SMVS
મહિમાનું અપારપણું

એક દિવસ કોઈ મુમુક્ષુએ મુનિ સ્વામીશ્રીને પૂછ્યું, “દયાળુ ! વર્તમાનકાળે બાપાશ્રી આ બ્રહ્માંડમાં પ્રગટ થયા અને અનંત જીવોનું કામ થઈ ગયું; નહીં ?” ત્યારે મુનિ સ્વામીશ્રીએ કહ્યું, “કામ તો એનું થયું કે, જેણે બાપાશ્રીને ઓળખ્યા.” શ્રીજીમહારાજના સંકલ્પથી બાપાશ્રી જ્યારે આ બ્રહ્માંડમાં પ્રગટ થયા ત્યારે ત્યાગી-ગૃહી અને બાઈ-ભાઈ સર્વેને લાભ મળે તે માટે બાપાશ્રી ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા અને વળી, પોતે કણબી જ્ઞાતિમાં પ્રગટ થયા હતા. અને એટલે જ સદ્‌ગુરુ આદિ સંતો કહેતા કે, “બાપાશ્રીને જે મુક્ત જાણશે તે ભક્ત થશે અને જેવા છે તેવા જાણશે તે મુક્ત થશે.”

બાપાશ્રીને યથાર્થ ઓળખનારા-જાણનારા આપણા સદ્‌. મુનિ સ્વામીશ્રી પણ જોગમાં આવનારને આ વાત સમજાવતા કે, “બાપા તો શ્રીજીમહારાજના સંકલ્પમૂર્તિ છે અને મહારાજ કે મુક્તને માથે જગતના જીવની જેમ જન્મમરણ નથી, નાત-જાત નથી અને જવું-આવવું પણ નથી. મહારાજ અને મુક્ત આપણને આપણા જેવા દેખાય છે એનું કારણ આપણો મનુષ્યભાવ, આપણી માયિક દૃષ્ટિ. મહારાજ અને મુક્ત તો સદા સાકાર, દિવ્ય તેજોમય જ છે. જેવા મહારાજ દિવ્ય અને તેજોમય છે; મુક્ત પણ એવા જ દિવ્ય અને તેજોમય છે. વળી બાપાશ્રીએ આપણને સમજાવ્યું છે કે જેમ મહારાજ અનાદિ અને સ્વતંત્ર છે તેમ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે. માટે મોટા મુક્તને વિષે ક્યારેય મનુષ્યભાવ ન પરઠવો. પાપનાં પોટલાં ન બાંધવાં. બાપાશ્રી તો ગૃહસ્થ પણ નથી અને કણબી પણ નથી. એ તો આ લોકના ભાવ છે, જે ખોટા છે.”

પોતાના જોગમાં આવનાર સૌને મુનિ સ્વામીશ્રી આ વાત સમજાવતા અને ક્યારેક પ્રસંગોપાત્ત દિવ્યભાવનો દૃઢાવ પણ સૌને કરાવતા.