સિધ્ધાંત, સાધુતા અને સમર્પણની અસ્મિતાથી પ્રકાશ પાથરનાર... SMVSની રજતગાથા  
     
 

         સમય એ જ સમય છે જેને નવો ક્રાંતિકારી ઉઠાવ આપવાનો.

         અર્થાત્ ક્રાંતિ સર્જવા માટે નવો કે જુદો સમય શોધવાનો નથી હોતો પણ પસાર થતા સમયમાં જ સમયને ક્રાંતિકારી ઉઠાવ આપવાનો હોય છે.

         ઇતિહાસ એવું કહે છે કે, ભારતભૂમિ એક એવી ભૂમિ હતી કે જે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આદિ સાંસ્કૃતિક મૂલ્યોની ધરોહર હતી. ભારતભૂમિ પર દૂધ અને ઘીની નદીઓ વહેતી હતી, પરંતુ ભારતભૂમિનો એક એવો સમય પણ ઇતિહાસના પૃષ્ઠો પર આલેખાયો કે જે સમયમાં સમગ્ર ભારતભૂમિમાં ચારે બાજુ અધર્મ, અનીતિ, અંધશ્રધ્ધા, વ્યભિચાર, સત્તા માટેની લોલુપતા આદિ અનાચારનાં વમળ ઘૂમી વળ્યાં. એ સમયની માંગ હતી એવા કોઈ સર્જક પુરુષની કે જે આ અનાચારને દૂર કરી ધર્મ, શ્રધ્ધા, ભક્તિ, ઉપાસના આદિ સદાચારનું સ્થાપન કરે એ જ સમયને નવો ઉઠાવ આપે.

         એ સમયને નવો ક્રાંતિકારી ઉઠાવ આપનાર હતા સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યસ્થાપક ભગવાન શ્રી સ્વામિનારાયણ કે જેમણે મનુષ્યમાત્રમાં ચોમેર પ્રસરી ચૂકેલા અધર્મ, અનીતિ, અંધશ્રધ્ધા, વ્યભિચાર આદિ પ્રભાવને બદલી એક નૂતન આધ્યાત્મિક ચેતના પ્રગટાવી હતી. તેઓએ અધર્મ, અહિંસા, સત્યપાલન, નીતિમત્તા આદિ મનુષ્યજીવનનાં ઉત્તમ મૂલ્યો આપ્યાં. તો વળી, વ્યસન ન કરવું, ચોરી ન કરવી, માંસાહાર ન કરવો, વ્યભિચાર ન કરવો, ન ખપે તેનું ખાવું નહિ કે ખવડાવવું નહિ આદિક પંચવર્તમાનની મર્યાદા, ધ્યાન, ભજન-કીર્તન, માળા, સેવા આદિ સાધના-માર્ગ આપી, ભક્તજીવનનાં આધ્યાત્મિક મૂલ્યો આપ્યાં. વળી, આધુનિક અને સનાતન ભગવાનની સમજ આપી સનાતન ભગવાનનું સર્વોપરીપણું, અન્વય-વ્યતિરેક સ્વરૂપ તથા અજોડ ઉપાસના આદિક સનાતન સિધ્ધાંતો આપી શુધ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની રચના કરી સમયને એક નવો ક્રાંતિકારી ઉઠાવ આપ્યો હતો.

         એ જ સમયને વધુ નવો ક્રાંતિકારી ઉઠાવ આપનાર હતા શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી કે જેમણે સંપ્રદાયમાં ચોમેર પ્રસરી ચૂકેલા ઉપાસના અંગેના જુદા જુદા મત-મતાંતરો, પરોક્ષવાદ, વિતંડાવાદ અને વર્તનની અશુધ્ધિ આદિ પ્રભાવને બદલી એક નૂતન સાંપ્રદાયિક શુધ્ધિકરણની ચેતના પ્રગટાવી હતી. તેઓએ ભગવાન સ્વામિનારાયણના અવરભાવમાં મનુષ્ય રૂપે મનુષ્ય જેવા જણાતા સ્વરૂપના અંતર્ધ્યાનગમન બાદ પ્રસરેલી પરોક્ષભાવની માનીનતાને બદલી ‘ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ રૂપે સદાય પ્રગટ પ્રગટ અને પ્રગટ છે.’ એવી શ્રીજીસંમત પ્રગટ અને પ્રત્યક્ષભાવની શુધ્ધ માનીનતા બક્ષી. તો વળી સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાનું પોતાની સ્વસમજણ અનુસાર અયોગ્ય કે અલ્પ યોગ્ય અર્થઘટન તથા પ્રવર્તન થયું હતું.

         એ સાંપ્રદાયિક ગેરસમજ સમક્ષ ભગવાન સ્વામિનારાયણની સ્વમુખવાણી વચનામૃતમાંથી જ જે સ્વામિનારાયણ ભગવાનનાં વાસ્તવિક સિધ્ધાંતો અને ઊંડાં રહસ્યો હતાં તેને સમજાવી બાપાશ્રીએ સમગ્ર સંપ્રદાયને અજોડ અને શુધ્ધ ઉપાસનાની ભેટ આપી. વળી, દેશ, ગાદી, આચાર્ય, ગુરુ, સાધુ, મંદિર, ઉત્સવ, સમૈયા આ બધું જ કાર્ય છે અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એ જ કારણ છે. એવા શુધ્ધ જ્ઞાન સહિત કારણ સત્સંગની સ્થાપના કરી, સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના સિધ્ધાંતોની ભેટ આપી, બાપાશ્રીએ સમયને એક વધુ નવો ક્રાંતિકારી ઉઠાવ આપ્યો.

         બાપાશ્રી દ્વારા આરંભાયેલ ક્રાંતિને આવેગ આપવા બાપાશ્રી સાથે અતિ નિકટમાં રહી મહાસમર્થ નીડર સિધ્ધાંતવાદી સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી (સદ્ગુરુ બાપા) તથા સદ્ગુરુ વૃંદાવનદાસજી સ્વામીએ અજોડ સેવા અદા કરી. રહસ્યાર્થ વચનામૃત અને બાપાશ્રીની વાતો (બે ભાગમાં) એવા બે મહામૂલ્યવાન ગ્રંથોની રચના કરવાનું ભગીરથ કાર્ય કરી સદ્ગુરુ બાપાએ, બાપાશ્રીએ સમજાવેલ ભગવાન સ્વામિનારાયણના સનાતન સિધ્ધાંતોના પાતાળમાં પાયા નાખ્યા. જેને એક નૂતન જહેમત ઉઠાવી પુષ્ટિ આપનાર હતા સમર્થ સદ્ગુરુ કેશવપ્રિયદાસજી (સદ્ગુરુ મુનિબાપા) અને સમર્થ સદ્ગુરુ મુક્તજીવન સ્વામીબાપા. આ જ સિધ્ધાંતોને છત્રી સ્થાનેથી અ.મુ. શ્રી જાદવજીબાપા તથા અ.મુ. શ્રી નારાયણ મામાએ પણ પોષણ આપ્યું હતું. તેઓનાં ઋણ પણ આ પ્રસંગે સ્મરણીય છે.

         છતાં હજુ જરૂર હતી બાપાશ્રીએ પ્રસરાવેલ નૂતન ક્રાંતિના સમયને વધુ વેગ આપવાની તથા ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત વાસ્તવિક સિધ્ધાંતોને જન જન પ્રત્યે પહોંચાડી વિશ્વવ્યાપી પ્રચાર કરવાની. એ સમયની માંગ પૂરી કરવા તેમજ બાપાશ્રી દ્વારા થયેલ ક્રાંતિને સંપ્રદાયના ઇતિહાસ પરિવર્તન માટેની નવ્યક્રાંતિમાં પરિણમવા માટે પ્રાગટ્ય થયું એ આર્ષદ્રષ્ટા પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજીનું. અને એ જ હેતુથી શૂન્યમાંથી સર્જન થયું આ એસ.એમ.વી.એસ. સંસ્થાનું. આ સંસ્થાનું શૂન્યમાંથી સર્જન થયું હતું ત્યારે કોઈને અંદાજ પણ નહોતો કે માત્ર પચીસ વર્ષનો લઘુકાળ પૂર્ણ થશે ત્યારે આ સંસ્થાની આન, બાન ને શાન ચોતરફ લહેરાઈ જશે. એસ.એમ.વી.એસ. રજતજયંતી પર્વે તેના પચીસ વર્ષના ઇતિહાસ પર એક દૃષ્ટિ માંડતાં આશ્ચર્યચકિત થઈ જવાય છે કે કેવી રીતે શૂન્યમાંથી સર્જાઈ હશે આ સંસ્થા ? કેવી રીતે એનું સર્જન કર્યું હશે એ દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ? એમણે કરેલી ક્રાંતિમાં એવું તો શું વિશ્રંભ (રહસ્ય) સમાયું હતું કે તેઓની આ પચીસ વર્ષની ક્રાંતિરૂપ ઘટના સમયપટ પર ચિરસ્મરણીય અંકિત થઈ ગઈ ?

         વૈશ્વિક ક્રાંતિઓનો નિષ્કર્ષ એવું કહે છે કે, દ્રવ્યબળ, જૂથબળ અને સત્તાબળ વિના કોઈ કાળે ક્રાંતિ સંભવે નહીં. પરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજી એમાં અપવાદરૂપ હતા. કારણ કે તેઓની પાસે હતું દ્રવ્યબળ, જૂથબળ અને સત્તાબળ. આ ત્રણેય જેના પર નિર્ભર છે એવું પ્રતિનિધિત્વબળ. તેઓનું પ્રતિનિધિત્વબળ હતું એક અને માત્ર એક ભગવાન સ્વામિનારાયણ. તેઓની પાસે મહારાજ અને બાપાશ્રીના સિધ્ધાંતોના વિશ્વવ્યાપી પ્રચાર માટે નહોતું દ્રવ્યદાતા એવા સમુદાયનું બળ કે નહોતી કષ્ટોની જવાળાઓ અને કાંટાળી કેડીઓ ઉપર સંગાથે ચાલનાર સંતો-ભક્તોનું જૂથબળ કે નહોતું તેમની પાસે કોઈ સત્તાનું બળ. તેઓની પાસે હતું માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણનું કર્તાપણું, સિધ્ધાંતોની અસ્મિતા, બાપાશ્રીના સિધ્ધાંતો માટે ‘યા હોમ કરી’ બલિદાન આપી દેવાની અદમ્ય ખુમારી અને સૂરજની ઓજસ્વિતાને પણ ઝાંખી પાડી દે તેવી તેમની નિર્દંભ સાધુતા.

         સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના સર્વોચ્ચ સિધ્ધાંતોના પ્રવર્તન માટેની એમની ખુમારી અને કટિબધ્ધતા અજોડ હતી. એટલે જ તો તેમની બળતા અંગારા ઉપર ચાલવા સમી જીવનગાથાને સાંભળતાં આપણાં રૂંવાડાં પણ ખડાં થઈ જાય ને હૃદયના ધબકારા પણ એને સાંભળવા સ્થગિત બની જાય. અવરભાવની ૭૯ વર્ષની ઉંમરે પણ આજે તેઓ વણથંભ્યા થનગનતા જુવાનને પણ થંભાવી દે એવી ખૂમારીપૂર્વક પોતાના કાર્યને વિસ્તારી રહ્યા છે. તેઓએ શૂન્યમાંથી સર્જન કરેલી આ સંસ્થા આજે સુવર્ણયુગમાં પ્રવેશી ચૂકી છે. તેનું સંપૂર્ણ શ્રેય આ એસ.એમ.વી.એસ.ના સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજીના ચરણે સમર્પિત છે. પરંતુ સુવર્ણયુગમાં પ્રવેશી ચૂકેલ આ એસ.એમ.વી.એસ. સંસ્થાની રજતગાથા સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ચૂકી છે. તેને ભૂંસવાને તો કોઈ સમર્થ નથી. પણ હા, તેમાંથી તટસ્થભાવે પ્રેરણા પામી ધન્યતા અનુભવવા સૌ કોઈ આવકાર્ય છે. એસ.એમ.વી.એસ.ની અસ્મિતાભરી એ રજતગાથાને એસ.એમ.વી.એસ.ના રજતજયંતી પર્વે સ્મૃતિરૂપ અહીં પ્રસ્તુત કરેલ છે.

         આ રજતગાથા નામના કે પ્રસિધ્ધિ માટે પ્રસ્તુત કરવામાં આવેલ નથી. આ રજતગાથાની સ્મૃતિથી અનેક સંતો-હરિભક્તો અને મુમુક્ષુમાત્રમાં ભગવાન સ્વામિનારાયણ અને બાપાશ્રીએ સમજાવેલ સિધ્ધાંતોના પ્રવર્તનની એક નૂતન ચિનગારી પ્રગટશે-એવી અપેક્ષાથી આ રજતગાથાને એસ.એમ.વી.એસ.ના સુવર્ણ યુગના પ્રારંભે રજૂ કરવામાં આવેલ છે. અપેક્ષા છે કે આ રજતગાથામાંથી મુમુક્ષુમાત્ર પ્રેરણા મેળવી ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત સિધ્ધાંતના વિસ્તરણ માટે કટિબધ્ધ બને. પ્રસ્તુત લેખમાળામાં એસ.એમ.વી.એસ.ના પ્રાગટ્ય પૂર્વેની મહત્ત્વની ગાથાઓને જુદાં જુદાં પાસાંઓ રૂપે સંક્ષિપ્તમાં રજૂ કરેલ છે. એસ.એમ.વી.એસ.ના પ્રાગટ્યની તથા પ્રાગટ્ય પછીની રજતગાથાને આગામી અંકોમાં માણીશું.

 
     
 
   
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy