યૌવન : ચારિત્રવાન જીવન - 1

  November 5, 2015

એક વાર ગાંધીજી મુંબઈથી પૂના જતા હતા. રસ્તામાં એક રેલવે સ્ટેશન તેમને મળવા એક શાળાના આચાર્યશ્રી આવી પહોંચ્યા. તેમની સાથે બે પરિચિત વિદ્યાર્થીઓ પણ હતા. પ્રારંભમાં ઔપચારિક ચર્ચા બાદ ગાંધીજીએ તેઓને પૂછ્યું, “આ બંને વિદ્યાર્થીમાં વધુ બુદ્ધિશાળી કોણ છે?” આચાર્યશ્રીએ કહ્યું, “આ મોટા છે તે.” વળી, ગાંધીજીએ બીજો પ્રશ્ન પૂછ્યો,” બંનેમાંથી ચારિત્ર્યવાળો કોણ છે?” ત્યારે આચાર્યશ્રીએ કહ્યું, “આ નાનો છે તે.” ત્યાં ગાંધીજી તરત બોલી ઊઠ્યા,” આ બંનેમાંથી મારી દ્રષ્ટિએ ખરેખર આ નાનો છે એ જ મોટો છે, કારણ કે મારે મન ચારિત્ર્યનું મૂલ્ય બુદ્ધિ કરતા વધુ છે. અને સમાજની આજ અને આવતી કાલ ટકાવવા ચારિત્ર્યની વધુ જરૂર છે અને રહેશે.”

          પ્રસ્તુત પ્રસંગ જોયા બાદ એક ઊંડો વિચાર કરતાં ખ્યાલ આવે છે કે નાનપ ને મોટપ આ બંને માટેની સાચી પારાશીશી ચારિત્ર્ય છે. ગાંધીજી જેવા મહાન પુરુષ ચારિત્ર્યને લઇ નાનપ ને મોટપનો તાગ કાઢતા હોય ત્યારે આપણને સમજાય કે સાચી મોટપ તો ચારિત્ર્યને લઈને જ છે. પણ આપણે બાહ્યિક જગતની પદવીને, સત્તાને ચારિત્ર્ય કરતાં વધુ મહત્ત્વ આપીએ છીએ. એને જ આપણે સાચો વિકાસ ગણીએ છીએ. અને એના માટે જ આપણે વિશેષ પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ. પરંતુ નોકરી, ધંધો, માલ-મિલકત, સત્તા, પ્રશંસા, યશ, કીર્તિ આ બધી બાહ્યિક બાબતો એ સાચા અર્થમાં આપણી મોટપ નથી. આપણો સાચો વિકાસ નથી. આપણા ચારિત્ર્યનો વિકાસ એ જ સાચો વિકાસ છે. ચારિત્ર્ય એ જ સાચી મોટપ છે.

          બાહ્યિક વિકાસ કાયમી નથી, જયારે ચારિત્ર્યરૂપી વિકાસ કાયમી છે. આપણા જીવનના દરેક ક્ષેત્રે સફળતા મેળવવી સહેલી છે, પરંતુ મેળવેલી સફળતાને કાયમી ટકાવી રાખવી અઘરી છે. આ સફળતા કાયમી ટકાવી રાખવાનો આધાર ચારિત્ર્ય જ છે. આ આધાર વિના ગમે તે રીતે સફળતા મેળવી લેવામાં આવે તો તે લાંબો સમય ટકશે નહિ. વળી, ચારિત્ર્ય વિનાનો બાહ્યિક વિકાસ વધુ વિનાશ નોતરે છે. માટે કાયમી વિકાસ અને કાયમી મોટપને પામવા ચારિત્ર્ય અત્યંત જરૂરી છે. જેમ કે, સિદ્ધિના શિખર પર બેસનાર ઈંગ્લેન્ડના રાજનેતા ગેરી હાર્ટ તેમજ ‘બાસ્કેટ બૉલ’ જગતના સુપ્રસિદ્ધ ખેલાડી જૉન્સન વગેરે પોતપોતાના ક્ષેત્રે ઊગતા ઝળહળતા સિતારાઓ હતા. ને તેઓનો બાહ્યિક વિકાસ પણ જગત આખા સામે પ્રકાશિત હતો. પણ તેઓના આ વિકાસ ચારિત્ર્યરૂપી વિકાસ સહીત ન હતો. જેના પરિણામ સ્વરૂપે એમના ચારિત્ર્યવિહીન બાહ્યિક વિકાસે જ એમનું પતન કરાવ્યું ને તેઓ વિનાશમાર્ગે વળ્યા. કારણ, બાહ્યજીવનના ધ્યેયની પુર્તિ માટે બધું જ કરી છુટ્યા,પણ આંતરિક જીવનનો ધ્યેય, ચારિત્ર્યરૂપી ધ્યેયનું જતન ન કરી શક્યા. તેઓએ બાહ્યિક જીવનના વિકાસને જ સાચો વિકાસ માન્યો;એને જ સાચી મોટપ માની. જેના ફલ સ્વરૂપે તેઓ બહ્યિક વિકાસમાં લેવાઈ ગયા ને પોતાના જીવનનો પોતાના હાથે જ વિનાશ કરી બેઠા.આમ, ચારિત્ર્ય એક દ્રઢ ચટ્ટાન સમાન છે, જેના પર ઊભેલી વ્યક્તિનો વિકાસ કાયમી હોય છે.તેથી કોઈક ચિંતકે કહ્યું છે ને, સંસારમાં સાચી પ્રગતિ ને સાચો વિકાસનો આધારસ્તંભ કેવળ ચારિત્ર્ય છે. આવો ત્યારે, ચારિત્ર્યવાન થવાના ગુણને સ્વજીવનમાં કેળવીએ. અને જયારે આપણે ચારિત્ર્યવાન બનીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ચારિત્ર્યવાન બનવાથી યૌવનનું નૂર ખરા અર્થે કેવું ખીલી ઊઠે છે ને યૌવન કેવી રીતે મહાયૌવન બની જાય છે! તો આજે આપણે પણ મહાયૌવન પ્રાપ્ત કરવા ચારિત્ર્યવાન જીવનની દિશા તરફ આગળ વધવા, “ચારિત્ર્યવાન જીવન એટલે શું?” તે અંગે વિશેષ સમજીએ.

સૌ પ્રથમ આપણે સમજીએ કે ચારિત્ર્ય એટલે શું ? ચારિત્ર્ય એટલે સત્ય, અહિંસા, પ્રામાણિકતા, નિર્દંભતા, બ્રહ્મચર્ય, પવિત્રતા, સાદાઈ, પારદર્શક્તા, સંયમ, દયા આદિ સર્વે ગુણોના સમન્વય સહિતનું આપણું વ્યક્તિત્વ.

ટૂંકમાં કહીએ તો, ચારિત્ર્ય એટલે આપણામાં રહેલા સદ્ગુણો, તો વળી, ચારિત્ર્યવાન જીવન એટલે શું ? ચારિત્ર્યવાન જીવન એટલે સર્વગુણસંપન્ન આચરણ સહ જીવન કહેતાં ઉપરોક્ત જણાવેલ ગુણોસભર જીવન.

ચારિત્ર્યવાન જીવન એટલે આંતર જીવનમાં કેળવેલી સર્વોત્તમ જીવનની રીત તેમજ આંતરજીવનને સમૃધ્ધ કરવા કેળવેલ ઉત્કૃષ્ટ ગુણોની વર્તનલક્ષી ફલશ્રુતિ.

આમ, ચારિત્ર્ય એ સદ્ગુણ છે, જ્યારે ચારિત્ર્યવાન જીવન એ સદ્ગુણથી સભર જીવન કહેતાં વર્તન છે. એટલે ચારિત્ર્ય હોય તો જ જીવન ચારિત્ર્વાન બની શકે કહેતાં ગુણો હોય તો અથવા ગુણો કેળવેલા હોય તો જ તે મુજબનું જીવન-વર્તન-આચરણ થઈ શકે.

યૌવન માટે ‘ચારિત્ર્યવાન જીવન બનાવવું’ સૌથી મોટી શક્તિ તથા મૂલ્યવાન સંપત્તિ છે. આ સંપત્તિથી જ યૌવન સ્વજીવનનું નેતૃત્વ તેમજ લોકજીવન કરવાની તેમજ સમાજનું ઉત્થાન કરવાની શક્તિ મેળવી શકે છે. તેથી આ સંપત્તિ યૌવન માટે એક અમર ઉપલબ્ધિ છે. આ ઉપલબ્ધિ પ્રાપ્ત કર્યા પછી પ્રત્યેક યૌવન પોતાના વ્યક્તિત્વને મહાવ્યક્તિત્વ બનાવી શકે છે.

જેમ શરીર પર આભૂષણો શોભે છે તેમ યૌવનનું વ્યક્તિત્વ ને પ્રતિભા એના ચારિત્ર્યથી શોભી ઊઠે છે. આથી જ ચારિત્ર્યને માનવનું સૌથી અમૂલ્ય આભૂષણ કહેવાયું છે જે હંમેશ માટે સૌ કોઈને પ્રભાવિત કરતું રહે છે. તેથી જ કહેવાયું છે, ‘યૌવનમાં જેટલું ચારિત્ર્ય દૃઢ ને મજબૂત હશે તેટલી તેની આંતર-બાહ્ય પ્રતિભા મ્હોરી ઊઠશે.’   

આમ, ચારિત્ર્ય યૌવન માટે અવિભાજ્ય ને અનિવાર્ય અંગ ગણાય. કારણ, એના વિના એના વ્યક્તિત્વની રચના કરવી તેમજ એને ટકાવી શકવું અશક્ય છે. ટૂંકમાં, સમગ્ર યૌવનકાળમાં સર્વશ્રેષ્ઠ બનવા માટે સારરૂપ કે નિચોડરૂપ કોઈ બાબત હોય તો તે છે – ચારિત્ર્ય.

આજે વર્તમાન સમયે યૌવનની દશા અને દિશા જોઈ એટલું અનુભવાય છે કે તેના જીવનમાં પણ ચારિત્ર્યવાન થવાની તાતી જરૂરિયાત છે. કારણ, દેશનું, સમાજનું અને સંસ્થાનું ભવિષ્ય જ યુવાધન છે અને તે આજે ચારિત્ર્યહીનતાની દિશા તરફ પ્રયાણ કરી રહ્યું છે.

વળી, આજના યુગમાં સપત્તિ, વિદ્વતા, શિક્ષણ ખૂબ જ વધી રહ્યાં છે. કહેવાતું ભોગવિલાસપૂર્ણ જીવનધોરણ પણ વધી રહ્યું છે. તેમજ ભૌતિક સુખની લાલસા માટે આંધળી દોડમાં આજે જીવનનાં મૂલ્યાંકનસ્તરો પણ બદલાઈ રહ્યા છે. સાથે સાથે ભ્રષ્ટાચાર, બેઈમાની, દગાખોરી, ભેદભાવ, ઇર્ષ્યા-દ્વેષ, અનીતિમય જીવન અને વ્યભિચારયુક્ત વ્યવહારો વગેરે જેવી બદીઓ પણ યેનકેન રીતે પોતાનો પગપેસારો વ્યાપકપણે કરી રહી છે. એની સામે આજનો યુવાન પોતાના ચારિત્ર્યઘડતર માટે ભારે દુર્લક્ષ સેવી રહ્યો છે. તે આજના યુગનાં સુખો મેળવવાં પોતાની બાહ્યિક પ્રતિભાનો ઉપયોગ વિશેષ કરી રહ્યો છે. પણ પોતાના આંતરિક જીવનમાં સદ્ગુણસભર આચરણ કરવાનું ચૂકી રહ્યો છે. આથી આજનું યુવાધન વ્યક્તિગત રીતે ચારિત્ર્યના અભાવે પોતાનું પતન નોતરી રહ્યું છે. ત્યારે એને આ બધી ખામીઓ ને કસરો ટાળવા માટે, ચારિત્ર્યઘડતર માટે ચારિત્ર્યવાન થવાની જરૂર સવિશેષ જણાય છે.

આજે યૌવનને પોતાના તમામ કાર્યો ચારિત્ર્યવાન બની કરવાં મરજિયાત નહિ પણ અત્યંત ફરજિયાત છે. કારણ કે હમણાં આપણે આગળ જોયું તેમ આજનો દેશકાળ ખૂબ જ વિષમ છે. ચારે તરફ ભ્રષ્ટાચાર અને અનૈતિક જીવનના પાઠો સમાજમાં દરેક માટે સહજ થઈ ગયા છે. એમને આમાં કોઈ ભૂલ કે કસર જણાતી નથી. કારણ, અત્યારે આ જ વાતાવરણ બધે સામાન્ય બની ગયું છે ત્યારે દરેકને ‘સ્વસુખ’નો વિચાર વિશેષ કેન્દ્રમાં રહે છે જેના પરિણામ રૂપે આખુંયે તંત્ર વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓથી – વ્યવહારોથી ખદબદી રહ્યું છે. એમાં યૌવને પોતાની તેમજ પોતાનાં કાર્યોની ગરિમાને જાળવવા માટે દરેક કાર્યો ચારિત્ર્યવાન બની કરવાં અત્યંત જરૂરી છે. કારણ, યૌવન એ દેશ, સમાજ ને સંસ્થાની આવતી કાલ છે, આવતી કાલનો સોનેરી સૂરજ છે, આવતી કાલનો નેતા ને ઘડવૈયો છે. જો એ જ પોતાના જીવનકાળના પ્રારંભે વર્તમાન પરિસ્થિતિમાં લેવાઈ, પોતાનાં કાર્યો ચારિત્ર્યહીન બની કરશે તો દેશ, સમાજ ને સંસ્થાનું ભવિષ્ય રગદોળાઈ જશે કહેતાં ચૂંથાઈ જશે. વળી, આજે દેશ, સમાજ ને સંસ્થાને ચારિત્ર્યસભર ઉત્થાનની તેમજ પ્રગતિની તાતી જરૂરિયાત છે. એને વર્તમાનકાળની બદીઓમાંથી બહાર નીકળવું છે. એને પણ સ્વર્ણિમ સુખના સૂરજરૂપી સદાચારપૂર્ણ જીવનવાળું ભવિષ્ય નિહાળવું છે ત્યારે યૌવને દરેક કાર્ય ચારિત્ર્યવાન બની કરવા ફરજિયાત છે. અને આમાંથી એ ચૂકી જાય તો આજે જે સ્થિતિ છે તે તો આવતીકાલે કેટલી બધી વિકરાળ બની જાય ! કેટલી બધી ભયાનક બની જાય ! પછી તો ક્યારેય ચારિત્ર્યવાન સમાજની રચના શક્ય જ નથી. ત્યારે આ બધું ભવિષ્યમાં સાકાર ન થાય તે માટે આજે યૌવને પોતાના એક સામાન્ય કાર્ય માટે પણ ચારિત્ર્યવાનની ભૂમિકાએ રહીને વર્તન દાખવવું પડશે. ત્યારે ચારિત્ર્યવાન જીવન ઘડવા આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ને મોટાપુરૂષનો જે આગ્રહ ને અભિપ્રાય છે તેમાંથી પ્રેરણા પામીએ.

ચારિત્ર્યવાન જીવનના હિમાયતી એવા ભગવાન સ્વામિનારાયણે 18મી સદીના અંધકારયુગમાં લાખો યુવાનોને ચારિત્ર્યવાન જીવનવાળા કર્યા હતા. આ માટે નિરંતર તેઓએ પોતાના અવરભાવના જીવનમાં ચારિત્ર્યવાન જીવનની ઉત્કૃષ્ટ ભૂમિકા સૌ કોઈને દર્શાવી તેમજ નિરંતર જોગમાં રાખી એ માટે ભારે આગ્રહ સેવ્યો. ચારિત્ર્યવાન કરવા માટે આંતરિક ગુણોનો આવિર્ભાવ થવો અત્યંત જરૂરી છે. તે માટે શ્રીહરિએ વિવિધ કસોટીઓ અને પ્રકરણ ચલાવી ત્રણ હજાર સંતો ને વીસ લાખ હરિભક્તોનો ચારિત્ર્યવાન સમાજ રચી 18મી સદીના વિષમકાળમાં પણ એક નૂતન ક્રાંતિ ખેડી હતી. આ સમાજના પ્રત્યેક જન જનમાં બ્રહ્મચર્ય, પારદર્શકતા, અહિંસા, દયા, કરુણા, પ્રામાણિકતા, નિર્વ્યસનીપણું, સંયમ, સાદાઈ આદિ ગુણોનું સિંચન કર્યું હતું જે સંક્ષિપ્તમાં નિહાળઈશું.

ભગવાન સ્વામિનારાયણે કેટલાયનું આમૂલ જીવનપરિવર્તન કરીને સમાજમાં શાંતિની સ્થાપના કરી હતી. ચોર, લૂંટારા, દુરાચારી, પાપાચારી, વ્યભિચારી, દારૂ-માંસમાં ડૂબ્યા રહેનારા, અગણિત અશિક્ષિતજનોને શુધ્ધ માર્ગે કહેતાં ચારિત્ર્યવાન જીવનના માર્ગે વાળી, મહાન ભક્ત બનાવ્યા હતા. જેવા કે જોબનપગી, તખોપગી, એભલખાચર, શાર્દુલ ખસિયા, અભેસિંહ દરબાર,ચોરના સરદાર વેરાભાઈ, મુંજો સુરુ, જસા કામળીયા. સગરામ ભગત, ગોવા ભગત વગેરે. આમ, શ્રીજીમહારાજના ચારિત્ર્યવાન જીવનવાળા ભક્તસમાજના પ્રતાપ વાગોળતાં ઇતિહાસકાર કે.કે. દત્તે વર્ણવ્યું છે, “સહજાનંદજીના પ્રભાવ હેઠળ મનુષ્યોએ ચોરી, દારુ, જુગાર, માંસભક્ષણ, ધ્રૂમ્રપાન વગેરે કુટેવો છોડી દીધી અને પોતાનું નૈતિક ધોરણ ઉન્નત કર્યું હતું.”

મછિયાવના મૂળજી ગોરને તથા મયારામ ભટ્ટને એકાંતમાં સ્ત્રીનો યોગ થયો છતાં સંયમ-ધર્મમાં ડગ્યા નહીં. તો વળી, પોતાના ઘરમાં છ માસથી આવેલી નવયુવાન બહેનના મુખ સામું યુવાન શિવલાલ શેઠની નજર સુધ્ધાં નહોતી ગઈ. ભગવાન સ્વામિનારાયણે કેવો ચારિત્ર્યવાન સંયમી સમાજ તૈયાર કર્યો હતો; તે આ જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે.

શ્રીહરિના આવા ચારિત્ર્યનિષ્ઠ સંયમી સમાજની નોંધ લેતાં હેબરે કહ્યું છે, “શ્રીહરિએ એટલી ઉચ્ચ પવિત્રતા અને સંયમની ભાવના સિંચી હતી કે તેમના શિષ્યો પસાર થતી સ્ત્રીઓ સામે નજર માંડીને જોતા નહીં. તેઓ જે જે ગામોમાં, જિલ્લાઓમાં ગયા, જ્યાં જ્યાં લોકોએ સ્વીકાર્યા, તે લોકો ને સ્થળો પહેલાં અત્યંત હીન કક્ષાના હતાં. તે આજે પ્રાંતમાં શ્રેષ્ઠ કક્ષાનાં છે.” આમ, મહાપ્રભુએ 18મી સદીના વહેમ, વ્યસનો, કુરિવાજો ને નિરક્ષરતામાં સબડતાં સમાજને પોતાના અવરભાવના ચારિત્ર્યવાન જીવનથી ને સંતસમાજથી સદાચારવાળો કર્યો હતો.