થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી - 1

  February 5, 2015

શ્રીજીમહારાજ એકવાર વિચરણ કરતા-કરતા સંતો-હરિભક્તો સાથેસરધાર પધાર્યા હતા. મહારાજ તળાવમાં સ્નાન કરી બહાર પધાર્યા ત્યારે તળાવનાં પાણી પર દૃષ્ટિ કરી. તળાવમાં જોયું તો માછલાં-કાચબા, અન્ય જળચર-જંતુઓ પાણીની સપાટી ઉપર જડની જેમ તરતાં હતાં.

આ જોઈ એક હરિભક્તે શ્રીજીમહારાજને પૂછ્યું, “દયાળુ, આ બધાં માછલાંને કાચબા પાણીની ઉપર મડદાની જેમ તરે છે. તો શું મરી ગયા કે શું ?”શ્રીજીમહારાજ કહે, “ભગત, એ બધાંને તો સમાધિ થઈ ગઈ છે.”

સદ્. મુક્તાનંદ સ્વામી ચિંતાતુર થઈ કહે, “મહારાજ, આ માછલાં પાણી ઉપર તરે છે. પણ સમડા હેઠા ઊતરશે તો તેમને મારી નાખશે. માટે તેમની સમાધિ પૂરી કરો.”

સ્વામીની વાત સાંભળી મહારાજ હસ્યા અને કહ્યું કે, “સ્વામી, અમારી મરજી વિના સૂકું પાંદડું પણ હલી ન શકે. તો માછલાંને કોણ મારનાર છે ?”

એટલે જ શ્રીજીમહારાજે સ્વમુખે ઓરડાના પદમાં કહ્યું છે કે,

“અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;

મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય;

એમ મુને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;

મેં તો તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી.”

અનંતકોટિ બ્રહ્માંડમાં આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની મરજી વિના કાંઈ થતું નથી. આપણા જીવનમાં પણ જે કાંઈ પ્રસંગો બને છે એ પણ મહારાજની મરજીથી જ થાય છે. તેમાં નિમિત્ત મહારાજ કોઈને પણ કરે. પણ કર્તાહર્તા તો મહારાજ જ છે.

મળેલા સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીના પ્રતાપે આપણને સૌને ઉપાસનાની બાબતમાં તો આ વાતની દૃઢતા થઈ છે જેથી આપણને કોઈ દેવ-અવતારમાં પ્રીતિ કે ઉપાસના, આસ્થા થતી નથી. પરંતુ આપણા રોજબરોજના જીવનમાં આકસ્મિક સંજોગોમાં ઊભા થતા પ્રસંગોમાં ક્યાંક આપણને એવા વિચારો આવી જતા હોય છે કે, મહારાજે આમ કેમ કર્યું ?

વળી, એ જ રીતે સમૂહજીવનમાં આપણે એકબીજાની સાથે રહેવાનું થાય છે ને એમાં બનતા પ્રસંગોમાં આપણને આ સમજણ દૃઢ રહેતી નથી કે જે કાંઈ થયું છે ને થાય છે તે મહારાજની જ મરજીથી ને ઈચ્છાથી થાય છે. આ સમજણ સમય આવ્યે આપણે ભૂલી જઈએ છીએ. પરિણામે પરિવારમાં બનતા નાનામોટા પ્રસંગોમાં એકબીજા સાથે વાદ-વિવાદ, હુંસા-તુંસી, ઝઘડા-કંકાસ થઈ જતાં હોય છે. આવા સંજોગોમાં જો આ એક સમજણ દૃઢ રહે તો કોઈને આપણે દોષિત નહિ ઠેરવીએ. જે કાંઈ ભૂલ થઈ કે બન્યું છે તે કોઈ વ્યક્તિએ નથી કર્યું. એ બધું જ મહારાજની ઈચ્છાથી અને મહારાજની જ પ્રેરણાથી થયું છે. આ વિચાર જો દૃઢ રહે તો પરિવારની સભ્યો વચ્ચે આત્મીયતાભર્યું વાતાવરણ ખીલી ઊઠે.

દેહના છેલ્લા શ્વાસ સુધી મહારાજનું કર્તાપણું દૃઢ કરવા માટે અમલ કરવા યોગ્ય કેટલીક સમજણો :

(1) અરજી મારી, પણ પ્રભુ, મરજી તારી :

જીવનમાં આવતી હર એક પળ એ એક સિક્કાની બે બાજુ છે. ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ, ક્યારેક હર્ષ તો ક્યારેક શોકમય હોય છે. પરિસ્થિતિને પાર ઊતરવા અને સમયે સમજણ દૃઢ કરવા, આપણા સૌનો એકમાત્ર આધાર છે :આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન. અવરભાવમાં જરૂર પડે તો આપણે પ્રાર્થના કે વિનંતી મહારાજને જ કરવાના, પરંતુ એમાં આપણી કોઈ ઇચ્છા કે ઠરાવ ન જોઈએ. નિર્દોષ ભાવે મહારાજને પ્રાર્થના કરવી કે,

“હે મહારાજ, અરજી મારી પણ મરજી તમારી. આપ જેમ રાજી હોય એમ જ કરજો.” જો ક્યાંક મહારાજની મરજી આપણી ઇચ્છા અને અપેક્ષાથી વિપરીત આવી અને આપણને સ્વીકાર ન થયો તો એ દોષનો ટોપલો આપણે બીજા ઉપર ઢોળીએ છીએ. બીજાને દોષિત ઠેરવવાનો પ્રયાસ કરીએ છીએ અને કહીએ છીએ કે મહારાજની મરજી તો આમ જ હતી પણ તમારી અણઆવડતને કારણે કે તમારી ભૂલને કારણે બધાયને પરિણામ ભોગવવું પડશે. પછી આગળ જતાં ઉગ્ર બોલાચાલી કે વિવાદ સર્જાય છે, મન નોખાં પડી જાય છે. ક્યારેક મહેનત હોય, આવડત હોય છતાંય મહારાજની મરજીથી ધાર્યું પરિણામ ન મળે તો ખાલી મન જ નોખાં નથી પડતાં, પરિવાર છિન્ન-ભિન્ન થઈ જતા હોય છે.

કોઈ પણ સારો કે નરસો પ્રસંગ બને ત્યારે મારા મહારાજની મરજીથી જ થયું છે, આ વાત કદી ભૂલવી નહીં. એટલે જ નિર્માની ગીતની પંકિતમાં આ જ ઉત્કૃષ્ટ સમજણ દૃઢ કરાવતાં કહ્યું છે કે,

“હું કંઈક છું એવું માન મૂકીને, શીજીને સંપૂર્ણ કર્તા કરો;

હરિમરજી વિના કાંઈ થતું નથી, એવો દાસભાવ દિલમાં ધરો;

દાસભાવે સહુને રાજી કરો, માન-મોટપ પ્રભુને ધર્યા કરો.

નિર્માની થઈને પ્રભુને ગમો....”

(2) ભૂતકાળને ભૂલો અને ભવિષ્યની ચિંતા છોડો :

કેટલીક વાર આપણે ભૂતકાળમાં બની ગયેલ વાતોને વાગોળતાં, વર્તમાનમાં જીવવાનું ભૂલી જઈ, ભવિષ્યની ચિંતામાં ડૂબી જતા હોઈએ છીએ. ભૂતકાળમાં કોઈનાથી થઈ ગયેલી ભૂલો અને આપણાથી થઈ ગયેલી ભૂલોને આપણે ભૂલી શકતા નથી. આપણને બીજાની ભૂલો પ્રત્યેની ઉપેક્ષા અને આપણી ભૂલનો પશ્ચાતાપ મોટેભાગે સતાવતો હોય છે. પરિણામ સ્વરૂપે વર્તમાનમાં મારે શું કરવાનું છે, એ વિસરાઈ જાય છે. ભૂતકાળમાં જે કંઈ બન્યું છે તેને જો ભૂલીશું નહિ તો બંધાઈ ગયેલી પૂર્વાગ્રહની ગાંઠો વધુ ને વધુ મજબૂત બનતી જશે, મન નોખું થતું જશે, સ્વજીવનમાં પણ લઘુતાગ્રંથિમાં કે દોષાધ્યાનમાં ચાલ્યા જવાશે. માટે, જે કંઈ થઈ ગયું છે તે મહારાજની ઇચ્છાથી થયું છે એમ માની હવે એને ભૂલી જવું.

વર્તમાનકાળે પણ જે કંઈ થઈ રહ્યું છે તે મહારાજની ઇચ્છાથી જ થઈ રહ્યું છે. વર્તમાનકાળે જે-જે પ્રસંગો બને છે, તેમાં મહારાજ મારું શ્રેષ્ઠ ઘડતર કરી રહ્યા છે એમ સમજવું. ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં કૃપાવાક્યમાં પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું છે કે, “પ્રભુનિયંત્રિત સમાજમાં બનતો એક એક પ્રસંગ કે એક એક વ્યક્તિનું નિર્માણ પ્રભુએ મારા ઘડતર માટે જ કર્યું છે.” આ સમજણ દૃઢ થાય તો ક્યારેય કોઈના સ્વભાવ-પ્રકૃતિ જોઈને કે કોઈના વર્તનથી આપણને અભાવ-અવગુણ નહિ આવે. સૌમાં મારા મહારાજ ખેલ ખેલી રહ્યા છે આવો પરભાવનો વિચાર જ સદા સુખી કરે છે. વર્તમાનકાળે કોઈના અભાવ-અવગુણમાં વહેવાને બદલે મહારાજ અને મોટાપુરુષના સંકલ્પમાં વહેવા તત્પર બનીએ.