સત્સંગીના આર્થિક વ્યવહાર -5

  July 19, 2017

“જે મળ્યું છે તેમાં સંતોષ માનવો.” આ આપણા વડવાઓની ઉક્તિ ભૂલી જનાર વધુ ને વધુ મેળવવાની ઘેલછામાં વેંત કરતાં વધારે પહોળું કરજ કરી દુઃખી થાય છે. આવી ગેરસમજથી પાછા વળી મહારાજ અને મોટાના અભિપ્રાય તરફ દૃષ્ટિ કરીએ.

 આવક-ખર્ચનું નામું લખવું :

શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના ૧૪૬મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે,

 “પોતાના વ્યવહાર કાર્યને વિષે જેટલા ધનની ઊપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભારીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતાનું નામું લખવું.”

ઘરમાં રોજિંદા વપરાશના તથા ધંધા-વ્યવસાયમાં રોજે રોજ થતા ખર્ચાને નોંધી તેની મહિના દરમ્યાનની આવક સાથે સરખામણી કરવી કે ખરેખર આવકના પ્રમાણમાં જ ખર્ચ થાય છે કે વધી જાય છે તેનો નિરંતર તપાસ રાખવો. જો ખર્ચ વધી જતો હોય તો મોજશોખની તથા જે વસ્તુથી ચાલી જતું હોય તેવી વસ્તુના ખર્ચમાં કાપ મૂકવો. ખરેખર જ્યાં જરૂર છે ત્યાં જ ખર્ચવા. આવી રીતે આવકના પ્રમાણમાં ખર્ચા વધવા ન દેવા. જો નામું જ ન લખાય તો પાંચ હજારની સામે દસ હજારના ખર્ચા થઈ જાય ને છેવટે પછી કરજ થઈ જાય. દેવું ક્યાંય પહોંચી જાય માટે ઘર માટે અને ધંધા-વ્યવસાય માટે જુદી નોટ કે ડાયરી રાખી તેમાં અવશ્ય દરરોજ નામું લખવું જ, જેનાથી નફા-નુકસાનનો ખ્યાલ આવે.

દેખાદેખી ન કરવી કે વાદ ન લેવો :

વ્યક્તિ પોતાના દુઃખે દુઃખી નથી થતી તેના કરતાં વધુ અન્યનું સુખ જોઈને દુઃખી થઈ જાય છે. નજીકનાં સગાંસંબંધી, મિત્રવર્તુળમાં કે આડોશી-પાડોશીમાં કોઈની આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવતાં તે નવું મકાન કરે કે નવી વસ્તુ કે કપડાં ખરીદે તો તરત જ તેનો વાદ થાય અથવા તેના કરતાં વધારે સારા દેખાવા કે વટ પાડવા માટે વેંત ન હોય તોપણ ખર્ચા કરવાથી કરજ થાય. ધંધા-વ્યવસાયમાં પણ દેખાદેખી ને વાદ થતા હોય, કોઈએ લગ્નમાં, વાસ્તુમાં કે અન્ય પ્રસંગોમાં ખર્ચા કર્યા હોય તેનાથી વધારે સારા દેખાવવા પણ પ્રસંગોમાં તોફા કરવાથી કરજ થઈ જાય. માટે આપણો વેંત હોય તેટલી સ્થિતિમાં રહેવું, દેખાદેખીમાં કોઈનો વાદ ન લેવો.

વધુ પડતા સાહસ ન કરવા :

શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના ૧૪૦મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે, “સામર્થ્ય પ્રમાણે ઉદ્યમ કરવો.” સામર્થ્ય એટલે સમય, શક્તિ અને આર્થિક સધ્ધરતા ત્રણેય પાસાં વિચારવાં. એકસાથે ૨-૩ ધંધામાં પૈસા રોકી ન રાખવા. જો નફો ન થાય તો ખોટા વ્યાજના લાવેલા પૈસા રોકાઈ રહે અને ખોટું વ્યાજ ભરવું પડે. શારીરિક શક્તિ પણ જોવી. એટલે કે દેખરેખ રાખનાર એકલા જ હોય તો એકલપંડે પહોંચી વળાય એટલું જ વેતરવું. ‘વન મેન શો’ એટલે કે ‘હું એકલો જ બધું કરી શકું’ આવા વધુ પડતા આત્મવિશ્વાસમાં (over confidence) ન રહેવું.

કોઈ પણ ધંધામાં અનુભવ ન હોય તો વધુ પડતા વ્યાજે પૈસા લાવી રોકાણ કરવાનું સાહસ ન કરવું. ગાંધીનગરમાં એક દંપતી સચિવાલયમાં નોકરી કરતાં. માસિક ૭૦,૦૦૦ રૂપિયાની આવક હતી. બિનજરૂરી ખર્ચા ન હોવાથી બૅંકમાં ૨૨ લાખ રૂપિયાની મૂડી હતી. તેઓએ વ્યાજે બીજા ૪૦ લાખ રૂપિયા લાવી શૅરમાં રોકાણ કર્યું. દર મહિનાનું લાખ રૂપિયા વ્યાજ ભરે. શૅરબજારમાં મંદી આવતાં શૅરના કાગળિયા થઈ ગયા. ૨૨ લાખમાંથી ૨૦ લાખ રૂપિયા રોક્યા હોત તો મૂડી જાત. પણ અહીં તો વ્યાજ, સિલક બધું ગયું ને કરજના ઊંડા કૂવામાં ડૂબી ગયાં. માટે આપણો વેંત હોય તેટલું જ સાહસ કરવું.

 

મિલકત વેચીને પણ દેવામાંથી મુક્ત થવું :

માથા ઉપર જો લટકતી તલવાર હોય તો ઊંઘ પણ ન આવે. તેમ જ્યાં સુધી આપણી ઉપર દેવું હોય ત્યાં સુધી ઊંઘ ન આવવી જોઈએ. આપણા માથે જો દેવું હોય તો બૅંકના લૉકરમાં પડેલા દાગીના, મોટા બંગલા, ઘરનું મકાન કે ગાડી વેચીને પણ દેવામાંથી મુક્ત થવું. આજે વેચી દઈશું ને કરજ ચૂકતે થઈ જશે તો કાલે નવું મકાન થશે; નહિ તો દેવાના ચક્કરમાં જો એક વખત ડૂબ્યા તો તેમાંથી બહાર નીકળી નહિ શકાય. માટે આપણા માથા ઉપર એક રૂપિયાનું પણ દેવું ન રહેવા દેવું. કારણ વ્યાજ ભરવું પડે તેના જેવો કોઈ દુઃખી ન કહેવાય. માટે મિલકત વેચીને પણ દેવું ચૂકતે કરવું અને નીતિથી કમાઈશું તો મહારાજ કાલે આપી દેશે.

આ ઉપરાંત આવક, ખર્ચ, કરજ અને વ્યવહારના લેતી-દેતીના વ્યવહારો ચોખ્ખા રાખવા. લેખિતમાં જ કરાર કરવા, મૌખિક કરાર ન કરવા. શ્રીજીમહારાજે પણ શિક્ષાપત્રીના ૧૪૩મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે, “સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી અને ધનના લેણદેણ કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવા.” ચોખ્ખા વ્યવહારની સાથે નીતિમત્તાથી જીવન જીવવું તો આપણા જીવનમાં સુખી થવાય.

તા. ૬-૩-૨૦૧૬ના દિવસે સ્વામિનારાયણ ધામ સમૈયામાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સૌ હરિભક્ત સમાજને સુખિયા રહેવા આવી જ ભલામણ કરી હતી કે, “રોજ શાક ન મળે તો ભાજી જમજો પણ એક રૂપિયાનું દેવું ન રાખતા. દેવા વગરના જેવો કોઈ સુખી નથી. અને દેવાવાળા જેવો કોઈ દુઃખી નથી. જાહોજલાલીમાં તમે કાંઈ સંતોને પૂછતા નથી અને તકલીફમાં આવો ત્યારે સંતોની જોડે આવો છો. તમારું દુઃખ જોઈને અમે પણ દુઃખી થઈએ છીએ માટે દેશકાળને અનુસરીને કપડાં, જોડાં મોંઘાં ન ખરીદો. અમે ૪ રૂપિયાનાં જોડાં ૧૪ વર્ષ ચલાવ્યાં હતાં ને ધોતિયાં કાયમ દાંડિયા (સાંધા) કરીને પહેરતાં. જુવાનીમાં વાંહે આંખો ન રાખવી. ખોટા ફેલફતૂર ન કરશો. નિર્વાહ જેટલો જ ખર્ચ કરજો. રોજ તેલના ડબ્બા તોડી ભજિયાં, ઢોંસા ન જમાય તથા બહુ ચોજાળા થઈ વ્યવહાર ન કરશો તો મહારાજ રાજી થશે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીની અને પ.પૂ. સ્વામીશ્રીની આ દિવ્ય ભલામણોને આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરી સદાય સુખિયા રહીએ એ જ અભ્યર્થના...