વિચારેયુક્ત જીવન - 1

  July 5, 2015

જીવન કેવા પ્રકારનાં હોય છે ? વિચારેયુક્ત જીવન એટલે શું ?

‘The death is certainly uncertain’.

મૃત્યુ નિશ્ચિત છે છતાંય અનિશ્ચિત છે એટલે કે જીવનનો અંત નક્કી છે છતાં સમય અનિશ્ચિત છે. જેમ અભ્યાસમાં સફળતા-નિષ્ફળતાનો આધાર જે તે વિદ્યાર્થી પર છે કે તે કેવી રીતે અભ્યાસ કરે છે; તેમ જીવનયાત્રાની સફળતાનો આધાર જે તે વ્યક્તિ પર છે. કોઈકનું જીવન મઘમઘતાં ફૂલોની જેમ મહેક પ્રસરાવે છે તો કોઈકનું જીવન સડેલા કચરા પેઠે દુર્ગંધ ફેલાવે છે. જીવનને કયો ઘાટ આપવો તે વ્યક્તિગત વિચારધારા છે.

જીવનના વળાંકનો એક અતિ મૂલ્યવાન સમય એટલે યુવા અવસ્થા. યુવા અવસ્થા એટલે શેરડીના સાંઠામાં રહેલી વચલી રસદાર ગાંઠ. જીવનને નવો ઓપ આપનારી અવસ્થા એ યુવા અવસ્થા છે. યુવાનમાં ખુમારી છે, ખમીર છે. યુવાનમાં પોતાના જીવનને એક સર્વોચ્ચ મોડ પર લઇ જવાની અદમ્ય શક્તિ છે. પરંતુ આજના યુવાનને જરૂર છે માત્ર જીવનની સાચી દિશા ચીંધવાની.

આ સૃષ્ટિ ઉપર જન્મ લેનાર જીવ-પ્રાણીમાત્ર જીવન તો જીવે જ છે પરંતુ શું ખરેખર સાચી દિશા હાથવગી હોય છે ? ના. મહારાજની અદ્ભુત કળા તો જુઓ, એકમાત્ર મનુષ્યરૂપ દેહ એવો છે કે જેમાં એ પોતાના જીવનની કોઈક સાચી દિશા નક્કી કરી શકે છે અને પોતાના જીવનનો સામાન્યમાંથી અસાધારણ બનાવી શકે છે. તેમ છતાં દરેક મનુષ્ય પોતાના જીવનની સાચી દિશા કહેતાં પોતાના જીવનનો ધ્યેય નક્કી કરી શકતો નથી. જેથી પશુની પેઠે, સામાન્ય ધર્મને પણ અનુસરવાના વિચારોને છોડી, જીવનના અમૂલ્ય દિવસો વેડફી નાખે છે. તેને પશુજીવન કહેવાય. બીજું છે માનવજીવન કે જેનું વ્યક્તિત્વ, જીવન જીવવાની લઢણ સામાન્ય માનવધર્મ પ્રમાણે છે. ત્રીજું છે ભક્તજીવન કે જેણે આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ કર્યો છે અને સ્વજીવનને ધાર્મિક નીતિ-નિયમો મુજબ ઓપ આપ્યો છે. ચોથું છે મુક્તજીવન કે જે આધ્યાત્મિક જીવનના સર્વોચ્ચ શિખરરૂપ અનાદિમુક્તની સ્થિતિ, શ્રીજીમહારાજ સાથે રોમ રોમપણે એકતા પામવાના રાહ પર છે. ભક્તજીવન તથા મુક્તજીવન એટલે જ આધ્યાત્મિક જીવન. શાશ્વત સુખનું (મૂર્તિનું સુખ) મૂળ આધ્યાત્મિક જીવનમાં જ છે. હજી જો આ તરફ સ્વજીવાનનું પ્રયાણ ન કર્યું હોય તો કરીએ.

અધ્યાત્મમાર્ગની શ્રેષ્ઠ અને અંતિમ ફળશ્રુષ્ઠિ એટલે શ્રીજીમહારાજ સાથે રોમ રોમપણે એકતા એટલે કે અનાદિમુક્તની સ્થિતિ. જ્યારે કારણ સત્સંગના યુવાન તરીકે આ લક્ષ્યને વરેલા છીએ ત્યારે આપણે આધ્યાત્મિક જીવનને દિવ્યજીવનનો સુંદર ઘાટ આપવો જરૂરી છે. શ્રીજીમહારાજના આશ્રિત થયા, સત્સંગી થયા એટલે આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કર્યો પણ ત્યારબાદ આ જીવનમાં ઘણા ભેદ જોવા મળે છે. આવો, મંથન કરીએ અને સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક જીવનની સર્વશ્રેષ્ઠ રીતિને અપનાવીએ.

૧. જડ જીવન : પ્રત્યેક મુમુક્ષુને મૂર્તિસુખના અધિકારી થવું હોય તો સ્વજીવનમાં ગતિ અને પ્રગતિ બંને જરૂરી છે. જેમ પંખો ગતિ કરે છે પણ પ્રગતિ કરતો નથી તેમ સત્સંગી થયા એટલે કે કંઠી-તિલક-ચાંદલો કરતા થયા એ ગતિ છે. પણ હજી પ્રગતિનાં પગથિયાં નથી માંડ્યાં. પ્રગતિ તે શું ? તો, મળેલા સર્વોપરી મહારાજ અને મોટાપુરુષને રાજી કરી જ લેવા છે એવા મક્કમ નિર્ધાર સાથે ખરા ગરજુ થઈ રાજી કરવા મંડ્યા રહેવું તેને પ્રગતિના માર્ગમાં પગ મંડ્યા કહેવાય.

સત્સંગી થયા બાદ માત્ર દૈહિક ચિહ્નો માં ફેરફાર કર્યો પણ જો રાજી કરવારૂપી જીવનધ્યેય જ ન બન્યો હોય તો ? એવું ધ્યેયશૂન્ય જીવન એટલે જ જડજીવન. શિબિરો, સભાઓ દ્વારા સમાગમ કરી શ્રીજીમહારાજ અને મોટાપુરુષની આજ્ઞાનો, શુધ્ધિનો, ગમતાનો ખ્યાલ મેળવ્યો છતાં, આપણી યુવા અવસ્થાના ભાવમાં અન્ય યુવાનોની પેઠે વિષયમય જીવન જ જીવતા હોઈએ તો તે જડ જીવન છે.

૨. વેગી જીવન : કહેવાય છે કે, ‘નવું નવું નવ દહાડા.’

નવું કાર્ય કરવાનો ઉત્સાહ થોડો સમય રહે પછી ઉત્સાહમાં મંદપણું આવી જાય. જેમ બારે મેઘ ખાંગા થાય ત્યારે ચારેય બાજુ પાણી ભરાઈ જાય પણ તે પાણી કાયમ ભરાયેલું ન રહે, થોડો સમય થતાં જમીનમાં ઊતરી જાય, તેમ પ્રૅક્ટિકલ જીવનમાં સત્ત્વગુણ વર્તતો હોય અને ખૂબ સભાઓ સાંભળી હોય ત્યારે નક્કી કરીએ કે બસ, આમ વર્તવું જ છે. જેણે કરીને વાચ્યાર્થ ધ્યેય બંધાય છે અને તેના વેગમાં રાજી કરવાનાં સાધનો શરૂ કરીએ છીએ પણ સમય, સંજોગ કે પરિસ્થિતિ વિપરીત થાય ત્યારે રાજીપાનાં સાધનો કરવામાં કાપ આવી જાય અથવા તો સંપૂર્ણત: બંધ થઈ જાય. ટૂંકમાં રાજીપાના માર્ગમાં સ્થિરતા ન જળવાય. આવું જીવન એટલે વેગી જીવન. રાજીપાના માર્ગમાં વેગી જીવનવાળાને પ્રગતિ ઘણી દૂર દેખાય છે.

૩. બાળકિયા જીવન : યુવા અવસ્થાએ પહોંચેલા યુવાનને ઘોડિયું, લખોટી, દૂધની બૉટલ શોભે ? અને હજી એ ગમે છે તો હજી તે બાળ અવસ્થામાંથી બહાર જ નથી આવ્યો. બસ, એમ સત્સંગમાં આવ્યા બાદ હજુ સમજણના અભાવે મનમુખીપણું રહેતું હોય, એટલે કે પોતાનું ધાર્યું કરવાનો સ્વભાવ રહેતો હોય અને ધાર્યું ન થાય તો દુઃખી થાય, અવગુણ આવે. આવા મનોવિકાર થાય તો સમજવું કે હજી સત્સંગમાં આવ્યા છીએ પરંતુ હજુ સત્સંગી તરીકેની સમજણ દ્રઢ નથી કરી; અને એ જ બાળકિયું જીવન કહેવાય. એક ભક્ત તરીકે સુયોગ્ય વાણી, વર્તન, વિચાર, સમજણની કેળવણી ન થઈ હોય તેનું જીવન આવું બાળકિયા સ્વભાવવાળું જ હોય. આવા જીવનવાળો ક્યારેય રાજીપાનું પાત્ર ન બની શકે.

૪. પ્રેમી જીવન : દૂધના ઊભરા જેવું જીવન એટલે પ્રેમી જીવન. જેમ દૂધનો ઊભરો આવે એટલો સમય વાસણ આખું ભરેલું લાગે પરંતુ ઊભરો બેસી જાય એટલે વાસણ દૂધથી પૂરું ભરેલું ન લાગે. તેમ અંતરમાં પ્રેમનો ઊભરો આવે એટલે બધું જ કરે. રાજીપાનાં સાધન કરે, મહિમા આકારે વર્તે પણ જયારે પ્રેમનો ઊભરો બેસી જાય ત્યારે રાજીપાનાં સાધન બાજુ પર મુકાય જાય. સત્સંગમાં માનનું ખંડન થાય એટલે અવળું પડે અને સત્સંગ મૂકી ચાલ્યા જવાનો વિચાર આવે. પ્રેમી જીવન એટલે સ્ટૅન્ડ વગરનું જીવન, સમજણ વગરનું જીવન જે લાંબો સમય ન ટકે.

૫. વિચારેયુક્ત જીવન : વિચારેયુક્ત જીવન એ જ ખરું આધ્યાત્મિક જીવન છે. વિચારેયુક્ત જીવન એટલે સમજણયુક્ત જીવન , જાગ્રત જીવન. પળે પળે સર્વે ક્રિયામાં વિચારનું બળ રહે તે વિચારેયુક્ત જીવન. ભક્ત તરીકે આપણું જીવન વિચારેયુક્ત હોવું ફરજિયાત છે.

‘જેવા વિચાર તમે કરવાના એવા જ જરૂર તમે થવાના.’ આપણું જીવન એ આપણા વિચારપુંજનો જ સમગ્ર સરવાળો છે. મુમુક્ષુની આધ્યાત્મિક પ્રગતિ તેની વિચારધારા પર આધારિત છે. વિચારેયુક્ત જીવનવાળા બનશું તો જ મૂર્તિના ધ્યેય સુધી પહોંચાશે. કોઈ પણ ક્રિયા-પ્રતિક્રિયાના મૂળમાં વિચાર રહેલો છે. રાજીપાના વિચારનું બળ જ રાજીપાના માર્ગે દોડાવે છે. જ્યારે એ સમક્ષ લૌકિક ને કુરાજીપાના વિચારો પતન નોતરે છે, આપણને આપણા ધ્યેયથી ચલિત કરે છે.