સુહૃદભાવ - 1

  May 5, 2018

ગમે તેટલી સત્તા-સંપત્તિમાં આળોટતા માનવીને પણ એક બાબતની તાતી જરૂરિયાત રહે છે. તે છે પરસ્પરની લાગણી અને હૂંફની. તો આવો આ નિબંધશ્રેણી દ્વારા જાણીએ સુહૃદભાવનું મહત્ત્વ.

સિંહને જંગલની ઓથ અને જંગલને સિંહની ઓથ. સિંહ અને જંગલ પરસ્પર એકબીજાની ઓથના આધારે જ રહે છે. તેવી જ રીતે માનવી ક્યારેય એકલવાયું જીવન પસાર કરી શકતો નથી. “A man is a rational animal (social animal).” સમૂહજીવનમાં એકબીજાની સાથે પારસ્પરિક સંબંધોના આધારે જ જીવી શકાય છે અને સમૂહજીવનમાં જ સાચું ઘડતર અને ચણતર શક્ય બને છે ને વાસ્તવિક અર્થમાં સુખનો પાયો નખાય છે.

મનુષ્ય એ લાગણીશીલ વ્યક્તિત્વ છે. પ્રત્યેક વ્યક્તિ પારસ્પરિક પ્રેમ, હૂંફ, લાગણી, સહિષ્ણુતા અને સહાનુભૂતિના આધારે જ જીવન જીવે છે. દરેક વ્યક્તિને લાગણી, પ્રેમ, હૂંફ, હમદર્દીની ઇચ્છા-અપેક્ષા હોય છે; તે સંતોષાવી ખૂબ જરૂરી હોય છે. જ્યાં તેનું ખંડન થાય છે ત્યાં ક્લેશનું વાતાવરણ સર્જાઈ જાય છે. માટે લાગણીની અપેક્ષા સંતોષવી એ અતિ મહત્ત્વની જરૂરિયાત છે. તે તન અને  મનનાં અનેક દુઃખોની નિવૃત્તિનું કારણ બને છે.

એક હરિભક્ત સંસ્થાના કોઈ કાર્યાલયમાં રાત્રિના ૧૧:૩૦ વાગ્યા સુધી સેવા કરી રહ્યા હતા. સેવા કરતાં કરતાં આખા દિવસના થાકને લીધે તેઓને ઊંઘ આવી ગઈ. તે જ સમયે એક સાધકમુક્તને ત્યાં આવવાનું થયું. તેમણે આ હરિભક્તને ખુરશીમાં જ સૂતેલા જોઈ તેમને પ્રેમથી જગાડ્યા અને પ્રેમાળ વચનો કહી લાગણીશીલતા દર્શાવી. તેમણે કહ્યું કે, “દયાળુ, આપ ખૂબ થાકી ગયા લાગો છો. રાત્રિના ૧૨:૦૦ વાગવા આવ્યા છે. માટે આપ અત્યારે પોઢી જાવ. આવતી કાલે સેવા કરજો.” તેમનાં આવા લાગણી અને સહાનુભૂતિ દર્શાવતાં અલ્પ વચનો સાંભળ્યા બાદ તેઓ બોલ્યા કે, “દયાળુ, આપે આટલું કહ્યું તેમાં મારો થાક ઊતરી ગયો. આપે આટલી લાગણી દર્શાવી તેમાં બધુંય આવી ગયું.” આટલું કહેતાં તેઓ ગળગળા થઈ ગયા. તેમને પોતાના પ્રત્યે સુહૃદભાવ દર્શાવ્યાના આનંદમાં થાકનું દુઃખ પણ વિસરાઈ ગયું. પ્રેમથી બોલાયેલા બે શબ્દો થાક, દુઃખ અને મૂંઝવણનો નાશ કરે છે.

વર્ષો પહેલાં ભારતની એક મોટી વ્યક્તિ રશિયાની મુલાકાતે ગયા હતા. નામ તેમનું ડૉ. રાધાકૃષ્ણન્‌. હકીકતમાં તે વખતના રશિયાના પ્રમુખ સ્ટૅલિન ખૂબ બીમાર હતા. તેથી તેઓ તેમની ખબર કાઢવા ગયેલા. ત્યાં ગયા ત્યારે તેઓ સૂતા હતા. કંઈ જ બોલ્યા વિના રાધાકૃષ્ણને તેમના માથા ઉપર પોતાનો હાથ મૂક્યો. થોડી વારમાં તેઓ જાગ્યા અને બોલ્યા, “વર્ષો પછી મારી માતાનો હાથ મારી ઉપર મુકાયો છે તેવી આજે મને અનુભૂતિ થઈ છે. હવે હું જરૂર સાજો થઈશ.” ત્યારબાદ કંઈ જ બોલ્યા વિના બંને છૂટા પડ્યા ત્યારે બંનેની આંખમાં હર્ષનાં આંસુ હતાં.

પ્રેમથી મુકાયેલો માથા પરનો હાથ અને કરેલું સ્મિત માત્ર અલ્પ સમયનું છે છતાં તે ઘણુંબધું કહી જાય છે. એ ક્ષણિક હોવા છતાં સામેનાની સ્મૃતિ પર સદાને માટે રહે છે. એ મૂકસંવાદ એકબીજા વચ્ચેના આંતરિક સંબંધોનો નાતો વધુ ગાઢ બનાવે છે. માટે નાના-મોટા, બાળક-યુવાન-વૃદ્ધ કે સ્ત્રી-પુરુષ સર્વેને લાગણી-પ્રેમની અપેક્ષા તો જરૂર હોય છે. બીજી કોઈ અપેક્ષા ન સંતોષાય તો તેનું દુઃખ ઓછું થાય છે, પરંતુ લાગણીની અપેક્ષા ન સંતોષાય તો તેનું દુઃખ ઘણું થાય છે. વળી, લાગણીની અપેક્ષા સંતોષાય તો તેના આનંદમાં બીજી અન્ય અપેક્ષાઓની નિવૃત્તિ થઈ જાય છે. માટે લાગણીશીલતા વિનાનું જીવન પોતાના અને અન્યના માટે કેવળ શુષ્કતાભર્યું અને દુઃખરૂપ છે. તેનાથી ન તો પોતાને જીવન જીવ્યાનો આનંદ વર્તે કે ન તો પોતાની સાથે રહેતા સભ્યોને પણ સાથે રહ્યાનો આનંદ વર્તે. આપણા જીવનનું અમૂલ્ય અને અતિ અગત્યનું પાસું ‘સુહૃદભાવ’ છે.

સુહૃદભાવ એટલે શું ?

સુહૃદભાવ એ દૃશ્યમાન બાબત નથી. એ તો અદૃશ્યમાન દુનિયાની સ્નેહયુક્ત અભિવ્યક્તિ છે કે જેનો કેવળ અનુભવ કરી શકાય છે. સુહૃદભાવ એ અંતરના ઊંડાણમાં સતત વહેતું પ્રેમનું ઝરણું છે.

પ્રેમથી તરબતર, લાગણીઓથી લથપથ અને મમતાથી મઘમઘતો હૃદયનો ઉમળકો એટલે જ સુહૃદભાવ...!!

રાગ-દ્વેષ, ઈર્ષ્યા, વેરઝેર, મારું-તારું, તિરસ્કાર, નફરત, પૂર્વાગ્રહ, સ્વાર્થ આદિ મનોવિકારથી પરની ભાવનાઓ અને લાગણીઓથી મઘમઘતા હૃદયનો ભાવ એટલે જ સુહૃદભાવ...!!

નિઃસ્વાર્થભાવ અને મમત્વભાવ દ્વારા ઉત્પન્ન થતી લાગણીઓ તેમજ આંતરિક ભાવનાઓનો પુંજ એટલે જ સુહૃદભાવ...!!

પરસ્પર એકબીજાના મનની એકતા એનું નામ જ સુહૃદભાવ...!!

બીજાનું ભલું કરવાની, અન્યનું હિત કરવાની ઉમદા ભાવના જેના ઉરમાં અખંડ વહી રહી છે તેનું નામ સુહૃદભાવ...!!

અને પરિણામ સ્વરૂપે અન્યના સુખમાં પોતાનું સુખ અને અન્યના દુઃખમાં પોતાનું દુઃખ માનીને વર્તાય...

અરસપરસ એકબીજાને સમજવાની અને તેને અનુસરવાની તેમજ નિઃસ્વાર્થભાવે સમય આવ્યે સહાય-મદદ કરવાની ભાવના જાગે...

અન્યના સુખ કે હિત માટે પોતે દુઃખ વેઠવું, બીજાના માટે પોતે ઘસાવાની ઉત્કૃષ્ટ વિચારધારા એ સુહૃદભાવનું પ્રતીક છે.

જીવનને પ્રેમસભર અને રસસભર બનાવવા આપણે આ નિબંધશ્રેણી દ્વારા દર્શાવેલ આગ્રહને સ્વજીવનમાં ચરિતાર્થ કરીએ.