વિરોધના વંટોળ ફૂંકાયા  
     
 

         એ સમય હતો કે જ્યારે સિધ્ધાંત - પ્રવર્તન કાજે એ નીડર સિધ્ધાંતવાદી પુરુષે વિમુખનું શસ્ત્ર વહોર્યું. સળગતા અંગારા સમાન સંજોગોમાં સિધ્ધાંતમાંયે ‘યાહોમ’ કરી દેવું એ સહેલું નહોતું. એ પરિસ્થિતિ વિકટ નહિ, વિકરાળ હતી...ખીચડીમાં નાખવા હળદર પણ નહોતી... જોડ્ય માટે સાધુ નહોતા... પગમાં પહેરવા જોડા પણ નહોતા... વિચરણ માટે કોઈ વાહન પણ નહોતાં ... હરિભક્તોય કોઈ એવા સધ્ધર નહોતા... નહોતાં ક્યાંય માન કે સન્માન...સિધ્ધાંત સિવાય વારસામાં એ પુરુષ પાસે કશું નહોતું...હરિભક્ત સમાજનું પીઠબળ પણ ક્યાં હતું !!

         બસ, એકલપંડે ઝઝૂમવાનું હતું... વિરોધોના પ્રચંડ વાવાઝોડા સામે બાથ ભીડવાની હતી. ઉપર આભ ને નીચે ધરતી એવી વરવી વાસ્તવિકતા હતી. છતાં એમને અદમ્ય બળ હતું. એક અદ્ભુત જોમ હતું ને એ હતું શ્રીજીમહારાજનું. એમના રૂંવાડે રૂંવાડે ખુમારીની જ્વાળાઓ ભભૂકતી હતી ને તે જ્વાળાઓ હતી સિધ્ધાંતોના પ્રવર્તનની.

         બસ, આટલી જ મૂડી પર, આટલી જ જણસ પર, માત્ર ને માત્ર આટલી જ તાકાત પર તેઓ મુસ્તાક હતા. આ બે બાબતો વડે જ સંપ્રદાયમાં નૂતન ક્રાંતિ સર્જવાનો, તેમનો આકાશને આંબવા સમો દૃઢ નિર્ધાર હતો.

         એમની પાસે નહોતા માણા (માણસ), નહોતાં નાણાં (પૈસા) કે નહોતા પાણા (મંદિર) કે નહોતા દાણા.‘એકલો જાને રે...’ એ ઉક્તિ મુજબ એમણે એકલાએ જ સર્વોપરી સિધ્ધાંતોના પ્રવર્તનનું અદ્ભુત અને અકલ્પનીય સાહસ ખેડ્યું હતું.

         ચોતરફ અપમાન, તિરસ્કાર અને અસહકારભર્યા શબ્દોનો ગોકીરો ગાજતો. ડગલે ને પગલે માન-અપમાનના કડવા ઘૂંટ એમણે પીવા પડતા. એમના જ શબ્દોમાં કહીએ તો... ચારેકોર બોમ્બમારો થતો હતો. તોયે તેઓ, સિધ્ધાંતો પર મુસ્તાક રહ્યા...લગીરે કદી કોઈનેય સિધ્ધાંતમાં મચક ન આપી... ચટ્ટાનની માફક તેઓ અડીખમ રહ્યા... એટલું જ નહિ, એવા વિષમ સંજોગોમાં જ એમણે નૂતન કેડી કંડારી સાવ અનોખો ચીલો ચાતર્યો. જે હવે આજે તો મહામોટો રાજમાર્ગ બની છે.

         વિમુખ એટલે શું ? કોનાથી વિમુખ? વિમુખની વ્યાખ્યા કેટલા દાયરામાં સમાય છે ? પ્રથાથી, સ્થાનથી, વ્યક્તિથી વિમુખ...! હા, કદાચ તેનાથી તેઓ વિમુખ ગણાય !

         પરંતુ ભગવાન સ્વામિનારાયણ અને તેઓએ સમજાવેલા સિધ્ધાંતોથી તો તેઓ વિમુખ નહોતા જ. તેમાંય જે મહાપ્રભુની મૂર્તિમાં રહી રોમ-રોમ પ્રત્યે અત્યુત્તમ સુખભોક્તા હોય તેને વળી શું વિમુખ ને શું સન્મુખ? તેઓ તો મહારાજના મુખોન્મુખ છે. પંચવર્તમાનની કઈ એમની એવી ખોટ્ય હતી ? શ્રીજીમહારાજની અલ્પ આજ્ઞા પણ એમણે લોપી નહોતી. મહાપ્રભુની તમામ આજ્ઞાઓમાં તેઓ અજોડ હતા... નિષ્કલંક ને નિષ્પાપ એમની સાધુતા હતી...

         સૂરજ સરખી ભગવી ચૂંદડીમાં અલ્પ સરીખો પણ ડાઘ પડવા દીધો હોય તો બતાવે કોઈ...???

         શ્રીજીમહારાજની અલ્પ સરખી આજ્ઞામાં પોતે વર્તે છે ને વર્તાવે છે...

         તો પછી તેમણે શા માટે આટલી આકરી શિક્ષા સ્વીકારી ?? એક અને માત્ર એક ભગવાન સ્વામિનારાયણ અને બાપાશ્રીના સિધ્ધાંતોના પ્રવર્તન કાજે. તેઓએ સિધ્ધાંત ન મૂક્યો ને એ સિધ્ધાંતો માટે તેઓ નિર્બંધ થયા.

         એમણે જે પથ પસંદ કર્યો તે સુંવાળી સેજ નહોતી પણ કાંટાળી કેડી હતી... અનેક વિધ્નો આવતાં... અનેક અડચણો ઊભી કરવામાં આવતી... વેણ, કવેણ રોજેરોજ સાંભળવાં પડતાં. છતાં તેઓ કદી કશું ધ્યાન પર લેતા જ નહીં. તેઓ તો બસ સિધ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે મંડી પડેલા.

         એવામાં એક દિવસ અચાનક મુશ્કેલી આવી પડી. ઘનશ્યામનગર મંદિરની આજુબાજુના વિસ્તારમાં રહેતો અને માથાભારે ગુંડાતત્ત્વ ગણાતો એક વ્યક્તિ કોઈની ચઢામણીથી ઘનશ્યામનગર મંદિર ખાલી કરાવવા ને કબજો લેવા આવ્યો. તેણે આવીને ઉધ્ધતાઈથી તથા તોછડાઈભર્યા વર્તનથી, ગુરુવર્ય પ.પૂ.બાપજી સમક્ષ જેમતેમ બોલવા માંડ્યો. ગુરુવર્ય પ.પૂ.બાપજીનું અપમાન કર્યું ને છેલ્લે દાટી ને ધમકી આપતાં કહ્યું કે, "આઠ દિવસમાં આ મંદિર ખાલી કરી નાખજો. અને જો ખાલી નહિ કરો તો જોયા જેવી થશે. જો મંદિર ખાલી ન થયું તો કાં હું નહિ ને કાં તમે નહીં."

         સમર્થ સત્પુરુષ આગળ ઉધ્ધત બળજબરી કરતા પામર જીવને શું ખબર પડે કે હું કોની સામું શું બકું છું ? એને તો માત્ર કોઈકની ચઢવણી હતી. એટલે ઉધ્ધત બળજબરી કરવાની હતી. એને ક્યાં ખબર હતી કે હું કોની સામે રોફ કરું છું ? તે તો બીજા સાધુ જેવા સામાન્ય સાધુ જ આ પુરુષને સમજતો હતો. આવી ખુલ્લી ધમકી સાંભળી હરિભક્તો ચિંતામાં પડી ગયા કે હવે શું થશે ? નક્કી આ ગુંડો અહીં તાયફા કરશે. આપણા ગુરુનું અપમાન કરશે, ફજેતી કરશે. મંદિરમાંથી એમને ભગાડી મૂકશે તો ?

         ત્યારે એવા સમયે પણ ગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખારવિંદ પર સ્હેજ પણ ગભરાટ નહોતો કે નહોતી કોઈ ચિંતાની લકીર ઊપસી આવી. તેઓ ઘડીભર ધીરગંભીર થઈ ગયા. તેઓ કરુણામૂર્તિ હતા. છતાં આજે એમના મુખમાંથી સહસા જ શબ્દો સરી ગયા કે તમે જે કહ્યું કે, ‘કાં હું નહિ કાં તમે નહીં. તો જાવ તમારો સંક્લ્પ મહારાજ પૂરો કરશે.’

         સમર્થ સત્પુરુષના મુખમાંથી સરી પડેલા શબ્દો હતા - તે અવશ્ય સાકાર થાય જ.

         અને થોડા દિવસમાં જ બન્યું એવું કે એ ગુંડાતત્ત્વ વ્યક્તિ કોઈ કેસમાં ફસાયો ને તેને તડીપારની સજા થઈ. એટલું જ નહિ, તેઓ પોતાની ગાડી લઈને બહારગામ જતા હતા ત્યારે ગાડી ચલાવતાં સ્ટીયરિંગ પરથી બેલેન્સ ગુમાવ્યું ને જોરદાર ભયંકર રીતે રોડ પરના ઝાડ સાથે ગાડી ભટકાઈ ને ત્યાં ને ત્યાં તેમનો ખેલ ખતમ થઈ ગયો. તેમણે જે ધમકી આપી હતી કે, "કાં હું નહિ કાં તમે નહીં." એમાં ‘હું નહિ’ એ સંકલ્પને મહારાજે પૂરો કર્યો.

         મંદિર ખાલી કરાવવા અવારનવાર આવી તો કેટકેટલીયે ધમકીઓ મળતી. એ વખતે ખાખરિયાના તેમાંય મુખ્યત્વે કમળાપુરાના હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીનો માથા સાટે પક્ષ રાખેલો. "અમે પણ કાંઈ હાથમાં બંગડીઓ નથી પહેરી રાખી. અમારા ગુરુ માટે જીવન કુરબાન છે." એવું કહી ગુરુ પ્રત્યેની અસ્મિતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડનાર એ પુરુષોત્તમભાઈ રામાણી તથા કમળાપુરાના હરિભક્તોને કોટિ કોટિ વંદન છે. તેઓ પોતાની જાનને કુરબાન કરવા તૈયાર થયેલા. આ ખરા સમયે પક્ષ રાખવાથી જ તો તેઓ ગુરુવર્ય પ.પૂ.બાપજીનો અપાર રાજીપો ખાટી ગયા. અને તેને પરિણામે જ તો આજે તેઓ બધા આ લોક ને પરલોકમાં ખૂબ સુખી છે.

         પૂ.સ્વામીશ્રી એક વખત નળકંઠા વિસ્તારના કેસરડી ગામે પધારેલા. ગામમાં ખાસ કોઈ હેતવાળા હરિભક્તો નહીં. એટલે ગામમાં આવેલ સ્વામિનારાયણના મંદિરે ગયા. ત્યાં રોકાવાનું નક્કી કર્યું હતું. પરંતુ મંદિરના પૂજારીને ખબર પડી કે જે સંતો આવ્યા છે તે વિમુખ છે એટલે એમણે મંદિરે આવી દર્શન કરતા પૂ.સ્વામીશ્રીને મન ફાવે તેમ બોલવા માંડ્યું. "શું તમારા બાપનું મંદિર છે ? કોને પૂછીને મંદિરમાં પગ મૂક્યો" વગેરે અપમાનજનક શબ્દોથી હડધૂત કર્યા અને કહ્યું, "અત્યારે ને અત્યારે મંદિરમાંથી બહાર નીકળો." પૂ.સ્વામીશ્રીને આવાં અપમાનો તો કોઠે પડી ગયેલાં હતાં એટલે તેઓએ પ્રસન્ન મુખે જ પોતાની ઝોળીઓ ઉઠાવી લીધી. પણ હવે પ્રશ્ન હતો ગામમાં જવું ક્યાં ? કોને ત્યાં રહેવું ? એટલામાં ગામના જ એક હરિભક્ત ચિમનભાઈ ઠક્કર આ ધમાલ સાંભળીને ત્યાં આવ્યા ને તેમણે પૂ.સ્વામીશ્રીનો પક્ષ લીધો. ગુરુવર્ય પ.પૂ.બાપજી આ પ્રસંગ સાંભળી એમના ઉપર ખૂબ રાજી થઈ ગયા. તેમને દીકરો નહોતો. પક્ષ રાખ્યો ને રાજીપો મેળવ્યો એટલે એમને મોટી ઉંમરે ગુરુવર્ય પ.પૂ.બાપજીના આશીર્વાદથી દીકરો પણ મહારાજે આપ્યો.

         મોટાપુરુષો અપમાન અને અવહેલનાને કદી ગણકારતા નથી. તેની સામું જોતા પણ નથી કેમ કે, એ એમનો ધર્મ નથી. પરંતુ એવા ખરા સમયે જેને એવી સેવા પ્રાપ્ત થાય છે ને તક ઝડપી લેતા હોય છે તે ન્યાલ થઈ જતા હોય છે એવું સંપ્રદાયનો ઇતિહાસ પણ કહે છે.

         આવાં આવાં તો કંઈક અપમાનો, તિરસ્કારો ને વિરોધો થતાં ગયાં ને મહારાજ અને બાપાશ્રીના સંકલ્પો ભૂમંડળમાં પ્રસરતા ગયા.
 
     
 
 
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy