સકારાત્મક દૃષ્ટિકોણ - 2
August 26, 2019
આપણા જીવનમાં પણ આવું જ કંઈક બનતું હોય છે. આપણી નજીકમાં રહેલા સત્સંગી બંધુઓ તથા પરિવારના સભ્યોમાં ગુણો હોવા છતાં આપણે તેને ઓછા પકડી શકીએ છીએ. વળી, એટલું જ હોત તો તો ખોટ નહોતી પરંતુ આપણે તેમનામાં એકાદ અલ્પ સરીખો કે નાનકડો દોષ કે અવગુણ હોય તો તે આપણી આંખે જલ્દી ચડે છે.
એક વખતે એક ફિલૉસોફરે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓના માનસની પરીક્ષા કરવા માટે એક પ્રયોગ કર્યો. વિદ્યાર્થીઓના દેખતાં તેમણે એક સફેદ બૉર્ડ ઉપર એક કાળું ટપકું કર્યું. ત્યારબાદ થોડી વાર પછી વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે, “બૉર્ડમાં શું દેખાય છે?” ત્યારે બધા જ વિદ્યાર્થીઓએ એકસાથે કહ્યું કે, “બૉર્ડ ઉપર કાળું ટપકું દેખાય છે.” ત્યારે પ્રોફેસરે બધા વિદ્યાર્થીઓને કહ્યું કે, “બધાએ કાળા ટપકા વિષે જ કહ્યું પરંતુ કોઈએ બૉર્ડ સફેદ છે તેમ ન કહ્યું. તમને બધાને બૉર્ડનો સફેદ રંગ ન દેખાયો.”
આવી અવગુણ જોવાની દૃષ્ટિ જ આપણને કોઈના ગુણ જોવા દેતી નથી. વળી, આવી અવગુણ જોવાની દૃષ્ટિને પરિણામે આપણામાં જે કંઈ ગુણ હોય તે પણ સાફ થઈ જાય છે. આપણી દોષદષ્ટિ, અવગુણનું મનન જ આપણને મારી નાખે છે એટલે કે અધોગતિ તરફ પ્રેરે છે. શ્રીજીમહારાજ વરતાલ પ્રકરણના ૧૨મા વચનામૃતમાં વાત કરતાં કહે છે કે, “સત્સંગમાં પૂર્ણમાસીના ચંદ્ર જેવો જીવાત્મા અભાવ-અવગુણ કરીને અમાવસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે.” ત્યારે આપણા સ્વજીવનમાં ગુણગ્રાહક થવાની શું જરૂર છે ?
ગુણગ્રાહક થવાની સૌથી પહેલી જરૂરિયાત એ છે કે અન્યના ગુણો ગ્રહણ કરવાથી જ આપણામાં ગુણો આવે. ગણિતનો એક સામાન્ય સિદ્ધાંત છે : (-) (A) = (-) થાય. સરળતાથી સમજાય એવી વાત છે કે આપણામાં તો દોષ છે અને એમાંય દેન્યના દોષ જ જોયા કરશે તો આપણામાં દોષોનો વધારો જ થશે. પણ જો અન્યના ગુણોને જોઈશું તો આપણા દોષો દબાતા જશે અને ગુણો આવતા જશે. જેમ ભમરો અલગ અલગ ફલોમાંથી રસ ચુસતો જ રહે અને ધીરે ધીરે આખો મધપૂડો તૈયાર થઈ જાય છે તેમ આપણે પણ અન્યના જીવનમાંથી ગુણો ગ્રહણ કરતા જઈશું એમ એમ સ્વજીવનમાં ગુણોનો ઢગલો થઈ જશે.
વળી, ગુણગ્રાહક થવાથી અભાવ-અવગુણ-અમહિમારૂપી મહાભયંકર પાપથી બચી જવાય. સત્સંગમાં આવ્યા પછી સૌથી મોટું વિઘ્ન હોય તો એ છે અભાવ-અવગુણ અને અમહિમા. જેણે કરીને જીવાત્મા સૂનકાર થતો જાય છે અને અંતે જાતા મોક્ષમાર્ગમાંથી પડી જાય છે. ત્યારે સત્સંગમાં સદાય સલામત રહેવા માટે સૌથી પાયાની જરૂરિયાત છે – સૌમાંથી ગુણો ગ્રહણ કર્યા કરવા. વળી, ગુણગ્રાહક થવાથી સદાય ચડતો ને ચડતો રંગ રહે. સત્સંગમાં આવ્યા પછી આપણે આગળ નથી વધી શકતા એનું એક કારણ આ પણ
ગુણગ્રાહકતાનો અભાવ. પરિણામે આપણે અન્યની પ્રગતિને ખમી શકતા નથી અને ઈર્ષ્યા, વેર-ઝેર, પૂર્વાગ્રહ, ઉદ્વેગ વગેરેમાં અટવાઈ જઈએ છીએ. જેને લીધે પણ આપણે આગળ વધી શકતા નથી. પરંતુ જો ગુણગ્રાહક દૃષ્ટિ હોય તો અન્યની પ્રગતિમાંથી ગુણ લઈ શકાય અને આપણે પણ પ્રગતિના રાહે આગળ વધી શકાય.
વળી, સ્વયં શ્રીજીમહારાજ પણ ગુણગ્રાહકતાના કેવા આગ્રહી હતા તે મહાપ્રભુના જીવનચરિત્રના પ્રસંગો પરથી જણાઈ આવે છે. એક વખત ગઢડામાં મહારાજે સંતોની પંગત કરી. મહારાજે આજે બધાય સંતોને તાણ કરી ખૂબ પીરસ્યું અને એમ કરતાં રસોઈ પૂરી કરી. ત્યારે થોડી વારમાં જ સાધુ નિર્મળાનંદ આદિ પાંચ સંતો બહારગામથી વિચરણ કરીને આવ્યા. ત્યારે મહારાજે કહ્યું, “સંતો ! રસોઈ તો પૂરી થઈ ગઈ. હવે આપને શું જમાડીશું? એમ કરો પત્તર લઈને પંગતમાં ફરો. બધાય સંતો કોળિયો કોળિયો આપશે.” અને સંતો પત્તર લઈને પંગતમાં ફરવા લાગ્યા. પંગતમાં બેઠેલા સંતો કોળિયો કોળિયો આપવા લાગ્યા. ત્યાં તો સંતોનાં પત્તર અન્નથી છલકાઈ ગયાં. આ જોઈને મહારાજે કહ્યું, “સંતો ! જો આ જ રીતે આપણે બધાય સંતો-ભક્તોમાંથી એક એક ગુણ લેતા થઈએ તો આપણું જીવન ગુણોથી છલકાઈ જાય.” મહાપ્રભુનો ગુણગ્રાહકતાનો કેવો આગ્રહ !!
એક વખત મહાપ્રભુને સોમલાખાચરનું કંઈક કામ હતું. પરંતુ સોમલાખાચર શોધ્યા ન જડે. એટલે મહાપ્રભુએ સુરાખાચરને સોમલાખાચરને શોધી લાવવાની આજ્ઞા કરી. થોડી વાર પછી સુરાખાચરે આવીને મહારાજને કહ્યું, “મહારાજ, સોમલોખાચર તો પાડાની પેઠે પાણીમાં પડ્યા છે.” ત્યારે મહારાજે તરત જ સુરાખાચરને કહ્યું, “સુરાખાચર, જાઓ જઈને સોમલાખાચરને પાંચ દંડવત કરી આવો. અમે તમને સોમલાખાચરને શોધવાનું કહ્યું હતું પણ અવગુણ લેવાનું નહોતું કહ્યું.”
આપણને મળેલા મોટાપુરુષના જીવનમાં પણ જોવા મળતો હોય છે. એક વખત પૂ. સ્વામીશ્રી વાસણા મંદિરે બિરાજતા હતા. ત્યારે એક હરિભક્ત આવીને પૂ. સ્વામીશ્રીને કહ્યું, “ઓલ્યો મંદિરના પ્રાંગણમાં રહેલો લીંબડો કેવો વાંકો છે !” પૂ. સ્વામીશ્રીએ તરત જ તે હરિભક્તને કહ્યું, “ભાઈ, એ વાંકો છે પણ આપણને ક્યાં નડે છે? આપણા માટે તો એ સુખરૂપ છે. આપણને કેવો શીતળ છાંયડો આપે છે !” વળી, એક વાર વાસણા મંદિરે સમૈયામાં એક હરિભક્ત સમૈયાની શરૂઆતથી સમૈયો પૂરો થયો ત્યાં સુધી હરિભક્તોને પીરસવાની ખૂબ સેવા કરી અને છેલ્લે પૂ. સ્વામીશ્રી પાસે આવીને કોઈ હરિભક્ત તરફ આંગળી ચીંધીને કહ્યું, “ઓલ્યો કેટલું બધું જમે છે?!'' પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “તમારી અત્યાર સુધી કરેલી સેવાનું ફળ ઝીરો થઈ ગયું. ગમે તેટલું કોઈ જમે પણ મહારાજના મુક્ત છે. મહારાજ ને અનંત મુક્તો એના ભેળા રહી જમે છે. આમ દેહદૃષ્ટિ પરઠી અવગુણ ન લેવાય.” ગુણગ્રાહક બનાવવાનો કેવો આગ્રહ ! મહારાજ અને મોટાપુરુષોના ગુણગ્રાહકતાના કેવા અભિપ્રાયો છે તે અંગે વિશેષ સમજીએ તો...
આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે ને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે ગુણને દેખે છે.”
અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે ને એ જો જેવોતેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે, એમ સમજીને તેનો પણ અતિશે ગુણ લેવો.”
“ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે, અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે.”
જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહિ, અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું.”
સો જણાનો અકેકો અવગુણ લે તો સો અવગુણ આવે અને અનેકો ગુણ લે તો સો ગુણ આવે; માટે સર્વે સંત- હરિજનોના ગુણ લેવા. દેહસ્વભાવ જોઈને અવગુણ લેવા નહીં.”
“આપણે ધ્યાન, ભજન, કથા, વાર્તા, ભક્તિ ઝાઝી કરતા હોઈએ ને બીજા સંત કે હરિભક્ત સૂતાં હોય તે મોડા ઊઠે કે ધ્યાનભજન ઓછું કરે કે ન કરે તો આપણે એમ જાણવું જે એ પૂર્વે કરીને બેઠા છે ને મારે હજી કરવાનું છે. એમ પોતાને વિષે ન્યૂનપણું માનવું.”
“ભગવાનના ભક્તના ગુણ સંભારીને ગાઈએ ત્યારે એ ગુણ આપણામાં આવે.” - સદ્. ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ-૮, વાર્તા-૮૯ “ભગવાનના ભક્તના ગુણ કહેવા તેમાંથી જીવ બ્રહ્મરૂપ (મૂર્તિરૂપ) થઈ જાય અને એમાં દાખડો કાંઈ ન મળે.”
હે મહારાજ, હે બાપા, હે સદ્ગુરુઓ અમે આપના અભિપ્રાય સમુ જીવન બને તેવી અંતરતમ પ્રાર્થના.