સહનશીલતા - 3
May 28, 2013
સમૂહમાં ભોજન
આજે દિનપ્રતિદિન કુટુંબોમાં વિસંવાદિતા ઊભી થતી જાય છે જેના પરિણામે તૂટતાં પરિવારો અને કુટુંબોની છિન્નભિન્નતાનો આંકડો વધુ ઝડપે ગતિ કરી રહ્યો છે. આજે દરેક વ્યક્તિ સમૂહજીવનને પસંદ ન કરતાં એકાંતજીવનને વધુ પસંદ કરે છે અને સ્વતંત્ર જીવન જીવવાની આકાંક્ષાઓ સેવે છે. પરિણામે આજે કુટુંબભાવનાનું વિસર્જન થઈ રહ્યું છે. સમૂહજીવન, સમૂહભોજન અને સંગઠનભાવનાનો ભાંગતો ક્રમ વધી રહ્યો છે.
આજની 21મી સદીની વ્યક્તિ પોતાના કુટુંબના સભ્યો સાથે સમૂહમાં ભોજન લેવાનું બહુ ઓછા અંશે સ્વીકારે છે. પરિણામે મેળાવડાઓ, પિકનિકો, મિટિંગો અને ડિનરો વધી રહ્યાં છે. આ બધાંમાં માત્ર હાજરી જ પુરવાર થાય છે. બાકી કોઈ કોઈને પણ સાચા આત્મીયભાવથી મળતું નથી. આજના લોકોમાં મોજ, શોખ, ગરબા-ડાન્સ, પાર્ટી પ્લોટ-ક્લબ આ બધું વધુ લોકપ્રિય બન્યું છે. હોટલોમાં, લારીઓમાં અને ખાણી-પીણીની બધી જગ્યાએ લાઈનો જોવા મળે છે. પરંતુ ખબર નથી પડતી કે આજના લોકોનું વ્યક્તિત્વ કેવું છે ? વ્યક્તિ બીજાની સાથે મોજ, શોખ, પાર્ટી, ડિનર, મિટિંગ આ બધું જ કરે છે પરંતુ પોતાના કુટુંબના સભ્યોની સાથે બેસી સમૂહભોજન કરતી નથી. આજના યુવાનોને વિજાતિ મિત્રો સાથે હરવું-ફરવું, પિકનિકમાં સાથે જવું, હોટલ કે લારી ઉપર આનંદ-કિલ્લોલ કરતાં જમવાનું ગમે છે; પરંતુ પોતાના પરિવારના સભ્યો સાથે સમૂહમાં જીવન જીવવાનું કે જમવાનું તથા આનંદ કરવાનું ગમતું નથી.
ઘણી જગ્યાએ તો ઘર એટલે એક હોટલ અને માતા એટલે વેઈટરના સ્વરૂપમાં જોવાય છે. હોટલમાં જમવા માટેનો કોઈ સમય નક્કી હોતો નથી. જ્યારે જેને જમવું હોય તે આવીને જમી જાય અને વેઈટર તેને ભોજન પીરસી દે. તેમ ઘરમાં પણ પાંચેય સબ્યોનો જમવાનો સમય જુદો જુદો હોય. દરેક પોતપોતાના સમયે જમવા આવે અને મા વેઈટરની જેમ પીરસતી રહે. આવા રઘવાયા જીવનમાં અને સ્વાર્થી જીવનમાં ક્યાંથી આત્મીયતાનો સેતુ બંધાય ! શું ઘરમાં રહેલી સ્ત્રીનો ઉપયોગ એક વેઈટર તરીકે જ કરવાનો છે ? આ આપણાં પારિવારિક મૂલ્યો નથી. બધાયના માટે સમય કાઢો છો તો આપણા પરિવારના સભ્યો માટે તો સમય કાઢો ! દિવસમાં એક વખત તો એમની સાથે સમૂહભોજન કરો !
આખી જિંદગી બીજાનું જ સાચવ્યા કરવાનું ! બીજાના જ આમંત્રણને સ્વીકારવાનાં ! આપણા પરિવારના સભ્યોના આમંત્રણને તો સ્વીકારો ! એમની લાગણીઓને તો સમજો ! શું ઘરમાં રહેલા સભ્યોને આપના માટે લાગણી જ નથી ? શું એમના હૃદય પથ્થર છે ! ના... ના... એકબીજાની લાગણીઓને, ભાવનાઓને સંતોષવા માટેનું એક અદ્ભુત માધ્યમ છે : સમૂહભોજન. માટે ભલા થઈને આપણે જો કુટુંબની અતૂટતાને ઈચ્છતા હોઈએ, આપણાં બાળકોનું સારું ભવિષ્ય ઈચ્છતા હોઈએ તો દિવસમાં એક વખત તો ઘરના સભ્યો સાથે મળી સમૂહભોજન કરીએ જ.
શ્રીજીમહારાજે પણ સમૂહભોજનની આ પ્રણાલિકા પોતાની હયાતીમાં જ પ્રસ્થાપિત કરી આપણને શીખવ્યું છે.
સંતોની હંમેશાં સમૂહમાં જ જમવાની પંગત થતી. એક વખત સૌ સંતો સમૂહમાં પંગતમાં જમાડવા બેઠા હતા. જમવા માટે બધા જ સંતો આવી ગયા. પરંતુ સદ્.પ્રેમાનંદ સ્વામી આવ્યા નહોતા. શ્રીજીમહારાજે તરત જ પૂછ્યું કે, “પ્રેમાનંદ સ્વામી ક્યાં છે ? હજુ કેમ નથી આવ્યા ?” મહારાજ પોતે સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીના આસને બોલાવવા ગયા. સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીને રોજ શ્રીહરિના કીર્તનનાં ચાર પદ બનાવીને જ જમવું એવો નિયમ હતો. શ્રીજીમહારાજે જઈને સ્વામીને કહ્યું, “સ્વામી ! ચાલો જમાડવા.” ત્યારે સ્વામીએ કહ્યું, “મહારાજ, હજુ બે પદ બનાવવાનાં બાકી છે, બનાવીને આવું.” મહારાજ પોતે સ્વામી જોડે બેસી ગયા અને ઓરડાના પાછળનાં બે પદ પોતે જાતે બનાવ્યાં અને સ્વામીને જોડે જમવા લઈ આવ્યા. સ્વામી આવ્યા ત્યાં સુધી સૌ રાહ જોતા બેઠા હતા.
શ્રીજીમહારાજનો સૌને સમૂહભોજન કરાવવાનો કેવો આગ્રહ ! આવો આગ્રહ આપણા પરિવારમાં પણ કેળવવો.