વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-9
April 13, 2020
મોટાપુરુષની રોકટોક અને વઢવું એ મુમુક્ષુ માટે મોક્ષ માર્ગની દીવાદાંડી છે. જેના આધારે સાધક પોતાના જીવનમાં મુમુક્ષુતાનું પ્રગટીકરણ કરી મૂર્તિસુખની યાત્રામાં આગળ વધી શકે છે. તેથી પ.પૂ. સ્વામીશ્રી અવારનવાર સભામાં રોકણી-ટોકણી ને વઢવું ગમાડવા વિષે આગ્રહ દર્શાવે છે :
“મહારાજ અને મોટાપુરુષ આપણને કહી ન શકે, કદાચ કહે તો છૂટથી ન કહી શકે. શંકા-કુશંકા, તર્ક કરશે, દુ:ખી થઈ જશે તેવી બીક હોય, રોકટોકનો જીવસત્તાએ સ્વીકાર ન થાય, સામે દલીલ થાય, એકની એક વાત માટે વારંવાર કહેવું પડે, રુચિનું અનુસંધાન ન રાખીએ, એમના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ ન રાખીએ, એમનું કોઈ વચન કે સાંનિધ્ય સુખદાયી ન લાગે, અવળું પડે તો આપણે મહારાજે તેમને રોકટોક કરવાનો આપેલો અબાધિત અધિકાર છીનવી લીધો કહેવાય. પરંતુ જે મોટાપુરુષની જોડે રહી એમના સંકલ્પ, એમનો સ્વભાવ, એમનું ગમતું, રુચિ, આગ્રહને જોતાં, લેતાં શીખે એ કોઈ દિવસ અધિકાર છીનવે નહીં.”
“મોટાપુરુષ વઢે, રોકેટોકે એવી અંતરથી અપેક્ષા રાખવી અને જે દિવસે એમની રોકટોક ગમશે એ દિવસે તેમની આશીર્વાદની સરવાણી વધુ વેગવંતી બનશે.”
“સ્વતંત્રને હંમેશાં સ્વતંત્ર રહેવા દેવા. પરતંત્ર ન કરી દેવા. મોટાપુરુષ ગમે તેવાં આકરાં વેણ સભામાં કહે, ગમે તેટલા તિરસ્કાર કરે, મનમુખી સ્વભાવ ઉપર પ્રહાર કરે, નિધડકપણે ગમતું છોડાવે છતાં અંતરમાં કોઈ ઉદાસીનતા ન આવે, ક્રિયા કે પ્રતિક્રિયામાં ફેરફાર ન થાય. મુખારવિંદની રેખાઓમાં ફેરફાર ન થાય તો સ્વતંત્રને સ્વતંત્ર રહેવા દીધા કહેવાય.”
“મોટાપુરુષ આપણને વઢતા નથી તો આંતર તપાસ કરવો કે મોટાપુરુષ આપણને વઢી શકે એવું લાઇસન્સ આપ્યું છે ? આપણે એવું માની લઈએ છીએ કે આપણને વઢવાની જરૂર નથી, આપણામાં દોષ નથી પરંતુ ખરેખર એવું નથી. સાધનકાળ છે એટલે દોષોનો ગુણાકાર જ હોય. દેહભાવ સર્વે દોષોનો ઉકરડો છે. આપણા ઉકરડામાંથી ગંધ મારે છે છતાં એમને સાફ કરવાનું મન થતું નથી. કારણ, આપણે લાઇસન્સ રદ કરી દીધું છે; એમને નિધડકપણું અપાવ્યું નથી.
લાઇસન્સ કેવી રીતે રદ થાય ? તો મોટાપુરુષ આપણને વઢે, રોકેટોકે તે ન ગમે, દુ:ખ લાગી જાય, મોઢાના ભાવ ફરી જાય, અવળા વિચારો આવે, મારી પાછળ પડી ગયા છે, મારો કાંઈ વાંક નહોતો તોય કીધું, મેં કર્યું એમાં શું ખોટું છે ! આવું કહેવાતું હશે ! આવા વિચારો કરીએ તે લાઇસન્સ છીનવી લીધું કહેવાય.”
“મોટાપુરુષ આપણને બે શબ્દ કહેતાં ખચકાટ અનુભવે તો સમજવું આપણી અને એમની વચ્ચે બહુ મોટું અંતર છે. મોટાપુરુષ સાથે આપણે અંતરાય હશે તો મહારાજ અને આપણી વચ્ચેનો અંતરાય ક્યારેય નહિ ટળે. અંતરાય ઘટાડવા શું કરવું ? તો, અનુતાપ-પરિતાપ કરવો, પ્રાર્થના કરવી, મોટાપુરુષની પરભાવની મોટપનો, મહાત્મ્યનો અને આપણી અહમ્ શૂન્યતાનો વિચાર કરવો, એ નિધડકપણે રોકીટોકી શકે એવા વાતાવરણનું સર્જન કરવું. એમને કદી આપણું સાચવવું ન પડે કે સાચવવાનો સંકલ્પ પણ ન ઊઠે તેવી રીતે વર્તવું.”
મુમુક્ષુતા કેળવવામાં મોટાપુરુષની રોકટોક અને વઢવાનું અજોડ મૂલ્ય છે તેવું સમજાય તો કદી વખાણની ઇચ્છા ન થાય; બલ્કે મોટાપુરુષ મને ક્યારે વઢે, રોકેટોકે એમાં જ રાજી થાય એ જ જીવનમાં સાચી સમજણ અને સાચું ડહાપણ છે.
સદ્. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે, “વખાણે ને રાજી થાય તે મૂરખ અને વઢે ને રાજી થાય તે ડાહ્યો.” આપણને પણ જ્યારે મુમુક્ષુતા કેળવવાની ભડભડતી ભૂખ જાગે ત્યારે વખાણ-પ્રશંસાનો અભાવ થઈ જાય. જ્યાં વખાણ થતા હોય ત્યાંથી છેટા ભાગવાનું મન થાય અને રોકટોક મળે તેમાં રાજી થવાય.
રોકટોક કર્યા પછી મહારાજ અને મોટાપુરુષને પાછળથી રાજી રાખવા કોઈ પ્રયત્ન કરવા ન પડે તે તેમની ખરી કસણી ખમ્યા કહેવાય. તેની ઉપર જ અંતરનો રાજીપો થાય.
સદ્. મુક્તાનંદ સ્વામી અવરભાવમાં ઉંમરમાં શ્રીજીમહારાજ કરતાં ૨૪ વર્ષે મોટા હતા. સ્વયં મહારાજ પણ તેમને વિષે ગુરુભાવ રાખતા તેમ છતાં શ્રીજીમહારાજ નિધડકપણે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે તેમને વઢી શકતા. એટલું જ નહિ, સ્વામી સંપૂર્ણ નિર્દોષ સ્વરૂપ હોવા છતાં શ્રીજીમહારાજ સભામાં ખુલ્લે આમ તેમનો દોષ દેખાડી દોષિત ઠેરવતા છતાં તેઓ તેનો સહર્ષ સ્વીકાર કરી રાજી થતા.
શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૬૨મા વચનામૃતમાં આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસપણું એમ ત્રણ અંગની વાત કરી કહ્યું છે કે, “જે અમે વાર્તા કરી છે તે બહુધા તો આ મુક્તાનંદ સ્વામી સારુ કરી છે અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે ને એમને શરીરે મંદવાડ છે તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહિ, એમ જાણીને આ વાર્તા કરી છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! મેં પણ જાણ્યું જે હું સારુ જ આ વાર્તા કરી છે.”
ગઢડા છેલ્લાના ૩૩મા વચનામૃતમાં પણ શ્રીજીમહારાજે ભરસભામાં કહ્યું છે કે, ‘આ સદ્. મુક્તાનંદ સ્વામી અને સદ્. ગોપાળાનંદ સ્વામી મોટા છે તોપણ તેમને બહુ માન, સ્ત્રીઆદિક, દ્રવ્યનો યોગ થાય તો ત્યાગી છે તોય તેમનું ઠેકાણું રહે નહિ; ઊતરતા જેવા થઈ જાય.’
સદ્. મુક્તાનંદ સ્વામીને અવરભાવમાં ક્ષય રોગ થયો હતો તેથી તેમને ઉદ્દેશીને ગઢડા મધ્યના ૪૭મા વચનામૃતમાં વાત કરે છે, “શિશ્ન અને ઉદર એ બેને વિષે જે જીવને આસક્તિ છે એ જ અસત્પુરુષપણું છે. તે ક્ષય રોગ એ બેય પ્રકારની ખોટને કાઢે એવો છે.” જે અનંતની શિશ્ન અને ઉદરની વાસનાને ક્ષણમાં ટળાવી શકે એવા સમર્થ હોય તેમને વિષે વળી આસક્તિ કેવી ? તેમ છતાં તેઓ મહારાજની આ ટકોરનો સહર્ષ સ્વીકાર કરી રાજી થયા અને તેને પોતે વચનામૃતમાં પણ નોંધી લીધી.
શ્રીજીમહારાજ ભરસભામાં કે એકાંતમાં અનેક વાર સદ્. મુક્તાનંદ સ્વામીને વઢતા તેમ છતાં મહારાજે પાછળથી તેમને રાજી રાખવા કોઈ પ્રયત્ન કરવો પડતો નહોતો. આ વાતનો ઉલ્લેખ સદા નિકટમાં રહેનાર સદ્. ગોપાળાનંદ સ્વામીએ ૨૬૬મી વાતમાં કરતાં કહ્યું છે, “મુક્તાનંદ સ્વામીને મહારાજ ક્યારેય વઢીને પ્રસાદીનો થાળ કે વસ્ત્ર આપતા નહિ ને સહેજે તો રોજ પ્રસાદી આપતા ને વસ્ત્ર પણ ઘણી વાર આપતા ને બીજાને તો વઢે ત્યારે પ્રસાદી તથા વસ્ત્ર આપ્યા વિના રહે જ નહિ તે શું ? તો મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ આવતી નહીં ? ઉત્તર જે, તે પોતાને ત્રણ ગુણ ને ત્રણ દેહ થકી જુદા સમજતા ને શ્રીજીમહારાજની મોટપ જે મહાત્મ્ય તે અતિશયપણે સમજતા ને તેમજ વર્તતા ને હિતકારી પણ અતિશય જાણતા, તેણે કરીને મૂંઝવણ આવતી નહીં.”
સદ્. મુક્તાનંદ સ્વામીની આ વાત દ્વારા મુમુક્ષુ કેમ વર્તે તો તેને મોટાપુરુષ કે ઉપરી વઢી શકે કે રોકટોક કરી શકે તે સમજાવ્યું છે. જ્યારે આપણને તો મોટાપુરુષ કે ઉપરી રોકટોક કરે કે વઢે તો તરત જ મોંના ભાવ ફરી જાય, મોઢું વીલું પડી જાય. અભાવ-અવગુણમાં ચાલ્યા જવાય, અચાનક તબિયત બગડી જાય, સેવામાં વેઠ ઊતરે, મોળા વિચારો આવવા માંડે. તેથી આપણો વાંક હોય તોય તેમને કહેતાં બીક લાગે કે રખે ને નિભાડામાં માટલું ફૂટી ન જાય; તેથી પોતે ખમી લે પણ કશું કહે નહિ ને ક્યારેક કહે તો પાછળથી રાજી રાખવાના પ્રયત્ન કરવા પડે, સાચવવા પડે, માફી માગવી પડે.
મોટાપુરુષને આપણું કે આપણને સાચવવા પડે તે આપણા શિષ્યત્વને ધિક્કાર કહેવાય. વઢી શકે તે માટે તેઓ વઢે કે કોઈ બાબતમાં રોકટોક કરે ત્યારે પ્રથમ તેનો સ્વીકાર કરવો, મૂંઝાવું નહીં. અંતરથી રાજી રહેવું અને મહારાજ તથા મોટાપુરુષનું અતિશય મહાત્મ્ય સમજવું કે એ કોણ છે ? કોણ વઢે છે ? કોણ મને રોકટોક કરે છે ? તથા મોટાને પોતાના અતિશય હિતકારી જાણીએ તો તેઓ રોકટોક કરી શકે.
આવી રીતે વર્તાય તો મહારાજ અને મોટાપુરુષની આપણી ઉપર અખંડ રાજીપાની સરવાણી વહે તે દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૨૪મા વચનામૃતમાં કહ્યું છે કે, “જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંખ માર્યા હોય ને કચવાવ્યો હોય તોપણ કોઈ રીતે પાછો ન પડયો હોય, તે ઉપર તો અમારે એવું હેત રહે છે તે જાગ્રત-સ્વપ્નમાં સંભાર્યા વિના હેત એમનું એમ રહ્યું જાય છે ને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી.”