સહનશીલતા - ૫ (હશે હશેની ભાવના રાખો)

  June 17, 2013

“એક આવાઝ ગુંજેગા સત્સંગ મેં,

સંપ સે હી રહેના હૈ હમ સબ કો;

તભી હોગા પૂરા સફાયા ઘર મેં કુસંગ કા,

ઔર હોગા નિર્માણ એક સુનહરી આત્મીયતા કા.”

          એક જ નિશાન, એક જ ધ્યેય, અંદરોઅંદર પણ એક જ વાત દોહરાવતી થશે. કે “કોઇ આત્મીય બને કે ન બને પણ મારે તો ગમે તે રીતે આત્મીય બનવું જ છે.” “Any How and Any Cost I have to do intimacy with each and everybody.” પરિવારના દરેક સભ્યોનો આવો વ્યક્તિગત સંકલ્પ પ્રબળ બને ત્યારે સંપની સુવાસથી પરિવાર મહેકી ઉઠે છે. સંપીને રહેવા માટે ‘હશે હશેની ભાવના’ એટલે કે ‘Let go’ કરવાની અભિલાષા પરિવારના દરેક સભ્યો અનિવાર્ય છે.

          હશે હશેની ભાવના કેળવવા માટે માફી માંગવાની તૈયારી અને સામે માફ કરવાની તૈયારી હોવી જોઇએ. આ ઉપરાંત સહંશીલતાનો ગુણ આત્મસાત્ કરવાથી કુટુંબ હસતું-રમતું બની જાય છે. અને સંપ વગર અધર્મનો સર્ગ ઘરમાં આવીને કાયમી નિવાસ કરે છે. હશે હશેની આવી ઉદાત્ત વિચારસરણી આપણા જીવનમાં કેળવવા શું જરૂરી છે તે સમજીએ.

          આજે હજારો-લાખોના મુખે એક પ્રશ્નની ઉચાટતા મહેસૂસ થઇ રહી છે. આટલા ટૂંકા ગાળામાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વવ્યાપી બની ગયો છે તેનું કારણ શું ? તેનું કારણ એક અને એક માત્ર એક જ છે : સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતોની અજોડ સહનશીલતા. ભગવાન સ્વામિનારાયણે પોતાના સંપ્રદાયની સ્થાપના કરી ત્યારથી આ સંપ્રદાયના મૂળમાં આ સહનશીલતારૂપી એવું બીજ રોપ્યું કે જેના ફળસ્વરૂપે આજે માત્ર 225 વર્ષના ટૂંકા ગાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયની આન, બાન, અને શાન સમગ્ર વિશ્વમાં પ્રસરી ચૂકી છે.

          સદ્.રામાનંદસ્વામીના ચૌદમાના મંગલકારે દિને સ્વયં શ્રીહરિએ પોતાનું સર્વોપરી એવા ‘સ્વામિનારાયણ’ નામનું પ્રકાશન કર્યું અને ‘યાવદ્ચન્દ્રદિવાકરૌ’ એવા પોતાના સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થાપન કર્યું. એ સમયે સંપ્રદાય નવો હતિ અને વિરોધોના વંટોળો સર્વત્ર ઘૂમી વળ્યા હતા. સ્વયં શ્રીજીમહારાજે પણ પોતે અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ હોવા છતાં, અનંત જીવોને સુખિયા કરવા પાપી, અધર્મી અને માલ વગરના જીવોનાં અપમાનો-તિરસ્કારોને સહ્યાં છે.  ‘સહન કરવું એ અમારો મહામોટો પરમ ધર્મ છે. સહન કરવું તેને જ અમે અમારી મોટપ માનીએ છીએ. અમે ક્શમારૂપી હથિયાર ધારણ કર્યું છે.’

(શ્રી હરિચરિત્રામૃતસાગર : પુર-4, તરંગ-102)

          શ્રીજીમહારાજ એક સમયે સરધારના રાજા તુંગજીત અને વેર્જીત્ના રાજ્દરબારમાં ઊતર્યા હતા. એક વણિક ભક્ત ત્યાં આવી શ્રીજીનહારાજને મહેણું મારતાં પ્રશ્ન પૂછે છે, “પ્રભુ ! તમે ધનિકનિવાજ છો કે ગરીબનિવાજ છો  ત્યારેમહાપ્રભુ કહે છે, “અમે ગરીબનિવાજ છીએ.” ભક્ત વણિક કહે છે, “પ્રભુ, અમને તો આપ ધનિકનિવાજ લાગો છો. આપ જ્યારે સરધાર પધારો છો ત્યારે રાજાના ઘરે જ ઉતારો કરો છો.” આટલું કહેતાની સાથે જ શ્રીજીમહારાજ બોલી ઉઠ્યા, “જા, આજે રાત્રિ-ઉતારો તારા ઘેર, બસ !”

          વણિક ભક્ત તો આ સાંભળી અતિશે રાજી થયા અને ઘેર ગયા. હોંશે હોંશે પ્રભુ પધારવાના છે તેના સમાચાર પોતાનાં માતુશ્રીને આપ્યા અને આગતા સ્વાગતા કરવાની તૈયારીમાં લાગ્યા. વણિક ભક્તનાં માતુશ્રીને ભગવાન સ્વામિનારાયણનો મહિમાનહિ અને પધારે તેમાં રૂચી પણ નહીં. તેથી ડોશીએ મહાપ્રભુને પોઢવા માટે એવો ખાટલો પાથર્યો કે જે ખાટલામાં આખા ઘરમાંથી વીણી કાઢેલા માંકડ ભેગા કરી રાખ્યા હતા.

          ભક્તના આમંત્રણને સ્વીકારી પ્રભુ રાત્રિ-ઉતારો કરવા તેમના ઘરે પધાર્યા. ડોશીમાએ માંકડવાળા ખાટલામાં પ્રભુને સુવાર્યા. મહાપ્રભુ ખાટલામાં પોઢ્યા પરંતુ ખાટલામાં રહેલા માંકડના ત્રાસ થી શરીરે સોજા આવી ગયા. થોડીવારમાં મહારાજ ખાટલાથી નીચે ઉતરી જમીન ઉપર વિના પાથર્યે પોઢી ગયા. થોડીવારમાં વણિક ભક્ત આવ્યા અને મહાપ્રભુને જમીન ઉપર પોઢેલા જોઇ કહ્યું, “પ્રભુ, ખાટલામાંથી નીચે કેમ પોઢી ગયા ?” મહારાજ હસતાં હસતાં કહે છે, “તારી માને પૂછી જો કે કેવો ખાટલો સૂવા માટે આપ્યો છે ? અંદર નર્યા માંકડ જ છે.” ત્યાં તો ઘરમાંથી ડોશી બોલ્યાં, “એ તો મને એમ કે આ માંકડનાં કલ્યાણ કરે તો સ્વામિનારાયણ ભગવાન ખરા.”

          ડોશીમાનાં વચન સાંભળી શ્રીજીમહારાજ બોલ્યા, “ખાટલો બહાર લાવો, તમારો મનોરથ પૂરો કરીએ.” વણિક ભક્ત ખાટલો બહાર લાવ્યા. મહારાજે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવી ત્યાં તો એક એક માંકડ માટે જુદાં જુદાં વિમાન આવ્યાં અને માંકડને ધામમાં લઇ ગયા. ડોશીમાક્ને આ જોઇ પસ્તાવો થયો અને મહારાજના ચરણોમાં પડી માફી માંગી. છતાં મહારાજ હસતાં હસતાં કહે, “ડોશી, બીજું તો ઠીક પરંતુ આ શરીર સૂજી ગયું એનું શું ?” ત્યારે ડોશી બોલ્યાં, “આપ તો સમર્થ છો માટે ધારો તે કરો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્ય, “ડોશી, અમે અમારા માટે નથી આવ્યા. જીવોનાં કલ્યાણ માટે આવ્યા છીએ.” વાહ પ્રભુ ! કેવી સહનશીલતા...!

          એવો જ એક પ્રસંગ આણંદમાં બન્યો. મહારાજ સૌપ્રથમ વાર આણંદ પધાર્યા. આણંદમાં રહેલા મતવાદીઓ અને વિરોધીઓએ શ્રીજીમહારાજનું હીણું દેખાડવા માટે મહાપ્રભુની આવી રહેલી સવારી ઉપર પથ્થર, છાણ, કીચડ  આ બધું નાંખવા માંડ્યું. મહારાજે સૌ સંતો-હરિભક્તોને અગાઉથી ઘૂમટો તણાવી દીધો હતો અને ઘૂમટો ન ખોલવાની આજ્ઞા કરી હતી. ત્યારે જોબનભગત મહારાજની પાસે આવી પ્રાર્થના કરે છે, “દયાળુ ! મને ખાલી ઘૂમટો લઈ લેવાની રજા આપો. આ કોઈ ઊભા નહિ રહે, બધા નાસી જશે.” ત્યારે પણ મહારાજે આ જ રુચિ બતાવી હતી. “સહન કરવું એ જ અમારો ધર્મ છે માટે કોઈએ ઘૂમટો ખોલવાનો નથી.”

          એક વાર શ્રીહરિએ જૂનાગઢમાં દિવાળીનો ઉત્સવ કરી શ્રીહરિએ સંતોનાં મંડળ વહેંચ્યાં અને સંતોને કહ્યું, “હે સંતો ! અજ્ઞાની જન ઉપાધિ કરે તે બધી તમારે સહન કરવી. સમય ક્રૂર આવ્યો છે. તેમાં તમારે ધીરજ ધરી રાખવી પડશે. તમે સહનશક્તિ કેળવો એ અમારી મરજી છે. તમારા પર અમારે અપાર હેત છે. તમે બધાએ જગતના ઉપકાર માટે દેહ ધર્યો છે. માટે ઉપાધિ સહન કરીને વિચરવું તેમાં પીછેહઠ ન કરવી. સહન કરીને ઉપદેશ કરશો તો તમારો જશ અતિશય વધશે. કોઈ દ્વેષ કરે, ગાળ દે, બાંધી મૂકે કે માર મારે પણ મનમાં મગન રહેશો તો હું તમારી સાથે છું, એમ નિશ્ચય જાણજો. ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી. રણની બાજી છે.”

(શ્રીહરિચરિત્રામૃતસાગર : પુર-6, તરંગ-80)   

          આ છે આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો અંતર્ગત અભિપ્રાય. મહારાજે શા માટે સહન કર્યું ? સંતોને શા માટે સહન કરવાનો આદેશ આપ્યો ? એક અને માત્ર એક મારા માટે, આપણા માટે. આપણે સંતોની જેમ કોઈની ઉપાધિ કે દ્વેષ કે મારપીટ ક્યાં સહન કરવાનાં છે ? આપણે સહન કરવાનાં છે માત્ર કોઈકનાં બે કડવાં કે મીઠાં વચન. એ કરવામાં પણ આપણે પાછા પડીએ છીએ અને સહનશીલતાને માર્ગે ચાલવાને બદલે ક્રોધાવેશમાં આવીને ઉદ્ધત વર્તન કરી બેસીએ છીએ. પરંતુ એક ડોકિયું આપણા બાપના અભિપ્રાય તરફ અને આપણા ગુરુના જીવન તરફ કરવાની જરૂર છે.

          એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી રામપરાથી સુરેન્દ્રનગર ટ્રેનમાં જઈ રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.બાપજી એટલે સાધુતાની મૂર્તિ અને એટલે ટ્રેનના જ ડબ્બામાં સ્ત્રીઓથી છેટા રહેતા. એક વૈરાગી બાવો બેઠો હતો તે આ જોઈ ભડક્યો અને ગુરુવર્ય પ.પૂ.બાપજીને ગાળો દેવા માંડ્યો ને ઉદ્ધત વર્તન કરવા લાગ્યો. પરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજી તો એક શબ્દ પણ સામો ન ઉચ્ચારે. બસ, સહન જ કરે રાખે અને મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ ! આ બાવાજીને સદ્બુદ્ધિ આપો.

          ગુરુવર્ય પ.પૂ.બાપજી એના ઉદ્ધતભર્યા શબ્દો સહન કરે ને સામો એક શબ્દ પણ ન ઉચ્ચારે. જેમ જેમ ગુરુવર્ય પ.પૂ.બાપજી વધુ સહન કરે તેમ તેમ વૈરાગી બાવાનો પાવર વધતો જાય. ક્રોધ, ગુસ્સો વધતા જાય. તેણે અડધો કલાક સુધી બોલ્યા કર્યું. પછી એક મુછાળા ભાઈને મહારાજે પ્રેરણા કરી તેથી એમણે ઊભા થઈ હાકોટો કર્યો :  આ સાધુ સહન કર્યા કરે છે ને તું ગમે તેમ બોલ્યા કરે છે ! બંધ થઈ જા... એટલે વૈરાગી બાવો બોલતો બંધ થયો. પરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સહનશીલતાનો ત્યાગ રંચમાત્ર ન કર્યો.

          આ છે આપણી અમીર પેઢીનો અમર વારસો. જો આપણા ઈષ્ટદેવ સહન કરતા હોય, આપણા બાપાશ્રી, સદ્ગુરુઓ સહન કરતા હોય, આપણા ગુરુવર્ય પ.પૂ.બાપજી સહન કરતા હોય, તો આપણે કેમ સહન ન કરી શકીએ ! માટે સંકલ્પ નક્કી કરો કે મારે મારા ઘરમાં – પરિવારમાં સૌની સાથે સંપીને રહેવું છે અને એના માટે સહનશીલતાનો ગુણ કેળવવો જ છે.