજને રાજી કરવા છે. એના માટે તમે કહેશો તેટલા દંડવત કરવા તૈયાર છું.” આટલું બોલતાંની સાથે બેચર પંચોલી તેમના વેવાઈના પગમાં દંડવત કરવામાંડ્યા.

થોડા દંડવત થયા ત્યાં તો બેચર પંચોલીનું નિર્માનીપણું અને રાજી કરવાની ગરજ જોઈ, વેવાઈનું હૃદય દ્રવી ઊઠ્યું. બે હાથે બેચર પંચોલીને પકડી લીધા અને બાથમાં ઘાલી ભેટી પડ્યા. વેવાઈના મુખમાંથી અહોભાવ સાથેના ઉદગારો સરી પડ્યા કે, “તમે તો ખરેખરા સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય છો. ધન્ય હો તમારી મહારાજને રાજી કરવાની ભૂખ અને ગરજને !ધન્ય હો તમારી આજ્ઞાને અધ્ધર ઝીલવાની તૈયારીને ! લ્યો આ પુસ્તક અને આજથી હું આપણા વચ્ચે જે કંઈ બન્યું હતું તે ભૂલી જાઉં છું. તમે આજના અમારા મહેમાન છો માટે ઘરે ઠાકોરજી જમાડીને જાવ.”

આપણે સમાજમાં, કુટુંબમાં કે સત્સંગમાં કેટલીક વાર આવા અબોલા તોડતા હોઈએ છીએ. સામેના પક્ષની માફી માંગતા હોઈએ છીએ પરંતુ પોતાની ગરજે. જ્યારે બેચર પંચોલીની દૃષ્ટિ મહારાજને રાજી કરવા સામે જ હતી, તો સમાજમાં, વ્યવહારમાં વેવાઈ પોતાનાથી નાના હોવા છતાં તેમને દંડવત કર્યા. મહારાજને રાજી કરવા સામે જ દૃષ્ટિ રાખી તો અરસપરસની આત્મીયતામાં તિરાડ હતી તે પણ પુરાઈ ગઈ. નવા સંબંધો રચાયા અને મહારાજના અત્યંત રાજીપાનું પાત્ર બની ગયા. આપણે પણ વ્યવહારમાં કે સત્સંગમાં કદાચ કોઈને નમી દેવું પડે કે કંઈ જતું કરવું પડે તો કરવું. કોઈનો વાદવિવાદ ન લેવો.

“કોઈ રાજી કરે કે ન કરે, મારે તો મહારાજ ને મોટાને રાજી કરવા જ છે.” આ પંક્તિને આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરીએ. કોઈની સામું નજર ન કરતાં આપણા અવરભાવના આ ધ્યેયને પૂર્ણ કરવા નિરંતર મંડ્યા રહીએ.

રાજીપા સામે દૃષ્ટિ રાખવાથી થતા ફાયદા :

1. ભાર, ભીડો કે તકલીફ ન લાગે :

એકમાત્ર મહારાજના રાજીપા સામે નિરંતર દૃષ્ટિ રહે તો ગમે તેટલી સેવા હોય તોપણ ક્યારેય સેવાનો ઓવરલોડ (ભીડો) ન લાગે. સૌની સાથે હળીમળી એકમના થઈ સેવા કરી શકાય છે. રાજીપા સામે જ દૃષ્ટિ રાખીએ તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય તોપણ તેમાં તકલીફ નથી પડતી. રાજી થકા હસતાં-હસતાં સેવા કરી શકાય છે. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને રાજી કરવા રાજી થકા 19 માંદા સંતોની સેવા કરી એમાં ક્યાંય ભાર, ભીડો કે તકલીફ ન લાગ્યાં. કારણ એકમાત્ર મહારાજને રાજી કરવા સામે નિરંતર દૃષ્ટિ હતી.

2. અભાવ-અવગુણથી બચી શકાય છે :

સત્સંગ સમુદાય એટલે સમૂહજીવન. સમૂહજીવનમાં દરેકની મુમુક્ષુતા, સેવા કરવાની ભાવના જુદી જુદી હોય છે. સમૂહજીવન દરમ્યાનજો બીજા શું કરે છે અને શું નથી કરતા તે જોવા જઈએ તો અભાવ-અવગુણની ઊંડી ખાઈમાં પડી જવાય છે. પરંતુ જો આપણી દૃષ્ટિ ફક્ત મહારાજના રાજીપા સામું કરી દઈએ તો ‘કોઈ ગમે તે કરે, મારે મહારાજને રાજી કરવા છે’ આવા વિચારથી અભાવ-અવગુણથી પાછા વળાય છે. બાપાશ્રીએ પણ વાતોમાં શિખવાડ્યું છે કે, “આપણા કરતાં કોઈ ધ્યાન, ભજન-ભક્તિ ઓછાં કરતા હોય અને આપણે જો વધુ કરતાં હોઈએ તો એવું વિચારવું કે મારે કરવાનું બાકી છે અને એ કરીને આવ્યા છે.” એટલે કે મારે મહારાજને રાજી કરવાના બાકી છે. એવી નિરંતર રાજીપા સામું દૃષ્ટિ રાખીએ તો અભાવ-અવગુણથી બચી શકાય છે.

3. સ્વભાવ-પ્રકૃતિ ટળી જાય :

ક્રોધ, લોભ, ઈર્ષ્યા, માન જેવા માનવસહજ કેટલાક સ્વભાવો જ પરિવારની આત્મીયતાનું ખંડન થવામાં કારણરૂપ બનતા હોય છે. પ્રસંગોપાત્ત ન બોલવું હોવા છતાં સ્વભાવને વશ થઈ બોલાઈ જતું હોય છે. ન કરવું હોવા છતાં એવું વર્તન સ્વભાવને કારણે થઈ જતું હોય છે. પરંતુ જો એમાં રાજીપા સામે દૃષ્ટિ રહે તો ગમે તેવા પડી ગયેલા સ્વભાવો પણ ટળી જાય છે. સુરાખાચરે મહારાજના રાજીપા સામે દૃષ્ટિ રાખી તો તેમનો સ્વાદિયો સ્વભાવ પણ સહજમાં ટળી ગયો. છતાં પરિવારમાં ક્યાંય આત્મીયતાનું ભંગાણ ન થયું.

4. મનગમતું મુકાઈ જાય – પાછી વૃત્તિ રહે :

પોતાના ધાર્યા પ્રમાણે પોતે નક્કી કરેલા ઢાંચામાં જ બીજાને ઢાળવાનો સૌ પ્રયત્ન કરતા હોય છે. જ્યાં પોતાના ધાર્યા પ્રમાણે ન થાય, પોતાનું ગમતું ન થાય ત્યાં ક્લેશ અને કુસંપનું વાતાવરણ સર્જાતું હોય છે; પરંતુ જો રાજીપા સામે દૃષ્ટિ નિરંતર મંડાયેલી હોય તો દરેક ક્રિયામાં પાછી વૃત્તિ રહે કે, રખેને જો હું મારા ગમતા પ્રમાણે વર્તીશ અને બીજાને વર્તાવીશ તો મહારાજ રાજી નહિ થાય. શું હું મારું ગમતું કરવા આવ્યો છું કે એમનું ગમતું કરવા આવ્યો છું ? એમ નિરંતર વૃત્તિ પાછી વળેલી રહે, પોતાનું ગમતું સહજમાં મુકાઈ જાય.

આધ્યાત્મિકમાર્ગમાં જેની વૃત્તિ રાજીપા તરફ નિરંતર મંડાયેલી હોય તેનું જીવન જ બદલાઈ જાય. સૌની સાથે હળીમળીને પ્રેમભર્યું જીવન જીવી શકે. દિન-પ્રતિદિન મહારાજ અને મોટાપુરુષની નિકટ જવાય તેમજ દિવ્યતા અને સુખ-શાંતિનો અનુભવ કરી શકાય.

વિશેષ દૃઢતા માટે :

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD)પ્રકાશનો :

1. રાજીપાનો રાહ

2. સહજમાં રાજીપો

3. રાજીપાની રીત

4. જાગ્રત આત્મા