વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-11
April 27, 2020
એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સુરત ખાતે શિબિરમાં લાભ આપી રહ્યા હતા. “સત્સંગ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની આપણી તૈયારી જોઈએ.” આ બાબતે લાભ આપતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ભૂલથી કહ્યું, ‘Do and die’ ‘કરેંગે યા મરેંગે’ એવી આપણી તૈયારી જોઈએ. એ વખતે સભામાં બેઠેલા એક દસ વર્ષના બાળમુક્તએ કહ્યું, “સ્વામી, ‘Do and die’ નહિ; ‘Do or die’ આવે.”
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તુરત સૉરી કહી પોતાની ભૂલ સ્વીકારી અને બાળમુક્તને ‘Thank You’ કહી કહ્યું, “આજે તમે મારી ભૂલ સુધારી; હવે ફરી ક્યારેય ભૂલ નહિ થાય.”
મોટાપુરુષ તો સંપૂર્ણ પરભાવનું સ્વરૂપ છે તેમ છતાં સૈદ્ધાંતિક બાબતની નહિ, સામાન્ય બાબતની ટકોર; એ પણ નાના બાળમુક્ત દ્વારા થઈ તોપણ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. જ્યારે આપણને તો જો કોઈ સભા વચ્ચે બે શબ્દ કહે તો વગર પ્લાસ્ટિક સર્જરીએ મોં બદલાઈ જાય, આંખોના ભવા ચડી જાય, અંદર રહેલું માન સળવળી ઊઠે.
મુમુક્ષુતાના માર્ગમાં મનનું ગમતું મૂકી નાના-મોટા સૌની ટકોર ને વઢવાને ખમવું એ પ્રાથમિક બાબત છે. તેથી જ અમદાવાદના ડોસાતાઈ જૂનાગઢ સદ્. ગુણાતીતાનંદ સ્વામી પાસે સંસાર છોડી પાર્ષદ થવા ગયા ત્યારે સ્વામીએ તેમને પ્રથમ કહ્યું, “ડોસાતાઈ, તમારે મનનું ગમતું મૂકી સર્વે સંતો-ભક્તો જેમ કહે તેમ કરવું પડશે. તેમની રોકટોકને ખમવી પડશે.”
બહુધા આપણાથી મોટાપુરુષની રોકટોક ખમાય પરંતુ બીજાની ખમાતી નથી તેથી કાયમ મોટાપુરુષ જ આપણને રોકટોક કરે તેવી ઇચ્છા રહે છે. પરંતુ દવાખાનામાં ડૉક્ટર એક વાર રોગનું નિદાન કરે અને પછી ઑપરેશન કરે છે ત્યારબાદ નાની-મોટી દવા કે ઇન્જેક્શન તો નર્સ અને કમ્પાઉન્ડર જ આપે છે. તેમ છતાં આપણે કદી એવું કહેતા નથી કે ડૉક્ટર દવા આપે, ઇન્જેક્શન આપે તો જ લઈશ. તેમ મોટાપુરુષે ચૈતન્યનું સ્વરૂપાંતર કરવાનું ઑપરેશન તો કર્યું છે; હવે નાના-મોટા દોષ ટાળવા માટેની રોકટોકરૂપી દવા અને વઢવારૂપી ઇન્જેક્શન નર્સ અને કમ્પાઉન્ડરની જેમ સંતો-ભક્તો આપે છે તેમ સમજી કંઈ કહે તો તેનો સ્વીકાર કરવો. એમાંય રોકણી-ટોકણી એ દવા છે. જ્યારે વઢવું એ ઇન્જેક્શન છે. દવા કરતાં ઇન્જેક્શન વધુ જલદી અસરકારક બને એમ વિચારીને તે ખૂબ ગમાડવું.
મુમુક્ષુતા કેળવવા આપણાથી ચડિયાતા હોય, મોટા હોય કે પછી સહસાથી હોય તેમને રોકટોક કરે તેવું કહી રાખવું. તે શીખવતાં સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૫ની ૯૨મી વાતમાં કહ્યું છે, “સારા સાથે જીવ બાંધવો. કેમ જે કહેનારા કોઈ ન મળે ત્યારે એ કરવું ને સુખિયા રહેવું ને પોતાની ખોટ કહેવી ને જે ન સૂઝતી હોય તે તેઓને કહેવું જે હુંમાં જે વાતની ખોટ હોય તે દયા કરીને તમે કહેશો ? એમ રોજ કહેવું, કાં આઠ દિવસે, કાં મહિને તો જરૂર કહેવું. કાં જે મહિને તો જરૂર કોઈ ભેગો થઈ જાય.”
કોઈને રોકટોક કરજો એવું કહેવાથી માત્ર તેઓ રોકટોક ન કરે પણ તેઓ આપણને નિધડકપણે રોકીટોકી શકે તેવું વાતાવરણ સર્જવું. સૌની સાથે આત્મીયભર્યા સંબંધો કેળવવા, સવળી વિચારસરણી રાખવી, ભૂલનો સ્વીકાર કરી તે પ્રમાણે સુધારો કરવો તો નાના-મોટા સૌ આપણને રોકટોક કરી શકે.
મુમુક્ષુતા ભણી આગળ વધવા મોટાપુરુષ કે નાના-મોટા સૌની પાસેથી વખાણની ઇચ્છા ટાળી તેમની રોકટોક અને વઢવાને ગમાડવા તત્પર થઈએ. એટલું જ નહિ પણ મુમુક્ષુતાના માર્ગે જેને આગળ વધવું છે તેને તો ઘરના સભ્યોની રોકટોક પણ અવશ્ય ગમાડવી જોઈએ અને છૂટથી રોકટોક કરે એમ સૂચવવું જોઈએ.
- મુમુક્ષુતા કેળવવા પોતાની જાત સાથે વિચાર-વિમર્શ :
સત્સંગ દેહભાવને ટાળી મૂર્તિના સુખનો આનંદ પામવા માટે છે. વખાણ-પ્રશંસા દેહભાવની વધુ ને વધુ પુષ્ટિ કરે છે જ્યારે રોકટોક અને વઢવું એ દેહભાવનો ક્ષય કરે છે. આવું જાણવા છતાં મને તો વખાણ ગળ્યા મધ જેવા લાગે છે.
સમૂહજીવનમાં બધાની વચ્ચે ક્યાંય મને વખાણ ગમતાં નથી એવો હું દેખાડો કરું છું, બોલું છું. તેમ છતાં, અંદરથી તો મને વખાણની જ ઇચ્છા રહે છે. એટલે જ તો મોટાપુરુષ કે સંતો રાજીપો બતાવે તો સારું એવી ઇચ્છા રહે છે. એટલે એના માટે જ પ્રયત્ન કરું છું પણ આ વખાણ મારા દેહાભિમાનને વધુ પાકું કરાવે છે. પણ એક દિવસ ઉપરથી નીચે પછાડશે અને મારો સત્સંગ સાફ કરી નાખશે.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તો કહેતા હોય છે, “ઢોરને ભાવે ખાણ અને માણસને ભાવે વખાણ.” અર્થાત્ વધારે વખાણ ભાવે તો હું તો ઢોર કરતાં પણ નિમ્ન કક્ષામાં છું. માટે હવે દરેક ક્રિયામાં, સેવા-પ્રવૃત્તિમાં જ્યાં જ્યાં વખાણની, રાજીપાદર્શનની, ઊપસવાની ઇચ્છા રહે છે ત્યાંથી મારે પાછા વળવું જ છે.
રોકટોક એ ખરેખર મારા આત્માના રોગની દવા છે. પરંતુ તે મને કડવી ઝેર જેવી લાગે છે. ખરેખર તો મારામાં કશું નથી તોપણ ‘હું સંપૂર્ણ છું’ અને ‘મને કોણ કહેનાર ?’ એવી ખોટી રાઈ મગજમાં ભરાઈ ગઈ છે તેથી કોઈના બે શબ્દો ખમાતા નથી. બે શબ્દ સાંભળતાં જ ખોટું લાગી જાય છે. મોંના ભાવ બદલાઈ જાય છે, સવળું લેવાને બદલે અવળું પડે છે, સામે બોલાય છે, ઝઘડો થાય ત્યાં સુધી પરિસ્થિતિ પહોંચી જાય છે. પરંતુ મુમુક્ષુતાના માર્ગ પર મારે ચાલવું હોય તો મારા જીવનમાં આવું શોભે ? ન જ શોભે.
મારું જીવન અણઘડ છે. ચૈતન્ય અશુદ્ધ છે તો મોટાપુરુષ સ્વયં પોતે કે કોઈને નિમિત્ત કરી મારું ઘડતર કરે, રોકટોક ને વઢવારૂપી હથોડી અને ટાંકણાથી મને પથ્થરમાંથી મૂર્તિ બનાવવા પ્રયત્ન કરે છે તો એમના શબ્દરૂપી ઘાને ખમીશ તો જ હું મૂર્તિરૂપ થઈ શકીશ. જેમની આગળ અસ્તિત્વનો પ્રલય કરી સંપૂર્ણ હોમાઈ જવાનું છે તેમની આગળ મારે કદી ઊપસવું નથી. નહિ તો છોલાઈ જઈશ. સોળના ભાવે ક્યાંય ફેંકાય જઈશ.
વર્તમાનકાળે ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્યપુરુષ મળ્યા છે. રોકટોક કરી મારું જીવન ઘડવા તત્પર છે અને એ જ રીતે સંતો પણ મારી સાથે રહી નાની નાની બાબતો માટે રોકટોક કરી મને સુધારવા જાગ્રત છે તો હવે મારા જીવનમાં મારે કોઈ કસર રહેવા દેવી નથી.
અનેક સામર્થીયુક્ત સદ્ગુરુશ્રીઓ સંપૂર્ણ નિર્દોષ અને સંપૂર્ણ હોવા છતાં રોકટોકને ઇચ્છતા અને ગમાડતા; તો હું તો સાવ અણઘડ છું તો મારા જીવનમાં તો ડગલે-પગલે રોકટોકની જરૂર પડે જ. માટે નિરંતર અંદરથી સૌની રોકટોક અને વઢવાને ઇચ્છીશ તો જ મારી મુમુક્ષુતા વહેલી પ્રગટશે.
આ માટે હવે મારે આટલું તો કરવું જ છે :
૧. વખાણ-પ્રશંસા થતી હોય ત્યાંથી ચાલી નીસરવું.
૨. કોઈ રોકટોક કરે, ભૂલ બતાવે તો ગમે - ન ગમે તોપણ સામે દલીલ નહિ કરું.
૩. મોટાપુરુષ કે પૂ. સંતો રોકટોક કરે કે ભૂલ બતાવે તોપણ તેમનાથી છેટે નહિ જઉં.
૪. સત્સંગમાં સેવા, દાન કે કોઈ ક્રિયામાં હારની કે રાજીપાદર્શનની ઇચ્છા નહિ રાખું.
૫. નાના-મોટા કોઈ પણ ભૂલ બતાવે તો તેને રાજી થકા સ્વીકારીશ, સુધારો કરવા પ્રયત્ન કરીશ.
૬. મોટાપુરુષ કે પૂ. સંતોને પ્રાર્થના કરીશ કે મારી ભૂલ દેખાડજો, મને રોકજો-ટોકજો.
૭. કોઈ સેવા-પ્રવૃત્તિમાં ઊપસવાનો, સારા દેખાવાનો કે આગળ થવાનો પ્રયત્ન નહિ કરું. બીજાને આગળ કરી હું પાછળ રહીશ.
૮. કોઈ રોકેટોકે, વઢે કે નિંદા કરે તોપણ તેનો ગુણ લઈશ. પોતાના હિતેચ્છુ માનીશ.
૯. મોટાપુરુષને કે સંતોને મારું સાચવવું ન પડે, નિધડકપણે કહી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરીશ.
૧૦. રોકટોક કરનાર કે વઢનાર સૌમાં મહારાજનાં દર્શન કરીશ.
૧૧. ઘરમાં પણ રોકટોક કરી ભૂલ ઓળખાવવાની છૂટ આપી, ભૂલો સુધારીશ.