વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 8
August 23, 2021
ભજન-ભક્તિના આધારે સત્સંગ કરવાથી સાનુકૂળ સ્થિતિ-પરિસ્થિતિમાં તો સુખે ભજન-ભક્તિ થાય, તેના આનંદમાં રહેવાય પરંતુ વિપરીત સંજોગ-પરિસ્થિતિ આવે ત્યારે જો સમજણ ન હોય તો ભજન-ભક્તિમાં પણ ઉદ્વેગ-અશાંતિ થઈ આવે. સમજણના આધારે રહેનાર અવરભાવમાં સદાકાળ સુખી રહી શકે. માટે ભજન-ભક્તિ કરતાં સમજણનો આધાર શ્રેષ્ઠ છે.
સત્સંગમાં કેટલાક શ્રીજીમહારાજના કર્તાપણાની સમજણ તથા સવળું વિચારવાની સમજણ કે સાંખ્યની સમજણ એવી જુદી જુદી સમજણના આધારે રહેતા હોય છે. તેમાં સમજણવાળાની વાત નોખી છે.
મહારાજના સ્વરૂપનો મહિમા સમજી તેમાં માલ માનવાની સમજણને પ્રમાણ કરતાં પંચાળાના ૩જા વચનામૃતમાં કહ્યું છે, “ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી, એમ એ ઇન્દ્રિયો-અંત:કરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવા એ પણ સમજણ ઠીક છે.”
સમજણ એ જીવનને સુખમય બનાવવાની જડીબુટ્ટી છે. તથા અધ્યાત્મ માર્ગને સબળ કરવાનું ઉત્તમ ઔષધ છે. ભક્તજીવનમાં દેહભાવના યોગે કરીને અવરભાવમાં હર્ષ-શોક, માન-અપમાન, સુખ-દુ:ખ આદિક દ્વંદ્વો આવતાં રહે છે. તેમાં સ્થિરતા જાળવવા અને સત્સંગમાં ટકી રહેવા સમજણનો આધાર ફરજિયાત છે.
સમઢિયાળા ગામમાં ભોજો ભગત સદ્. ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય શિષ્ય હતા. તેઓ અવારનવાર સદ્. ગુણાતીતાનંદ સ્વામીનો જોગ-સમાગમ કરવા જતા.
એક દિવસ ભોજા ભગતે કપાસ લોઢાવી રૂનો ઢગલો કર્યો હતો. અચાનક આગ લાગવાથી બધું બળી ગયું. સદ્. ગુણાતીતાનંદ સ્વામીને સમાચાર મળ્યા. તેમણે માધવચરણદાસજી સ્વામીને પાટી માણસા ગામમાં સમાચાર મોકલ્યા કે, “સમઢિયાળાના ભોજા ભગતનો કપાસનો આડ બળી ગયો હોવાથી તેમને આશ્વાસન આપતા આવશો.”
સ્વામીની આજ્ઞાથી તેઓ સમઢિયાળા ગયા. આશ્વાસનના શબ્દો કહ્યા. ભોજા ભગતે તુરત બે હાથ જોડી કહ્યું, “સ્વામી, આપ રાજી રહેજો. મેં સદ્. ગુણાતીતાનંદ સ્વામીના સમાગમે એવી સમજણ દૃઢ કરી છે કે આ તો માત્ર કપાસનો આડ સળગ્યો પણ મારી પાસે બે-ચાર ગામની લેણદેણ છે. સો-બસો ગાયો-ભેંસો છે તથા ઘણા વીઘા જમીન છે. આ બધાં ભૌતિક અને નાશવંત સુખોનો મને આનંદ નથી અને જો મહારાજની ઇચ્છાથી બધું જતું રહે તો મને એનું દુ:ખ પણ ન થાય. આવા મહારાજ મળ્યા, સદ્. ગુણાતીતાનંદ સ્વામી જેવા ગુરુ મળ્યા, તેમણે મને સાંખ્યની સમજણ કરાવી... પછી શાનું દુ:ખ ? માટે સ્વામીને કહેજો કે ભગતને સમજણની દ્રઢતાથી કાંઈ દુ:ખ લાગ્યું જ નથી.”
જૂનાગઢમાં સંતોનું મંડળ ખૂબ મોટું રહેતું. તેમાંના કેટલાક ધર્મનિષ્ઠ તથા ત્યાગી સંતો એક જ વાર ઠાકોરજી જમાડતા. સંતોના ભંડારે એવો નિયમ હતો કે, જેમણે સાંજે ઠાકોરજી ના જમાડવાના હોય તેમણે બપોરે ભંડારીને જાણ કરવી. એક સંતે બપોરે ભંડારીને પોતે સાંજે નહિ જમાડે તેવું કહ્યું હતું.
સાંજે વાળુ કરવાના સમયે તે સંત માળા ફેરવતા હતા. એક બીજા સંતે તેમને જમાડવા અતિશે આગ્રહ કર્યો. તેમણે ઘણી ના પાડી પણ સંતના દુરાગ્રહને કારણે તેઓ જમાડવા ગયા. ભંડારમાં પત્તરમાં ખીચડી લઈ જમાડવા બેસતા હતા. એ વખતે ભંડારી સંતે આવી વઢવા માંડયું કે, “બપોરે ના પાડી હતી ને અત્યારે કેમ આવ્યા ? તમારા ભાગની રસોઈ બનાવી નથી.” એમ કહી હાથમાંથી ખીચડીનું પત્તર ખેંચી લીધું અને ખીચડી લઈ લીધી.
સંત ખાલી પત્તર ધોઈ આસને જઈ માળા કરવા માંડયા. તેમના મુખ પર દુ:ખની કોઈ રેખા ન હતી. આગ્રહ કરનાર સંતે માફી માગી ત્યારે કહ્યું, “આમે આપણે ક્યાં જમાડવું હતું ? મહારાજ એ સંતમાં રહી ભેગા ભળ્યા અને આપણો નિયમ સચવાયો. આવા સમયે જ સમજણ રાખવાની હોય ને ! માટે આપ જાવ જમાડી લ્યો.”
સમજણના આધારે જીવતા હતા તો ગમે તેવી સ્થિતિ-પરિસ્થિતિ સર્જાઈ તોપણ તેમાં અડગ રહી શક્યા. તેમના જીવનમાં કોઈ જ અડચણ ન આવી. જિહ્ વાના સ્વાદને પણ ત્યજી શક્યા. આવી રીતે સમજણના આધારે પંચવિષયના વિઘ્નને ટાળી શકાય.
સમજણના આધારે અવરભાવમાં સુખી રહી શકાય પણ પરભાવમાં મૂર્તિનું સુખ ન આવે. તેના માટે તો અનાદિમુક્તની પ્રતિલોમ લટકે વર્તવું જ પડે. મૂર્તિના આધારે જેટલું રહેવાય તેટલું મૂર્તિનું સુખ આવે.
અવરભાવમાં રહી અવરભાવની ક્રિયા એકમાત્ર મૂર્તિને સેન્ટર પૉઇન્ટમાં રાખીને કરવી તે મૂર્તિના આધારે રહ્યા કહેવાય. સત્સંગમાં વિષયાનંદી મટી સેવાના આધારે રહેનારા ઘણાબધા હોય, ભજન-ભક્તિના આધારે રહેનારા થોડા હોય જ્યારે સમજણના આધારે રહેનારા તો ગણ્યાગાંઠયા હોય; તેથી પણ મૂર્તિના આધારે રહેનારા તો કો’ક જ હોય; જે સ્થિતિવાળા કહેવાય. જેઓ એક ક્ષણ પણ મૂર્તિ વિના રહે નહિ કે ક્રિયા કરે નહીં. નિરંતર મૂર્તિમાં નિમગ્ન થઈ વર્તતા હોય. અને શ્રીજીમહારાજ આવા મૂર્તિના આધારે રહેનાર પાત્રો ઉપર અધિક રાજીપો દર્શાવતા.
એક વખત શ્રીજીમહારાજે મૂર્તિના આધારે રહેનારા કેવી રીતે ક્રિયા કરે તે સમજાવતાં સભામાં વાત કરી હતી જેને સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૨ની ૭મી વાતમાં કહી છે જે, “શ્રીજીમહારાજે એક દિવસ આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી એ ત્રણને પૂછયું જે, ‘અમે તમને જે જે આજ્ઞા કરીએ જે આ પ્રવૃત્તિની ક્રિયા કરો. ત્યારે કેમ કરો ?’ ત્યારે પ્રથમ આનંદસ્વામીએ કહ્યું જે, ‘જેમ તમે કહો તેમ કરીએ.’ ત્યારપછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, ‘હૃદયમાંથી એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય ને તે વૃત્તિ એક વેંત બહાર કાઢી હોય તેને હાથ પાછી વાળું ત્યારે સુખ થાય.’ ત્યારે સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું જે, ‘તમે કેમ કરો ?’ ત્યારે બોલ્યા જે, ‘જે ક્રિયા કરવા ને જોવા જાઉં તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ દેખાય.’
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી.’ ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે, ‘જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનું કરીએ તેમનું તે તીરમાં લીંબુ દેખાય; તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે ને તે વૃત્તિને જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે.’ ”
આવી રીતે જે મૂર્તિના આધારે રહે તેને અવરભાવની ક્રિયામાત્રની સ્મૃતિ તો ન રહે પણ તેનો ભાર-ભીડો પણ ન લાગે, તેની ચિંતા પણ ન રહે. હળવાફૂલ જેવા રહેવાય તો વિષય તો અડે જ ક્યાંથી ?
દેહની અશક્ત અવસ્થામાં જ્યારે બધા આધાર છૂટી જાય, સમજણ પણ ન રાખી શકાય કે મનથી પંચવિષયોની સામે બાથ પણ ન ભીડી શકાય તેવા સમયે મૂર્તિના આધારે રહેવું સર્વશ્રેષ્ઠ છે. આમ, મૂર્તિના આધારે રહેવાય તે જ બ્રહ્માનંદી છે.
તે બ્રહ્માનંદી થવું એટલે શું ? તો, બ્રહ્મ કહેતાં મોટામાં મોટા એવા ભગવાન સ્વામિનારાયણ - તેમની મૂર્તિમાં રહી, મૂર્તિમાં સંલગ્ન રહેવાથી અનુભવાતા બ્રહ્મના આનંદ સોતા સર્વે ક્રિયા, સાધન, ભક્તિ વગેરે કરવાં તે જ બ્રહ્માનંદી થયા કહેવાય.
સદ્. વૃંદાવનસ્વામી કહેતા કે, “જમાડવું હોય તો રસોડા સુધી પણ જવું પડે પણ મૂર્તિમાં તો સૂતાં સૂતાં પણ રહેવાય.” મૂર્તિમાં રહેવું સાવ સહેલું છે પણ મૂર્તિના આધારે રહી મૂર્તિમાં ત્યારે જ રહેવાય જ્યારે વિષયાનંદી મટી બ્રહ્માનંદી થવાય. બ્રહ્માનંદી થયા સિવાય મૂર્તિના સુખના અનુભવજ્ઞાનનો સ્વાદ ન માણી શકાય.
અવરભાવમાં મૂર્તિસુખની યાત્રામાં આગળ વધવા પંચવિષયરૂપી વિઘ્ન સૌથી મોટું છે. દેહભાવ ન ટળે ત્યાં સુધી પંચવિષયના રાગ મોક્ષ માર્ગમાં લટકતી તલવાર જેવા છે; ગમે ત્યારે મોક્ષ માર્ગમાંથી પાડી દે. માટે વિષયમાંથી પ્રીતિ તોડવી ફરજિયાત છે.