સૌમાં દિવ્યભાવભરી દૃષ્ટિ

  July 10, 2017

જે નિરંતર સૌમાં મહારાજનાં દર્શન કરવાની રીત શીખવે છે એવા દિવ્યપુરુષના જીવનમાં આ વાત પ્રસંગોપાત્ત સ્પર્શી આવે છે.

એક દિવસની વાત છે. વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી વિચરણમાં પધાર્યા હતા. જેમના મુખે અવિરત કથાવાર્તા-રૂપી અમૃત વહેણ હોય એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ્રાતઃ સભામાં લાભ આપી સૌ મુક્તોને બળિયા કર્યા. સભામાં ઓતપ્રોત થઈ જવાથી ઘડિયાળ સામે નજર ન રહેતાં થોડું મોડું થઈ ગયું હતું. આથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ઉતાવળે ઉતાવળે ઠાકોરજી જમાડ્યા. રોજની જેમ આજે પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીને દવા લેવાની હતી. જે પોતે અનંતની દુઆ સમાન છે અને તે અનંતના રોગને દૂર કરવા માટે દવા લે છે; એમાં કોઈ શક નથી. સેવક સંતે ગુરુવર્ય પ.પૂ. બાપજીને દવા આપવા માટે દવાના બૉક્ષમાં હાથ નાખ્યો. પરંતુ હાથને કંઈ સ્પર્શતું જ નહોતું; કારણ કે દવા પૂરી થઈ ગઈ હતી. સેવક સંતે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી, “દયાળુ ! રાજી રહેજો. દવા પૂરી થઈ ગઈ છે.” આ સાંભળી બાપા તે સંતને થોડું વઢ્યા, “દવા ભૂલી ગયો ! ગોળી સમયે ન લઉં તો મને દુઃખાવો બહુ થાય છે. ખટકો રાખતો હોય તો ? સેવામાં અસેવા થાય છે.” આ સાંભળી સેવક સંતને દુઃખ થયું, “અરરર !! મારા કારણે બાપાને કષ્ટ પડશે, દુઃખાવો થશે !”

આટલી બીના બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજી ગાડીમાં બેસીને પરત પધારવા નીકળ્યા. જોડે સેવક સંત પણ હતા. (ગુરુવર્ય પ.પૂ. બાપજી આગળની સીટ પર હતા અને સેવક સંત પાછળ બેઠા હતા.) એક બાજુ ગાડી હરણફાળ સ્પીડે દોડી રહી છે. બીજી બાજુ આ દિવ્યપુરુષ કંઈક અલગ વિચારોમાં ખોવાયેલા જણાતા હતા. એ પુરુષ વારે વારે પાછળની બાજુએ સેવક સંત સામે અમી ભરેલી દૃષ્ટિ કરતા હોય એ જણાતું. જાણે કંઈક કહેવાની તક શોઘતા ન હોય ! અને થોડા સમયમાં તો એમનું અંતર દ્રવી ઊઠ્યું અને શબ્દો મુખકમળ દ્વારા સરી પડ્યા. એ શબ્દો હતા, “હું તને વઢ્યો તો તું દુઃખાયો તો નથી ને ! જે હોય તે મને સાચું કહેજે.”  આવા કરુણ શબ્દો સાંભળતાં સેવક સંત બે હાથ જોડી કહે છે, “બાપા ! આમ કેમ બોલો છો ? મારી ભૂલ છે એમાં મને દુઃખ શાનું લાગે ? આપ તો કદાચ વગર ભૂલે વઢો તોપણ શું ? મારી પર સંપૂર્ણ આપનો જ અધિકાર છે.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “તું દુઃખાય તો ભેળા મહારાજ દુઃખાય અને મહારાજ દુઃખાય તો કામનું શું ?” આવા દાસભાવના શબ્દો બોલતી આ દિવ્યપુરુષની મુખાકૃતિ જોતાં જોતાં સેવક સંતની આંખ અહોહોભાવ સાથે અશ્રુધારા વહાવી રહી હતી.