સુખ-દુઃખનું મૂળ - અપેક્ષા - 1

  March 5, 2016

કોઈપણ યુગના માનવીની તલાસ હંમેશાં સુખની જ રહી છે, દુઃખની નહીં. મનુષ્યનું જીવન આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી જ ઘેરાયેલું હોવા છતાં પણ એકમાત્ર સુખ-શાંતિનો અહેસાસ થાય એવી જ તેને અપેક્ષા રહેલી હોય છે. વ્યક્તિની જીવનશૈલી, આચાર-વિચાર આ બધાંની પાછળ પણ અપેક્ષા જ ધરબાયેલી જોવા મળે છે. કોઈ પણ કાર્ય કરવા માટેના વિચાર પૂર્વે પણ તે માટેની ઇચ્છા અથવા તે વસ્તુ, વ્યક્તિ કે લાગણી મેળવવાની અપેક્ષા જ બહુ મોટો ભાગ ભજવે છે. જેવી ઇચ્છા-અપેક્ષા એવું જ કાર્ય થાય. એટલે જ અંગ્રેજીમાં કહ્યું છે કે,

‘A desire is the foundation of any action’ – અર્થાત્ કોઈપણ કાર્યમાં ઇચ્છા-અપેક્ષા જ મૂળ પાયો બની રહે છે. જેવી અપેક્ષા હોય તેવું જ કાર્ય થાય. સામાન્ય રીતે અપેક્ષા એટલે અંતરની ઇચ્છા, અદમ્ય ઝંખના કે આશા-અરમાન... જે દરેક વ્યક્તિમાત્રમાં હોય જ. અપેક્ષા રહિત જીવન જીવવું કોઈના માટે શક્ય નથી.

અપેક્ષાની સમીક્ષા કરતાં જણાય કે, અપેક્ષા એ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો માનસિક અને છૂપો વ્યવહાર છે. જેનું માનસિક સ્વરૂપ અદૃશ્ય હોય છે પરંતુ ક્રિયાત્મક અને દાર્શનિક સ્વરૂપ વિશાળ અને વાસ્તવિક હોય છે. અન્ય વ્યક્તએ આપણા પ્રત્યે મનમાં સેવેલી આશા-અપેક્ષા દેખાતી નથી.

એક લિમિટેડ કંપનીના મૅનેજરે પોતાની ઑફિસમાં આગામી દિવસના કાર્યનું આયોજન કર્યું. જેમાં તેમણે એકાઉન્ટન્ટ પાસે અપેક્ષા રાખી કે તેઓ દસ દિવસમાં ગત માસના હિસાબના ચોપડા પૂર્ણ કરી દેશે. ત્યારબાદ ગત માસના નફાને આધારે  આગળનું કાર્ય કરશે. મૅનેજરે અપેક્ષા રાખી હતી તેની એકાઉન્ટન્ટને પોતાને ખબર નહોતી. પાંચ દિવસ પછી મૅનેજરે એકાઉન્ટન્ટ પાસે પોતે રાખેલી અપેક્ષા રજૂ કરી ત્યારે તેમને ખબર પડી. પરંતુ સંજોગોવશાત્ એકાઉન્ટન્ટથી મૅનેજરના સમય-અંદાજ મુજબ હિસાબનું કાર્ય પૂર્ણ ન થયું. મૅનેજર એકાઉન્ટન્ટ પર અકળાઈ ગયા. પોતાનો રોષ પ્રગટ કર્યો.

મૅનેજરે એકાઉન્ટન્ટ પ્રત્યે અપેક્ષા રાખી હતી તેની કોઈને ખબર ન પડે; પરંતુ જ્યારે તે વાણી અથવા ક્રિયા દ્વારા દર્શાવે છે ત્યારે જ તેની ખબર પડે છે. એકાઉન્ટન્ટ દ્વારા યોગ્ય સમયે કાર્ય પૂર્ણ ન થતાં તેમના પ્રત્યે ઉપેક્ષા જન્મી અને અંદર અંદર ચડભડ થઈ જેની બધાયને ખબર પડે છે.

મનુષ્યસ્વભાવનું એક તારણ છે કે દરેક વ્યક્તિને પોતાની અપેક્ષા ન સંતોષાય તો તેમાંથી ઉપેક્ષા જન્મે છે. કારણ કે વણસંતોષાયેલી અપેક્ષાઓ જ ઉપેક્ષાની જન્મદાતા છે. આપણી અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વાણી અને વર્તન દ્વારા પ્રદર્શિત થતી હોય છે. મૅનેજરની એકાઉન્ટન્ટ પ્રત્યેની અપેક્ષા ન સંતોષાઈ તો તેમાંથી તેના કાર્ય પ્રત્યે ઉપેક્ષા જન્મી; જે વાણી અને વર્તન બંને દ્વારા પ્રદર્શિત થઈ.

અત્રે લેખ વિષયાંગમાં આપણે વાંચ્યું કે, સુખ-દઃખનું મૂળ અપેક્ષા છે. જીવનમાં આવતાં સુખ-દુઃખના મૂળમાં અપેક્ષા પણ એક ભાગ બની રહે છે. બહુધા આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે, અપેક્ષા હંમેશાં દુઃખરૂપ જ હોય છે. કારણ કે આપણી અપેક્ષા ન સંતોષાતાં આપણે દુઃખી થઈએ છીએ. એવું આપણે સમજીએ છીએ. તો શું અપેક્ષા માત્ર દુઃખરૂપ જ  છે ? ના... ના... અપેક્ષા સુખરૂપ પણ છે અને દુઃખરૂપ પણ છે. પરંતુ સુખ-દુઃખનો આધાર આપણે કેવી અપેક્ષાઓ રાખીએ છીએ તેના ઉપર છે.

આપણને બહુધા બે રીતે અપેક્ષાઓ રહેતી હોય છે : જેમાં પહેલી પોતા પ્રત્યેની અપેક્ષાઓ અને બીજી બીજા પ્રત્યેની અપેક્ષાઓ. આ અપેક્ષાઓ એક, બે, ત્રણ એવી કોઈ સીમિત હોતી નથી. વ્યક્તિ જન્મે છે ત્યારથી મૃત્યુ પામે છે ત્યાં સુધી તેના મનમાં સતત એક યા બીજી અપેક્ષા કોઈ ને કોઈ સ્વરૂપે સતત પ્રગટ થતી જ હોય છે જેનો ક્યારેય અંત આવતો નથી.

‘A man is the bundle of the infinitive desires.’

અર્થાત્ મનુષ્ય એ અગણિત ઇચ્છાઓનું પોટલું છે.’

સ્વજીવનને અવલોકતાં ખ્યાલ આવે કે, આપણા પોતાના પ્રત્યે જીવનમાં ત્રણ પ્રકારે અપેક્ષાઓ રહેતી હોય છે. પહેલી સહજ સ્વાભાવિક અપેક્ષા, બીજી ઠરાવ સોતી અપેક્ષા અને ત્રીજી ઓવર અપેક્ષા (ક્ષમતા બહારની વધુ પડતી અપેક્ષા). આ અપેક્ષાઓ જ આપણને સુખી અને દુઃખી કરતી હોય છે.

કોઈપણ કાર્ય કર્યા પછી તરત જ તેના પરિણામની અપેક્ષા રહે જ – આ સહજ સ્વાભાવિક અપેક્ષા છે. પરિણામની અપેક્ષા વગર કોઈ કાર્ય કે વ્યક્તિ સાથે આપણે વ્યવહાર પણ કરતા નથી. બાળક નાનું હોય ત્યારે માતાપિતા તેની સંભાળ રાખે છે, માંદે-સાજે દવા આપે છે, ભણાવી-ગણાવીને મોટો કરે છે, સત્સંગ અને સંસ્કાર આપે છે. બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો વણથંભ્યા કર્યા જ કરે છે તેની પાછળ માબાપને સ્વાભાવિક અપેક્ષાઓ રહેલી હોય છે કે મારો દીકરો મોટો થશે, ભણી-ગણીને આગળ નીકળશે. પૈસેટકે સુખી થશે. ઘડપણમાં આપણી લાકડીનો ટેકો બનશે ને વાતનો વિસામો બનશે. આપણને પાલવશે અને પોષશે. આ બધી માતાપિતાની અને બાળક વચ્ચેની સહજ સ્વાભાવિક અપેક્ષા છે જે દરેક માબાપને હોય જ. એ અપેક્ષાના પ્રતીકાત્મક રૂપે જ માતાપિતા પોતાનું જીવન ખર્ચી બાળકનું જતન કરતા હોય છે.

 જેમ માબાપને બાળક પાસે અપેક્ષા રહે છે તેમ આધ્યાત્મિક માર્ગમાં પણ ગુરુને પોતાના શિષ્યવૃંદ પાસે સહજ સ્વાભાવિક અપેક્ષાઓ રહેતી હોય છે કે, ગુરુએ સેવેલા આગ્રહો, સિદ્ધાંતો અને સંકલ્પો અનુસાર પોતાના શિષ્યનું જીવન બને. ભક્તિમાર્ગની બાંધેલી નિયમ-ધર્મની પાળમાં રહી આદર્શ ભક્તજીવન જીવે. વ્યવહાર-પ્રવૃત્તિ કરતા કરતા પણ પ્રભુભક્તિને કદી ગૌણ ન કરે. ગુરુની સેવેલી આવી સહજ સ્વાભાવિક અપેક્ષાઓ શિષ્યવૃંદની ફરજ બની રહે છે અને એ પ્રમાણે જીવન જીવવા કટિબદ્ધ કરે છે. જે અપેક્ષા ગુરુ-શિષ્ય બંને માટે સુખરૂપ બની રહે છે.

બીજી પોતાના જીવનમાં ક્યાંક ઠરાવ સોતી અપેક્ષાઓ રહેતી હોય છે. વ્યવહારિક જીવનમાં કે આધ્યાત્મિક જીવનમાં જ્યાં ઠરાવ આવે ત્યાં દુઃખ ઊભું થાય જ. ઠરાવ એ દુઃખનું મૂળભૂત કારણ છે. આપણી ઠરાવ સોતી અપેક્ષા અન્યને આપણું ધાર્યું કરવા માટે મજબૂર કરે છે. પરંતુ એવું બધે જ શક્ય નથી બનતું કે આપણું ધાર્યું જ થાય. જેના પરિણામે આપણી અપેક્ષા ન સંતાષાતાં ઉદ્વેગ સાથે બીજાં કેટલાંય દુઃખ ઊભાં થાય છે.

સમાજમાં કે સત્સંગમાં ક્યાંક આપણને એવું મનાઈ જતું હોય છે કે, ‘I am something.’ હું વડીલ છું, હું ટ્રસ્ટી છું, હું સંયોજક-કાર્યકર છું, હું મોટેરો છું. આપણને પ્રભુઇચ્છાથી જે કંઈ પદવી કે સત્તા મળી હોય કે પછી પ્રભુઇચ્છાથી કંઈક આવડત, બુદ્ધિ કે કળાકૌશલ્ય જે કંઈ પ્રાપ્ત થયું હોય તેનું આપણને માન આવી જાય છે. પરિણામે પોતાનો મોભો જળવાય, સૌ માન-આદર આપે, હાર પહેરાવે, આગળ સ્થાન આપે, અગત્યનાં કાર્યો, નિર્ણયો પોતાની હાજરીમાં લેવાય, પૂછીને કાર્ય કરે એવી અનેક ઠરાવ સોતી માનની અપેક્ષાઓ રહેતી હોય છે. આ અપેક્ષાઓ કાયમ સંતોષાય એવું બહુધા બનતું નથી હોતું. પરિણામ સ્વરૂપે દુઃખી થઈ જવાય છે. આપણી કોઈ કિંમત નથી; હું ટ્રસ્ટી છું, વડીલ છું, સંત છું છતાં મને કોઈ ગણતા નથી એવા નકારાત્મક વિચારો સતત સતાવતા રહે છે. છેવટે સંસારમાં અને સત્સંગમાં કોઈ મુશ્કેલી ન હોવા છતાં દુઃખી થઈ જવાતું હોય છે.

હરભમ સુથાર કાળા તલાવથી 50 ગાઉ ચાલતાં-ચાલતાં શ્રીજીમહારાજનાં દર્શન કરવા માટે ભુજ આવ્યા. તેઓ સદ્. રામાનંદ સ્વામીના શિષ્ય હતા તેથી તેમને સત્સંગમાં પોતાના જૂનાપણાનું માન રહેતું. જેથી તેઓ ચાલતા આવતા હતા ત્યારે અનેક અપેક્ષાઓ સેવી હતી, જેમ કે હું ભુજ જઈશ એટલે મહારાજ મને સભામાં આગળ બેસાડશે, હાર પહેરાવશે, મારું નામ લઈ સંબોધશે, મહારાજ સન્માન કરાવશે – એવી ઠરાવ સોતી અપેક્ષાઓ રાખીને તેઓ દર્શન કરવા આવેલા. જેમનાં દર્શન કરવા આવ્યા હતા તેમની આગળ પણ આવી ઠરાવ સોતી અપેક્ષાઓ સેવી હતી. પરંતુ ઠરાવીના ઠરાવ છોડાવવા એ તો શ્રીજીમહારાજનો શોખ હતો.

હરભામ સુથાર સભામાં આવ્યા. દંડવત કરી શ્રીજીમહારાજને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા, પરંતુ શ્રીજીમહારાજે તેમની સામું પણ જોયું નહીં. તેથી પોતાની અપેક્ષાઓનો કૂચો થઈ ગયો. હરભમ સુથાર દુઃખી થઈ ગયા અને કાયમ સભામાં આગળ બેસતા હોવા છતાં પાછળ બેસી ગયા. જેમનાં દર્શન કરવા આવ્યા હતા એવા શ્રીજીમહારાજને વિષે પણ મનુષ્યાકારે બની સંકલ્પ-વકલ્પે ચડી ગયા. સંતો-હરિભક્તોનો અને સત્સંગનો અભાવ આવવા માંડ્યો અને દુઃખી દુઃખી થઈ ગયા. ઠરાવ સોતી અપેક્ષા ન સંતોષાતાં માત્ર હરભમ સુથાર જ નહિ, ઠરાવ રાખનાર તમામ દુઃખી થાય છે. આ સર્વે કરતાં આપણે સુખી થવા માટે છોડવાનો છે માત્ર પોતાનો ઠરાવ.

ચંચળમાં ચંચળ જાત એટલે માંકડું, જેને પકડવું અતિ મુશ્કેલ છે. જંગલમાં મદારી લોકો માંકડાને પકડવા માટે એક ખાસ પ્રકારની યુક્તિ કરતા હોય છે. માંકડાને મગફળી અતિ પ્રિય હોય છે. તેથી માંકડાનો સીધો હાથ જ માત્ર અંદર જઈ શકે એવું ખાસ નાના મોંવાળું માટલું બનાવી તેમાં મગફળી મૂકી દે. મગફળીની લાલચે માંકડું માટલાની અંદર હાથ નાખી મગફળીની મુઠ્ઠી ભરે છે અને મુઠ્ઠી સોતો બહાર કાઢવા પ્રયત્ન કરે છે. માટલાનું મોં નાનું હોવાથી મુઠ્ઠી બહાર નીકળી શકતી નથી. છેવટે માંકડું મદારીના હાથે પકડાઈ જાય છે. માંકડાની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. એ જ માંકડું જો માત્ર મુઠ્ઠી છોડી દે તો તેનું દુઃખ દૂર થઈ જાય છે પરંતુ માંકડું મગફળીની લાલચે મુઠ્ઠી છોડી શકતું નથી. એવું જ આપણા જીવનમાં કેટલીક વાર થતું હોય છે. આપણા સ્વસુખની, સ્વમાનની, સ્વકીર્તિની અપેક્ષાઓ પૂર્ણ કરવાના ઠરાવોને કારણે આપણે દુઃખી થઈએ છીએ. પરંતુ જો માત્ર ઠરાવરૂપી મુઠ્ઠી છોડી દઈએ તો સુખી થઈ જવાય.

એટલે જ પ.પૂ. સ્વામીશ્રીએ આપણને ‘હરિને ગમે એવા થવું જ છે’ ના કૃપાવાક્યમાં નંબર 54માં શિખવાડ્યું છે કે, “સત્સંગમાં કોઈ પ્રકારની અપેક્ષા ન રાખવી. હારની, માનની, પ્રસાદીની, બોલાવે-ચલાવે એની, વખાણની, માથે હાથ મૂકે તો સારું એવી અપેક્ષા પણ ન રાખવી. જો અપેક્ષા ન સંતોષાય તો ઉપેક્ષા જન્મે. મહારાજ ને મોટાપુરુષ અંતર્યામી છે. તેમના અંતર્યામીપણાનો સ્વીકાર કરવો.” મહારાજ અને મોટાપુરુષ અંતર્યામી જ છે. તે બધું જ જુએ છે અને જાણે છે ત્યારે એમની આગળ આપણી ઠરાવ સોતી અપેક્ષા કેવી ? માટે આપણા જીવનમાંથી ઠરાવી અપેક્ષાનો ત્યાગ કરવાનો ઠરાવ રાખવો.

અપેક્ષાઓ સેવાય તો જ પ્રગતિ થાય પણ વધુ પડતી અપેક્ષા પ્રગતિ તો નહિ પણ ક્યારેક વધુ પડતી દુઃખી કરી નાખે છે તે જોયું પણ પ્રશ્ન થાય છે કે અપેક્ષા એટલે કે Ambition – goal રાખવો પણ વધુ પડતું Over goal બનાવી દુઃખી પણ ના થવાય તો... કેવી રીતે બૅલેન્સ જાળવવું ? તે જોઈએ આવતા અંકે...