સુખ-દુઃખનું મૂળ - અપેક્ષા - 2

  March 12, 2016

ત્રીજી, પોતાના જીવનમાં વધુ પડતી અપેક્ષા (Over desire) રહેતી હોય છે જે બહુધા સંજોગોમાં દુઃખનું કારણ બનતી હોય છે. કારણ કે પોતાની ક્ષમતા ઓછી હોય છતાંય અન્યનું દેખીને કે કોઈ પ્રલોભનથી લલચાઈને વધુ પડતી અપેક્ષા સેવાય તો તે દુઃખરૂપ જ નીવડે.

‘100 ગ્રામના ગ્લાસમાં મારે 200 ગ્રામ દૂધ ભરવું જ છે’ એવું નક્કી કરીને રાત-દિવસ ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તેમ છતાં ગ્લાસમાં 100 ગ્રામ દૂધ જ આવે. કારણ કે ગ્લાસની ક્ષમતા 100 ગ્રામ દૂધની જ છે.

કેટલાક અન્યને જોઈ રાતોરાત કરોડપતિ થવાની અપેક્ષા રાખે છે. 12મું ધોરણ ભણેલી વ્યક્તિ બૅંકમાં મેનેજરની પોસ્ટ મળશે તેવી અપેક્ષા રાખે. સ્કૂલના પટાવાળાને પ્રિન્સિપાલની ખુરશીમાં બેસવાની ઇચ્છા જાગે. ગામના સરપંચને દેશના વડાપ્રધાન બનવાની અપેક્ષા રહે. રોડ ઉપર કચરો વાળનાર ઝાડુવાળાને શહેરના મેયર બનવાની અપેક્ષા રહે. અભણ મિલમજૂરને કંપનીનું એકાઉન્ટ લખવા માટેની પોસ્ટ મળે તેવી અપેક્ષા રહે. સામાન્ય સંત્સંગીને સંયોજક કે વડીલ કાર્યકર બનવાની અપેક્ષા રહે તો આ બધી વધુ પડતી અપેક્ષાઓ છે. તેના માટે ગમે તેટલો પ્રયત્ન કરે તોય શું શક્ય છે ? પાંચ પૈસાના ફુગ્ગાને એક વેંત મોટો જ ફુલાવી શકાય. તેમ આપણી ક્ષમતા જોઈને જ અપેક્ષા રખાય. એટલે જ કહ્યું છે કે, ‘તે તા પાંવ પ્રસારીએ જિતની લંબી સોડ’ એટલે કે એટલા જ પગ લાંબા કરાય કે જેટલી આપણી ચાદર હોય, નહિ તો મચ્છર કરડે જ. એમ આપણા જીવનમાં પણ આપણી ક્ષમતા તથા આગળ-પાછળના જીવનનો વિચાર કરીને જ ભવિષ્ય માટે કે વર્તમાન માટે અપેક્ષાઓ રાખીએ તો સુખી થવાય.

મનુષ્યજીવન એકબીજા સાથેની અપેક્ષાઓથી જ ગૂંચવાયેલું રહેતું હોય છે, જેમાં બીજા પ્રત્યે પણ કેટલીક સહજ-સ્વાભાવિક અપેક્ષાઓ રહેતી હોય છે. પાડોશીના ઘરમાં અગવડતા-સગવડતાએ મદદ કરી હોય, લગ્ન-પ્રસંગે મદદ કરી હોય તો સ્વાભાવિકપણે અપેક્ષા રહે જ કે, આપણા ઘેર આવા સંજોગો આવશે ત્યારે તેઓ પણ મદદ કરશે જ. કુટુંબમાં કે સત્સંગી હરિભક્તોનાં ઘર-પરિવારમાં કોઈ સાજું-માંદુ હોય, દવાખાનાના ધક્કા હોય એવા સમયે જો આપણે ખરે ટાણે આર્થિક અને શારીરિક મદદ કરી હોય તો સ્વાભાવિકપણે અપેક્ષા રહે કે આપણને પણ સમય આવ્યે તેઓ મદદ કરશે. ઘરમાં વડીલોને વિવેક-મર્યાદાથી બોલાવતા હોય, તેમને સાચવતા હોય તો સ્વાભાવિક અપેક્ષા રહે કે આવનાર પેઢી પણ મને સાચવશે.

એટલે કે આપણા જીવનમાં ‘Give and then take’ – ‘આપવું પછી લેવું’ નો સિદ્ધાંત અપનાવવો જોઈએ. ‘We serve and then desire’ એટલે કે ‘આપણે પહેલાં સેવા કરીએ પછી અપેક્ષા રાખીએ.’ કર્યા પછી સામે તેવું વળતર મળશે તેવી બીજા પ્રત્યે જે સ્વાભાવિકપણે અપેક્ષા રહે છે તે અપેક્ષામાં કોઈ સ્વાર્થ કે ઠરાવ નથી હોતો. તેથી જો તે ન સંતોષાય તો આનંદ થાય, પરંતુ જો કોઈ કારણસર પોતે બીજા પ્રત્યે સેવેલી અપેક્ષા પૂર્ણ ન થાય તો તેનું દુઃખ કે શોક રહેતાં નથી.

બીજા પ્રત્યે જો ઠરાવ સોતી અપેક્ષા રહે તો તે બહુધા દુઃખરૃપ જ નીવડતી હોય છે. આપણી અપેક્ષા પ્રમાણે જ બધા આપણી સાથે કાર્ય કરે કે એ પ્રમાણે જ વર્તે તેવું ઇચ્છચવું એ જ દુઃખરુંપ હોય છે. સમાજમાં કેટલીક વાર જોઈએ તો માતાપિતા સંતાનો પ્રત્યે એમના ભવિષ્ય માટે કોઈ ઠરાવ સોતી અપેક્ષા રાખતા હોય છે. કેટલીક વાર એવી અપેક્ષા જ દુઃખનું કારણ બનતી હોય છે.

અમદાવાદના કોટ વિસ્તારમાં થોડા સમય પહેલાં બનેલી એક ઘટના ઠરાવી અપેક્ષા દુઃખરુંપ નીવડે છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. ચાર સભ્યોના પરિવારમાં માતાપિતા અને ભાઈબહેન સુખ-શાંતિથી રહે. માતાપિતા બંને ર હતાં અને તેઓ પોતાનાં સંતાનોને પણ ડૉક્ટર બનાવવા ઇચ્છતાં હતાં. કારણ કે જો તેઓ તેમની જ લાઈનમાં ડૉક્ટર બને તો પાછળ હૉસ્પિટલ તેઓ સંભાળી લે. પરંતુ દીકરાને C.A. થવાની ઇચ્છા હતી. ધોરણ 10ના રિઝલ્ટ પછી દીકરાએ કોમર્સ લાઈન લેવા માટે જીદ કરી. પરંતુ માતાપિતા તેમના નિર્ણયમાં અફર રહ્યાં. દીકરો ગમે તેમ કરી ડૉક્ટર થાય એ જ એક અને માત્ર એક તેમની અપેક્ષા હતી. પરાણે દીકરાને સાયન્સ લાઇન લેવડાવી. પરંતુ દીકરાનું મન તેમાં માને નહીં. 11માં ધોરણનું રિઝલ્ટ 50 ટકા આવ્યું. રિઝલ્ટ જોતાં જ માતાપિતા બંને દીકરા પર વરસી પડ્યાં અને તેના ઓછા રિઝલ્ટને કારણે મોટા અવાજે ધખ્યા. રિઝલ્ટ પછી દીકરા ઉપર વધુ પડતું દબાણ ચાલું થયું. છેવટે દીકરાએ કાયમ માટે માબાપની અપેક્ષાઓને પાણીમાં મૂકી દીધી. દીકરાને ડૉક્ટર બનાવવા જતાં માબાપે પોતાના હાથમાંથી જ પોતાની આંખનું રતન જતું કરવું પડ્યું.

સંસાર-વ્યવહારમાં આવી તો ભાઈ-ભાઈ વચ્ચે, સાસુ-વહુ વચ્ચે, સત્સંગી હરિભક્તો વચ્ચે કેટકેટલીય ઠરાવ સોતી અપેક્ષાઓ રખાતી હોય છે જે અપેક્ષા આપણને દુઃખી કરે છે.

કેટલીક વાર સામેની વ્યક્તિ માટે વધુ પડતી અપેક્ષા રખાય તો તેપણ દુઃખી કરે છે.

પાંચ વર્ષનો બાળક ત્રણ કલાક સળંગ ધ્યાનમાં બેસે, ભણવામાં 40 ટકાએ પાસ થનારો બાળક એન્જિનિયર બને, ગાડાંના પૈડાંવાળા જમાનામાં જન્મેલાં માતાપિતા તેમની રીતરસમ મૂકી આપણી જ રીતરસમ અપનાવે. આવી બીજી કેટલીક વધુ પડતી અપેક્ષાઓ બીજા પ્રત્યે રહેતી હોય છે જે તેમનાં જીવન અને ક્ષમતાથી જુદી પડતી હોય છે. પરિણામે તે કોઈ સંતોષી ન શકે તો દુઃખી થઈ જવાય. માટે સામેવાળી વ્યક્તિની ક્ષમતા જોઈને જ તેના પ્રત્યે અપેક્ષા સેવવી... તો સુખી થવાય.

એકથી વધારે વ્યક્તિના સમૂહમાં રહેવાનું થાય તે સમૂહજીવન કહેવા. સત્સંગમાં કે વ્યવહારમાં સમૂહજીવનમાં અપેક્ષઆ રહિત જીવન જીવવું એ અતિ ઉત્તમ છે. કારણ કે, સમૂહજીવનમાં સેવેલી આપણી અપેક્ષા પૂર્ણ ન થતાં તે વ્યક્તિ પ્રત્યે ઉપેક્ષા જન્મે છે. ક્યારેક અપેક્ષા કેમ પૂર્ણ ન કરી ? તેના વિચારમાં દુઃખી થઈ જવાય, અભાવ-અવગુણ આવે, ક્યારેક કોઈ વ્યક્તિ પ્રત્યે પૂર્વાગ્રહ બંધાય, આગળ વધવાના વિચારો કરવાને બદલે નકારાત્મક વિચારો આવે અને પ્રગતિ અટકી જાય. કોઈના પ્રત્યે ઇર્ષ્યા કે આંટી બંધાય, અન્ય બીજી વ્યક્તિ પાસે એ પ્રકારની અપેક્ષા સેવાય. માટે સમૂહજીવનમાં પોતાપ્રત્યે અન્ય પાસેથી અપેક્ષા રાખતા પહેલાં અને અન્ય પાસે આપણે અપેક્ષા રાખતા પહેલાં વિચાર કરવો કે,

(1). હું જેવી અપેક્ષા રાખું છું એવું મારું જીવન છે ? જો આપણે વડીલ તરીકે આપણી મર્યાદા સચવાય, આદર-સત્કાર મળે, સમયે સમયે સંભાળ રખાય, માંદે-સાજે આપણી સંભાળ રખાય, બે-ચાર સભ્યો આપણી પાસે બેસે, હૂંફ અને પ્રેમ મળે તેવી અનેક અપેક્ષાઓ રાખતા પહેલાં વિચાર કરવો કે, ઘરમાં કે સત્સંગમાં શું ખરેખર મારું વડીલ તરીકેનું જીવન છે ? વડીલની પદવીને લાયક બન્યો છું ? જો એ પ્રમાણેનું જીવન હોય તો આપમેળે આપણી અપેક્ષાઓ સંતોષાય જ; કોઈને કહેવું ન પડે. પરંતુ જો આપણું એવું જીવન ન હોય તો સામેથી કહેવા છતાં કોઈ આપણી અપેક્ષાઓ પૂર્ણ ન કરે.

(2). અપેક્ષા મુજબ મારું વર્તન છે ? મારી ક્ષમતા છે ? આપણે જે હોદ્દા પર હોઈએ તે મુજબ અપેક્ષા રાખવી. શેઠ પાસે બમણા પગારની અપેક્ષા રાખતા પહેલાં આપણું વર્તન કેવું છે ? તે વિચારવું. શેઠ પ્રત્યેની વફાદારી, કાર્યમાં ઉત્સાહ, જવાબદારીની સંપૂર્ણ સભાનતા, સારામાં સારું કાર્ય યોગ્ય સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તૈયારી, અન્ય કર્મચારીઓ કે મૅનેજર સાથેનું આપણું સુયોગ્ય વર્તન અને વિવેકપૂર્ણ વાણી જેવા ગુણો આપણામાં હોવા જોઈએ. જો આપણું આવું વર્તન હોય તો શેઠ પાસે ડબલ પગારની કે બઢતીની અપેક્ષા રાખીએ તો તે યોગ્ય છે. આપણું આવું વર્તન જોઈ શેઠ વગર અપેક્ષાએ પગાર વધારે અને બઢતી આપે જ. આપણું વર્તન યોગ્ય હોવું અને કાર્ય માટે સક્ષમ હોવું એ ફરજિયાત છે. એવી જ રીતે આપણા કરતાં નાના હોય તેની પાસે અપેક્ષા રાખતા પહેલાં તેમની બુદ્ધિક્ષમતાનો IQનો, તેમની આવડતનો, ફાવટનો વિચાર કરવો.

(3). સામેવાળાની કાર્યક્ષમતા, રીતરસમને ધ્યાનમાં રાખી અપેક્ષા રાખવી. આપણે બહુધા એવું જ માનતા હોઈએ છીએ કે મારી જેટલી કાર્યક્ષમતા છે, મારી જેવી રીતરસમ છે, મારી જેવી ટેવ છે એ જ યોગ્ય છે; એવી જ બધાંની હોવી જોઈએ. કદાચ આપણે આવું બોલીએ નહિ, પરંતુ અન્ય વ્યક્તિ પાસેની આપણી અપેક્ષાઓ તો આવી જ રહેતી હોય છે અને એ પ્રમાણે જ વર્તાવવા પ્રયત્ન થતો હોય છે. જે કાર્ય આપણે એક કલાકમાં કરી શકતા હોઈએ તે જ કાર્ય સામેવાળી વ્યક્તિની શારીરિક અને માનસિક ક્ષમતા ઓછી હોય, પ્રેક્ટિસ ઓછી હોય તો કદાચ બે કલાકે પણ થાય. ત્યાં જો આપણા જેટલી જ અપેક્ષા સામે રાખીએ તો બંને પક્ષે દુઃખી થવાય. ક્યાંક તેમની કાર્ય કરવાની પદ્ધતિ પણ અલગ હોઈ શકે. માટે બધી જ પરિસ્થિતિનો દીર્ધ વિચાર કરી, સૌને સમજી અપેક્ષા રખાય તો સુખી થવાય.

સમૂહજીવનમાં રહેતી અપેક્ષા એ બહુધા દુઃખરૂપ જ થતી હોય છે; માટે એકમાત્ર મહારાજ અને મોટાપુરુષના અંતરના રાજીપાની જ ઇચ્છા રાખવી. સંસારવ્યવહારમાં કે સત્સંગમાં સુખી થવા માટે મહારાજ અને મોટાપુરુષનો અંતરનો રાજીપો એ જ માસ્ટર કી છે જેનાથી સઘળાં સુખનાં તાળાં ખૂલી જાય. માટે લૌકિક સુખ, પદાર્થ અને વિષયની ઇચ્છાઓનો ત્યાગ કરી, એકમાત્ર અંતરના રાજીપાની જ ઇચ્છા રાખવી.

અતંરના રાજીપાની ઇચ્છામાં ક્યારેય રાજીપાદર્શનની ઇચ્છાનો ભેગ ભળવા ન દેવો. નહિ તો રાજીપાદર્શનની અપેક્ષા પણ દુઃખી કરી નાંખે. જો રાજીપાનું દર્શન ન કરાવે તો અવળા વિચારો આવે. માટે એકમાત્ર મહારાજ અને મોટાપુરુષનો અંતરનો રાજીપો જ થાય અને એના બદલામાં એકમાત્ર મહારાજની મૂર્તિ મળે તેવી જ અપેક્ષા રાખવી જે સદાય સુખરૂપ નીવડે.

 સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ ત્રીજા પ્રકરણની 24મી વાતમાં શીખવ્યું છે કે, “વિષયને આપે તે ભગવાન નહિ, અને જે વિષયને માંગે તે ભક્ત નહી. માટે જેને ભગવતનિષ્ઠ થાવું હોય તેને મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ ઇચ્છવું નહી.” મહારાજની મૂર્તિ આવે પછી ત્યાં દુઃખમાત્ર ટળી જાય અને સુખ-સુખ ને સુખ જ રહે. માટે સર્વે ઇચ્છા-અપેક્ષાઓને ટાળી એકમાત્ર મહારાજની મૂર્તિના સુખની જ અપેક્ષા રાખીએ એ જ અભ્યર્થના...

પ્રૅક્ટિકલ લાઇફમાં અપેક્ષાઓ કેવી રખાય, કેવી ન રખાય તે જોયું. હવે decision is your…

ક્યારેક એવું બનતું હોય છે કે આપણે આપણા જીવનને જોઈને નહિ પણ અન્યના જીવનને જોઈ જોઈને દુઃખી થતા હોઈએ છીએ. આવું કઈ રીતે ?? તે જોઈશું આવતી લેખાકૃતિમાં...