સદ્. ગોપાળાનંદ સ્વામી દર્શન - ભાગ - 1

  August 13, 2013

સર્વોપરી, સર્વઅવતારના અવતારી, સનાતન એક અને અજોડ એવા સ્વામિનારાયણ ભગવાન પોતાના મુક્ત મંડળ સહિત મનુષ્યોને મનુષ્ય જેવા દેખાયા. પોતે જેવા દિવ્ય અને સમર્થ છે તેવા જ સાથે લાવેલા મુક્તો દિવ્ય અને સમર્થ છે. છતાં માયામાં ફસાયેલા જીવોએ પોતા જેવા ભાવો શ્રીજીમહારાજમાં અને મુક્તમાં પરઠ્યા.

છતાં મુક્તોએ સંપૂર્ણ અવરભાવમાં જીવતા જીવોને કથાવાર્તા, સમાગમે કરીને મહારાજના પરભાવના સ્વરૂપની ઘેડ્ય પડાવી, સર્વોપરી નિષ્ઠા દૃઢ કરાવી, દિવ્યભાવ દૃઢ કરાવ્યો. પોતે સમર્થ હોવા છતાં જીવોના માન-અપમાન સહન કરી, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના સુખભોક્તા કર્યા.

શ્રીજીહમરાજ પોતાના ધામમાંથી લાવેલા સર્વે મુક્તોમાં અવરભાવવાળાને સમાસ થાય તે માટે અલગ અલગ પ્રતાપ, સામર્થી, અંગ, કળા દેખાડી... તે સર્વે મુક્તોમાં શ્રીજીમહારાજે અવરભાવની રીતે સદ્.ગોપાળાનંદ સ્વામીમાં વિશેષ સામર્થી બતાવેલી. તેઓ મહા ઐશ્વર્યશાળી, મહાપ્રતાપી અને મહાસમર્થ હતા. વળી સ્વયં શ્રીજીમહારાજે પણ પોતાના વારસદાર તરીકે સદ્.ગોપાળાનંદ સ્વામીની જ નિયુક્તિ કરી હતી. તેમને સૌના આગેવાન કરી આચાર્ય, હરિભક્તો, સાધુ, બ્રહ્મચારી, બધાને તેમની આજ્ઞામાં રહેવાનું કહ્યું.

“આચાર્ય, પાળા, વર્ણી સૂણી લેજો રે.   
આ ગોપાળાનંદ મુનિનિ આજ્ઞામાં રહેજો રે”

આપણે ભલે ચર્મચક્ષુએ કરીને શ્રીજીમહારાજના Nearest and dearest saint સદ્. ગોપાળાનંદ સ્વામીને નથી જોયા, પરંતુ વર્તમાનકાળે મહાપ્રભુએ અતિ કૃપા કરીને આપણને જે દિવ્યપુરુષની ભેટ આપી છે તેવા ગુરુવર્ય પ.પૂ.બાપજીમાં સદ્.ગોપાળાનંદ સ્વામીના તથા સર્વે સદ્ગુરુઓના દર્શન થાય છે, તે આપણી પર થયેલી કૃપાનું પરિણામ છે.

તો આવો, આપણે પણ અમૃતપર્વના દિવ્ય પ્રસંગે આપણા વડદાદા સદ્.ગોપાળાનંદ સ્વામીના અનંત દિવ્ય કલ્યાણકારી ગુણોના દર્શન પ.પૂ.બાપજીમાં કરીએ અને ધન્ય બનીએ.

  1. સદ્.ગોપાળાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું ખુશાલભટ્ટ. એક સમયે ઈડરના પહાડોમાંથી એક વાઘ આવી ગર્જના કરવા લાગ્યો. બધા ભયભીત થઈને ઘરમાં પેસી ગયા પરંતુ ગાયોને પાણી પીવડાવવા જતા 10 વર્ષનો બ્રાહ્મણનો દીકરો અને બે ગાયોના વાઘે પ્રાણ લીધા. આ સમાચાર એના પિતાને મળતા તે દુઃખી થઈ ગયા અને વિચાર્યું કે હવે માટે જીવીને શું કામ છે ? તેમ વિચારી તે પણ વાઘ પાસે જતા હતા. તેવામાં ખુશાલભટ્ટ ત્યાં આવી પહોંચ્યા અને તેમને વાર્યા ને વાઘને ભગાડી તે બ્રાહ્મણનો દીકરો અને બે ગાયોને મંત્ર ભણી સજીવન કર્યા.

    જોયું ! મહારાજના ધામમાંથી આવેલા દિવ્યપુરુષો નાનપણથી કેવા મહાપ્રતાપી અને મહાસમર્થ હોય છે ! આપણને હાલમાં ગોપાળાનંદ સ્વામીના અવરભાવમાં દર્શન થયા નથી. પણ મહારાજની અતિશે કૃપા છે કે વર્તમાનકાળે આપણને મળેલા ગુરુવર્ય પ.પૂ.બાપજીમાં આપણા અમીરપેઢીના સદ્.ગોપાળાનંદ સ્વામીના તાદૃશ્ય દર્શન થાય છે. ગોપાળાનંદ સ્વામીનો પૂર્વાશ્રમનો હાલમાં જે પ્રસંગ જોયો તેવા જ ગુરુવર્ય પ.પૂ.બાપજીના પ્રસંગો છે. તેને આપણે નિહાળીએ.

    ગુરુવર્ય પ.પૂ.બાપજીનું પૂર્વાશ્રમનું નામ હતું દેવુભાઈ. તેઓ જ્યારે નાના હતા ત્યારથી તેમનામાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા અને પતિવ્રતાની ભક્તિ હતી. એક વખત દેવુભાઈને સાણંદ તાલુકાના ડરણ ગામે ન છૂટકે લગ્નપ્રસંગે આવવું પડેળું. બન્યું એવું કે જેમના ઘરે લગ્ન હતાં, તેમના ઘરમાં તેમના દીકરાને અચાનક આંચકી આવી અને દેહ છોડી દીધો. આનંદને બદલે દુઃખદ પ્રસંગ ઊભો થયો. સૌ ઊંડા દુઃખમાં ઊતરી ગયા.

    ત્યારે કોઈ સમજુ વ્યક્તિએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન આ દેવુભાઈના દ્વારા કાર્ય કરે છે. તે જરૂર રસ્તો કાઢશે. સૌએ દેવુભાઈને પ્રાર્થના કરી અને દેવુભાઈએ શ્રીજીમહારાજને પ્રાર્થના કરી અને પ્રસાદીનું જળ એના મુખમાં મૂકી કાનમાં ત્રણ વખત સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મહામંત્રનું ઉચ્ચારણ કર્યું ત્યાં દીકરો ઊંઘમાંથી ઊઠતો હોય તેમ આળસ મરડી બેઠો થયો. વર્તમાનકાળે પણ રસિકભાઈ ઠક્કર તરીકે ઓળખાતા એ હરિભક્ત સત્સંગમાં સેવા કરી રહ્યા છે. આમ સદ્.ગોપાળાનંદ સ્વામીના દર્શન આપણને પ.પૂ.બાપજીમાં થાય છે.
  1. ઈડર પાસે વડોલી ગામે ભિક્ષાવૃત્તિ પર નિર્ભર એવો એક બ્રાહ્મણ હતો. તેને એક જ દીકરો હતો. અને તે જન્મતાં જ મૂંગો. તેમાંય એકવાર ત્રીજા માળથી પડી ગયો. તેના બંને પગ ભાંગી ગયા. તેમાંય તે 15 વર્ષનો થયો ત્યારે તેના પિતાશ્રી મૃત્યું પામ્યા અને બીજા કોઈ સગા સંબંધી પણ હતા નહીં. હવે તે દુઃખમાં દિવસો કાઢવા લાગ્યો. આ વાત કોઈએ ખુશાલ ભટ્ટને કરી.

    ખુશાલભટ્ટે તે છોકરાને હાથ ઝાલી ઊભો કર્યો અને ઘરની સામે તુલસીક્યારો હતો તેની ફરતી પ્રદક્ષિણા કરાવી. પછી તો તે જાતે જ 200-300 પ્રદક્ષિણા ફર્યો. પછી ખુશાલભટ્ટે છોકરાને તેનું ગોત્ર ક્યું છે ? વેદ એટલે શું છે ? તે પૂછ્યું. તેનો પણ તે સ્પષ્ટ જવાબ આપી શક્યો નહીં ત્યારે સૌએ પ્રાર્થના કરી કે તેને ચાલતો કર્યો તો હવે બોલતો પણ કરો. પછી ખુશાલભટ્ટ પ્રથમમંત્ર બોલ્યા અને તેમની સાથે છોકરો પણ બોલવા લાગ્યો એમ તે 40 અધ્યાય બોલી ગયા.

    આમ, ખુશાલભટ્ટે છોકરાને ચાલતો અને બોલતો કર્યો. આવો જ પ્રસંગ ગુરુવર્ય પ.પૂ.બાપજીનો આપણે જોઈએ.

    વિજાપુર તાલુકાના લાડોલ ગામે રહેતા એક ભાઈનો દીકરો ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પતંગ ચડાવવા ચડ્યો અને પેરેફીટ ન હોવાથી બેધ્યાન થતાં તે દાબા પરથી નીચે પડી ગયો અને અતિશે ઈઝા થવાથી નસ તૂટી જતાં બોલવાનું બંધ થઈ ગયું. તાત્કાલિક હોસ્પીટલમાં લઈ જતા ડોક્ટરે તેની સારવાર કરી પણ ડૉક્ટરના કહેવા પ્રમાણે તે કદાચ બોલતો થઈ શકે તેમ ન હતું ત્યારે તેના પિતાશ્રી દુઃખી થઈ ગયા. એ વખતે એક સત્સંગી ભાઈએ કહ્યું કે તેને અમારા ગુરુ પ.પૂ.બાપજી પાસે લઈ જાઓ.

    એ સમયમાં લાડોલમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલું. તેમાં પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રી પધાર્યા હતા. તે વખતે આ દુઃખદ વાત પ.પૂ.બાપજીને કહેવામાં આવી. અતિ દયાળુ સ્વભાવવાળા પ.પૂ.બાપજીએ શ્રીજીમહારાજને પ્રાર્થના કરી મહારાજનું પ્રસાદીનું જળ આપ્યું અને કહ્યું કે મહારાજ બધા સારાવાનાં કરશે. આમ, આ આશીર્વાદથી 24 કલાકમાં અશક્ય વાત શક્ય બની ગઈ અને તે બાળક બોલતો થઈ ગયો.

    આવા તો અનેકાનેકપ્રસંગો છે. જેમાં દીનદુઃખિયાના દુઃખો પ.પૂ.બાપજીના આશીર્વાદથી દૂર થયા હોય. આમ, સદ્.ગોપાળાનંદ સ્વામીના તાદૃશ્ય દર્શન આપણને પ.પૂ.બાપજીમાં થઈ રહ્યા છે.

                                                                                            વધુ આવતા અંકે