સાત્ત્વિક્તા - 3

  January 12, 2018

અમૃતનું ફળ ઝેર છે અને ઝેરનું ફળ અમૃત છે એ ન્યાયે આ ટેક્નોલોજીના યુગમાં સાત્ત્વિક જીવન જીવવનું ઘણું કઠિન છે છતાં તેનાથી મહાપ્રભુનો અનહદ રાજીપો થાય છે તો આવો કયા કયા જીવનના પાસાઓમાં સાત્ત્વિક્તા રાખવી જરૂરી છે તે નિહાળીએ

 (૨) પોશાક :

શરીર ઢાંકવા માટે વસ્ત્ર ફરજિયાત છે. છતાંય વસ્ત્ર એ વિષયનું પોષક છે. રજોગુણી વસ્ત્રો ઇન્દ્રિય-અંતઃકરણના ભાવોને વધુ પુષ્ટ કરે છે. વસ્ત્ર-પરિધાન એ વ્યક્તિની આંતરિક સ્થિતિની ચાડી ખાય છે, આંતરિક વિચારસરણીનું પ્રદર્શન કરે છે.

જે વસ્ત્ર-પરિધાન કરવાથી ભગવાન ભુલાય અને દેહભાવની પુષ્ટિ થાય, જાતજાતનાં રંગબેરંગી, ઘાટા કલરનાં, ચિત્ર-વિચિત્ર ડિઝાઇનવાળાં, ફીટ (સ્કીનટાઇટ), અંગ દેખાય તેવાં વસ્ત્રો રજોગુણી વસ્ત્રો છે. જે પહેરવાથી પોતાને પણ વિકારો થાય અને સામે જોનારાને પણ વિકારો થાય તે બધાં રજોગુણી વસ્ત્રો કહેવાય.

પ.પૂ. સ્વામીશ્રી રજોગુણી વસ્ત્રો ન પહેરવા અંગે કાયમી એક રુચિ જણાવે છે કે, “આપણે જો રજોગુણી વસ્ત્રો પહેર્યાં હોય અને સામેની વ્યક્તિને વિકાર ઉત્પન્ન થાય તો તે વ્યક્તિ કરતાં દસગણું પાપ વસ્ત્ર પહેરનારને લાગે છે. માટે ભગવાનના ભક્ત તરીકે આપણને શોભે તેવાં વસ્ત્રો પહેરવાં.”

શ્રીજીમહારાજે પણ શિક્ષાપત્રીના ૩૮મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે,

“यस्मिन् परिहितेडपि स्युर्दृश्यानन्यंगानि चात्मनः ।

तदूष्यं वसनं नैव परिधार्यं मदाश्रितैः ।।”

અર્થાત્‌ “જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું.”

રજોગુણી વસ્ત્રોથી જીવનમાં અહંકારની પુષ્ટિ થાય છે, દેહાધ્યાસ વધુ દૃઢ થાય છે, જીવન ખર્ચાળ બને છે, પોતાને અને અન્યને વિકાર ઉત્પન્ન થાય છે, બ્રહ્મચર્ય પાળવામાં અવરોધક બને છે, આંતરિક ખાલીપણું પ્રદર્શિત કરે છે. રજોગુણી પોશાક આજની પેઢીનું સત્ત્વ છીનવી લે છે. માટે એવા રજોગુણી વસ્ત્રોનો ત્યાગ કરી સાત્ત્વિક વસ્ત્રો ધારણ કરવાં.

શ્રીજીમહારાજ પણ બહુધા સફેદ વસ્ત્રો જ ધારણ કરતા. ૨૭૩ વચનામૃતમાંથી શ્રીજીમહારાજે ૧૮૪ વચનામૃતમાં સફેદ વસ્ત્રો ધારણ કર્યાં છે. કોઈ હરિભક્ત જો રેશમી, સોનેરી કે રજોગુણી વસ્ત્રો લાવે તો શ્રીજીમહારાજ તેને પ્રસાદીના કરીને પાછાં આપી દેતા પરંતુ ધારણ ન કરતા.

જીવનપ્રાણ બાપાશ્રી પણ કોઈ હરિભક્ત નવું ધોતિયું ને ગાતડિયું લાવે તો તેને ધૂળમાં રગદોળીને પહેરતા ને કહેતા કે આપણે તો સાદાં કપડાં પહેરવાં.

ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં સાદગીનો શૂર સદાય વહેતો જ હોય. એક વાર એક હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીને રેશમી ગૌમુખી આપવા આવ્યા તો તરત જ ના પાડી અને કહ્યું, “સાધુથી આવી રજોગુણી ગૌમુખી ન રખાય.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીની પાઘ, ગાતડિયું, બધું જ સાદું. ક્યાંય રજોગુણ જોવા જ ન મળે. જૂનું વસ્ત્ર ફાટી ન જાય ત્યાં સુધી નવું ધોતિયું કે ગાતડિયું ન લે.

પ.પૂ. સ્વામીશ્રીએ એક શિબિરમાં સાત્ત્વિક પોશાકનો આગ્રહ દર્શાવતાં સફેદ વસ્ત્ર જીવન પર્યંત પહેરવા અંગે રુચિ દર્શાવી હતી. ત્યારે કેટલાય કિશોરોએ જીવન પર્યંત સફેદ વસ્ત્ર પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આજે પોતાના લગ્નમાં પણ સફેદ વસ્ત્ર પહેરી આવા કેટલાય કિશોરો મહારાજના ગમતામાં વર્તી રહ્યા છે.

સાત્ત્વિક, આછા રંગનાં કે સફેદ વસ્ત્રો આપણને સુખ અને શાંતિ આપે છે. ભગવાનના માર્ગે પ્રગતિ કરાવે છે અને વ્યવહારમાં પણ એક આદર્શ વ્યક્તિત્વની પ્રતિભા ઊભી કરે છે ત્યારે, આપણા જીવનમાં વસ્ત્ર-પરિધાનમાં સાત્ત્વિકતા લાવવા આટલું કરીએ.

•   પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ ન કરીએ.

•   અન્યની દેખાદેખી ન કરીએ.

•   સાદાં અથવા શ્વેત વસ્ત્રો જ પહેરવાનો આગ્રહ રાખીએ.

•   અંગ ન દેખાય તેવાં જ વસ્ત્રો પરિધાન કરીએ.

•   બાળપેઢીથી જ સાત્ત્વિક પોશાક પહેરાવીએ.

(૩) વાંચનમાં :

અદ્યતન ટેક્‌નૉલોજીના યુગમાં બીભત્સ સામયિકો, પેપરો, ફોટો (Photos) વગેરેનું વેચાણ, વાંચન ખૂબ વધી રહ્યું છે. આવા વાંચનથી ઇન્દ્રિયો-અંતઃકરણની ધારાઓ સજાય છે. એનાથી વિષયવાસના વધે છે. માટે ભગવાનના ભક્તએ એવા વાંચનથી દૂર રહેવું. આજનાં ન્યૂઝપેપરની પૂર્તિઓ, ચિત્ર-વિચિત્ર મેગેઝિનોનાં વાંચનથી પણ દૂર રહેવું. મૂર્તિસુખના અને રાજીપાના ધ્યેયને પુષ્ટ થાય એવું જ વાંચન કરવું. સત્પુરુષના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનું વાંચન અને મનન કરવું. ‘વચનામૃત’, ‘બાપાશ્રીની વાતો’, ‘ઘનશ્યામ’ અંક, ‘સ્વરૂપનિષ્ઠા’ વગેરે જેવાં સંસ્થામાંથી પ્રકાશિત થયેલાં પુસ્તકો, પુસ્તિકાઓનું વાંચન, મનન કરવું. જેથી ઇન્દ્રિયો-અંતઃકરણ ઉપર શબ્દોના પ્રહાર થાય અને ભગવાન ભજવાનું મન થાય.

(૪) સંગમાં :

સંગ એટલે સાથે રહેનારાનું અનુકરણ કરવું. જીવનશૈલીમાં સંગ બહુ અગત્યનો ભાગ ભજવે છે. રજોગુણી વ્યક્તિનો કે વસ્તુનો સંગ રજોગુણી જીવન બનાવે છે. સંગની જીવન પર થતી વિપરીત અસરને શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૧૮મા વચનામૃતમાં વર્ણવી છે કે, “આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું તેનું અંતઃકરણ થાય છે તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય ને તે હવેલીને વિષે કાચના તક્તા સુંદર જડ્યા હોય ને સુંદર બિછાનાં કર્યાં હોય તેમાં નાના પ્રકારનાં આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયીજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, ને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય, ને વેશ્યાઓ થેઈથેઈકાર કરી રહી હોય ને નાના પ્રકારનાં વાજિંત્ર વાજતાં હોય, ને તે સભામાં જઈને જે જન બેસે તે સમે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે.”

વર્તમાનકાળે વ્યક્તિ-મિત્રોના સંગની સાથે સાથે ટી.વી., ઇન્ટરનેટ અને મોબાઇલનો સંગ પણ જીવન બદલી નાખે છે. જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં ન આવે તો જીવન અધોગતિના માર્ગે દોરાય છે. માટે સાત્ત્વિક જીવન કરવા તેનો નછૂટકે જ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. રજોગુણી વ્યક્તિના સંસર્ગમાં વધારે રહેવાથી તેમના જીવનનું આપમેળે આપણા જીવનમાં અનુકરણ થઈ જતું હોય છે. માટે એવા સંગથી સદા ચેતતા રહેવું.

શ્રીજીમહારાજ, જીવનપ્રાણ બાપાશ્રી, ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કે, ચારેબાજુ વિષયનાં ઢોલ-નગારાં અને રજોગુણ-તમોગુણના બ્યૂગલો વાગે છે એની વચ્ચે અમે અમારું જીવન સાત્ત્વિક બનાવી શકીએ એવી દયા કરો. જગતના નાશવંત રજોગુણી, તમોગુણી વસ્તુ-વ્યક્તિમાં અમને ક્યાંય આસક્તિ ન થાય. તેનાથી નિર્લેપ રહી, આપની મૂર્તિમાં જોડાઈ શકીએ એવી દયા કરો... દયા કરો... દયા કરો....