શુધ્ધ ઉપાસનાના પ્રર્વતનનો અને મંદિર નિર્માણનો યજ્ઞ આરંભાયો  
     
 

         "હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને"
         હરિને રાજી કરવાનો માર્ગ પણ કઠણ છે. એ માર્ગમાં પણ જે શૂરવીર હોય એનું જ કામ. તો એકલપંડે સિધ્ધાંતો રાખી, અનંતના હૈયામાં એ સિધ્ધાંતો ગુંજતા કરવાની શૂરવીરતાભરી જહેમત ઉઠાવવાના માર્ગ ઉપર ચાલવું પણ એ પુરુષ માટે કલ્પનામાં આવે એટલું સરળ નહોતું. તેમ છતાં અદમ્ય ખુમારી અને નિર્ભયતાના મહાસ્રોત સમા એ દિવ્યપુરુષ માટે એ કઠિન નહોતું.

         ચારેકોર વિમુખ...વિમુખ...વિમુખના શબ્દો ગુંજતા હતા. વ્યક્તિ વ્યક્તિ તરફથી તેમને તેમની વાતની, સિદ્ધંતની, અરે ! તેમની પોતાની અસ્વીકૃતિના જ પ્રતિસાદ મળતા હતા. તેમ છતાં એ વિરલ સત્પુરુષ એમ કોઈના રોક્યા રોકાય તેમ નહોતા. તેઓ તો સંપ્રદાયમાં એક મહામોટી નૂતન ક્રાંતિ સર્જવાનું મિશન લઈને નીકળ્યા હતા. વિરોધીઓ વિરોધ કરતા રહ્યા. ચારે બાજુથી વિઘ્નસંતોષીઓ અભાવ-અવગુણ, વેર-ઝેરનાં તીરો વરસાવતા હતા. તો તે સમક્ષ એમની પારદર્શકતા ને નિર્દંભતાભરી સાધુતા અને ભગવાન સ્વામિનારાયણના મૂળભૂત સિધ્ધાંતો ને મહિમાનું ગાન ગુંજતું હતું. તેઓને હવે સિધ્ધાંતપ્રચાર માટે કોઈની શેહશરમ નહોતી જેથી વિઘ્નસંતોષીઓનાં તમામ વિઘ્નો, અપમાનો, તિરસ્કારભર્યા શબ્દો તરફ દુર્લક્ષ્ય આપી તેઓ સિધ્ધાંતપ્રવર્તન માટે ઝઝૂમતા જ રહ્યા. અંતે એ સિધ્ધાંતવાદી પુરુષના મહામૂલા પુરુષાર્થથી ‘સર્વોપરી અને અજોડ ઉપાસના તથા અનાદિમુક્તની સ્થિતિ’ આ સિધ્ધાંતોનો વિજય થયો. વિરોધીઓ વિરોધ કરતા રહ્યા અને આ દિવ્યપુરુષથી આકર્ષાઈને સમાજ વધતો ગયો.

         એમાંય પૂ. સ્વામીશ્રીની ગુરુવર્ય પ.પ.બાપજી પ્રત્યેની અદ્ભુત આત્મબુદ્ધિ અને ગુરુમહિમાએ સમગ્ર સમાજને મહાત્મ્યનાં પીયૂષ પાઈ દિવ્યભાવની દુનિયામાં પ્રવેશ કરાવ્યો. ગુરુવર્ય પ.પૂ.બાપજીની સાથે વર્ષોથી સંપર્કમાં આવનાર હરિભક્તો ગુરુવર્ય પ.પૂ.બાપજીની બેનમૂન સાધુતા અને સિધ્ધાંત-પ્રવર્તનનો આગ્રહ આદિ બાબતોથી તો આકર્ષાયેલા જ હતા. પરંતુ તેઓના માનસપટ ઉપર ગુરુવર્ય પ.પૂ.બાપજી એટલે ફાટેલી ગોદડી ઉપર બેસનાર એક સાધુતાવાળા ઉત્તમ સંત હતા. તેઓના માનસપટ પર રહેલી આ માન્યતાને ભૂંસી ગુરુવર્ય પ.પૂ.બાપજીના મહિમાને યથાર્થ સમજાવી સમગ્ર સમાજને દિવ્ય ભાવ અને આત્મબુદ્ધિની દુનિયામાં પ્રવેશ કરાવવાની જહેમત ઉઠાવનાર પૂ.સ્વામીશ્રી પોતાના કાર્યને સિધ્ધ કરી, જે ગુરુ માટે ‘દેવનંદન સ્વામી’, ‘દેવ સ્વામી’ શબ્દોચ્ચારણ થતું હતું તેના બદલે પ્રસાદીભૂત બિરુદ "બાપજી" જ એમના માટે યથાયોગ્ય - ઉચિત છે એવી અહાલેક કરી સમગ્ર સમાજને ગુરુના મહિમાસભર કરી દીધો.

         સમાજમાં આવેલ આ મહાત્મ્યરૂપી ક્રાંતિએ સિદ્ધાત માટે પ્રારંભાયેલી ક્રાંતિમાં નવું જોમ પૂર્યું. એક, બે, ત્રણ ને એમ કરતાં સિધ્ધાંત -પ્રવર્તનના કાર્યમાં ‘યાહોમ’ કરી બલિદાન આપી દેનાર મોટો સમાજ તૈયાર થતો ગયો. ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રી સિધ્ધાંત-પ્રવર્તનની એ ક્રાંતિને ગામોગામ વિચરણ કરી વ્યક્તિ-વ્યક્તિ ને પરિવાર સુધી પહોંચાડી રહ્યા હતા.

         ક્રાંતિને વધુ વેગ આપવા શરૂ કરેલ બ્રહ્મસત્રો, અમાસ-સમૈયા તથા અંગત સભાઓએ વધુ રંગ જમાવ્યો. મહારાજ અને બાપાશ્રીનો પ્રચંડ સંકલ્પ હતો માટે હરએક કાર્યક્રમોમાં ભક્ત સમુદાય ઊમટી પડતો. જાણે સ્વયં મહારાજ અને બાપાશ્રી જ મુમુક્ષુઓને ખેંચી ન રહ્યા હોય એવો અનુભવ થતો. કૂદકે ને ભૂસકે હરિભક્તોનો સમૂહ ચારેય દિશાએ વધતો જતો હતો. એ વાતથી ગુરુવર્ય પ.પૂ.બાપજી હજુ સંતુષ્ટ નહોતા કારણ કે તેઓ તો કારણ સત્સંગના સિધ્ધાંતોનો વિશ્વવ્યાપી પ્રચાર કરવા માંગતા હતા. તેથી જ તો તેઓની દીર્ધ દૃષ્ટિ હજુ વધુ મંદિરના ખૂંટ મંડાય એ તરફ હતી. પરંતુ હજુ એવા સંજોગ નજર સમક્ષ ન જણાતાં તેઓ મહારાજના સંકલ્પની પ્રેરણા થાય તેની રાહમાં હતા. એક તરફ મંદિરનિર્માણનો વિચાર હતો તો બીજી બાજુ ગુરુવર્ય પ.પૂ.બાપજીના સમાગમ કાજે સત્સંગ-વિચરણ માટેની હરિભક્તોની તીવ્ર મુમુક્ષુતા હતી. તેથી ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સત્સંગ-વિચરણ તરફ વધુ લક્ષ્ય કેન્દ્રિત કર્યું.

         દરેક વિસ્તારમાંથી હરિભક્તો ગુરુવર્ય પ.પૂ.બાપજીના ને પૂ.સ્વામીશ્રીના સહવાસમાં, કથામાં, દૃષ્ટિમાં આવતા ને લોઢું ચુંબકે ચોટે તેમ ચોટી જતા. એવા અરસામાં ઈસનપુર વિસ્તારમાંથી બે-ત્રણ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ.બાપજીના જોગમાં ખેંચાઈ આવેલા. તેઓ સમૈયા પ્રસંગે ઘનશ્યામનગર મંદિરે જોગસમાગમ માટે આવતા. તેઓને રોજ એકબીજાના ઘરે વારાફરતી ધૂન્ય કરવાની આજ્ઞા એમણે કરેલી. એમ ધૂન્ય કરતા. સમાજ થોડો વધ્યો. ૮-૧૦ હરિભક્તો થયા. આટલા નાનકડા મંડળને પણ નિયમિત સત્સંગ મળવો જોઈએ એવો ગુરુવર્ય પ.પૂ.બાપજીને આગ્રહ પણ રહેતો તથા મંડળની ચિંતા પણ રહેતી.

         એક દિવસ વહેલી સવારે તેઓ ઇસનપુર પધાર્યા. ધરણીધરભાઈ અબાસણા (દાદા)ને કહ્યું, અહીં નાનકડી સભા થઈ શકે એવી જગ્યા હોય તો તપાસ કરતા રહેજો. જો સ્થળ મળે તો અમે જોવા આવીશું ને પછીથી ત્યાં જ સભા કરીશું. દાદાના પોતાના જ ચાર પ્લોટ હતા. તેને જ સભાના સ્થળ તરીકે તેઓએ ગુરુવર્ય પ. પૂ.બાપજીને બતાવ્યો, જે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પસંદ કર્યો. ગુરુવર્ય પ.પૂ.બાપજીની આજ્ઞા થતાં દાદા તથા ચારેય ભાઈઓએ સહજમાં એ ચારેય પ્લોટ ઠાકોરજીને અર્પણ કરી દીધા. ને એ જગ્યાએ કામચલાઉ નાની ઓરડી તૈયાર કરી તેને જ મંદિર કરી સત્સંગ વિસ્તાર્યો.
ત્યારબાદ સત્સંગની જમાવટ થવા લાગી. એ નાનકડી ઓરડી સત્સંગના કેન્દ્ર તરીકે ચાલે તેમ નહોતી એટલે ત્યાં મોટું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો. અને ત્યારથી સિધ્ધાંત પ્રવર્તન માટે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પ્રારંભેલ નૂતન ક્રાંતિએ એક નવો વેગ પકડ્યો. એમની સિધ્ધાંત પ્રવર્તનની ક્રાંતિની આ અતિ મહત્ત્વની અને અવિસ્મરણીય પળ હતી કે જ્યા તેઓએ અજોડ અને શુધ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે મંદિરોના નિર્માણનો યજ્ઞ આરંભ્યો. ઇસનપુરના હરિભક્તોની વિનંતીથી ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ઇસનપુર સ્થાનકમાં મોટા મંદિરના નિર્માણકાર્યનો પ્રારંભ કરાવ્યો. ગુરુવર્ય પ. પૂ. બાપજીનું પ્રાગટ્ય જ મહારાજના અધૂરા સંકલ્પો પૂર્ણ કરવા માટે હતું. ત્યારે મહારાજનો અતિ મહત્ત્વનો અને મૂળભૂત જે સંકલ્પ હતો કે, "જોજો તો ખરા, એક સમય એવો આવશે કે જ્યારે અમારાં મંદિરોમાં અમારાં સ્વરૂપો જ પધરાવાશે" આ સંકલ્પને સાકાર કરવાનો સમય હવે પાકી ગયો હતો. અને એટલે જ તો એ દિવ્ય પુરુષે એકસાથે બે મંદિરોનાં નિર્માણકાર્યનો યજ્ઞ આરંભ્યો.

         ઇસનપુર મંદિરનું નિર્માણકાર્ય ચાલતું હતું ત્યાં ૨૨૫ વર્ષ પૂર્વેથી મહારાજને જે સ્થાનકે પોતાના સંકલ્પોની પુષ્ટિ માટે બિરાજમાન થવું હતું એવા વાસણાના ગગનચુંબી શિખરબધ્ધ મંદિરનું નિર્માણકાર્ય પણ ચાલુ કર્યું. ઈ.સ. ૧૮૮૬માં જોત-જોતામાં તો ઇસનપુર મંદિરનું નિર્માણકાર્ય પૂરું થયું ને ધામધૂમથી સ્વામિનારાયણ ભગવાન અને જીવનપ્રાણ બાપાશ્રી મુક્તમંડળ સહિત બિરાજમાન થયા. હવે સંપ્રદાયના ઇતિહાસનો એ અવિસ્મરણીય સમય - વાસણા મંદિરની પ્રતિષ્ઠાનો બહુ દૂર નહોતો કે વાસણા મંદિર સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનનું કેન્દ્રસ્થાન બનશે. ઘડીઓ ગણતાં તો એ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો મહામંગલકારી દિન આવી ગયો... સંવત ૨૦૪૨ જેઠ સુદ એકમ ને તા. ૨૨-૨-૧૯૮૭નો.

 
     
 
 
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy