સહનશીલતા - 1

  April 28, 2013

સમુહમાં ઘરસભા, ભોજન અને પ્રાર્થના કરો

પાણીના વહેણની જેમ સમય સતત બદલાઈ રહ્યો છે તેમ પારિવારિક મુલ્યોનો સમય પણ બદલાતો જાય છે. ભૂતકાળનાં પારિવારિક મુલ્યો મહદ્અંશે આજે સમાજમાંથી ઘીરે ઘીરે ભૂંસાઈ રહ્યાં છે. પારિવારિક સમૂહજીવન સમયના વહેણ સાથે આજે એકાકી જીવનમાં ફેરવાઈ રહ્યાં છે. આજના મહત્વાકાંક્ષી જીવનમાં સમૂહજીવન ભારરૂપ કે ત્રાસરૂપ લાગે છે. જેથી દરેક વ્યક્તિ એકલા રહેવાનું જ વઘારે પસંદ કરે છે. પરિણામે વિભક્ત કુટુંબો ની સંખ્યામાં મોટો વઘારો થયો છે.

વિભક્ત કુટુંબમાં દરેક સભ્યોને પોતાની આગવી દુનિયા અને આગવું જીવન જ પસંદ હોય છે. પરિણામે એક ઘરમાં સાથે રહેવા છતાં સાથે રહી શકતા નથીએકબીજા સાથે સુખ-દુખની વાતો વહેંચી શકતા નથી. એકબીજાની લાગણીને પોષી શકતા નથી. વિભક્ત કુટુંબમાં માત્ર 5, 6 કે 7 સભ્યોનું એક નાનકડું વિશ્વ હોવા છતાં પણ પરિવારને સંપના એક દોરે જોડેલો રાખવો અઘરો પડે છે.

પરિવારને પ્રેમદોરીના તાંતણે બાંઘી રાખવાનો સરળ ઉપાય એટલે સમૂહ માં ઘરસભા, સમૂહભોજન અને સમૂહપ્રાર્થના. જેમાંથી પરિવારના સભ્યોને એકબીજાની સાયે હળીમળીને રહેવાની ભાવનાનો ઉદય થાય છે. અને પરિવારની આત્મીયતા ઘનિષ્ઠ બને છે. સૂતરના તાંતણા કેટલા નિર્બળ હોય છે ? પરંતુ જયારે તાણો વાણાથી અને વાણો તાણાથી એકબીજામાં ઓતપ્રોત બને છે ત્યારે સુંદર કાપડ તૈયાર થાય છે. એ જ રીતે આપણે આપણા ઘરના સભ્યો સાથે હળીમળીને, એકમના થઈને રહીએ તો એક જબરજસ્ત નક્કર અને દિવ્ય આત્મીયતાનું સર્જન થશે. આપણે આપણા ઘરના સભ્યો સાથે હળીમળીને રહી શકીએ, એકબીજાને સમજી શકીએ, એકમના થઈ શકીએ તે માટે આપણા ઘરના બઘા જ સભ્યો સામુહિક (સમુહ) જીવન જીવે તે ફરજિયાત છે. અને એટલે દિવસ દરમ્યાન ઘરસભા, ભોજન અને પ્રાર્થના આ ત્રણ તો સમુહમાં જ કરીએ આ ત્રણય સમૂહમાં કરવું શા માટે જરૂરી છે. ? તે સમજીએ.

સમૂહમાં ઘરસભા

ઘરનું મૂલ્ય સમજવા માટેધરતીનો છેડો ઘર’’ આથી સરળ અને ઉત્તમ વ્યાખ્યા હાથ આવવી ઘણી મુશ્કેલ છે. આ નાનકડી કહેવતમાં ઘણું બધું આવી જાય છે. વ્યક્તિનાં સુખ અને શાંતિનું રહસ્ય પણ આમાં જ આવી જાય છે.

કોણ જાણે ઘરમાં એવું તે શું છે કે વ્યક્તિનું આકર્ષણ નિરંતર પોતાના ઘર તરફ રહે છે ? વ્યક્તિ ગમે ત્યાં જાય, દુનિયાના છેડે જાય અને ત્યાં તેને પોતાના ઘર કરતાં પણ ઉત્તમ સુખ, સગવડ, ભોજન અને રહેવાની વ્યવસ્થા મળે છે તોપણ તેને અપૂર્ણપણું લાગ્યા કરે છે. એ બધાંમાં પણ એને કાંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરે છે. જયારે એ પોતાના ઘરમાં આવે છે. ત્યારે જ તેને પૂર્ણતાની અનુભૂતિ થાય છે. ત્યાં જ એનું અંતર ઠરે છે. એ ઘર પછી ભલે નાનું હોય કે મોટું હોય, નાની ઝૂંપડી હોય કે ભાડાનું ઘર હોય પરંતુ એને પોતાના ઘરમાં આવ્યા પછી જ શાંતિ થાય છે. એનુ કારણ શું ?

ઘર એટલે શું માત્ર રેતી, કપચી, ઈંટથી ચણેલી ચાર દીવાલો ? શું ઘર એટલે માત્ર ટપાલ પહોંચાડવા માટેનું સરનામું જ છે ? શું ઘર એટલે માત્ર આરામ અને ભોજન માટેનું જ સાધન છે ? ના.... ના.... ઘરની ગરિમા બહુ ઊંચી છે. ઘર એ માત્ર ભૌતિક સુખો ભોગવવાનું કે લોકોને પ્રભાવિત કરવાનું કે પછી લોકૈષ્ણા મેળવાનું સાધન નથીઘર એ પવિત્રતાનો સ્રોત છે. આધ્યાત્મિકતાનો સંચાર છે, શાંતિનો પુંજ છે.

"કુટુંબના પાંચ સભ્યો જે સ્થાનમાં રહેતા હોય એ ઘર" – આ અર્થ પુરતો નથી. જયાં પ્રભુનો નિવાસ હોય, સત્સંગની સુવાસ જેના ખૂણે ખૂણે વ્યાપેલી હોય, જયાં એકબીજાની લાગણીઓ પોષાતી હોય, જયાં આપણો ભાર હળવો થાય અને હાશનો અનુભવ થાય, જયાં આપણને જોઈ સર્વનાં મુખ મલકી ઊઠે તેનું નામ ઘર.

ઘર એક એવં દિવ્ય અને પવિત્ર સ્થાન છે કે જયાંથી પ્રભુપ્રાપ્તિનું સામૂહિક પ્રયાણ થાય છે; જયાં સત્સંગ અને સંસારનો સેતુ બંધાય છે; જયાં અનેકના જીવન ઘડાય છે. આપણી ભાવિ પેઢી માટે કેળવણીનું માધ્યમ જ આપણું ઘર છે. ઘરમાં રહેલા સભ્યો, ઘરનું વાતાવરણ, ઘરમાં એકબીજા વચ્ચે થતા વ્યવહારો જ આપણી ભાવિ પેઢીનું ઘડતર કરે છે. માટે ઘરનું મૂલ્ય પણ ઓછું આંકી શકાય એમ નથી.

વધુ આવતાં અંકે...