સહનશીલતા - 10 (નમો અને સૌનું ખમો-2)

  August 8, 2013

આવો પ્રસંગ અન્યના પરિવારમાં બને ને ત્યાં જો આપણને સંપ કરાવવાનું કહેવામાં આવે કે સલાહ સૂચનો આપવામાં આવે તો આપણે અન્યને આવી જ રીતે કંઈક સમજાવીએ કે...

  • હશે, કદાચ મોટાભાઈનો વાંક છે કે એ તમને વઢ્યા, પણ એમણે સામેથી માફી માંગી છે તો આપણાથી અટંટ થઇ પકડી ના રખાય. આપણે સામે નમી જવાનું હોય.
  • તમને મોટાભાઈએ બે શબ્દો કહ્યા એમાં આટલું બધું ખોટું થોડું લગાડવાનું હોય ? મોટાભાઈ છે તો એમને બે શબ્દ કહેવાનો અધિકાર છે. ગમે તેમ તોયે એ મોટા છે.
  • આપણે આટલો બધો સત્સંગ કરીએ છીએ તો મોટાભાઈના બે કડવા શબ્દો સહન કરી લેવાની તૈયારી તો આપણામાં જોઈશે ને ? આપના ગુરૂએ કેટલા માન-અપમાનોને સહન કર્યા છે ? આપણે એવા માન-અપમાન તો ક્યાં સહન કરવાના છે ? એક-બે શબ્દો સહન કરવાના છે. એમાં વળી કેવી આંટી ?
  • થોડું સમજો. આપણી આ એક નાનકડી હઠ આપના કુટુંબના વ્યવહારોમાં કેટલી વિઘ્નરૂપ થશે ? આપના ઘરનું, કુટુંબનું અને તમારું પોતાનું સમાજમાં કેટલું ખરાબ દેખાશે ? ઘણા સમયથી આવું ચાલે છે એટલે ક્યાંક પગ ભારે થઇ ગયો હોય તો અમે સાથે રહી બોલતા કરાવીએ.. ગમે તેમ કરીને પણ આપણે અબોલા છોડવાના છે.

આપણે આવો કંઈક ઉપદેશ આપીને એમના પરિવારમાં સંપ કરાવવા માટે પ્રયત્ન કરીશું. પરંતુ સાથે સાથે એક પ્રશ્ન વિચારવો બહુ જરૂરી છે. જે ઉપદેશ આપણે એ હરિભક્તને આપવા માટે તૈયાર થયા છીએ એ ઉપદેશ સમય આવે આપણે પોતાને આપી શકીએ છીએ ? સમયે આપણે સામેનાની આગળ નમતું જોખી શકીએ છીએ ? સામેની વ્યક્તિના બે કડવા વચન આપણે ગળી જઈએ છીએ ? સહન કરી શકીએ છીએ ? મહત્વનો મુદ્દો તો એ છે. આપણે બીજાને ઉપદેશ તો આપી શકીએ છીએ પરંતુ એ જ ઉપદેશને પોતાના સ્વજીવનમાં લઇ શકતા નથી અને સમય આવ્યે આપણે આપણા સ્વભાવો ઉપર જતા રહીએ છીએ.

કોઈએ આપણા ઉપર હાથ ઉપાડ્યો હોય તો તેની અસર ૫-૧૦-૧૫ મીનીટ કે ૨-૪ કલાક રહે છે. પરંતુ આપણા માટે બોલાયેલા બે શબ્દો કે આપનું અપમાન કર્યું હોય તો એ શબ્દોને આપણે જીવનપર્યંત ભૂલી શકતા નથી. શબ્દોની ગાંઠ વાળી દઈએ છીએ અને પૂર્વાગ્રહના પોટલાં ભરીએ છીએ. એમના દોષોનું ધ્યાન કરીએ છીએ ને એમના વિષે અવરભાવમાં ચાલ્યા જઈએ છીએ. આગળ જણાવેલ બે ભાઈઓના પ્રસંગમાં ભલે તે હરિભક્ત સંતોના કહેવા છતાં પોતે અડગ રહ્યા, એમાં પોતાને જીત માની પરંતુ ખરેખર વાસ્તવિકતાએ તેઓ હારેલા જ છે. જો તેઓ નમી ગયા હોત તો મહારાજ અને સંતોના હૈયાના હાર થઈ જાત. અંતરના રાજીપાના પાત્ર બની જાત.

આપણો વાંક કદાચ હોય કે ન હોય છતાંય નમી જઈ માફી માંગી લેવાની રીત શ્રીજીમહારાજે પોતે વર્તીને આપણને શીખવી છે.

એક વખત ગઢપુરના જૈન અપાસરામાં એક ઘટના બની ગઈ. એક હરિભક્તના બાળકુંવર જૈન અપાસરા પાસેથી નીકળ્યા. એવામાં તેઓ થૂંક્યા જેના છાંટા તે અપાસરાના ખાટલા પર પડ્યા.

સ્વામિનારાયણના સત્સંગીના દીકરાથી થયેલી આવી નાની ભૂલ માટે જૈન સાધુઓએ રજનું ગજ કરી મૂક્યું. તેમને પોતાનું અપમાન લાગ્યું તેથી તેઓ દોડતા ગઢડાના વેપારી મહાજનોની વચ્ચે પહોંચી પોતાનો ઊભરો ઠાલવવા માંડ્યા કે, “તમારા વેપારી મહાજનોમાં પાણી નહિ ત્યારે અમારે આવા અપમાનો વેઠવા પડે ને આજે એ સ્વામિનારાયણીયો ઓટલે થૂંક ઉડાડી ગયો ? કાલે અમારા બધાયની ઉપર થૂંક ઉડાડશે. તોય તમે કાંઈ નહિ કરી શકો.”

અગ્નિમાં જેમ ઘી હોમાય તો વધુ પ્રજ્વલિત થાય તેમ જતિના શબ્દોએ મહાજનોનો ઉશ્કેરાટ વધારી દીધો. તેમને જૈન સાધુના થયેલા અપમાનને કારણે ગઢપુરના બજારની દુકાનો બંધ કરવાના આદેશો આપ્યા. થોડી વારમાં આખી બજારમાં સોપો પડી ગયો. ચર્ચા ચકડોળે ચડી. વાતનું વતેસર થવા માંડ્યું અને હવે કેવી રીતે સ્વામિનારાયણને પાઠ ભણાવવો તેની સૌ વિચારણા કરી રહ્યા હતા.

આ બધી પરિસ્થિતિની જાણ શ્રીજીમહારાજને થતાં કોઈની સાથે વાતચીત કર્યા વગર તેઓ સભામાંથી ઊભા થઇ ગયા અને માણકી મંગાવી. મહારાજ માણકીના પેગડામાં પગ ભરાવતા અપાસરા ભણી ચાલ્યા. પાળાઓ, સંતો મહારાજની સાથે ચાલવા તૈયાર થયા. મહારાજે ‘કોઈને પણ સાથે આવવાનું નથી, અમે એકલા જ જઈશું’ એવી આજ્ઞા કરી.

શ્રીજીમહારાજ એકલા જ જૈન અપાસરે પહોંચ્યા. ગંભીર મુખમુદ્રાએ પગથિયાં ચઢી ઉપર પહોંચ્યા ત્યાં તો જતિઓ અને મહાજનો હવે આગળ શું કરવું તેના પગલા અંગે મસલત કરી રહ્યા હતા. અચાનક ભગવાન સ્વામિનારાયણને આવા તંગ વાતાવરણમાં એકલા જોતા સૌ અવાચક થઇ ગયા. તેમની આંખો આ વાસ્તવિકતાને સ્વીકારી શકતી નહોતી. તેઓ કંઈ બોલે તે પહેલાં શ્રીજીમહારાજ બે હાથ જોડી માફી માંગતા બોલ્યા કે, “હે ઉદારદીલના તપસ્વી પુરુષો આજે અમારા સત્સંગીના દીકરાથી અજાણતા ભૂલ થઇ ગઈ છે, તો હે સાધુવર્ય, એમાં આપનું અપમાન થયું હોય તેવું લાગ્યું હોય તો માફ કરશો. મહાજનનાં મન તો મોટા હોય માટે આ ભૂલને માફ કરી દો. હું તમને વિનંતી કરું છું કે આ ઝઘડાનો અંત આણો અને બજારો પણ ચાલુ કરાવી દો... રાજી રહેજો.”

જતિ અને મહાજનો તો આ સાંભળી સ્થિર થઇ ગયા. અનંતના ઇષ્ટદેવ એવા ભગવાન સ્વામિનારાયણ જાતે માફી માંગવા આવ્યા ! એ પણ બધાની વચ્ચે જાહેરમાં બીજાની ભૂલને પોતે સ્વીકારી લીધી ! આહાહા... શું સ્વામિનારાયણનું ભક્તવત્સલપણું...!

શ્રીજીમહારાજ જતિઓ અને મહાજન આગળ નમી ગયા અને તેમની માફી વગરવાંકે માંગી. આ વિનીત વર્તનના પડઘા આખા ગઢપુરમાં ગાજવા માંડ્યા. ચોમેર વાતાવરણ બદલાઈ ગયું. વિરોધોના વંટોળો મહિમાના પૂરમાં ફેરવાઈ ગયા.

શ્રીજીમહારાજે એક બિનસત્સંગી આગળ પણ નમી માફી માંગી શક્યા તો આપણે તો સત્સંગમાં વ્યતિરેક સંબંધવાળા સૌના દાસ થવાનું છે. આ દાસત્વભાવ એ જ આપણી આધ્યાત્મિક ઊંડાઈ છે.

આપણે કોઈની આગળ સરળ થઈને નમી શકતા નથી કે દાસ ભાવે, નિર્માનીપણે કોઈનાય બે કડવાં-મીઠાં વચનોને કે થયેલી ટકોરને હસતે મુખે સ્વીકારી શકતા નથી તેનું કારણ શું ? આપણને કોઈના બે શબ્દો તીરની માફક વાગે છે અને ડગમગાવી નાખે છે. આપણા આંતરતંત્રમાં ચહલપહલ મચાવી દે છે એનું કારણ શું ? તો આપણું દેહાભિમાન. આપણું દેહાભિમાન જ આપણને નમવા દેતું નથી કે કોઈનાય કડવાં શબ્દોને-વચનોને સહન કરવા દેતું નથી. એ દેહાભિમાનનો મોટામાં મોટો દીકરો છે માન. સહનશીલતાના અભાવનું કારણ જ આપણું માન. એટલે જ કહ્યું છે કે,

“વેણ, કવેણ સહન કરીને, ભાર ને ભીડો ખમ્યા કરો;

સેવા બીજાથી વધુ કરીને, અહોભાવમાં જીવ્યા કરો;

નાની નાની વાતોની ગાંઠો છોડી, મોટું પેટ રાખીને ફર્યા કરો.

                                                                           નિર્માની થઈને પ્રભુને ગમો...”

મનુષ્યમાત્રને સૌથી પ્રિય પોતાનો અહમ્ છે. વ્યક્તિ બધું ત્યજી શકે છે. પરંતુ પોતાનો અહમ્ છોડવો એ તો પ્રાણ ત્યાગ કરવા જેવું અઘરું લાગે છે. જીવાત્માને સૌથી વધુ સ્વાદ પણ માનમાંથી જ આવે છે. એટલે શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૪૧મા વચનામૃતમાં કહ્યું છે કે,

“જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરીભક્તમાં અતિશે મોટો જાણવો.”

આપણાં અહમ્, માનને લીધે આપણે ઘણી વાર નાપાસ થયા છીએ. આપણા માનને લીધે જ આપણા કુટુંબમાં, પરિવારમાં અને સત્સંગમાં પ્રશ્નો ઊભા થાય છે. આ અહમે આપણને મહારાજ અને મોટાની આગળ પણ નાપાસ કરી દીધા છે. ભૂતકાળમાં બનેલા એવા પ્રસંગોને આપણે સાંભળ્યા છે કે જ્યાં પોતાના અહમ્, માનને લીધે સ્વયં મહારાજ અને મોટાપુરુષનાં અમૃત સમાં કડવાં વચનો પણ સહન થઇ શક્યાં નથી, એમની આગળ પણ નમી શકાયું નથી.

વધુ આવતાં અંકે