આર્ષદ્રષ્ટા પુરુષ સિધ્ધાંત માટે નિર્બંધ થયા  
     
 

         ત્યાગાશ્રમ સ્વીકાર્યા બાદ વર્ષો સુધી ગુરુવર્ય પ.પૂ.બાપજીએ એકલપંડે સિધ્ધાંતોના પ્રવર્તન કાજે ઘણું વેઠ્યું હતું. ચકોર પક્ષી જેમ ચંદ્રની રાહે અતિ વ્યાકુળ હોય છે એ જ રીતે ગુરુ પણ પોતાના અતિ વ્હાલા શિષ્યની ચકોર પક્ષીની માફક રાહ જોતા હતા. સોનામાં સુગંધ ભળી એ મુજ ગુરુ-શિષ્યની જુગલ જોડી થતાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનના ક્રાંતિકારી કાર્યમાં વધુ વેગ મળ્યો. ગુરુ-શિષ્યની જોડનો અલૌકિક પ્રભાવ સર્વત્ર વધવા લાગ્યો. જોતજોતામાં તો હરિભક્તોનો મોટો સમૂહ તૈયાર થવા લાગ્યો. વિઘ્નસંતોષીઓના પ્રયત્નો સમક્ષ નિર્ભયપણે ગુરુ-શિષ્યની જુગલજોડીએ સિધ્ધાંતોના પ્રચારનો સંગ જમાવ્યો. જે કાર્ય માટે પ્રાગટ્ય હતું તે કાર્યને હરણફાળ દોટ મળી.

         એમાંય કારણ સત્સંગના વિજયધ્વજો દેશોદેશ ને ગામોગામ લહોરાવવાની અવિસ્મરણીય અને અકલ્પનીય એવી અનોખી તક ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ઈ.સ. ૧૯૮૪માં ઝડપી. શુધ્ધ ઉપાસના યુક્ત સૌપ્રથમ મંદિર ઘનશ્યામનગરમાં મહારાજ અને બાપાશ્રી મુક્તમંડળ સહિત પ્રતિષ્ઠિત થયા તેનો દશાબ્દી મહોત્સવ ઊજવવાનો ભવ્ય સંકલ્પ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કર્યો. આ મહોત્સવ ઉપક્રમે ગામોગામ સત્સંગ કરાવવાની આજ્ઞા કરતા ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પૂ.સ્વામીશ્રીને (પ.સત્યસંકલ્પદાસજી સ્વામી) સદ્. ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીભૂત ભૂમિ પંચમહાલમાં સત્સંગ કરાવવા અર્થે પ્રયાણ કરવા સૂચવ્યું. દશાબ્દી નિમિત્તે પંચમહાલનાં ઓછાંમાં ઓછાં ૧૦ ગામમાં સત્સંગ કરાવવાની આજ્ઞા ઝીલી.

         હરિકૃષ્ણ મહારાજ સહિત પૂ.સ્વામીશ્રી એક સંત અને ૫-૭ હરિભક્તોને લઈ પંચમહાલના ગોધર મુકામે સૌપ્રથમ પહોંચ્યા. ગોધર ગામના કાળુભાઈ તથા મણિભાઈ આ બંને ભાઈઓના સંતુષ્ટ સહકારથી પૂ. સ્વામીશ્રીએ ગુરુનાં વચનોને સાકાર કરવા પંચમહાલમાં ગામોગામ વિચરણ કર્યું. માત્ર ૮ દિવસના ટૂંકા ગાળામાં પૂ.સ્વામીશ્રીએ કુલ ૨૭ જેટલાં ગામડાંઓમાં વિચરણ કરી ૩૦ જેટલી સત્સંગ સભાઓનો લાભ આપી પંચમહાલમાં મહારાજ અને બાપાશ્રીના સિધ્ધાંતોના વિજયધ્વજો લહેરાવ્યા.

         દશાબ્દી મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.બાપજીની આજ્ઞાથી પૂ. સ્વામીશ્રીએ પંચમહાલની જેમ અન્ય અનેક ગામો, તાલુકાઓ અને જિલ્લાઓમાં પણ વિચરણ તથા સત્સંગ સભાઓની હારમાળા સર્જી. એક બાજુ ગુરુવર્ય પ.પૂ.બાપજી હેતરુચિવાળા સમાજને આજ્ઞા અને ઉપાસનાનું જ્ઞાન પીરસી વધુ નિકટ લઈ રહ્યા હતા. જોતજોતામાં તો બાપાશ્રીના સિધ્ધાંત માટેની રૂંવાડે રૂંવાડે અસ્મિતા પ્રગટાવનાર ગુરુ અને શિષ્યના અલૌકિક પ્રભાવનો સૌને અહેસાસ થવા લાગ્યો. ટૂંક સમયમાં જ સિધ્ધાંત માટે બલિદાન આપી દેવા તૈયાર સુસજજ સમાજ તૈયાર થઈ ગયો. આ બધું જ વિધ્નસંતોષીઓને આંખમાં કણાની જેમ ખૂંચતું હતું. તેઓ જાણતા હતા કે જો આવી જ રીતે તેમના સત્સંગનો વ્યાપ ચાલુ રહેશે તો આ ગુરુ-શિષ્યની જોડી બાપાશ્રીના નામને ગામોગામ ને પછી દેશોદેશે ફેલાવતાં વિશ્વના ફલક ઉપર પહોંચાડી દેશે. માટે તેઓ કોઈ પણ રીતે આ વધી રહેલા વ્યાપ અને પ્રવૃત્તિ અટકાવવા માંગતા હતા.

         ઘનશ્યામનગર મંદિરના દશાબ્દી મહોત્સવ ઉપક્રમે સિધ્ધાંતોના પ્રચારના ક્રાંતિકારી કાર્યને બંધ કરાવવા વિધ્નસંતોષીઓએ એક પછી એક પ્રયત્નો ચાલુ જ રાખ્યા. છેવટે તમામ પ્રયત્નોમાં નિષ્ફળ જતાં ગુરુવર્ય પ.પૂ.બાપજી આગળ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે, "જો તમારે આ દેશમાં રહેવું હોય, કે આ ગાદી ને પ્રથામાં રહેવું હોય તો બાપાશ્રીનો મહિમા નહિ ગવાય ને વચનામૃત રહસ્યાર્થ ને બાપાશ્રીની વાતો નહિ વંચાય. વળી જેમ અમારા સાધુ વર્તતા હોય તેમ જ તમારે વર્તવું પડશે." બેમાંથી એક પસંદગી કરવાની હતી. એક બાજુ સંપ્રદાયની રીતિનીતિ મુજબ દેશ, ગાદી કે પ્રથામાં રહેવાનું ને વર્તવાનું હતું જ્યારે બીજી બાજુ ભગવાન સ્વામિનારાયણના સિધ્ધાંતોના પ્રવર્તન માટે તથા બાપાશ્રીનો પક્ષ રાખી ઝઝૂમતા થકા વર્તવાનું હતું. આ સમયે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં સ્પષ્ટ સંભળાવી દીધું કે, "મેં તમારા માટે મૂંડાવ્યું નથી. મેં બાપાશ્રી સારુ ને બાપાશ્રીએ સમજાવેલા ભગવાન સ્વામિનારાયણના વાસ્તવિક સિધ્ધાંતોના પ્રવર્તન સારુ મૂંડાવ્યું છે. માટે આ મુખે તો એમનો જ મહિમા ગવાશે; ને રહી વાત અન્ય સાધુની બરોબર વર્તવાની, તો એ પણ શક્ય નથી. ભગવાન સ્વામિનારાયણે બાંધેલ નિયમ ધર્મની બાબતમાં એક અલ્પ આજ્ઞાનો લોપ મેં કદી કર્યો જ નથી ને કરીશ પણ નહીં."

         "પાજીપલાવની છાયામાં તમારાથી દબાઈને રહેવું તેના કરતાં નફરત, તિરસ્કાર અને અપમાનોને સહન કરી સિધ્ધાંતોના પ્રવર્તન કાજે તથા બાપાશ્રી મેટે જીવવું એને હું વધુ ઉત્તમ ગણું છું." એવો નાદ ગુંજાવી મુસીબતોને સર કરવા અને સિધ્ધાંતો માટે બધેયથી નિર્બંધ થવા તેઓ તૈયાર જ હતા.

         અને અંતે ઈ.સ. ૧૯૮૪નો તા. ૧૧મી ફેબ્રુઆરીનો એ સમય સુવર્ણ અક્ષરે સંપ્રદાયના ઇતિહાસમાં અંકિત થઈ ગયો કે જ્યારે એ દિવ્ય પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજી ભગવાન સ્વામિનારાયણે સમજાવેલા સિધ્ધાંતો અને બાપાશ્રીએ સ્થાપેલ કારણ સત્સંગના પ્રવર્તન માટે નિર્બંધ થયા. એ દિવ્યપુરુષના સિધ્ધાંત પ્રવર્તનના માર્ગમાં મુશ્કેલીઓ, અસહકાર અને વિરોધોનાં પરિબળોએ વધુ વેગ પકડ્યો.આ સમગ્ર ઉગ્ર વાતાવરણમાં પણ એ સિંહ સમા બંને પુરુષો અને સહસંતો નિર્ભય બની રહ્યા હતા. એમના માટે વિમુખ કે સન્મુખ આ બેમાંથી કાંઈ લાગુ પડે તેમ હતું જ નહીં. કારણ કે, ભગવાન સ્વામિનારાયણના સમજાવેલા સિધ્ધાંત અનુસાર તેઓ સન્મુખેય નહોતા વિમુખેય નહોતા, પણ તેઓ તો હતા મુખોન્મુખ.

 
     
 
 
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy