સ્વયં બાપાશ્રીએ જ પ્રાગટ્યના આશીર્વાદ આપ્યા  
     
 

         જીવનપ્રાણ અબજીબાપાશ્રી સંવત ૧૯૭૮ની સાલમાં કચ્છથી મૂળીના શતવાર્ષિક પાટોત્સવમાં સૌને સુખિયા કરવા માટે પધાર્યા હતા. મહા સુદ પાંચમ (વસંત પંચમી)ના રોજ વિરોધના વંટોળમાં મૂળી મધ્યે બાપાશ્રી થકી શ્રી ઘનશ્યામ મહારાજનો જયજયકાર થયો. મૂળીથી બાપાશ્રી મહા સુદ ૧૦થી ખાખરીયામાં વિચરણ કરી અમદાવાદ બળદેવભાઈ શેઠની મિલમાં પધાર્યા.

         બાપાશ્રી જયાં જયાં પધારે ત્યાં સમૈયા-ઉત્સવો થઈ જતા અને દર્શનાર્થીઓની ભીડ તો જામેલી જ હોય. બાપાશ્રી અમદાવાદ પધાર્યાના સમાચાર મળતાં અમદાવાદની ચારેબાજુના દેશમાંથી હરિભક્તો દર્શને ઊમટ્યા.

         એક દિવસ નળકંઠાના વાસણ ગામના શામજીભાઈ, દેવશીભાઈ આદિક હરિભક્તો બાપાશ્રીનાં દર્શને પધાર્યા. દર્શન કરીને બાપાશ્રીને વિનય વચને પ્રાર્થના કરી કે, "બાપાશ્રી, આપ અમારે ગામ સૌને દર્શન દેવા પધારો, નળકંઠો પાવન કરો." બાપાશ્રીએ પ્રાર્થના સાંભળીને માર્મિક હાસ્ય રેલાવતાં કહ્યું, "અમે જરૂરાજરૂર પધારીશું."

         અમદાવાદથી કુજાડ, બાકરોલ, સુરત, વડોદરા વિચરણ કરી નળકંઠાના પ્રેમી ભક્તોને આપેલ વચન મુજબ બાપાશ્રી નળકંઠામાં દર્શન દેવા પધાર્યા. બાપાશ્રી કુંડળ, નાનોદરા, દેવધોલેરા, કેસરડી, ઝાંપ, વનળીયા, મેટાળ, રેથળ, ઉપરદળ થઈ વાંસવા પધાર્યા. સંવત ૧૯૭૯ના ફાગણ માસમાં જીવનપ્રાણ બાપાશ્રીના દિવ્ય હસ્તે વાંસવા ગામે બાઈઓના મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ. જે પ્રસંગનો સાક્ષી રૂપે ઉલ્લેખ બાપાશ્રીની પહેલા ભાગની ૨૧૩મી વાતમાં પણ કરેલો છે.

         વાંસવા મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કર્યા પછી પ.ભ. જેઠાભાઈની પ્રાર્થનાથી બાપાશ્રી સંતો-હરિભક્તોએ સહિત વાસણ જેઠાભાઈના ઘેર પધરામણીએ પધાર્યા. બાપાશ્રીના પધાર્યાના સમાચાર મળતાં ગામ આખું આનંદના હિલોળે ચઢ્યું. ત્રાંસાં વાગવા માંડ્યાં અને કીર્તનની રમઝટ ચાલુ થઈ ગઈ.
બાપાશ્રી જેઠાભાઈના ઘેર પધાર્યા. જેઠાભાઈએ બાપાશ્રીનું ચંદન પુષ્પથી પૂજન કરી પ્રાર્થના કરી કે, "બાપાશ્રી, અમારા સૌ ઉપર સદાય રાજી રહેજો અને મહારાજની ભેળા આપ અહીં સદાય બિરાજજો. અમ સૌ સેવકોએ થોડી વાર લાભ આપી સુખિયા કરો." જેઠાભાઈની પ્રાર્થના સાંભળી બાપાશ્રીએ થોડી વાર લાભ આપ્યો.

         બાપાશ્રીને ગામના હરિભક્ત લાલજીભાઈએ પ્રાર્થના કરી કે, "બાપા, શ્રીજીમહારાજનો ને આપનો રાજીપો છે એટલે જેઠાભાઈ સુખી તો છે પરંતુ જેઠાભાઈને એકેય સેવક (દીકરો) નથી. પારણિયું બંધાય એવી દયા કરો."

         બાપાશ્રી જાણતા હતા કે શ્રીજીમહારાજના પોતે સમજાવેલા સિધ્ધાંતોનો વિશ્વવ્યાપી શંખ ફૂંકવા કોઈક વિરલ સત્પુરુષની જરૂર પડશે જ કે જે અમારા સિધ્ધાંતોને, સંકલ્પોને ચિરંજીવી રાખે. અમારા શુધ્ધ સર્વોપરી સિધ્ધાંતોની અને જ્ઞાનની મુમુક્ષુ જીવોને લ્હાણી કરવા સિધ્ધાંતના અને જ્ઞાનના વારસદાર વગર નહિ ચાલે.

         જેઠાભાઈની નિષ્કામ ભક્તિ અને ધર્મપરાયણ જીવન જોઈ બાપાશ્રી પોતાના સિધ્ધાંતો યાવદ્ચંદ્રદિવાકરૌ જાળવી રાખવાના સંકલ્પનો કળશ જેઠાભાઈના શિરે ઢોળવા અતિ તત્પર બન્યા.

         સ્વામિનારાયણ સંપ્રદાયની નૂતન ક્રાંતિ સર્જનાર વિરલ વિભૂતિ અને ક્રાંતિકારી દિવ્ય સત્પુરુના પ્રાગટ્યના આશીર્વાદ આપતાં બાપાશ્રીએ હર્ષભર્યો ઉચ્ચાર કર્યો કે, "જેઠાભાઈ, જાવ તમારે એક નહિ બે દીકરા થશે પરંતુ આધા તુમ્હારા અને આધા હમારા." અર્થાત્ એક દીકરો તમારો અને બીજો દીકરો અમારો, એટલે કે તેઓ અમારા સંકલ્પોને પૂર્ણ કરનારા, અમારા જ્ઞાનસિધ્ધાંતના વારસદાર થશે. એટલું કહી એક નારિયેળ જેઠાભાઈના હાથમાં આપ્યું. બાપાશ્રીએ આપેલ પ્રસાદીભૂત નારિયેળ ૪૫ વર્ષ સુધી એવું ને એવું જ હતું.

         જીવનપ્રાણ બાપાશ્રીનાં આશીર્વચન મુજબ જેઠાભાઈને ઘેર બે દીકરાનો જન્મ થયો. ત્યારબાદ સને 1933, 13મી માર્ચ એટલે કે સંવત 1989ના ફાગણ વદ 1 (ધૂળેટી)ના મહા મંગલકારી દિને સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી આર્ષદ્રષ્ટા સત્પુરુષ આધા હમારાના સંકલ્પ રૂપે મુક્તરાજ દેવુભાઈનું પ્રાગટ્ય થતાં વાસણ ગામની ધરા ધન્ય બની ગઈ.

         “પુત્રનાં લક્ષણ પારણેથી જ” એ અનુસાર દેવુભાઈ બાલ્યાવસ્થાથી જ અન્ય બાળકો કરતાં જુદા જ તરી આવતા હતા. બાલ્યાવસ્થાથી જ તેમનું જીવન સરળ, સાદગીભર્યું, સિધ્ધાંતવાદી અને સાધુતાભર્યું હતું કારણ કે તેઓ ભવિષ્યના સિધ્ધાંતોના પ્રવર્તક અને અનેક સાધુના સર્જક હતા. જગતની ભૌતિક અને લૌકિક કોઈ જ આભા એમને સ્પર્શી શકે તેવી નહોતી એ દિવ્યપુરુષને તો સંસાર જાણે કે પહેલેથી જ અસાર જણાતો હતો. સંસાર પ્રત્યેની અનાસક્તિ અને ભગવાન સ્વામિનારાયણનું કર્તાપણું એમનામાં બાલ્યાવસ્થાથી જ જણાતાં હતાં.

         એક વખત દેવુભાઈને કુટુંબમાં લગ્નનો વ્યવહારિક પ્રસંગ હતો. તેઓની એમાં જવાની સહેજ પણ રુચિ નહીં. પરંતુ ઘરના સભ્યોના અતિ આગ્રહને વશ થઈ તેઓ ઉદાસ થકા ડરણ ગામે લગ્ન પ્રસંગે ગયા. લગ્ન જેવા રજોગુણી પ્રસંગમાં પણ તેઓ નિરંતર મૂર્તિમાં સંલગ્ન રહેતા. ચારેય કોર લગ્નની ભારે દબદબાભેર થતી તૈયારીમાં પણ તેઓ બાજુના ઘરે એક રૂમમાં બેઠા બેઠા નેત્ર મીંચી માળા ફેરવતા હતા.

         થોડીક જ ક્ષણોમં લગ્નસ્થળે મંગળ ગીતોની જગ્યાએ કરુણ કલ્પાંત ચાલુ થઈ ગયો. જેમના ઘેર લગ્ન હતાં તેમના જ 5-7 વર્ષના દીકરાએ દેહત્યાગ કર્યો. દીકરો ધામમાં જતાં વિવાહનું બારમું થઈ ગયું. લગ્નગીતની જગ્યાએ મરસિયા ગવાવા માંડ્યા. સૌના મનમાં એક જ પ્રશ્ન હતો કે હવે શું કરવું ? ત્યાં અચાનક સૌના માનસપટ પર દેવુભાઈની આકૃતિ તરવરવા માંડી. સૌને જાણે પ્રશ્ન હલ થઈ જ જશે એવો સંપૂર્ણ વિશ્વાસ જન્મ્યો અને દેવુભાઈની શોધ કરતા સૌએ તેમને બાજુના ઘરમાં માળા કરતા દીઠા. લગ્નના યજમાનશ્રીએ દેવુભાઈના ચરણ પકડી લીધા અને પ્રાર્થના કરી કે, “આપ ભગવાનના સંબંધવાળા છો. ગમે તેમ કરી મારા દીકરાને જીવતો કરો.”

         દેવુભાઈએ તેમને સાંત્વના આપી અને ઘનશ્યામ મહારાજની મૂર્તિને જળ ધરાવી પ્રસાદીનું કર્યું તથા તેમાં બાપાશ્રીની પ્રસાદીરૂપ ચરણરજ નાખી મૃત્યુ પામેલા દીકરાના મુખમાં ચમચી વડે પ્રસાદીનું જળ મૂક્યું અને થોડી વાર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય કરાવી. થોડીક જ ક્ષણોમાં મત્યુ પામેલો દીકરો બેઠો થઈ ગયો અને ત્રીજા - ચોથા ઘરે રહેતાં હતાં તેવાં એક પ્રજાપતિ ડોશીમાને અક્ષરધામમાં મૂકી દીધાં. આવો ચૈતન્યનો અદલોબદલો તો સ્વયં શ્રીજીમહારાજના ધામમાંથી પધારેલા દિવ્ય મુક્તપુરુષ જ કરી શકે ને ! બાલ્યાવસ્થાથી જ તેમના કલ્યાણકારી દિવ્યગુણોનો સૌને સહેજે અનુભવ થતો હતો. દેવુભાઈના જીવનમાં તેમનો મનુષ્ય ને મનુષ્ય જેવા દેખાવાનો હેતુ પહેલેથી જ સ્પષ્ટ હતો. તેઓ ઘરમાં નાના-મોટા વ્યવહારિક કાર્યમાં પણ પોતાના નક્કી નક્કોર ધ્યેયની સ્પષ્ટતા સ્હેજે સ્પષ્ટ કરી દેતા.

         દેવુભાઈના પિતાશ્રીને કરિયાણાની બે દુકાન હતી, જેમાં એક વાસણ ગામમાં અને બીજી વાંસવા ગામે. પ.પૂ.બાપજીને તેઓના પિતાશ્રી વાંસવા ગામની દુકાને બેસવા મોકલતા. પરંતુ આ પુરુષ દુકાનમાં બેસવા નહોતા આવ્યા. તેઓના વિચાર બહુ સ્પષ્ટ હતા. તેઓ સંપ્રદાયમાં એક નૂતન ક્રાંતિના સર્જક હતા ને એના વિચારોમાં નાનપણથી જ રહેતા હતા. એટલે તેઓનું મન દુકાને બેસવામાં લાગતું નહીં. વારે વારે મંદિરે જતા રહેતા. તેઓના એકાંત માટે ઘરના મેડા ઉપર નાની ઓરડી જેવું હતું. તેમાં ધ્યાન કરવા તેઓ જતા રહેતા. તેથી પરિવાર જનો તે અંગે આનાકાની કરતા ત્યારે તેઓ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેતા કે, “હું આ તમારું પાવરી તેલ, ઘી ને ગોળ વેચવા નથી આવ્યો. હું તો મૂર્તિનો વેપારી છું અને અનંતને મૂર્તિ વેચવા આવ્યો છું.” આવી માર્મિક અર્થસભર શબ્દશ્રેણીમાં પોતાના મૂલગામી કાર્યનો અણસાર આપી દેતા.

         બાલ્યાવસ્થાથી જ દેવુભાઈને મંદિરનો અને સંતોનો સંગ ગમતો. સદ્.મુનિ સ્વામી નળકંઠામાં વિચરણ અર્થે પધારતા ત્યારથી જ દેવુભાઈને તેમની સાથે આગવું હેત બંધાઈ ગયું હતું. સદ્.મુનિ સ્વામીને અવારનવાર સાધુ કરવા પ્રાર્થના કરતા. 23 વર્ષની યુવાન વયે સાધુ થવાનો સંકલ્પ પ્રબળ બનતાં અંધારી રાત્રે પોતે જ ભગીરથ અને ક્રાંતિકારી કાર્ય સિધ્ધ કરવા પધાર્યા હતા તે માટે માબાપ, સગાંસંબંધી બધાંને મૂકી ગૃહત્યાગ કરી ત્યાગાશ્રમ સ્વીકાર્યો. આ મંગળ ઘડી હતી સંવત 2012ની એટલે કે ઈ.સ. 1956માં ત્યાગાશ્રમ સ્વીકારી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના વારસદાર અ.મુ.સદ્. શ્રી મુક્તજીવન સ્વામીબાપાને અને ત્યારપછી અ.મુ.સદ્. શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીને દીક્ષાગુરુ કર્યા.

 
     
 
 
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy