સિધ્ધાંતોના ખરા વારસદાર થયા  
     
 

         અસાધારણ વ્યક્તિનું વ્યક્તિત્વ બાલ્યાવસ્થાથી જ અન્ય સામાન્ય બાળકો કરતાં કંઈક જુદું તરી આવતું હોય છે. એમના જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં અસાધારણ વ્યક્તિત્વ સહેજે ઊપસતું હોય છે. આ તો દુન્યવી લૌકિક રીતિનીતિનો સતત ચાલ્યો આવતો ક્રમ છે, જ્યારે આધ્યાત્મિક માર્ગમાં પ્રભુના સંકલ્પથી પધારેલા કોઈ ઓલિયા પુરુષનું જીવન તો અનુપનીય જ હોય. તેમના જીવનમાં બાલ્યાવસ્થાથી જ અન્ય સાધારણ જગતના જીવો કરતાં આધ્યાત્મિક ગુણોની હારમાળા વિશેષ વિલસતી જ હોય.

         દેવુભાઈના જીવનમાં બાલ્યાવસ્થાથી જ અન્ય દુન્યવી બાળકો કરતાં કંઈક જુદા જ ગુણોનાં દર્શન થતાં. બાલ્યાવસ્થા હોવા છતાં એમનામાં વડીલ જેવું ગંભીરપણું અને ઠાવકાપણું હતું. સિધ્ધાંતવાદી જીવન, તપ, ત્યાગ, વૈરાગ્ય, સરળતા આદિક ગુણોથી તેમની બાલ્યાવસ્થા સૌને દેદીપ્યમાન દીસતી હતી.
સમર્થ સદ્. મુનિ સ્વામી કેટલીક વાર નળકંઠામાં વિચરણ કરતાં વાસણ ને વાંસવા પધારતા. સદ્. મુનિ સ્વામીનું સંપૂર્ણ આંતરમુખી જીવન, ઠરેલપણું અને સાધુતાના શણગારથી શોભતી સૌમ્ય મૂર્તિનાં દર્શન થતાં દેવુભાઈને અનેરું આકર્ષણ થતું. અવરભાવમાં સદ્. મુનિ સ્વામી દેવુભાઈ કરતાં ઉંમરમાં 53 વર્ષ મોટા હોવા છતાં અવરભાવની ઉંમરનો ભેદ આડરૂપ થતો નહોતો.

         ત્યાગાશ્રમમાં દેવુભાઈએ ‘દેવનંદનદાસજી સ્વામી’ એવું નામ ધારણ કરી જ્ઞાનગુરુ તરીકે સદ્. મુનિ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું. સદ્. મુનિ સ્વામીને સેવા-સમાગમે કરીને ખૂબ રાજી કર્યા. તેમને તો માત્ર એક જ આગ્રહ રહ્યા કરતો કે, “આવું ભવ્ય, પ્રચંડ અને દિવ્ય સ્વરૂપ જ્યાં સુધી આ બ્રહ્માંડમાં બિરાજે છે ત્યાં સુધી મારે લાભ લઈ જ લેવો છે. બસ, મારે તો એમના સિધ્ધાંતોનો વારસો લેવો છે. સદ્ગુરુને રાજી કરી જ લેવા છે.”
સદ્.મુનિ સ્વામીને રાજી કરવા ગુરુવર્ય પ.પૂ.બાપજી કોઠારની, ભંડારની કે વાસણ ઘસવાની કે અન્ય કોઈ પણ સેવા હોય કે પછી હરિભક્તોને સાચવવાની સેવા હોય, પરંતુ દૃષ્ટિ તો એકમાત્ર સદ્ગુરુ મુનિ સ્વામીના રાજીપા તરફ જ મંડાયેલી રહેતી. એમાંય અન્ય સંતોની કનડગત, મેણાં-ટોણાં આ બધાંનો તો વરસાદ જ વરસતો, તેમ છતાં તેઓએ કદી એ તરફ લક્ષ્ય આપ્યું જ નહોતું.

         ગમે તેટલી સેવા હોય, અરે લાડુ ખાંડતા હોય તોપણ ગુરુવર્ય પ.પૂ.બાપજીના કાન તો કથામાં જ મંડાયેલા હોય. એક શબ્દ કથાનો જવા ન દે. ક્યારેક સભામાં બેઠા હોય ને લઘુ કરવા જવાનું થાય તોપણ ગુરુવર્ય પ.પૂ.બાપજી કહે કે, મને એમ થાય કે મારી એટલી કથા જતી રહેશે તો ? એમ વિચારી બેસી રહે. છેવટે ન રહેવાય તો અંદરથી સદ્.મુનિ સ્વામીને પ્રાર્થના કરે ત્યારે સ્વામી અંતર્યામીપણે જય બોલાવી થોડી વાર સભાને વિરામ આપી દે. કેવો સમાગમનો આગ્રહ ! સમાગમના આગ્રહની સાથે સેવામાં પણ કદી થાક નહીં. બસ, ગુરુના રાજીપા સામું જ નિરંતર દૃષ્ટિ રાખી મંડ્યા રહ્યા.

         સદ્. મુનિ સ્વામી પ્રત્યેના દિવ્યભાવનાં દર્શન કરાવતાં ઘણી વાર ગુરુવર્ય પ.પૂ.બાપજી કહે છે કે, “અનંતકોટિ બ્રહ્માંડો આવીને સદ્. મુનિ સ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરે કે, સ્વામી ! અમારું પૂરું કરો તો એક સેકન્ડમાં આ દિવ્યપુરુષ અનંતને મૂર્તિના સુખમાં મૂકી દે.”

         ગુરુવર્ય પ.પૂ.બાપજીને સદ્. મુનિ સ્વામી થકી બાપાશ્રીએ સમજાવેલા સિધ્ધાંતોનો, વચનામૃતનાં ગૂઢ રહસ્યો સાંભળવાનો આગ્રહ સવિશેષ રહેતો. જ્યારે સદ્. મુનિ સ્વામી સાથે એકાંતનો લાભ મળી જાય ત્યારે ગૂઢ રહસ્યોની અને તત્ત્વજ્ઞાનની વાતો સાંભળતાં એ વાતોને મનન કરી દૃઢ કરતા અને અન્યને કરાવતા.

         ગુરુવર્ય પ.પૂ.બાપજીના અંતરે વહેતું સદ્. મુનિ સ્વામી પ્રત્યેના મહિમાનું ઝરણું પ્રેરણાપીયૂષ પૂરાં પાડી અનંતની તૃષાને છિપાવતું હતું. ‘શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ’ એટલે કે ‘સારા કામમાં સો વિઘ્ન.’ તેમ મહિમાની વાતો નિરંતર કરવા સાંભળવા જેવા શુભ કાર્યમાં પણ ઘણાં વિઘ્નો હોય છે.

         એક વખત સદ્.મુનિ સ્વામીને ફરિયાદ કરતાં કહ્યું કે, “આ દેવ સ્વામી તમારો અને બાપાશ્રીનો મહિમા બહુ ગાય છે.” ત્યારે મુનિ સ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતાં કહ્યું કે, “ભલે ને ગાય... એમાં ખોટું શું છે ? જેના જીવમાં જે હોય તે ગાય.” અને ગુરુવર્ય પ.પૂ.બાપજીને આજ્ઞા કરતાં કહ્યું કે, “મહારાજ અને મોટાનો મહિમા ખૂબ કહેવો. એના માટે તો આપણો જન્મ છે. એમાં પાછી પાની કરવી જ નહીં.” સદ્. મુનિ સ્વામીના આ દિવ્ય શબ્દરૂપી પ્રસાદી ગ્રહણ કરતાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ, શ્રીજીમહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવવાનો, મહિમા ગાવાનો નિરંતર અખાડો ચાલુ કર્યો. સદ્. મુનિ સ્વામીનું સાંનિધ્ય એટલે તો ગુરુવર્ય પ.પૂ.બાપજી માટે જાણે ‘ઘી-ગૉળનાં ગાડાં’. સદૈવ ગુરુની રુચિમાં અને રાજીપામાં વર્તવા તૈયાર જ હોય.

         એક વખત સદ્. મુનિ સ્વામી અતિ પ્રસન્ન થકા બિરાજ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.બાપજી દંડવત્-દર્શન કરી બેઠા. સદ્. મુનિ સ્વામી અંતર્યામીપણે સંકલ્પ જાણીને બોલ્યા, “સ્વામી, બોલો શું કહેવું છે ? શું જોઈએ છે તમારે ?”

         ગુરુવર્ય પ.પૂ.બાપજી સદ્. મુનિ સ્વામીને હસ્ત જોડી પ્રાર્થી રહ્યા કે, “બાપા ! બીજું તો મારે કાંઈ જ જોઈતું નથી. આપ રાજી થઈ મને આપના જ્ઞાનનો, સિધ્ધાંતનો વારસો આપો. દયાળુ, બસ મારી તો આ એક જ અરજ છે.”

         સદ્. મુનિ સ્વામી ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં પ્રાર્થનાવચન સાંભળી અતિશય રાજી થઈ ગયા. પોતે પોતાના જ્ઞાનનો - સિધ્ધાંતનો વારસો આપી પોતાના વારસદાર કરવા માટે જ તો તેમને લાવ્યા હતા. તેથી બાપાશ્રીના સંકલ્પને યથાર્થ જાણનારા સદ્. મુનિ સ્વામી તરત જ બોલ્યા કે, “સ્વામી, મહારાજના અને બાપાશ્રીના સર્વોપરી સિધ્ધાંતના પ્રચાર માટે તો આપણો જન્મ છે. એ સિધ્ધાંતોનો વારસો તો તમને લઈને જ આવ્યા છો. અમે ન હોઈએ ત્યારે બાપાશ્રીના હેતવાળા સમગ્ર સમાજને તમે સુખિયા કરજો. બાપાશ્રીનો એમાં બહુ રાજીપો છે.” એમ કહી સદ્. મુનિ સ્વામીએ અતિ પ્રસન્ન થકા પોતાના બંને હસ્ત ગુરુવર્ય પ.પૂ.બાપજીના મસ્તક ઉપર મૂકી દીધા અને પોતાના જ્ઞાન-સિધ્ધાંતોનો આધ્યાત્મિક વારસો પોતાના ખરા વારસદારને અર્પણ કર્યો.

         કારણ સત્સંગના જ્ઞાન-સિધ્ધાંતોના વારસદાર એવા ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સાધુતાસભર જીવન જીવીને ગુરુનું શિષ્યત્વ અદકેરું શોભાવ્યું છે ને શોભાવી રહ્યા છે.

 
     
 
 
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy