ગગનચુંબી શિખરબધ્ધ મંદિરમાં શ્રીજીમહારાજ અને બાપાશ્રી મુક્તમંડળ સહિત પ્રતિષ્ઠિત થયા  
     
 

         શ્રીજીમહારાજના પ્રચંડ સંકલ્પો હતા, મહાપ્રભુના અરમાનો હતા કે... સંપ્રદાયનાં મોટાં-મોટાં મંદિરો રચાય... એમાંય માત્ર ગગનચુંબી મંદિરો રચાય એટલું જ નહિ...પરંતુ એવાં શુધ્ધ સર્વોપરી ઉપાસનાયુક્ત મંદિરો રચવાં કે જે મંદિરોમાં માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણ અને તેમના મુક્તો જ પ્રતિષ્ઠિત થયા હોય. એવાં મંદિરો રચવાં કે જ્યાં કથાવાર્તાના અખંડ અખાડા ચાલતા હોય. એવાં મંદિરો રચવાં કે જ્યાંથી પોતાની શુધ્ધ સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન થતું હોય. સનાતન ઈશ્વર ને આધુનિક ઈશ્વરનો ભેદ સમજાવાતો હોય...અનાદિમુક્તની સ્થિતિનું જ્યાંથી પ્રવર્તન થતું હોય...એવાં મંદિરો રચવાનો મહાપ્રભુનો સ્પષ્ટ આગ્રહ ને સંકલ્પ હતો જે સંપ્રદાયના ઇતિહાસપૃષ્ઠ ઉપર કંડારાયેલ છે અને આજે પણ યથાવત્ જળવાયેલી છે; જેનો નિર્દેશ ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતે ગ.મ.ના ૨૭મા વચનામૃતમાં કરેલ છે.

         એવાં શુધ્ધ સર્વોપરી મંદિરો રચવાં તેમજ સર્વોપરી ઉપાસનાના પ્રવર્તન માટે તો મહારાજે ૨૦૦ વર્ષ સુધી ધીરજ ધરી... પણ હવે ક્યાં સુધી ધીરજ ધરવી?

         અને તેથી જ તેમણે એવાં મંદિરો રચવાનો પસંદગીરૂપ કળશ પર ઢોળ્યો. સ્વયં મહાપ્રભુ કર્તા બની ગુરુવર્ય પ.પૂ.બાપજી દ્રારા પોતાના સંકલ્પો સાકાર કરવા તત્પર થયા.

         ઘનશ્યામનગર તેમજ ઇસનપુર વિસ્તારમાં તો મંદિરો બન્યાં. પરંતુ મહારાજને શિખરબધ્ધ ગગનચુંબી મંદિરમાં પોતાના મુક્ત મંડળ સહિત બિરાજવું હતું...ને તેથી ગુરુવર્ય પ.પૂ.બાપજી ને પૂ.સ્વામીશ્રી અમદાવાદમાં નદીપારના પશ્ચિમ વિસ્તારમાં જગ્યા શોધતા હતા. વળી ગુરુવર્ય પ. પૂ.બાપજીની આજ્ઞાથી પ.ભ.શ્રી માધવલાલ ખીમજીભાઈ પટેલ અને પ.ભ. શ્રી નાથાલાલ પટેલ આદિ હરિભક્તોના સંનિષ્ઠ પ્રયત્નો ચાલુ હતા.

         પ.પૂ. બાપજી જગ્યા જરૂર શોધતા પણ જગ્યા કેટલી અને કયા વિસ્તારમાં લેવી તે કશું જ નક્કી નહોતું... કેમ કે બેંકમાં બેલેન્સ તો હતું નહીં. છતાં ગુરુવર્ય પ.પૂ.બાપજી કહેતા કે, "મહારાજ ગગનચુંબી શિખરબધ્ધ મંદિરમાં મધ્યખંડે બિરાજવા આતુર છે. એટલે જરૂર મહારાજે તેમની જગ્યા નિર્માણ કરી રાખી હશે." તેઓએ પશ્ચિમ વિસ્તારમાં ઓછામાં ઓછી ૧૦૦ જગ્યાઓ જોઈ હશે પણ ક્યાંય મહારાજ મરજી જણાવતા નહોતા...

         આખરે જે સ્થાનમાં બિરાજવાનો મહારાજનો વર્ષોનો સંકલ્પ હતો તે જ સ્થાન પસંદગી પામ્યું. શ્રીજીમહારાજ અવરભાવમાં જયારે અમદાવાદમાં પધારતા ત્યારે અવારનવાર સરખેજવાળા રસ્તે પધારતા ત્યારે રસ્તામાં આઝમ-મુઆઝમખાનનો રોજો મુખ્ય રસ્તા પર આવતો. એ સમયે આ એક જ રસ્તો હતો કે જ્યાંથી સરખેજ થઈ અમદાવાદમાં પ્રવેશાતું. આ રસ્તા ઉપરથી મહારાજ પધારતા તેનો ઉલ્લેખ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉપલબ્ધ છે. મહારાજ જ્યારે જ્યારે આઝમ-મુહાઝુમના રોજા પાસેથી પસાર થતા હશે ત્યારે ત્યારે એની બાજુમાં પોતાનું શુધ્ધ ઉપાસનાયુક્ત મંદિર બનાવી બિરાજમાન થવાનો સંકલ્પ કર્યો હશે. ગુરુવર્ય પ.પૂ.બાપજી મહારાજના સંકલ્પો જે યથાર્થ જાણતા હતા એને એટલે ઘણી બઘી જમીન જોવા છતાં તેમણે આ રોજા પાસેની જ જમીન મંદિરનિર્માણ માટે પસંદ કરી જ્યાં તેઓને સંસ્થાનું નિર્માણ કરવું તેમજ સત્સંગી હતા તેઓ આ જગ્યા બતાવવાના નિમિત્ત થયેલા. માધુભાઈએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને કહ્યું કે, "જમીનનો ભાવ સાડા ચાર લાખ કહે છે તેમજ પાર્ટી અહીં આવવા તૈયાર નથી અને તેના ભાવમાંથી એક રૂપિયો પણ ઓછો લેવા તૈયાર નથી. શું કરીશું?" ગુરુવર્ય પ.પૂ.બાપજી કહે, "તમે એને મારી સામે બોલાવો. આપણે એમની કિંમતમાંથી એક રૂપિયો ઓછો બોલાવવો નથી કે કરવો નથી. પણ પાર્ટીને અહીં અમારી સામે લાવો." જમીનમાલિક આવ્યા. ગુરુવર્ય પ.પૂ.બાપજી સામે બેઠા. એટલે બાપજીએ પૂછ્યું, "બોલો તમારે કેટલી કિંમત લેવાની છે?" ત્યારે જમીનમાલિક બોલી ગયા કે "સાડા ત્રણ લાખ લેવાના છે." જે પહેલાં સાડાચાર લાખથી એક રૂપિયો ઓછો લેવાની ના પાડતા હતા તેને કોણ જાણે શું થયું તે સીધા એક લાખ રૂપિયા જેટલી ઓછી રકમ બોલી ગયા... આ તેઓ નહિ પણ મહાપ્રભુ જ તેમના મુખે બોલી ગયા હતા. ત્યારબાદ તેમને ગુરુવર્ય પ.પૂ.બાપજી પ્રત્યે એવો દિવ્યભાવ થયો કે માત્ર પાંત્રીસ હજાર રૂપિયાનું ટોકન લઈ જગ્યાનું પઝેશન આપી દીધું. મંદિરનું કામકાજ કરવાની છૂટ પણ આપી દીધી.

         ગુરુવર્ય પ.પૂ.બાપજીની આજ્ઞાથી સત્સંગ વિકાસ માટે વાસણા વિસ્તારમાં તે જગ્યા પર પ્રથમ કામચલાઉ ઓરડી તૈયાર થઈ. ગુરુવર્ય પ.પ.બાપજીએ તે ઓરડીમાં મહારાજ અને બાપાશ્રીની મૂર્તિ પધરાવી અને પ્રતિષ્ઠા કરી અને એ ઓરડીને મંદિર તુલ્ય કરી દીધી. માંડ બે સંતો નિવાસ કરી શકે તેવી એ પતરાની ઓરડી હતી. પૂ.સ્વામીશ્રીએ એક સંત સાથે ત્યાં નિવાસ કર્યો. મંદિરની જગ્યાના પૈસાનો એ વખતે જૂજ હરિભક્તો પાસે ફાળો એકઠો કરેલો. એ વખતે મોટાં દાન કરી શકે એવા કોઈ હરિભક્તો નહોતા. માંડમાંડ જગ્યાના પૈસા પૂરા કર્યા. પણ તે પહેલાં તો વગર પૈસે શિખરબધ્ધ મંદિરનું કામકાજ આવરી દીધું હતું. બાંધકામના પૈસા ક્યાંથી લાવશું? કોન્ટ્રાકટરને પૈસા ક્યાંથી ચૂકવીશું? એવું કશું જ નક્કી નહોતું. બસ, મહારાજનો સંકલ્પ છે. એટલે બધી જ વ્યવસ્થા મહારાજ કરશે એવા પૂરા ભરોસાએ કામકાજ પુરજોશથી શરૂ કરી દીધું. એ વિસ્તારમાં કોઈ હરિભક્તોનો સમૂહ નહોતો. કોઈ રસોઈ માટે સીધું-સામાન આપનારું પણ નહોતું. આવી વિષમ પરિસ્થિતિમાં હજારો અને લાખોનાં કામ એમણે શરૂ કરેલાં તેમાં કેમ પહોંચી વળીશું તે વિચારેલું જ નહીં. ભરોસો મહાપ્રભુનો બહુ મોટો હતો. મંદિરનું કામકાજ ચાલતું હતું. માલ-સામાનના તેમજ કોન્ટ્રાક્ટરના પૈસા ધીરે ધીરે કોઈક હરિભક્તની પ્રેરણાથી ચૂકવાતા હતા. ઘણી વાર તો એવું બનતું કે સિમેન્ટના ચેકો ફાડેલા હોય, કંપનીને આપી દીધેલા હોય પણ બેંકમાં બેલેન્સ બિલકુલ ન હોય. એવા સમયે પણ તેઓ હિંમત હાર્યા નથી. અને ખરા સમયે મહારાજ સહાય પણ કરતા રહ્યા હતા. જેનાં સાક્ષી રૂપે એક નહિ, સેંકડો પ્રસંગો છે. એમ કરતા શિખરબધ્ધ મંદિરનું કાર્ય પૂર્ણ થયું.

         હવે મહત્ત્વનું કાર્ય શરૂ થવાનું હતું. જે મહાપ્રભુના અરમાનો હતા, સંકલ્પો હતા તે સાકાર થવાના હતા. મંદિરના મધ્યખંડમાં બિરાજમાન કરવા સુંદર આબેહૂબ ઘનશ્યામ મહાપ્રભુની પૂર્ણ કદની મૂર્તિ તૈયાર થઈ ચૂકી હતી. તેને બિરાજમાન કરવાનો ને મૂર્તિપ્રતિષ્ઠા કરવાનો દિવસ સંવત ૨૦૪૩ મહા વદ-૯ ને તા. ૨૨-૨-૧૯૮૭ નો દિવસ નિર્ધાર્યો હતો.

         ઘનશ્યામ મહાપ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરતા પહેલાં એ વિસ્તારમાં નગરયાત્રામાં દર્શન આપવા મહાપ્રભુને બિરાજમાન કર્યા હતા. બીજા દિવસે મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ કરવાની હતી. ત્યારે એક અદ્ભુત ને યાદગાર પ્રસંગ મહારાજે આપી દીધો. જાણે મહાપ્રભુ બિરાજતા પહેલાં જ પોતાનું પ્રગટપણું, પોતાનું સંપૂર્ણ કર્તાપણું સહુને સમજાવવા માગતા ન હોય એવું જણાવ્યું....!!! ઘનશ્યામ મહારાજની અવરભાવની આરસની મૂર્તિનું વજન ૭૦૨ કિલો જેટલું હતું. ગર્ભગૃહ માંડ ૪-૫ વ્યક્તિ ઊભી રહી શકે એટલો નાનો હતો. એટલી વ્યક્તિથી મૂર્તિને ઊંચકવી કેમ અને બિરાજમાન કરવી કેમ એ પ્રશ્ન થઈ પડ્યો. આ સમયે ગુરુવર્ય પ.પૂ.બાપજી પધાર્યા. તેમણે ઘનશ્યામ મહાપ્રભુ સમક્ષ પ્રાર્થના કરી ને કહ્યું, "દયાળુ ! એટલી પ્રાર્થના કર્યા પછી ગુરુવર્ય પ.પૂ.બાપજી કહે, "હવે મૂર્તિ ઊંચકવા કોઈ વધુ વ્યક્તિની જરૂર નથી. ફક્ત બે વ્યક્તિ જ ઊંચકો." ને જ્યાં બે વ્યક્તિએ ઊંચક્યા ત્યાં તો તુરત મૂર્તિ હળવી થઈ ગઈ. જાણે સ્વયં મહારાજ પોતે જ ત્યાં પ્રતિષ્ઠિત થવા અધીરા ન થયા હોય તેમ ગર્ભગૃહમાં તુરત જ બિરાજમાન થઈ ગયા ને જયજયકાર થઈ ગયો. ધામધૂમથી રંગેચંગે ઘનશ્યામ મહારાજની તેમજ મુક્ત મંડળની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થઈ. ત્યારે કોને ખબર હતી કે સંપ્રદાયના ઇતિહાસમાં આ ઘડી સુવર્ણ અક્ષરે લખાશે ! કોને ખબર હતી કે SMVS નો સૂર્યોદય આજે થઈ ચૂક્યો છે ! ત્યારે કોને ખબર હતી કે હવે આજથી જ સંપ્રદાયનો ઇતિહાસ કરવટ બદલશે ! આજના મંગલકારી દિનથી જ સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના વિશ્વભરમાં પ્રવર્તનનાં મંડાણ થઈ ચૂક્યાં હતાં. વળી સ્વયં ઘનશ્યામ મહારાજ મંદિરે બિરાજમાન થયા પછી પોતાના પ્રગટપણાના અનેક પરચા સ્વયં પોતે પ્રગટપણે આપ્યા હતા અને આજે આપે છે.

         આજેથી આ SMVS એટલે કે સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા ઉદય પામી જેનો આધ્યાત્મિક અર્થ સુવર્ણ અક્ષરે કંડાર્યો "શ્રીજી મહારાજનો વ્હાલો સમાજ"

         આ SMVS સંસ્થાના સંપૂર્ણ કર્તા, માલિક, આયોજક ને પ્રયોજક એક અને માત્ર એક સ્વયં ભગવાન સ્વામિનારાયણ જ રહ્યા છે ને એ જ સૌના કર્તા બની પોતાના પ્રચંડ સંકલ્પોને સાકાર કરી રહ્યા છે ને હજુ કરશે.

         હજુ "જોજો તો ખરા !!!" ગુરુવર્ય પ.પૂ.બાપજીના આ દિવ્ય શબ્દોની સ્મૃતિ કરતાં એટલો જ સૂર આવે છે.... "જોજો રહી ન જતા..."

 
     
 
   
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy