વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-8
April 6, 2020
સાધના માર્ગમાં વચનના ભીડામાં લઈ મનધાર્યું મુકાવવાનો મહારાજનો આગ્રહ પ્રથમના ૭૬મા વચનામૃતમાં દર્શાવ્યો છે કે, “જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, અને ગમે તેવા વચનના ભીડામાં લેઈએ ને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તોપણ કોઈ રીતે દેહપર્યંત મૂંઝાય નહિ એવો હોય, તે પાકો સત્સંગી છે અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે અને એવા ગુણ ન હોય તો હેત કરવા જાઈએ તોપણ હેત થાય નહીં.”
અહીં શ્રીજીમહારાજ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય દર્શાવે છે. ગમે તેવો સત્સંગમાં, ધર્મ-નિયમમાં પૂર્ણ રીતે વર્તતો હોય તેમ છતાં તેને વચનના ભીડામાં લઈએ કહેતાં ગમે તેમ રોકટોક કરીએ, વઢીએ, મનનું ગમતું મુકાવીએ તોપણ મૂંઝાય નહિ ને અમારા કે સત્પુરુષના ગમતામાં રહે તેની ઉપર મહારાજને હેત થાય છે.
જે સુપાત્ર હોય તેની ઉપર જ મહારાજ અને મોટાનો રાજીપો થાય છે. સુપાત્ર પણ ભીડો ખમવાથી જ થવાય છે. સુવર્ણ ઘણના ઘા ખમે, તાપ ખમે ત્યારે તેનો સુંદર ઘાટ બને છે. માટી કુંભારનો ભીડો વેઠે ત્યારે માટલું બને છે. શેરડી પિલાઈ જાય ત્યારે તેમાંથી ગૉળ, સાકર, ખાંડ બને છે તેમ સાધક જ્યારે મહારાજ અને મોટાના વચનરૂપી ભીડામાં પોતાનું અસ્તિત્વ ઓગાળી દે ત્યારે જ એમનો રાજીપો થાય છે. એ રાજીપાના બદલામાં મહારાજ પોતાની મૂર્તિ આપી દે છે. સત્પુરુષના ભીડાને ખમીએ તો તેઓ મૂર્તિનું સુખ અપાવે છે.
સિદ્ધાનંદ સ્વામીએ ભોજનમાં મોહનથાળનું ઢેફું જુદું રાખીને જમાડ્યું તો શ્રીજીમહારાજ બધાની વચ્ચે વઢ્યા. પત્તર ઉપરથી ઊભા કરી દીધા. નાની ભૂલમાં નકોરડા ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આપ્યું. એટલું જ નહિ, પોતે જમાડવા બિરાજ્યા ત્યારે સિદ્ધાનંદ સ્વામીને પીરસવા બોલાવ્યા અને જુદાં જુદાં શાક રાખી જમાડ્યું. મહારાજે વચનના ભીડામાં લઈને મનનું ગમતું મુકાવ્યું. તેમ છતાં સિદ્ધાનંદ સ્વામીને રંચમાત્ર શ્રીજીમહારાજને વિષે સંશય ન થયો. શ્રીજીનાં વચન વસમાં નહિ, ગળ્યાં મધ જેવાં લાગ્યાં. મુખારવિંદની રેખાઓમાં કે ભાવમાં કાંઈ ફેર પડ્યો નહીં.
સિદ્ધાનંદ સ્વામીને મહારાજ જ્યારે જ્યારે વઢતા ત્યારે તેઓ રાજી થતા. સ્વામીએ મહારાજને જ્યારે, જ્યાં, જેમ કહેવું હોય તેમ કહી શકે એવું નિધડકપણું અપાવેલું હતું.
તેથી સિદ્ધાનંદ સ્વામી અખંડ શ્રીજીમહારાજની મૂર્તિમાં નિમગ્ન રહેતા અને ધ્યાનમાં અખંડ મૂર્તિ દેખતા હતા. તેમની આવી સ્થિતિ જોઈ એક દિવસ એક સંતે પૂછયું કે, “સ્વામી, તમને શ્રીજીમહારાજની મૂર્તિ ધ્યાનમાં અખંડ કેવી રીતે દેખાય છે ?” ત્યારે સ્વામીએ કહ્યું, “મને મહારાજ ભરસભામાં વઢી શકે છે તેથી મને ધ્યાનમાં અખંડ મૂર્તિ દેખાય છે.”
સિદ્ધાનંદ સ્વામીની વાત પરથી સ્પષ્ટ થાય છે કે, ધ્યાનમાં અખંડ મૂર્તિ દેખાય અને મૂર્તિમાં નિમગ્નપણે રહી શકાય તે માટે રોકણી-ટોકણી અને વઢવું ફરજિયાત છે. જેટલી રોકટોક ખમાય એટલા મૂર્તિસુખને પાત્ર થતું જવાય.
વર્તમાનકાળે મહારાજના અભિપ્રાય, ગમતું મોટાપુરુષ થકી જ જાણવા મળે અને એ જ રોકીટોકીને મહારાજના ગમતામાં વર્તાવી શકે. માટે મોટાપુરુષની રોકણી-ટોકણીને અંતરથી ઇચ્છવી. રોકીટોકી પાછા વાળે એવી અંદરથી આતુરતા, તીવ્ર ઝંખના રાખવી.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જાહેર સભામાં ઘણી વાર સ્વાનુભવ વર્ણવતાં કહ્યું છે કે, “મને એક વાતનો ખૂબ આનંદ છે કે મારી ઉપર ગુરુદેવ પ.પૂ. બાપજીનું શિરછત્ર છે. મને ભરસભામાં જ્યારે, જે કહેવું હોય, રોકટોક કરવી હોય, વઢવું હોય તો વઢી શકે છે. તેઓ મારી એક નાની ભૂલને પણ ચલાવી લેતા નથી.
અમે જ્યારે સાધુ થવા આવ્યા, પાર્ષદ દીક્ષા લીધા પછી પણ મંદિરમાં જે કોઈ આવે તે અમને એક બાજુ એકલા લઈ જઈ એક જ વાત કરતા, ‘દેવસ્વામી તો અતિશે આકરા છે. તેઓ સહેજ પણ કોઈનું ચલાવતા નથી માટે અત્યાર સુધી કોઈ એમની જોડે ટક્યું નથી. તમે પણ નહિ ટકી શકો. માટે અત્યારથી વિચાર કરજો.
અમારા જીવનમાં,
‘જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ;
અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા ક્વાથ.’
સદ્. નિષ્કુળાનંદ સ્વામીની બે પંક્તિ લક્ષ્યાર્થ થયેલી હતી તેથી કોઈ ભીડો લાગ્યો જ નહોતો.
જે દિવસથી ગુરુવર્ય પ.પૂ. બાપજીનો યોગ થયો તે જ દિવસથી મને બે વાત દ્રઢ હતી કે, (૧) ગુરુવર્ય પ.પૂ. બાપજી સંપૂર્ણ પરભાવનું દિવ્ય સ્વરૂપ છે. મારા પરમ હેતુરૂપ છે. અને (૨) મારે એમનો કલ્યાણકારી ગુણોનો દિવ્ય વારસો લેવો છે. એમના તાપને ખમીશ તો જ હું એમના જેવો થઈ શકીશ. તેથી તેઓ ગમે તેમ રોકટોક કરે કે વઢે તો તેમાં પણ અતિશે આનંદ આવતો. અમને કદી એ દિવ્યપુરુષનો ભીડો લાગ્યો જ નથી. તાપ આકરો લાગ્યો જ નથી. તેઓએ રાજી થકા અમારું કોઈ પ્રકારે સાચવ્યા વગર ઘડતર કર્યું છે તેનો અતિશે આનંદ છે.”
કૅલ્શિયમથી જ હાડકાંની મજબૂતાઈ આવે પરંતુ એકલી કૅલ્શિયમની ગોળી લેવાથી હાડકાં મજબૂત ન બને. કૅલ્શિયમને પચાવવા સૂર્યના તાપમાં તપવું પડે. સૂર્યના તાપમાંથી મળતું વિટામિન ‘ડી’ શરીરને મળે તો જ કૅલ્શિયમ પચે છે અને ત્યારે જ હાડકાં મજબૂત બને છે. તેમ મોટાપુરુષના કલ્યાણકારી ગુણો, સંકલ્પો, વાતોનો પ્રવાહ જ આપણને મજબૂત કરે છે, મુમુક્ષુતા પ્રગટાવે છે. પરંતુ તે માટે મોટાપુરુષની રોકટોક ને વઢવારૂપી તાપ ખમવો ફરજિયાત છે.