વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 3
July 19, 2021
વિષયસુખમાં જ રચ્યાપચ્યા રહેતા આવા જીવની જીવદશાને સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ અનુભવના આધારે પ્રકરણ-૧ની ૪૩મી વાતમાં વર્ણવતાં કહ્યું છે કે, “તપાસીને જોયું તો આ જીવ કોઈ દિવસ ભગવાનને માર્ગે ચાલ્યો નથી, સાવ નવો જ આદર છે. જીવમાત્રને ખાવું, સ્ત્રી અને ધન એ ત્રણનું જ ચિંતવન છે ને એનું જ મનન, એની જ કથા ને એનું જ કીર્તન ને એની જ વાતું ને એનું જ ધ્યાન છે. તેમાં પણ દ્રવ્યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે. બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવ-પ્રાણીમાત્રને ચિંતવન છે. ખાવું, સ્ત્રી ને ઊંઘવું એ ત્રણ વાતમાં ગુરુ કરવો પડતો નથી. જેમ નદીયુંના પ્રવાહ સમુદ્ર સન્મુખ ચાલે છે, એમ જીવને વિષય સન્મુખ ચાલવાનો ઢાળ છે.”
વિષયનો જ આનંદ માણવો, વિષયસુખમાં જ રચ્યાપચ્યા રહેવું તે જીવનો માત્ર આ જન્મનો જ ઢાળ નથી. આજના કળિયુગના વિષયમય વાતાવરણથી જ જીવ વિષયી બન્યા છે તેવું નથી. એ તો જીવ અનાદિકાળથી વિષયના દૂધ પીને જ જીવ્યો છે. અનંત જન્મમાં વિષયે જ તેને પાળી-પોષીને મોટો કર્યો છે. એટલે જ આજથી ૨૦૦ વર્ષ પહેલાં શ્રીજીમહારાજે વચનામૃતનાં પાને પાને વિષયવાસનાની ભયંકરતા દર્શાવી છે. સંયમના મૂળરૂપ શિક્ષાપત્રી રચી છે. સદ્. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે, “આજે ચારેબાજુ વિષયનાં ઢોલ-નગારાં વાગે છે અને માયા ભૂંરાટી થઈ છે.”
જીવ અનાદિકાળથી વાસનાબદ્ધ રહ્યો છે. તેથી વાસનાથી પર થવાની વાતમાં તેને ગેડય જ પડતી નથી. વિષયને ત્યજવા તે મરવા કરતાં પણ વસમું લાગે છે. અને જો કોઈ વિષયને છોડાવે તો દુશ્મન જેવા લાગે છે.
એક વખત ૮૦ વર્ષનાં ડોસા-ડોસી ઘરની અગાસીમાં બેસી આનંદ-કિલ્લોલ કરતાં હતાં, એકબીજાની મશ્કરી કરતાં હતાં. તેમના ઘરની નજીકમાં રાજાનો મહેલ હતો. રાજાએ ઝરૂખામાં ઊભા ઊભા આ દ્રશ્ય જોયું. વિચાર થયો કે, ‘આ ડોસા-ડોસી ભગવાન ભજવાની આ ઉંમરમાં વિષયી થઈ કેવો આનંદ-કિલ્લોલ કરે છે !’
રાજાએ સિપાઈને હુકમ કર્યો કે, “જાવ, બંનેને દરબારમાં હાજર કરો.” સિપાઈએ જઈ તેમને કહ્યું, “રાજાનો હુકમ છે માટે તમે રાજદરબારમાં હાજર થાવ.” સિપાઈ જોડે જતાં જતાં ડોસાએ ઘરમાં પડેલી જારની મુઠ્ઠી ભરી લીધી અને ડોસીએ ચૂલામાંથી રાખની મુઠ્ઠી ભરી લીધી.
રાજાએ પૂછયું, “તમે ભગવાન ભજવાની મોટી ઉંમરે વિષયી થઈ કેમ આવો ગેલ કરો છો ?” ત્યારે ડોસાએ જારની મુઠ્ઠી બતાવતાં કહ્યું, “મુઠ્ઠી જાર મળશે ત્યાં સુધી ડોસીમાંથી હેત નહિ ટળે.” અને ડોસીએ રાખ બતાવી કહ્યું, “આ દેહની રાખ ન થાય ત્યાં સુધી ડોસામાંથી હેત ટળે તેમ નથી.”
તેથી જ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ સારસિદ્ધિના કડવા-૫માં કહ્યું છે,
“ઊંડું વિચારી અંતરમાં, જોઈ લીધું જીવમાં જરૂર;
વિષય સારુ સહુ વલખાં કરે છે સુર અસુર.”
જીવ અનાદિકાળથી મૂઢપણે તીવ્ર વેગથી આવી વાસના ભોગવતો આવ્યો છે તેથી મોટા સંતનો સમાગમ થાય તોય તે વાસના ટળતી નથી. સદ્. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે, “અમે વિચારીએ છીએ જે, આટઆટલી વાતું કરીએ છીએ તોપણ સુખ થાતું નથી તેનું શું કારણ ? કારણ, જીવે વિષયમાં જ જીવન માન્યું છે. વિષયમાં રાગ છે અને ભગવાનની વાત સાંભળે એટલે જીવ ડહોળાય જે ‘શું કરવું ?’ પણ વિષય સાથે જૂની ઓળખાણ હોવાથી તેમાં લેવાઈ જાય છે. વિષયપ્રધાન થઈ જાય છે.”
શ્રીજીમહારાજ પણ જીવની અનાદિકાળની વાસના ટળાવવા ઘણી વાર આગ્રહપૂર્વક વાતો કરતા. એક વખત શ્રીજીમહારાજ વડતાલ સમૈયામાં પધાર્યા હતા. મધ્ય રાત્રિએ સભામાં સૌને પોતાના સ્વરૂપની વાતો કરતા હતા. મોડી રાત્રે શ્રીજીમહારાજે અગત્યની વાત કરવા તાળી વગાડી સૌને સાવધાન કર્યા. પછી બોલ્યા જે, “અમને ભગવાન જાણીને જે ભજશે તેને અમે અક્ષરધામમાં લઈ જાશું. પણ જે પુરુષને સ્ત્રીમાં વાસના રહેશે તેને દસ હજાર વર્ષ સુધી ભૂત થાવું પડશે ને જે સ્ત્રીને પુરુષને વિષે વાસના રહેશે તેને દસ હજાર વર્ષ સુધી ભૂતડી થાવું પડશે ને પછી જ્યારે નિર્વાસનિક થાશે ત્યારે અક્ષરધામમાં લઈ જાશું.” શ્રીહરિનો વાસનારહિત નિર્વાસનિક કરવાનો આ આગ્રહ શ્રીહરિચરિત્ર ચિંતામણિના ૩જા ભાગની ૨૨મી વાતમાં આલેખાયેલો છે.
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા, અનાદિમુક્તના છેલ્લા કોલ આપ્યા પછી બીજો જન્મ નથી ને ભૂત થાવું પડે એમ વાત કરી તે તો મહારાજે વાસનાની ભયંકરતા દર્શાવી છે. પંચવિષયમાંથી પ્રીતિ ટાળી નિર્વાસનિક ન થવાય ત્યાં સુધી અક્ષરધામને ન પમાય તો મૂર્તિનું સુખ તો મળે જ ક્યાંથી ? માટે પંચવિષયમાંથી પાછા વળવું.