સુખ-દુઃખનું મૂળ - સ્વીકૃતિ - 3

  April 19, 2016

અન્યની સ્વીકૃતિ ન થવા દેવાના કેટલાંક કારણો :

1.   આપણો અહમ્ :

અન્યની સ્વીકૃતિ કરવામાં જુદા જુદા સ્વભાવ-પ્રકૃતિ, રસ, રુચિ, અંગ, રીત-રસમવાળા સાથે આપણે સેટ થવું પડે છે. જેમાં ક્યાંક આપણું ગમતું, આપણી ઇચ્છાઓને જતી કરવી પડે છે. આપણું ધાર્યું મૂકવું પડે છે. અને ત્યાં આપણો અહમ્ ઘવાય છે. પોતે અન્ય કરતાં ન્યૂન દેખાય છે એવું અનુભવાય છે. તેમાં જો અન્યની સ્વીકૃતિ કરે તો પોતાની આબરૂ જતી લાગે છે. તેથી આપણો પોતાનો અહમ્ અન્ય વ્યક્તિ 100 % સાચી હોય, વાસ્તવિક વાત કરતી હોય તોપણ તેમની સ્વીકૃતિ કરવા દેતો નથી. કેટલીક વાર આપણી સત્તાનો, આવડતનો, ભણતરનો, રૂપનો, વ્યવહારકુશળતાનો અહમ્ અન્યની સ્વીકૃતિ કરવા દેતો નથી.

2.   હું અને મારું જ સાચું છે એવી ગુરુતાગ્રંથિ :

‘હું જ સૌથી શ્રેષ્ઠ છું.’ ‘મને બધી જ ખબર પડે છે.’ ‘મારા બધા જ નિર્ણયો સાચા જ હોય છે.’ ‘મારાં જેટલી ઊંડી સૂઝ બીજા પાસે નથી.’ ‘માટે દરેક નિર્ણયો મને પૂછીને તથા મારાં જ સલાહ-સૂચન લઈને લેવાવા જોઈએ.’ કેટલીક વખત આવી ગુરુતાગ્રંથીમાં અજાણ્યે આપણે રાચતા હોઈએ છીએ. ભલે આપણે કદાચ મુખે કરીને એવું બોલીએ નહિ, પરંતુ સમજતા તો એવું જ હોઈએ છીએ. પરિણામે સામેની વ્યક્તિ કોઈ પણ સૂચન કરે અથવા તો વડીલ વ્યક્તિ કોઈ આજ્ઞા કરે તો તેનો સહજમાં સ્વીકાર થતો નથી. કદાચ સત્તાની રુએ કે હાજરીના પ્રભાવે અલ્પ સમય માટે ઉપરથી સ્વીકાર થયો હોય તેવું લાગે. પરંતુ વાસ્તવિક્તાએ ‘હું કંઈક છું – I am something’ એવી આપણી ગુરુતાગ્રંથિ તેનો સ્વીકાર કરવા દેતી નથી.

3.   પોતાની માન્યતા અને રીત-રસમ :

અન્યની સ્વીકૃતિ કરવામાં આપણી દૃઢ થઈ ગયેલી માન્યતાઓ અને રીત-રસમ વિઘ્ન કરતી હોય છે. કારણ કે જીવનમાં કેટલીક બાબતો માટે અમુક ચોક્કસ પ્રકારની માન્યતાઓ આપણા માનસમાં ફિટ થઈ ગયેલી હોય છે. આ જ પદ્ધતિથી આ કાર્ય થવું જોઈએ. આપણી પદ્ધતિને કે રીત-રસમને કોઈ બદલવા પ્રયત્ન કરે કે આપણી રીત-રસમથી જુદી રીતે કાર્ય કરવા પ્રેરે ત્યારે તેમની સ્વીકૃતિ થતી નથી. માનવસહજ સ્વાભાવિક માનીનતા મુજબ બહુધા વ્યક્તિઓ એવું જ માનતી હોય છે કે મારી જ પદ્ધતિ અને મારી જ રીત-રસમ યોગ્ય છે. પરિણામે ક્યાંક અન્યની રીત-રસમની અવગણના પણ થતી હોય છે. સૌએ મારી જ શ્રેષ્ઠ પદ્ધતિને સ્વીકારવા જેવી છે એવું માની તેને જ દૃઢ કરાવવા પ્રયત્નો થાય ત્યાં અન્યની સ્વીકૃતિ તો થાય જ ક્યાંથી ? એટલું જ નહિ, કેટલીક વાર આપણી જુનવાણી રૂઢિચુસ્ત માનીનતાઓમાંથી બહાર નીકળી અન્ય નાના-મોટાના વાસ્તવિક અને સાચા સૂચનને પણ સ્વીકારી નથી શકતા. જેના કારણે ક્યાંક આત્મીયતાનાં પણ મોટાં વિઘ્નો ઊભાં થઈ જતાં હોય છે.

4.   પૂર્વાગ્રહ :

પૂર્વાગ્રહના ડાઘ વ્યક્તિના માનસમાં તેલના ધાબાની જેમ પડી જાય છે. તે કાઢવા બહુ કઠિન પડતા હોય છે. ‘આ વ્યક્તિ આવી જ છે.’ ‘તે મારા માટે ખરાબ જ વિચારે છે’, ‘તે મારા કાર્યમાં અડચણ રૂપ થશે જ’, ‘તેને આ નહિ જ ફાવે’, ‘એ બધાં કાર્યમાં ના જ પાડશે’ – આવા પૂર્વાગ્રહને કારણે જ્યારે તે વ્યક્તિને જોઈએ ત્યારે નકારાત્મક ગ્રંથિ દૃઢ થતી જાય છે. ક્યાંક જો તેમને આપણા ઉપરી તરીકે નીમવામાં આવે કે સાથે કોઈ સેવા કરવાની થાય તો તેમનાં સલાહ-સૂચન, રોકટોક પૂર્વાગ્રહને કારણે અવળાં જ લાગે. વળી, જોડે સેવા કરવી પણ ન ગમે.  આમ, પૂર્વાગ્રહ અન્યની સ્વીકૃતિ થવામાં નડતરરૂપ બને છે.

5.   સ્વકેન્દ્રિત જીવન :

પોતાનાં ગમતા, રુચિ, સ્વભાવ અનુસાર જીવન જીવવા ટેવાયેલા બીજાનાં ગમતા, રુચિ, સ્વભાવ અનુસાર વર્તી જ ન શકે. ‘હું ના કૂંડાળામાં રાચનાર પોતાની જ સગવડ સાચવ્યા કરે. દેહની સુખાકારી માટે જ મથતા હોય એવા સ્વકેન્દ્રિત જીવનવાળા બીજાની અગવડતા, સમસ્યાને સમજી ન શકે.’ સ્વકેન્દ્રિત જીવનવાળામાં કોઈ વચ્ચે આવે એટલે કે સલાહ-સૂચન આપે તો તે નડતરરૃપ લાગે છે.

6.   સ્વભાવ-પ્રકૃતિ :

સહજ રીતે થયા કરે તે સ્વભાવ છે. બોલ-બોલ કરવાનો સ્વભાવ, વણમાંગી સલાહ આપવાનો સ્વભાવ, હઠીલો સ્વભાવ, વાદીલો-ઝેરીલો સ્વભાવ, વાતે વાતે ખોટું લાગે, ક્રોધી સ્વભાવ, અકળાઈ જવું – આવા સ્વભાવોને વશ થઈ આપણાથી ક્યાંક મોટાની મર્યાદા લોપાઈ જાય. માની સ્વભાવને કારણે તેમની આજ્ઞા ન પળે. આવેશમાં આવીને કોઈને કડવા બે શબ્દ કહી દઈએ. વાત સાંભળવા તૈયાર ન થઈએ. આવા સ્વભાવો અન્યની સ્વીકૃતિમાં નડતરરૂપ બને છે. ક્યાંક સામેનાના આવા સ્ભાવોને લઈને પણ આપણે તેમની સ્વીકૃતિ નથી કરી શકતા.

આજના યુગમાં એકબીજાની અરસપરસ સ્વીકૃતિ નથી થતી. પરિણામે ઘરોઘરમાં સાસુ-વહુ, પિતા-પુત્ર, દેરાણી-જેઠાણીના સંબંધોમાં તિરાડ પડે છે. એકબીજાથી મન નોખાં થઈ જાય છે. કેટલીક વખત પરિવારમાં ભાઈ-ભાઈમાં મિલકતની વહેંચણીના સમયે વડીલની સ્વીકૃતિ ન થાય તો અંદરો અંદર ઝઘડા-કંકાસ ઊભા થતા હોય છે. ક્યાંક કોર્ટ-કચેરીના ધક્કા પણ ચાલુ થઈ જાય છે.

21મી સદીની વિકસતી દુનિયામાં આજે સૌને સ્વતંત્ર રહેવું ગમે છે. કોઈની સ્વીકૃતિ કરી તેમના કહ્યા પ્રમાણે રહેવાનું થાય તો તે ગમતું નથી. જેના પરિણામે આજની યુવા પેઢીમાં સ્વતંત્ર જીવનના બહાને સ્વચ્છંદી જીવન બનતાં જાય છે. આજના યુવાનોને માબાપનાં સલાહ-સૂચન કે રોકટોક, હિતના વચનને  બદલે ટક-ટક લાગે છે; પોતાનું અપમાન લાગે છે. તેઓને પોતાના માબાપ ગાડાનાં પૈડાના જમાનાના લાગે છે. તેમની રીત-રસમ, રહેણીકરણી જુનવાણી લાગે છે. તેઓ તેમને અબુધ અને અણસમજુ સમજે છે તો પછી તેમનાં સલાહ-સૂચન તેમને સ્વીકાર્ય કેવી રીતે બને ? તેમને પોતાના નિર્ણયો જાતે લેવા ગમે છે. તેઓ ‘અમને બધી ખબર પડે, અમે મોટા થયા...’ આવા શબ્દોથી માબાપની સ્વીકૃતિની અવગણના કરે છે. માતાપિતાનો સ્વીકાર ન થતાં માતાપિતા સંતાન હોવા છતાં ‘અમારું કોઈ નથી’ એવું માનીને રૂમના એક ખૂણામાં જૂના સામાનની જેમ પડ્યા રહે છે. વાસ્તિવિક્તાએ માતાપિતાની સ્વીકૃતિ કરી તેમને જીવનપર્યંત પાલવવાને બદલે આજની પેઢીમાં જો બે કે વધુ દીકરા હોય તો માબાપને છેલ્લા સમયે પાલવવા તૈયાર ન થાય, વારા કાઢે – મહિનો આના ઘરે, મહિનો પેલાના ઘરે. જે માતાપિતાએ ભણાવીને મોટા કર્યા, સંસ્કારોનું સિંચન કર્યું. અને જ્યારે તેમને સાચવવાની ફરજ આવે ત્યારે પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. છેવટે ઘરડા માબાપને સાચવવા તૈયાર ન હોય તો ઘરડાઘરમાં મૂકી આવે છે. આજના ફાસ્ટયુગમાં સ્વકૃતિ વગરનાં ઘર લાગણી-પ્રેમના સંબંધો વિનાનાં ખોખાં જેવાં બની ગયાં છે. વળી, ઘરમાં આત્મીયતા, મર્યાદા, આદરભાવ, પૂજ્યભાવના સંસ્કારો ભૂંસાઈ રહ્યા છે.

આ વર્તમાન પરિસ્થિતિથી નુકસાન દેશ, સમાજ, સંસ્થા આ બધાંયને તો છે જ. વળી, એવું પણ છે કે એકબીજાની અસ્વીકૃતિથી સંગઠનની શક્તિઓનું વિભાજન થઈ જાય છે; તેનો લાભ નથી મળતો. પરંતુ આ બધાં કરતા સૌથી પ્રથમ અને વધુ પોતાને જ નુકસાન છે. તેનો ખ્યાલ અત્યારે આપણા વર્તમાનમાં નથી આવતો, પરંતુ ધીમે ધીમે દુઃખ, ઉપાધિ, મૂંઝવણ તથા શિરછત્રના અભાવે આપણામાં વિષય, વ્યસન, કુસંસ્કારોરૂપી બદીઓ ઘર કરી જાય. છેવટે તેને કાઢવી મુશ્કેલ બની જાય છે. પછી તેનું દુઃખ પોતે જ સહન કરવું પડે. સમૂહજીવનમાં જો આપણે અન્યની સ્વીકૃતિ નહિ કરીએ તો કાલની પેઢી આપણું જોઈને અનુકરણ કરશે. જેવો આપણે આપણા વડીલો સાથે વર્તાવ કર્યો હશે તેવો જ વર્તાવ બાળકો આપણી સાથે કરશે.

આવી પરિસ્થિતિને નિવારવા શું સ્વીકારવાની જરૂર છે ?

પહેલું એ સ્વીકારવાની જરૂર છે કે મારે કોઈકના નેજા હેઠળ રહેવું છે.

આપણા સૌના પ્રેરણામૂર્તિ પ.પૂ. સ્વામીશ્રી અવરભાવમાં આખી સંસ્થાનો વહીવટ સંભાળે છે. છતાંય આપણને સૌને શીખવવા એમ કહે કે, “મને એક વાતનો બહુ આનંદ છે કે મારા માથે (ગુરુવર્ય પ.પૂ. બાપજીનું) શિરછત્ર છે. મારા પર કોઈનો અંકુશ છે તે ગમે છે અને તમે સહુ પણ ગમાડજો.”

બીજી સ્વીકારવાની જરૂર છે આપણા ઉપરી-વડીલનાં સૂચન-રોક-ટોકને...                

આપણા ઉપરી કે વડીલ કોઈ રોક-ટોક કરે કે સૂચન કરે ત્યારે સામાન્ય રીતે આપણને ઘા ઉપર મીઠું ભભરાવ્યા જેવું લાગતું હોય છે. પરંતુ તેમનાં સલાહ-સૂચન એ તેમના અનુભવનું તારણ છે. જે આપણા જીવનની પ્રગતિ માટે એક દીવાદાંડીરૂપ બની રહે છે. પણ ક્યારે ? તેનો સહર્ષ સ્વીકાર થાય. એ પ્રમાણે આપણે આપણું જીવન બદલી વર્તવા માટે તત્પર થઈએ ત્યારે ક્યાંક આપણી દૃષ્ટિ કે સૂઝ ન પહોંચે ત્યારે જો એમના સૂચનનો સ્વીકાર કરીએ તો આવનારાં નુકસાન કે દુઃખમાંથી બચી શકાય છે. કોઈનું સલાહ-સૂચન સ્વીકારવામાં આપણે નાના નથી થઈ જવાના. પરંતુ તેનો સ્વીકાર કરવાથી આપણા જીવનમાં મોટા તો જરૂર થવાય જ. માટે ઉપરી કે વડીલનાં સલાહ-સૂચનને કાયમ માટે સ્વીકારીએ.

ત્રીજું એ સ્વીકારવાની જરૂર છે કે હું કશું જ નથી, જે કાંઈ છે તે પ્રભુ પ્રસન્નતાથી છે.

મારામાં જે કાંઈ બે દાણા છે, ગુણ છે એ મારી આવડતનું પરિણામ નથી. પ્રભુની આપેલી પ્રસાદી છે. આવો વિચાર વર્તશે તો આપણાં સત્તા, હોદ્દાનો, ગુણ-આવડતનો, સંપત્તિનો ભાર નહિ વર્તે. ઘરમાં – સત્સંગમાં સૌની આગળ દાસ થઈને વર્તી શકાશે.

અંતમાં, મહાપ્રભુના ચરણમાં પ્રાર્થના કે, “હે મહારાજ, બાપા, ગુરુવર્ય પ.પૂ. બાપજી આપના આપેલા કૉલ મુજબ સત્સંગના સૌ સભ્યો અનાદિમુક્તો છે. સૌના કર્તા મહારાજ છે એવો જીવસત્તાએ સ્વીકાર કરીને સૌની આગળ હંમેશાં દાસભાવે વર્તી શકીએ એવી અમ સૌ પર ખૂબ ખૂબ કૃપા કરજો.”

અન્યનો અને સ્વયં પોતાની જાતનો પણ સ્વીકાર કરી સુખિયા થવું કે સ્થિતિ-પરિસ્થિતિ, સમય-સંજોગની સામે પડી તેની અસ્વીકૃતિ કરી દુઃખિયા થઈને જીવવું... Decision is your…?

સુખદાયી પળોને દુઃખદાયી પળો બનાવનાર અને દુઃખદાયી પળોને પણ સુખદાયી પળોમાં Convert કરનાર એક બહુ મોટું પરિબળ છે તે જોઈશું આવતા લેખમાં...