યૌવન : કર્તવ્યનિષ્ઠ કર્ણધાર - 2

  October 12, 2015

જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવવા માટે અંદરથી જાગ્રત હોય છે ત્યારે તેને કહેવું પડતું નથી કે, “તમે તમારું કાર્ય બજાવો.” એ તો પોતાની જાતે જ ઉત્સાહપૂર્વક કર્તવ્ય બજાવ્યા કરે છે. વળી, એમની કર્તવ્ય બજાવવાની રીતમાં પણ એમનો ઉત્સાહ દિન-પ્રતિદિન વધતો જતો હોય છે. વળી, એમાં કદી ઓટ આવતી હોતી નથી. તો વળી, કોઈ પણ વ્યક્તિને તેમના કર્તવ્યમાં પોણી સોળ આની જેટલી કસર પણ દેખાડવાની જરૂર પડતી નથી. કારણ કે પોતાના કર્તવ્યની માંહીથી સ્વીકાર હોવાને લીધે પોતાના કર્તવ્યનો બજાવવામાં રહી જતી કસરોને ટાળવા નિરંતર પોતાના તરફથી પ્રયાસ ચાલુ હોય છે. આને જ કહેવાય એક કર્તવ્યપાલકની પોતાના કર્તવ્ય બજાવવા પરત્વેની ઉમદા ભાવના. આમ, કર્તવ્ય નિભાવવા માટેની અંદરથી તૈયારી એ જ કર્તવ્યભાવના. આ ભાવના જેટલી વધુ સ્પષ્ટ એટલી કર્તવ્ય નિભાવવા પરત્વેની જાગૃતિ પણ વધુ રહે છે.

પરંતુ આપણે જોયું અને અનુભવ્યું છે તેમ આપણે અરસપરસ કહેતા હોઈએ છીએ કે, “તમતમારે ગમે ત્યારે, ગમે તેટલા રૂપિયાની જરૂર હોય તો અડધી રાત્રે કહેજો. આપના માટે અમે તૈયાર જ બેઠા છીએ; આપને સો ટકા મદદ કરીશું.” પણ આપણે જેને કહ્યું હોય તેને જ ખુદ જરૂર પડતાં જ્યારે તે મદદ માંગવા આવે ત્યારે જાતજાતનાં બહાનાં બતાવીએ છીએ. આ ખરેખર કર્તવ્યભાવના ન કહેવાય. કારણ કે બોલ્યા પછી આપણામાં મદદ કરવારૂપી કર્તવ્ય બજાવવાની ભાવનાનો અંદરથી સ્વીકાર જ નથી. અહીં કર્તવ્ય કેવળ બોલવામાં હતું.

 કર્તવ્યપાલક તરીકે જ્યારે આપણે અજાગ્રત છીએ ત્યારે તેનું મુખ્ય કારણ એ છે કે, ‘પોતે કોણ છે ?’ ‘ પોતાનો અભિનય શું છે ?’ ‘ પોતાની ભૂમિકા શું છે ?’ – આ બાબતોની આપણી અજ્ઞાનતા છે, જે આપણી કર્તવ્યભાવનાને જાગ્રત થવા દેતી નથી.

કર્તવ્યભાવના:

કર્તવ્યભાવના એ સ્વલક્ષી વિચાર છે. એ કોઈની આપી અપાતી નથી કે શીખી શીખવાતી નથી. “એ તો પોતે જે છે. પોતે જેના માટે છે, પોતા ઉપર સેવેલા અરમાન ને આશા અને પોતે જેના થકી છે” – એના ગૌરવમાંથી, ઝનૂન ને ખુન્નસમાંથી સ્ફૂરી આવતી આંતરસ્ફુરણા છે જે એક વાર જીવનમાં જાગ્રત થયા બાદ ક્યારેય, કોઈ કાળે શમતી નથી. કારણ કે આ સ્ફુરણા સ્વજીવનલક્ષી હોય છે. અને જ્યારે આવી કર્તવ્યભાવના કેળવાય ત્યારે કોઈ કાર્યમાં કદીયે પાછી પાની થતી નથી, બલકે પોતાના કર્તવ્યપાલન માટે ચડતો ને ચડતો રંગ રહે છે. આવા કર્તવ્યભાવનાવાળાને પોતાના કર્તવ્યપાલનમાં કોઈ રોકી શકતું નથી. વળી, એને કોઈ વિઘ્નો, આપત્તિ કે સમસ્યા નડતાં જ નથી. એને તો કેવળ પોતાના કર્તવ્ય તરફનો નિરંતર આલોચ, વેગ અને અભિનિવેશ રહ્યા કરે છે.

વળી, કર્તવ્યભાવના વિના સોંપવામાં આવતાં કાર્યો હંમેશાં અધૂરાં કે અપૂર્ણ રહેતાં હોય છે ને તે માત્ર કરવા ખાતર થતાં હોય છે. તેથી આગળ કર્તવ્યને ન્યાય આપવા કે પૂર્ણ કરવા તરફ દૃષ્ટિ રહેતી જ નથી. ટૂંકમાં, તે કાર્યો બહુધા નિરર્થક જતાં હોય છે.

ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ભણતરની ડિગ્રીઓ ઘણી હોય તેથી તેને લઈ તેમની આગળ ઘણાં બધાં કાર્યો અંગેનું કર્તવ્ય સોંપવામાં આવતું હોય છે. પરંતુ એમની કર્તવ્યભાવનાના અભાવે એ બધાં જ કાર્યો નિરર્થક બની જતાં હોય કે અધ્ધર ચડી જતાં હોય છે. તો બીજી તરફ કર્તવ્યભાવનાવાળાને ઘણાંખરાં કાર્યોથી વંચિત રાખવામાં આવતાં હોય છે. પરંતુ એક સફળ લીડર એ જ છે જે ભણતર કે બુધ્ધિના માપદંડે કાર્યભાર ન સોંપે પણ એની કર્તવ્યભાવનાને જોઈ કાર્ય સોંપે. કારણ કે કર્તવ્યભાવના જ કર્તવ્યને મૂર્ત ભૂમિકા આપી શકે છે. જ્યારે કેવળ ઉચ્ચ ડિગ્રીઓ કર્તવ્યને ન્યાય ન પણ આપી શકે એવું પણ બની શકે. અલબત્ત ડિગ્રીવાળામાં કર્તવ્યભાવના હોય તો તેને કાર્ય સોંપવું એ જ કાર્ય પાર પાડ્યાની સફળતા ગણાય.

જેમ ભૂખ વગરની વ્યક્તિને ઘણો આગ્રહ કરી ભારે ભારે, અતિ પ્રિય ભોજનથાળ પીરસવામાં આવે તો શું ભોજનનો યોગ્ય ઉપયોગ થાય કે બગાડ થાય ? બગાડ થાય. કારણ કે એને એની ભૂખ નથી. તો વળી, ભૂખ્યાને પીરસવામાં આવે તો એક એક કણનો ઉપયોગ થાય. એમ ભૂખ વગરના કહેતાં કર્તવ્યભાવના વગરનાને કર્તવ્ય સોંપવામાં આવે તો નિરર્થક જ જાય, પણ ભૂખ્યા એટલે કર્તવ્યભાવનાવાળાને કાર્ય સોંપવામાં આવે તો કાર્ય આદર્શ રીતે પરિપૂર્ણ થાય છે.

અંતે, કર્તવ્યભાવના એ જ કાર્યને પૂર્ણ કરવા માટે અહોનિશ મથતી સર્વશ્રેષ્ઠ રુધિરાભિસરણ સમી ભાવના છે. અર્થાત્ કર્તવ્યનિષ્ઠાના વિશ્વમાં સંનિષ્ઠ કર્ણધાર બનવા માટે નિરંતર વહેતાં આંતરસ્ફુરણાનાં અદ્ભુત ઝરણાં સમી ભાવના એટલે જ કર્તવ્યભાવના, જેને દૃઢ કરવી અતિ આવશ્યક છે.

કર્તવ્યપાલન :

કર્તવ્યની દુનિયામાં સૌથી કઠિન ને આકરું સોપાન એટલે કર્તવ્યપાલન. કર્તવ્યપાલન એ અત્યાર સુધીનાં ત્રણ સોપાનનો સિધ્ધકાળ છે. ટૂંકમાં, કર્તવ્યની દુનિયામાં કોઈ પણ સ્થિતિમાં કર્તવ્ય બજાવવા માટેની સંપૂર્ણ તૈયારી, તકેદારી અને સખત પુરૂષાર્થ એટલે કર્તવ્યપાલન.

કર્તવ્યપાલન માટે જીવનમાં ઘણી સ્થિતિ-પરિસ્થિતઓનું નિર્માણ કર્તવ્યપાલકને હતાશ-નિરાશ કરી દે છે. એને પોતાના કર્તવ્યમાંથી ડગાવી દે છે, પાછો પાડી દે છે. કર્તવ્યને વળગેલા રહેવાય, કર્તવ્ય પરત્વે સભાન પણ રહેવાય અને કર્તવ્ય કુનેહપૂર્વક બજાવી પણ શકાય; પણ ક્યારે ? તો, સુગમ ને સાનુકૂળ સ્થિતિમાં. પણ જ્યારે પ્રતિકૂળતાની ભરમાર હોય તેમજ બધાં જ જીવનલક્ષી પાસાંઓ આપણી સામે પડ્યાં હોય ત્યારે કર્તવ્યનું પાલન થાય તે કર્તવ્યપાલક માટે ઘડતરની ક્ષણ કહેવાય. ઘડતરની પળોમાં હંમેશાં કેવળ પ્રતિકૂળતા અને દુઃખ જ વેઠવાનું આવે.

જેમ ગુરૂવર્ય પ.પૂ. બાપજી સર્વોપરી સિધ્ધાંતના પ્રવર્તન માટે નિર્બંધ થયા અને સંપ્રદાયની નીતિ-રીતિ મુજબ દેશ, ગાદી કે પ્રથામાંથી અલિપ્ત થઈ અસહ્ય વિરોધોનાં પ્રચંડ વાવાઝોડાં સામે બાથ ભીડી, આ સમયે પણ એક સર્વોપરી સિધ્ધાંતના કર્તવ્યપાલક તરીકે તેઓએ વિઘ્નસંતોષીઓને કહી દીધું કે, “મેં તમારા માટે મૂંડાવ્યું નથી. મેં મહારાજના સર્વોપરી સિધ્ધાંતો તેમજ બાપાશ્રી માટે મૂંડાવ્યું છે. માટે આ સિધ્ધાંત તો નહિ જ છોડાય... પાજીપાલવની છાયામાં ને તમારાથી દબાઈને રહેવું તેના કરતાં નફરત, તિરસ્કાર અને અપમાનોને સહન કરી સિધ્ધાંતોના પ્રવર્તન કાજે તથા બાપાશ્રી માટે જીવવું એને હું વધુ ઉત્તમ ગણું છું.” આ શબ્દો અને રણકારથી તેઓ પોતાના કર્તવ્યપાલનમાં અડગ હતા.

બંધનોમાંથી નિર્બંધ થયા બાદ ચારે તરફ અસહકાર, અપમાન, હડધૂત, તિરસ્કાર આ બધું હોવા છતાં એ વરવી સ્થિતિમાં શ્રીહરિના સિધ્ધાંતોના કર્વતવ્યપાલન માટે આપત્તિ-પીડાના કડવા ઘૂંડ તેઓએ હસતા મુખે પી લીધા. છતાં કદી મોળો સંકલ્પેય નહીં. એક પણ રજા નહીં. બસ, અડીખમ ચટ્ટાનની માફક લગીરેય કોઈને દાદ કે મચક ન આપી. આમ, કર્તવ્યપાલન માટે અને જે સંકલ્પ માટે તેઓ પધાર્યા હતા તેમાં ડગાવનાર જીવસટોસટ વિષમ સંજોગો પણ તેમને ન નડ્યા ને એમાંથી તેમણે નૂતન ક્રાંતિની એક કેડી કંડારી ભૂતકાલીન ને વર્તમાનકાલીન સંપ્રદાયમાં સાવ અનોખી ક્રાંતિ આરંભી. વળી, ક્રાંતિ આરંભી દેવી એ પણ પૂરતું નથી. કર્તવ્યપાલન ત્યાં પૂર્ણ થઈ જતું નથી. એ આરંભેલી ક્રાંતિને અવિરતપણે ચાલુ રાખવી એ જ કર્તવ્યનિષ્ઠ માટે કર્તવ્યપાલનની ખરી કસોટી અને મુલવણી છે. જે ગુરૂવર્ય પ.પૂ. બાપજીએ આપણને સિધ્ધાંત પ્રવર્તનની ક્રાંતિ દ્વારા પ્રેરણા પૂરી પાડી કર્તવ્યપાલનની રીત શીખવી છે. આમ, કર્તવ્યપાલન એ નવ્ય ક્રાંતિ સર્જવાનું સિધ્ધકાળનું સર્વશ્રેષ્ઠ સોપાન છે. માટે કર્તવ્યનિષ્ઠ બનવા કર્તવ્યપાલન કરવું ફરજિયાત છે.

કર્તવ્યપરાયણતા :

કર્તવ્યભાવના તથા કર્તવ્યપાલનમાં સંપૂર્ણ હોવા છતાં સફળ ન થવાય તેવું આપણે ઘણી વાર અનુભવીએ છીએ. આ થવાનું મુખ્ય કારણ છે આપણી કર્તવ્યપરાયણતાનો અભાવ. કર્તવ્યપરાયણતા જ આપણને કર્તવ્યનું પાલન કરવામાં સમય, સંજોગ અને સ્થિતિ-પરિસ્થિતિમાં સાચી દિશા, યોગ્ય નિર્ણય, યોગ્ય વ્યવહાર – આ બધું કરાવી કર્તવ્યનિષ્ટ બનાવશે અથવા અન્યને એની પ્રતીતિ કરાવશે. એ કર્તવ્યપરાયણતા એટલે પોતાના કર્તવ્યને બજાવવા માટેની પોતાની આગવી કોઈક સૂઝ, વિચારધારા, દૃષ્ટિકોણ અને કાર્યશૈલી તથા આયોજનશક્તિનું સંયોગીકરણ, ટૂંકમાં કહીએ તો, પોતાના કર્તવ્યને કુનેહપૂર્વક નિભાવવાની કળા એ જ કર્તવ્યપરાયણતા.

જેમ કોઈ ઉચ્ચ વિષય ઉપર દસ-બાર પાનાંનો નિબંધ લખવાનું કોઈને કહ્યું હોય તો 3-4 દિવસનો સમય તો તેને વિચારીને નોંધવામાં સહેજે નીકળી જાય; જ્યારે એ જ કાર્ય કોઈ સારા લેખકને સોંપ્યું હોય તો તે માત્ર 5-7 કલાકમાં સારામાં સારા નિબંધ લખી શકશે કારણ એ એમાં પારંગત છે. તેમ કર્તવ્યનું પાલન કરવામાં પણ નિષ્ફળતા મળે છે, પહોંચી વળાતું નથી, પ્રશ્નો સર્જાય છે, કોઈનો સહકાર નથી મળતો વગેરે અનેક મુશ્કેલીઓને નિવારવા માટે કર્તવ્યપરાયણતાનો ગુણ અતિ આવશ્યક છે. તો જ આ બધી મુશ્કેલીઓમાં ખૂબ ઠાવકાઈથી કાર્ય કરી શકાશે. આવી કર્તવ્યપરાયણતા આવવાનો ઉપાય એક જ છે કે કર્તવ્યપાલન કરવામાં સફળતા-નિષ્ફળતા આદિ જે કાંઈ મળે છે, બને છે તેમાંથી તારણ કાઢી સતત આપણને સુધારવાનો પ્રયત્ન કર્યા કરો. ટૂંકમાં, અનુભવોમાંથી શીખી યોગ્ય દિશા તરફના પ્રયાણથી કર્તવ્યપરાયણતા આવે છે.

કર્તવ્યભાવના તથા કર્તવ્યપાલન જેવાં પાસાંઓ એક કર્તવ્યનિષ્ઠ તરીકે કેળવેલાં હોય તોપણ કર્તવ્યપરાયણ થવાની શી જરૂર છે ? તો, પોતાના કર્તવ્યને સંપૂર્ણપણે ન્યાય આપવા તેમજ તેને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે આ પાસાંની અત્યંત જરૂરિયાત છે.

તબલાં વગાડતાં તો બધાને આવડે પરંતુ શું એ વાદન બધાને કર્ણપ્રિય લાગશે ? ના. કારણ જે તબલાં વગાડવામાં પરાયણ હોય તેનું તબલાવાદન કર્ણપ્રિય લાગે. અને જો તેનામાં પરાયણતાનો ગુણ ન હોય તો તેનું તબલાવાદન પોતાને ગમશે, પણ બીજા પર એની ધારી અસર નહિ થાય અર્થાત્ બીજાને કર્ણપ્રિય-મધુર નહિ લાગે. માટે જો પરાયણતા કેળવી તબલાં વગાડવામાં આવે તો તે બધાને ગમશે. તેમ પરાયણતા વિના કર્તવ્યનું પાલન વિશેષે કરીને પોતાને કહેતાં આપણને ગમશે; બધાને સંતોષ નહિ આપે.

વળી, જેમના પ્રત્યે કર્તવ્યનિષ્ઠા દાખવવાની છે તેની સાથેના સંબંધોને ગાઢ બનાવવા હોય તો તે માટે કર્તવ્યપરાયણ બનવું અતિ આવશ્યક છે. જો આપણે કર્તવ્યપરાયણ ન રહીએ તો જેમના પ્રત્યે કર્તવ્યનિષ્ઠા દાખવવાની છે તેમને આપણા તરફથી સંકલ્પસેવાનો ભીડો, ભાર ને તકલીફ આવશે; સાથે સાથે તેમને ચિંતા રહ્યા કરે કે, “આ કર્તવ્ય સંતોષપૂર્વક કેવી રીતે નિભાવશે ?” માટે આ બધાથી બચવા સારું આપણે કર્તવ્યપરાયણ બની રહેવું અતિ મહત્ત્વનું ગણાય.

જે પોતાના કર્તવ્યને નિભાવવામાં કર્તવ્યપરાયણ હોય એ  જ ગમે તેવા વિપરીત સંજોગો, પરિસ્થિતિ કે વ્યક્તિઓ વચ્ચે પ્રતિકૂળતાઓ ભોગવી પોતાના કર્તવ્યોને નિભાવવા હતાશ-નિરાશ થયા વિના તેમજ મૂંઝાયા વિના કોઈ ને કોઈ સુયોગ્ય રસ્તો કાઢી પોતાના કર્તવ્યને બાખૂબ બજાવી શકે. કારણ કે, પોતાના કર્તવ્યને નિભાવવા માટે પોતા પાસે આગવી સૂઝ, વિચારધારા, દૃષ્ટિકોણ અને કાર્યશૈલી તથા આયોજન શક્તિરૂપી પરાયણતા છે. આમ, પરાયણતાને લીધે દરેક વિકટ કે અઘરી પરિસ્થિતિ એને સહેલી લાગે છે. જેમ ગુરૂવર્ય પ.પૂ. બાપજીએ પોતાના સિધ્ધાંત પ્રવર્તનના ધ્યેય માટે અવરભાવમાં નાણા, દાણા, પાણા ને માણાની ખેંચ વેઠી, નિરંતર સભાનતાપૂર્વક-કુનેહપૂર્વક કર્તવ્યપરાયણ રહી પોતાના સંકલ્પકાર્ય માટે અવિરત દાખડા કર્યા અને અત્યારે પણ યથાવત્ કરી રહ્યા છે. વળી, તેઓની સિધ્ધાંતપ્રવર્તનની એવી પરાયણતાને લીધે જ આજે એસ.એમ.વી.એસ. સંસ્થાના અને સર્વોપરી ઉપાસનાના સિધ્ધાંતો અને અનાદિમુક્તની સ્થિતિના દિગંતમાં ડંકા વાગે છે તથા આન, બાન, શાન લહેરાય છે.

કર્તવ્યાકર્તવ્ય :

કર્તવ્યનિશ્ચય, ભાવના, પાલન, પરાયણ આદિ પાસાંઓ આપણને કર્તવ્યનિષ્ઠ બનાવવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ એક સંનિષ્ઠ સુકાની બનવા, એક કર્તવ્યનિષ્ઠ કર્ણધાર બનવા માટે અંતિમ અને મહત્ત્વનું પાસું એટલે કર્તવ્યાકર્તવ્ય. કારણ કે યુવાન એ આવતી કાલ ને આજનો પ્રતિનિધિ છે, સુકાની છે. એના માટે કર્તવ્યાકર્તવ્ય એ મહત્ત્વનું પાસું ગણાવી શકાય. એક સુકાની તરીકે જ્યારે પોતાને ઘણા નિર્ણય લેવાના છે; વળી, પોતાનાથી નીચેના ઘણા કર્તવ્યપાલકોને પણ તેણે જ સંભાળવાના છે ત્યારે એક કર્તવ્યપાલક તરીકે પોતે કયું કર્તવ્ય બજાવવું અને કયું ન બજાવવું ? તથા પોતાનું કર્તવ્ય કયા અંશે ને કેટલા અંશે બજાવવું તથા કેટલા અંશે ન બજાવવું ? તથા પોતાનું કર્તવ્ય બજાવવા કઈ પદ્ધતિ યોગ્ય કે અયોગ્ય છે ? વળી, કઈ રીત સાચી કે ખોટી છે ? તેમજ કઈ કાર્યશૈલી સરળ કે કઠિન છે ? અર્થાત્ પોતાનું કર્તવ્ય કેવી રીતે બજાવવું એનો વિવેક એની પાસે હોવો અતિ આવશ્યક છે. આ વિવેકભર્યો વિચાર એટલે જ કર્તવ્યાકર્તવ્ય.

ત્યારે એમ વિચાર આવે છે કે, યૌવન માટે જ આ પાસું કેમ અતિ આવશ્યક છે ? તો એમનામાં યુવાવસ્થાનો તરવરાટ છે. એમનામાં મહત્ત્વાકાંક્ષાની ભરતી છે. એમનામાં સાહજિક રીતે ઉત્સાહ, ઉમંગ, અદમ્ય ઝંખના, જોમ અને કંઈક કરી બતાવવાનો જુસ્સો છે. ટૂંકમાં, ભૂખ, થાક ને ઊંઘની પરવા કર્યા વગર નિરંતર પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની અવર્ણનીય તજવીજ છે. એવામાં યુવાનના ઉતાવળિયા નિર્ણયો તેમજ વિચાર્યા વિનાનાં કાર્યલક્ષી પગલાંમાં એમને સાચી દિશામાં લઈ જવાને બદલે ઘણી વાર તેઓને દિશાવિહીન બનાવી દે છે. અને ત્યારે દિશાવિહીન યુવાનને સંનિષ્ઠ કર્તવ્ય બજાવવાનો અને વિશેષ કર્તવ્ય બજાવવાનો તેમજ ઘણીવાર કર્તવ્ય ન બજાવવાનો ખ્યાલ રહેતો નથી અને પરિણામે ગેરરીતિ ને નીતિની દિશામાં ફંટાઈ જાય છે. અને એના ફળ સ્વરૂપે અણુશક્તિ સમી યુવાશક્તિ વિનાશાત્મક દિશા કહેતાં અધોગતિની દિશામાં પ્રયાણ કરવા લાગે છે. અંતે પતનની મહા ખાઈમાં ફેંકાઈ જાય છે. ત્યારે એનામાં પોતાના કર્તવ્યને બજાવવાનો વિવેક હોવો કેટલા અંશે જરૂરી છે ? એ તો ઉપરોક્ત કહેલ વાતની ભયંકરતા જ જણાવે છે.

ઘણી વાર આ યુવાન પોતાની વાતને પોતાના આદર્શોને, પોતા&a