સંતાનો માટે જાગ્રત બનો - 3

  May 5, 2014

‘કૂવામાં હોય તો જ હવાડામાં આવે’ એ ન્યાયે બાળકોને સંસ્કાર આપતા પહેલાં વાલી તરીકે સંસ્કારેયુક્ત જીવન કેવું બનાવવું  તે આ લેખમાં જોઈએ.

(3) સંસ્કારેયુક્ત જીવન બનાવો અને બાળકોને સંસ્કાર આપો :

મનગમતી ચીજવસ્તુઓ બજારમાંથી કે દુકાનમાંથી મળી જાય છે. ઉચ્ચ શિક્ષણ સ્કૂલોમાં શિક્ષકો દ્વારા મળે છે, પરંતુ ઉચ્ચ સંસ્કારો બજારમાંથી કે સ્કૂલમાંથી નથી મળતા. બાળકના જીવનમાં ઉચ્ચ સંસ્કારોની સરવાણી માતાપિતાના જીવનમાંથી જ વહે છે. જેટલું માતા-પિતાનું જીવન સંસ્કારોથી મઘમઘતું હોય તેટલી જ બાળકોના જીવનમાં સંસ્કારોની સુવાસ ફેલાયેલી હોય છે. એક કહેવતમાં કહ્યું છે કે, ‘કૂવામાં હોય તો જ હવાડામાં આવે, કૂવામાં હોય એવું જ હવાડામાં આવે અને કૂવામાં હોય એટલું જ હવાડામાં આવે.’

એટલે કે માતાપિતામાં જેટલા, જેવા અને જે સંસ્કાર હોય તેટલા, તેવા અને તે જ સંસ્કાર બાળકોને આપી શકે છે. પરંતુ આજે માતાપિતા પોતાનું વાલી તરીકેનું સ્થાન ભૂલી જઈ પોતાની ફરજો ચૂકીને બેહૂદું વર્તન કરે છે તેની બાળકોના સંસ્કાર ઉપર કેવી વિપરીત અસરો પડે છે !

બાળક જે કાંઈ શીખે છે તે ઘરમાંથી શીખે છે. તેથી જ અંગ્રેજીમાં કહેવત છે ને કે, ‘Cherity begins at home.’જો માતાપિતા ઘરમાં ઝઘડતાં હોય, કુસંપનું વાતાવરણ હોય, મારામારી ને ગાળાગાળી કરતાં હોય તો એવાં દૃશ્યો બાળકના કુમળા માનસ પર કાયમી વિપરીત અસર પાડે છે. અને તે એવું અજાણપણે-અભાનપણે શીખી પણ લે છે. વાલીને મોટી ઉંમરે ખબર પડે કે મારું સંતાન આવા સંસ્કાર કે આવું અયોગ્ય વર્તન કેવી રીતે  શીખ્યું હશે ? પણ પોતાની ભૂલ જલદી જણાતી નથી તેથી ઘણીવાર શિક્ષકો, સમાજ, પાડોશીઓ વગેરે પર રોષ ઠાલવી આક્ષેપ મૂકતાં જોવા મળે છે. પણ તે મોટી ભૂલ છે.

એક વખત પૂ. સ્વામીશ્રી વિદેશ વિચરણમાં પધાર્યા હતા. રોજ સવારે થતી પ્રાતઃસભામાં એક આઠ વર્ષનો બાળક આવે. પરંતુ એક દિવસ આ બાળક તેમની પાડોશીની ગાડીમાં વહેલો આવી ગયો. મહારાજના અને સંતોનાં દર્શન કરી પ.પૂ. સ્વામીશ્રી જોડે જઈને કહે, “સ્વામી, મારે તમારું ખૂબ અગત્યનું કામ છે. માટે જરા થોડી વાર અંદરના રૂમમાં આવોને.”પ.પૂ. સ્વામીશ્રી આશ્ચર્ય પામી ગયા કે આવડા બાળકને મારું શું કામ હશે ?

પ.પૂ.સ્વામીશ્રી અને આ નાનકડો બાળક બાજુના રૂમમાં ગયા. બાળકે અંદરથી રુમની સ્ટોપર બંધ કરી દીધી. પછી બોલવા માંડ્યો કે, “સ્વામી, મારા પપ્પા રોજ સભામાં આવે છે, સત્સંગી છે, પૂજા કરે છે, તમારી જોડે ને જોડે ફરે છે.” આટલું બોલતાં-બોલતાં તો તેની આંખો આંસુથી છલકાઈ ગઈ.

“સ્વામી, મારા પપ્પાને તમે તો કંઈક કહો. સ્વામી, તમે તો મારા ડેડીને કંઈક સમજાવો.” આટલું બોલતાં તો તેનાથી ડૂસકું ભરાઈ ગયું. પ.પૂ. સ્વામીશ્રીએ તેને શાંત પાડ્યો અને પૂછ્યું કે, “બેટા, તું શું કહેવા માંગે છે ? શાંત થઈને બોલ.”

ત્યારે આ બાળક રડતાં રડતાં પોતાની અંતરની વ્યથા રજૂ કરે છે કે, “સ્વામી, હવે હું મોટો થયો છું. મારાં મમ્મીપપ્પાને એટલી ખબર નથી પડતી કે અમારી હાજરીમાં ઝઘડવું ન જોઈએ. ઘરમાં ભેગાં થાય એટલે એમનું બોલવાનું ચાલુ થઈ જાય. અને પછી મારામારી પર આવી જાય. અમારામાં કેવા સંસ્કાર આવે ! મારા ડેડીને તમે તો કંઈક કહો.”

એક નાનકડો બાળક પ.પૂ.સ્વામીશ્રી પાસે આવીને પોક મૂકીને રડવા લાગ્યો. પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “કેમ રડે છે ? શું થયું ?” ત્યારે પેલો બાળક રડતાં-રડતાં પ.પૂ. સ્વામીશ્રીને કહે છે, “સ્વામી, શું કરું ? મારે ઘરમાં કેવી રીતે રહેવું ? સ્વામી, મારી મમ્મી ને પપ્પા આખો દા’ડો બાઝ-બાઝ જ કરે છે.” તેના પપ્પા બાજુમાં જ ઊભા હતા. બાળક સામું જોઈ એ આંખો કાઢે પણ બાળક એમની સામું જોતો જ નથી. બાળક રડતો જાય ને તેની વેદના કહેતો જાય. પ.પૂ. સ્વામીશ્રીએ તેના પપ્પાને કહ્યું, “આ બાળકની વાત સાચી છે ?”“હા, સ્વામી, શું કરું ? એની મમ્મી કેવી છે તે પૂછોને. આખો દા’ડો બોલ-બોલ જ કરે. એ બોલે એટલે હું ડબલ ગુસ્સે થઈને બોલું. ક્યાં સુધી સહન કરવું ?”

એક ભાઈએ ઘેર કામ કરવા નોકર રાખેલો. નોકરનો સ્વભાવ સહેજ ભુલકણો તેથી ચીંધેલું કામ તે ભૂલી જ જાય. જ્યારે જ્યારે ચીંધેલું કામ ભૂલી જાય ત્યારે આ ભાઈ કહે, “અરે ઉલ્લુ, મૂરખ, ખબર નથી પડતી ? ભૂલી કેમ જાય છે ?” આવાં અશોભનીય વાક્યો બોલી ધમકાવે. તેમનો નાનો દીકરો કાયમ આ બધાંનું નિરીક્ષણ કરે.

એક દિવસ બાળકે તેના પિતા પાસે બહારગામથી તેની વસ્તુ મંગાવી. કોઈક કારણસર તેના પિતા લાવવાનું ભૂલી ગયા. ઘેર આવ્યા ત્યારે બાળકે પૂછ્યું, “પિતાજી, વસ્તુ લાવ્યા ?”“બેટા, એ તો સાવ ભૂલાઈ જ ગયું.” ત્યારે બાળક કહે છે કે, “સાવ ઉલ્લુ, મૂરખ, ખબર કેમ નથી પડતી ?” આ શબ્દો પિતાના કર્ણપટ પર આવતાં તેઓ તો અવાચક જ બની ગયા. આશ્ચર્યમાં ડૂબી ગયા ને પૂછે છે, “બેટા, તું કેમ આવું બોલે છે ? આવું ક્યાંથી શીખ્યો ?” ત્યારે બાળક કહે છે, “પિતાજી, તમે નોકર ભૂલી જાય છે ત્યારે આવું નથી કહેતા ? એટલે મને એમ કે કોઈ ભૂલી જાય કે કામ ન કરે તો તેને આવું કહેવું જોઈએ.”

એક વાલી વ્યસનોના બંધાણી હતા. તેઓ તેમના બાળક દ્વારા રોજ પાનના ગલ્લા પરથી પાન મંગાવે અને તેમાંથી બાળકને થોડુંક આપે. સ્વાભાવિક જ છે કે બાળકને ગમવાનું જ. બાળકને પણ ટેવ પડી ગઈ. સમય જતાં બાળક પણ વ્યસનનો બંધાણી થઈ ગયો.

એક દિવસ સ્કૂલમાં શિક્ષકે તેને પકડ્યો. તેને પૂછવામાં આવ્યું કે,‘આવી ટેવ કેવી રીતે પડી ?’ ત્યારે બાળક નિર્દોષભાવે જવાબ આપે છે કે, “મારા પિતા મને રોજ પાનના ગલ્લે પાન લેવા મોકલતા. પછી મને પણ તેમાંથી થોડું આપતા. એમ કરતાં કરતાં મને પણ વ્યસનનો ગુલામ કરી દીધો.”

સંતો એક વખત એક ભાઈને ત્યાં પધરામણીએ ગયેલા. ત્યારે ભાઈએ ફરિયાદ કરી કે, “સ્વામી, આ ટીનીયાને તમારે જે કહેવું હોય તે કહો, સ્કૂલેથી આવી આખો દિવસ ટી.વી. જ જોયા કરે છે. ભણતો જ નથી.” ત્યારે પેલો બાળક ધીમે રહીને કહે છે, “સ્વામી, તમે મારા પપ્પાને પૂછો તો ખરા કે અમે સ્કૂલે જઈએ પછી તમે શું કરો છો ? તે પણ ટી.વી. જુએ છે.”

આ બધા પ્રસંગોમાં જવાબદાર કોણ ?

બાળકનાં માબાપ જ આમાં વિશેષ જવાબદાર છે.

આજના મૉડર્ન યુગમાં વાલીઓ પોતાના ઘરને, રીતભાતને, પહેરવેશને સંપૂર્ણ વેસ્ટર્ન બનાવવાની ઇચ્છા રાખે છે. આજનાં માબાપનો પહેરવેશ પણ બાળકોને શરમાવે તેવો હોય છે. એ વાલીઓ એટલા જાગ્રત નથી કે,‘અમારું પ્રતિબિંબ ક્યાં પડશે ?’ બાળકનું વર્તન એ તેનાં માતાપિતાનું પ્રતિબિંબ છે. બાળક તો કોરી સ્લેટ છે. તેની પર જેવાં ચિત્રો દોરવાં હશે તેવાં દોરી શકાશે. બાળક કુમળો છોડ છે. તેને જેમ વાળવો હોય તેમ વાળી શકાશે.