બાપાશ્રી પ્રત્યેની અસ્મિતાનો સૌને અહેસાસ થયો  
     
 

         બાપા... બાપા... અબજીબાપા કહેતાં કહેતાં તો એમનું મુખ ભરાઈ જાય. બાપાશ્રી કહેતાં તો તેઓ હરખાઈ ઊઠે...!!! મુખ પર પુલકિતતા પ્રસરી જાય...!!! બાપાશ્રીનું કોઈ નામ લે... કોઈ કહે હું બાપાવાળો... ત્યાં તો એમનું મુખારવિંદ પ્રસન્નતાથી છલોછલ થઈ જાય...

         બાપાશ્રી પ્રત્યે તેમને આવો છે અજોડ પ્રીતિનો નાતો... બાપાશ્રી પ્રત્યે એમને આગવો લગાવ છે. આગવી અસ્મિતા પણ એવી જ...! સભામાં તેઓ કાયમ બોલાવડાવે... કોના બાપા...? આપણા બાપા... કોના બાપા...? આપણા બાપા... (એકસાથે હરિભક્તો ગર્જી ઊઠે) ત્યાં તો એમના મુખારવિંદ પર પ્રસન્નતાનો સાગર લહેરાવા માંડે...!!! એ સમયમાં એમની મુખાકૃતિના દર્શન અતિ દર્શનીય હોય છે. અસ્મિતા કોને કહેવાય... તેનું વર્ણન નહિ, સાંગોપાંગ દર્શન જ એ સ્વરૂપમાં થઈ આવે.

         સંપ્રદાય ભલે બાપાશ્રીને ઓળખી ન શક્યો. પરંતુ બાપાશ્રી તો બાપાશ્રી જ હતા. એમની કોઈ જોડ હતી નહિ ને થશે પણ નહીં. બાપાશ્રીએ સંપ્રદાયને કેટલું બધું આપ્યું છે....!!! સંપ્રદાયના અદ્ભુત ગ્રંથ ‘વચનામૃત’ને સમજવા તથા એમાં રહેલા ઊંડાણને, રહસ્યને સમજી શકાય તે માટે ‘રહસ્યાર્થ વચનામૃત’ એવા મહામૂલા ગ્રંથ સ્વરૂપે અણમોલ ભેટ આપી. બધું કેટલું સરળ કરી આપ્યું છે !! એ તો જે ઊંડાણપૂર્વક અભ્યાસુ બને એને જ ખબર પડે.

         વચનામૃતના રહસ્યજ્ઞાનના ખજાના એમણે ખુલ્લા તો મૂકી દીધા; પરંતુ સંપ્રદાય એનું આચમન કરી શકે એવો પાત્ર ન થયો... બાપાશ્રીના જ્ઞાનને પચાવવા પાત્રતા જોઈએ. એનું મૂલ્યાંકન કરવા ઉચ્ચ પ્રકારની મુમુક્ષુતા તેમજ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પણ જોઈએ... હવે એ લાવવી ક્યાંથી ? એ જ મૂળ પ્રશ્ન છે; ને તેથી જ તો જે જ્ઞાન-સિધ્ધાંતને સ્થિતિ મળવી દુર્લભ છે તેવી દુર્લભ બાબત બાપાશ્રીએ સુલભ કરી હોવા છતાં બાપાશ્રીના પ્રદાન તરફ સંપ્રદાયનું દુર્લક્ષ સેવાયું છે.

         બાપાશ્રીની જેને યથાર્થ ઓળખ છે, પરભાવી મહાત્મ્ય છે; જેમણે બાપાશ્રીના સિધ્ધાંતોને પોતાના કરી તેના પ્રવર્તનની નેમ લીધી છે, એટલું જ નહિ... એ સિધ્ધાંતોને પોતાનું જીવન કરી દીધું છે... એવા પુરુષ કેમ કરીને બાપાશ્રીને છોડી શકે ? કેમ એમના સિધ્ધાંતોને મૂકી શકે ? સમય સમયનો પણ કંઈક પોકાર હોય છે. એના એ સમયનો પોકાર હતો બાપાશ્રીના સિધ્ધાંતો રાખનાર ને પ્રવર્તાવનાર કોઈક આર્ષદ્રષ્ટા પુરુષનો. ત્યારે મહારાજ અને બાપાશ્રીએ કારણ સત્સંગના નૂતન નવનિર્માણ માટે એક અલૌકિક અને અસાધારણ પ્રતિભાયુક્ત તો વળી અસામાન્ય સિધ્ધાંતવાદીવાળું ઠોસ વ્યક્તિત્વ બાપાશ્રીના સમાજને ગુરુવર્ય પ.પૂ.બાપજી સ્વરૂપે બક્ષ્યું.

         ગુરુવર્ય પ.પૂ.બાપજીની ભેટ એ સમગ્ર સંપ્રદાય માટે ને વિશેષે કરીને બાપાશ્રીના સમાજ માટે તો ગૌરવવંતી ઘટના છે. એ દિવ્યપુરુષે બાપાશ્રીના સિધ્ધાંતોને સાચવ્યા એટલું જ નહિ, એ સિધ્ધાંતોને એમણે ઉજાગર કર્યા અને સેંકડોના જીવમાં ઠાંસી ઠાંસીને ભરી દીધા. વળી એ સિધ્ધાંતોને વિશ્વના ફલક પર પણ પહોંચાડી દીધા. સારાયે સંપ્રદાયમાં ગુંજતા કરી દીધા. સંપ્રદાયમાં બાપાશ્રી પ્રત્યે સૂગ હતી તેને બદલે તેનો મહિમા કર્યો. આ બધું જ શક્ય બન્યું તે પહેલાં તો એમણે ખૂબ સહેવું પડેલું.

         તેઓ ચારસો સાધુઓની વચ્ચે એકલાઅટૂલા હતા. બાપાશ્રીનું નામ લેવામાં પણ જોખમ હતું તેવા સ્થાનમાં બાપાશ્રીના થઈને રહેવું તે ઘણું જ કપરું હતું. છડેચોક રહસ્યાર્થ વચનામૃત અને બાપાશ્રીની વાતોના પ્રચાર-પ્રસાર કરતા રહ્યા ને તેથી જ ગુરુવર્ય પ.પૂ.બાપજી માટે કોઈ કહેતું કે, "આ મંદિરમાં બાપાશ્રીના હેતવાળા કોઈ પચાસ ટકા, કોઈ પંચોતેર ટકા, ને કોઈ નેવું ટકા બાપાવાળા છે પણ પેલા દેવ સ્વામી તો એકસો દસ ટકા બાપાવાળા છે."

         એક વખત કેટલાકે એક હરિભક્તને ચઢામણી કરી. આથી તે ગુરુવર્ય પ.પૂ.બાપજી વિશે જેમતેમ એલફેલ બકવા માંડ્યો. ગુરુવર્ય પ.પૂ.બાપજીને પોતા વિશે કોઈ ગમે તેવું બોલે તેનો જરાય રંજ નહોતો. આપણને ક્યાં અડે છે એમ કહી ખંખેરી નાખતા. પરંતુ બાપાશ્રી વિશે જો કોઈ ભૂલ્યે ઘસાતું બોલે તો તેઓ ચૂપ ન રહી શકે! એટલે જ તેઓ તરત ગર્જી ઊઠ્યા ને કહ્યું કે, "ચૂપ થા, બાપાશ્રી વિશે એક પણ એલફેલ શબ્દ બોલતો નહિ; ને જો બોલીશ તો હું સાંભળી નહિ લઉં. તું બાપાશ્રીના રૂંવાડા જેવોય નથી ને તેમના વિશે બોલે છે ? બાંડી ઘો જેવો તું મણિધરનું માપ કાઢે છે?" એમ તતડાવી ચૂપ કરી દીધો. આમ તેઓમાં બાપાશ્રી પ્રત્યેની અસ્મિતા પ્રત્યેક પ્રસંગે ઝળહળી ઊઠતી.

         અદ્ભુત સર્વોપરી નિષ્ઠા... વચનામૃતનું અદ્ભુત જ્ઞાન... અસીમ એમની સાધુતા... નિયમ ધર્મમાં અતિશે કડકાઈ... સિધ્ધાંતને વિશ્વવ્યાપી કરવાની નેમ... તેમજ એમના અદ્ભુત વ્યક્તિત્વને લઈને કેટલાકને ગુરુવર્ય પ.પૂ.બાપજી આંખમાં કણાની માફક ખૂંચતા હતા. એમનામાં રહેલા દિવ્યગુણો, નીડર સિધ્ધાંતવાદીપણું, સાવ સાલસ સાદગી અને જ્ઞાનની તેજસ્વિતા આગળ ભલભલા માંધાતાઓ સાવ વામણા થઈ જતા હતા ને તેથી જ કેટલાકને તેઓ ખટકતા હતા. તો વળી, કેટલાક કહેતા કે, મંદિરમાં બાપાશ્રીના જ્ઞાનનો થોડોઘણો કચરો રહી ગયો છે તેને કાઢી નાખવો છે. અને તેના પરિણામે એક સમય એવો આવ્યો કે તેમની આગળ બાપાશ્રીએ સમજાવેલ સિધ્ધાંતોને તથા બાપાશ્રીને મુકાવવા આકરી શરતો લાદી દેવામાં આવી. શરતો મૂકનારા પણ જાણતા જ હતા કે આ કદાપિ બનવાનું નથી. ગુરુવર્ય પ.પૂ.બાપજીને તેઓ હૂબહૂ ઓળખતા જ હતા કે તેઓ કદી આ શરતો માન્ય નહિ જ રાખે. તેઓ કદી સિધ્ધાંતમાં સમાધાન નહિ જ કરે. તેઓ કદાપિ બાપાશ્રીને નહિ જ મૂકે. તેઓ કદી ઝૂકશે નહીં. સિંહ સો લાંઘણ કરે, ભૂખ્યો ઊભો ઊભો સુકાઈ જાય પણ કદી ખડ ન ખાય. એમ તેઓ કદી પીછેહઠ નહિ કરે.

         આવા વિકટ સમયે શું કરવું ? અરે, ભલભલા માંધાતાઓ પણ આવા કપરા સમયે સિધ્ધાંતમાં સમાધાન કરી લેતા હોય છે. કાં પછી સિધ્ધાંતોને નેવે મૂકવા પણ તૈયાર થઈ જતા હોય છે.

         પણ આ તો સિધ્ધાંતવાદી સિંહપુરુષ હતા. કોઈની મો’બત કે શેહ-શરમ ન રાખી એકલવીર થઈને ખભે ઝોળિયું લઈને ચાલી નીકળવા તૈયાર હતા. પરંતુ વિઘ્નસંતોષીઓ મૂકેલી શરતોને માન્ય રાખવા કે સ્વીકારવા તૈયાર નહોતા. તેમને સમજાવવા કેટકેટલા પ્રયત્નો થયા ને યુક્તિઓ થઈ ! પરંતુ તેઓએ સિધ્ધાંતોને ન છોડ્યા. રહસ્યાર્થ વચનામૃત ને બાપાશ્રીની વાતોને ન છોડી. બાપાશ્રીને પણ ન છોડ્યા. ભલે એ માટે થઈ એમણે અપાર કષ્ટ વેઠવું પડ્યું. એ વખતે એક તરફ સિંહ સમાન પુરુષ એવા ગુરુવર્ય પ.પૂ.બાપજી હતા અને સામે ચારસો સાધુઓ ને હરિભક્તોની મોટી ફોજ હતી. તેમ છતાં આ પુરુષે કોઈને કદી મચક આપી નહોતી.

         જેમ અમીર પેઢીના સમર્થ સદ્ગુરુ ઈશ્વરબાપાને પણ બાપાશ્રીના સિધ્ધાંતો રાખવામાં ઘણી ઉપાધિ સહન કરવી પડતી એવી જ ઉપાધિ આ પુરુષને પણ સહેવી પડી હતી. પરંતુ સદ્ગુરુ ઈશ્વરબાપાનો એવો પ્રૌઢ પ્રતાપ કે સાધુઓએ એમને ભાતભાતના પ્રશ્નો પૂછવાનું વિચારી રાખ્યું હોય અને હેરાન-પરેશાન કરવાની તૈયારી કરી રાખી હોય પણ જ્યાં સદ્ગુરુ બાપા મંદિરમાં પ્રવેશે કે તેમના પ્રભાવમાત્રથી બધા ઓગળી જતા. એ જ રીતે ગુરુવર્ય પ.પૂ.બાપજી માટે એવું જ કંઈક બનતું. પરંતુ પ.પૂ.બાપજીનો પંજાબ મહેલ સમાન સદ્ગુરુ બાપા જેવો પ્રૌઢ પ્રતાપ હતો જેની આગળ બધા ઝૂકી પડતા. બાપાશ્રીના સિધ્ધાંતોને મુકાવવાનાં તેઓનાં અનેક વિઘ્નો સામે તેમનો એક જ પ્રત્યુત્તર હતો, "આ ધડ ઉપરથી તમે માથું ઉતારી શકશો, પરંતુ બાપાશ્રીને અને એમના સિધ્ધાંતોને નહિ મુકાવી શકો કે નહિ રોકી શકો." ત્યારે સૌને એ અસ્મિતાના સાક્ષાત્ સ્વરૂપ સમાન ગુરુવર્ય પ.પૂ.બાપજીની, બાપાશ્રી પ્રત્યેની અસ્મિતાનો અહેસાસ થતો.

 
     
 
 
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy